You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માત્ર 26 સેકંડમાં છવાઈ ગયા 'હીરો' કન્હૈયા
- લેેખક, પ્રમિલા કૃષ્ણન
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના દક્ષિણે આવેલા કેરળ રાજ્યમાં પૂરને કારણે ભયાવહ સ્થિતિનું નિર્માણ થયું છે. પૂરની ગંભીર પરિસ્થિને જોતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટુકડીઓ પૂર પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહી કરી રહી છે.
પરંતુ આ બધાની વચ્ચે એનડીઆરએફના જાંબાઝ કર્મચારી કન્હૈયા માત્ર 26 સેકંડને કારણે ખૂબ ચર્ચામાં છે.
વાત એવી છે કે કેરળના ઇદુક્કી જિલ્લાની પેરિયાર નદીમાં પૂર આવવાને કારણે એક પિતા નદીના એક કિનારે પોતાના નવજાત બાળક સાથે મદદની આશાએ ઊભા હતા.
આ દૃશ્ય જોતાં જ એનડીઆરફેની ટુકડીના સભ્ય કન્હૈયા કુમાર તેમની તરફ દોડ્યા. તેમણે બાળકને છાતીએ વળગાડ્યું અને પુલ તરફ દોટ મૂકી. તેમની પાછળ બાળકના પિતા અને અન્ય લોકો પણ ભાગ્યા.
જોરદાર વરસાદ અને પૂરને કારણે નદી પર બંધાયેલો પુલ ધ્વસ્ત થઈ ગયો. થોડી જ ક્ષણોમાં નદીએ જાણે દરિયાનું સ્વરૂપ ધારણ કરી લીધું.
સમગ્ર ઘટનાક્રમની વચ્ચે કન્હૈયાએ નવજાત બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું. ત્યાં હાજર એનડીઆરએફના અન્ય કર્મચારીનું કહેવું હતું કે કન્હૈયાએ માત્ર 26 સેકેન્ડમાં જ બાળકને બચાવી લીધું હતું.
'દરેક વ્યક્તિ મારો પરિવાર છે'
બીબીસી સાથેની વાતચીતમાં કન્હૈયાએ જણાવ્યું કે તેઓ બિહારના છે. સ્કૂલ પૂરી થયા બાદ ગરીબીને કારણે તેમણે સરકારી નોકરીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતાપિતા અને ત્રણ ભાઈઓના પરિવારનું ગુજરાન ચલાવવા કન્હૈયા કુમારે કામ શોધવું જરૂરી હતું.
કન્હૈયા છેલ્લા છ મહિનાથી એનડીઆરએફ સાથે જોડાયેલા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
કન્હૈયા કહે છે, "મેં સરકારી નોકરી પરિવારનું ગુજરાન ચલાવવા કરી છે. મારા બે ભાઈઓ સેનામાં છે. મારા માતાપિતાને તેમનાં દીકરાઓનાં કામ પર ગર્વ છે. કેરળમાં જે લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેઓ મારા પરિવારનો ભાગ છે."
કન્હૈયા ઉમેરે છે, "અમને જાણ હતી કે અમે કેરળમાં પૂરને કારણે ફસાયેલા લોકોની મદદે જઈ રહ્યા છીએ, જ્યારે અમે અહીં આવ્યા તો, પરિસ્થિતિ ધાર્યા કરતાં વધુ ગંભીર હતી.
ઇદુક્કી જિલ્લામાં ભૂસ્ખલન વધુ થાય છે. આ નદીમાં 26 વર્ષ બાદ પૂર આવ્યું છે. અહીં જે બસ સ્ટેશન હતું તે નામશેષ થઈ ગયું છે."
પ્રકૃતિની ભવિષ્યવાણી અસંભવ
એનડીઆરએફના અન્ય એક કર્મચારી કૃપાલ સિંહે બીબીસી સાથે વાતચીત કરી.
તેમણે કહ્યું, "કુદરતી આપત્તિઓ વિશેની મોટાભાગની ભવિષ્યવાણી ખોટી સાબિત થાય છે.
"અમે લોકો દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહીએ છીએ. અમારો મંત્ર પણ એ જ છે.
"ઘણી જગ્યાઓએ મદદ પહોંચાડવી મુશ્કેલ છે. અમારા કાર્યથી લોકોમાં આશા વધી છે. તેઓ પણ અમારી મદદ કરે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો