વરસાદમાં આવતી સોડમ પાછળનું કારણ શું છે?

    • લેેખક, હેર હૅલ્ટન
    • પદ, સાયન્સ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

હાલ રાજ્યભરમાં ચોમાસું પૂરબહાર ખીલ્યું છે. વરસાદ આવે ત્યારે માટીની ખુશ્બુ ફેલાઈ જતી હોય છે. જે આપણાં મનને પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી વાતાવરણ સૂકું રહ્યું હોય અને પછી વરસાદ પડે ત્યારે આવી સોડમ આવે છે, જેની સાથે કેમિસ્ટ્રી જોડાયેલી છે.

બૅક્ટેરિયા, છોડ અને વીજળીની આ સોડમ પાછળ મહત્ત્વની ભૂમિકા રહેલી છે. આ સોડમ શુદ્ધ હવા અને ભીની માટીની હોય છે.

આ સુગંધનું રહસ્ય જાણવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો અને પર્ફ્યુમર્સ ઘણા લાંબા સમયથી કરતા હતા.

ભીની માટી

આ સોડમને પહેલી વખત 1960માં બે ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો દ્વારા નામ આપવામાં આવ્યું હતું, જ્યારે બૅક્ટેરિયાથી તૈયાર થયેલી સૂકી જમીન પર વરસાદ પડે, ત્યારે આ સુવાસ આવે છે.

જોહ્ન ઇન્નસ સેન્ટરના મૉલિક્યૂલર માઇક્રોબાયૉલૉજી વિભાગના હેડ પ્રો. માર્ક બટનર કહે છે, "જમીનમાં આ જંતુઓ મોટી સંખ્યામાં હોય છે."

"તો તમે જ્યારે એવું કહો છો કે ભીની માટીની સુવાસ આવે છે, ત્યારે તમને ચોક્કસ પ્રકારના બૅક્ટેરિયાથી તૈયાર થતા મૉલિક્યૂલની સુવાસ આવતી હોય છે."

આ મૉલિક્યૂલ સ્ટ્રેપ્ટોમાસીસમાં તૈયાર થાય છે. મોટાભાગની ફળદ્રૂપ જમીનોમાં અસ્તિત્વ ધરાવતા આ બૅક્ટેરિયાની મદદથી ઍન્ટિ-બાયૉટિક્સ બનાવાય છે.

ધરતી પર પાણીનું ટીપું પડવાથી જીઓઝ્મીન હવામાં છૂટે છે. ધોધમાર વરસાદમાં જીઓઝ્મીન મોટા પ્રણામણમાં હવામાં ભળે છે.

પ્રો. બટનર કહે છે, "આ સુગંધથી પ્રાણીઓ સંવેદનશીલ હોય છે, પણ સૌથી વધારે સંવેદનશીલ માણસો હોય છે."

ઇઝબલ બીયર અને આર જી થૉમસ, એ સંશોધકો છે કે જેમણે આ સુગંધને પહેલી વખત 'પેટ્રીકૉર' નામ આપ્યું હતું.

1960માં ઉત્તર પ્રદેશમાં 'માટીનાં અત્તર' તરીકે બજારમાં આ સુગંધવાળા અત્તરની શીશી મળતી હતી, જેના આધારે આ સંશોધકોને આ નામ પાડ્યું હતું.

પર્ફ્યુમ તરીકે હવે જીઓઝ્મીનનો મોટાપાયે ઉપયોગ થાય છે.

પર્ફ્યુમર મરીના બાર્સેલિના કહે છે, "આ બહુ પ્રભાવી પદાર્થ છે અને જ્યારે વરસાદ પડે ત્યારે એની સુવાસ કંઈ અલગ જ હોય છે."

"આ સુગંધમાં જાણે કંઈક પ્રાચીન અને મૂળભૂત તત્ત્વો હોય એવું અનુભવાય છે."

તેઓ કહે છે, "જો તમે એની તીવ્રતાને દસ લાખમાં ભાગની કરી દો તો પણ માણસ તેને ઓળખી જ શકશે."

પણ આપણો જીઓઝ્મીન સાથે વિચિત્ર સંબંધ છે. આપણને તેની સુગંધ પસંદ છે પણ તેનો સ્વાદ ઘણાંને ગમતો નથી.

તે માણસ માટે ઝેરી નથી, પણ જીઓઝ્મીનનું થોડું પ્રમાણ પણ મિનરલ વૉટર અને વાઇનથી માણસને દૂર રાખે છે.

ડેનમાર્કની આલબૉર્ગ યુનિવર્સિટીના પ્રો. જેપ્પ નૅલ્સન કહે છે, "જીઓઝ્મીન પ્રત્યેના અણગમાનું કારણ આપણને ખબર નથી."

તેઓ કહે છે, "ચોક્ક્સ સીમામાં તે માણસ માટે ઝેરી નથી, પણ અમે તેને નકારાત્મક બાબત સાથે સાંકળીએ છીએ."

પેટ્રીકૉર : સંજ્ઞા

ઇઝબલ બીયર અને આર. જી. થૉમસે 1964માં પ્રકાશિત લેખ 'નેચર ઑફ આર્ગેલેસિયસ ઑડર'માં આ સંજ્ઞાનો પહેલી વખત ઉપયોગ કર્યો હતો.

આ શબ્દ ગ્રીક શબ્દો પેટ્રોસ અને ઇકર પરથી આવ્યો છે. પેટ્રોસનો અર્થ પથ્થર થાય છે અને ઇકરનો અર્થ 'દેવતાઓની નસમાં વહેતું પ્રવાહી' એવો થાય છે.

છોડ

પ્રો. નેલ્સન કહે છે કે, સંશોધનમાં પ્રમાણે જીઓઝ્મીન ટર્પીન્સ સાથે સંકળાયેલું હોવાની શક્યતા છે. ઘણા છોડમાં ટર્પીન્સ આ સુવાસનો સ્રોત હોય છે.

ક્યૂના રોયલ બોટનિક ગાર્ડનના રિસર્ચ લીડર પ્રો.ફિલિપ સ્ટીવન્સન કહે છે કે, વરસાદ આ સુવાસ બહાર લાવી શકે છે.

તેઓ કહે છે, "છોડના સુગંધિત કેમિકલ પર્ણ વાળમાં પેદા થાય છે, વરસાદ તેને નષ્ટ કરી દે છે, જેનાથી સંમિશ્રણ મુક્ત થાય છે."

સૂકુંસટ વાતાવરણ છોડના મેટાબૉલિઝમને મંદ કરી દે છે. એવામાં વરસાદ પડવાથી તે અચાનક શરૂ થાય છે અને તેનાથી સુવાસ પ્રસરે છે.

વીજળી

આ પ્રક્રિયામાં વીજળીની પણ ભૂમિકા છે, વીજળીના ચમકારાથી વાતાવરણમાં ઑઝોનની શુદ્ધ અને તીવ્ર સુગંધ પ્રસરે છે.

યુનિવર્સિટી ઑફ મિસિસિપ્પીના પ્રો.મેરીબૅથ સ્ટોલ્ઝનબર્ગ કહે છે:

"વીજળી ઉપરાંત વરસાદથી હવાની ગુણવત્તા સુધરે છે. હવામાં રહેલાં ધૂળ, એરસૉલ અને અન્ય કણો વરસાદ સાથે વરસી જાય છે અને હવા ચોખ્ખી થઈ જાય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો