આંધ્ર પ્રદેશમાં 13 કલાકમાં 36 હજાર કરતાં વધુ વખત વીજળી પડી

આ વર્ષે દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં વીજળી પડવાની ઘટનાએ રેકોર્ડ તોડી નાખ્યો છે. અધિકારીઓની માહિતી અનુસાર મંગળવાર એટલે કે 24 એપ્રિલ 2018ના રોજ આંધ્ર પ્રદેશમાં માત્ર 13 જ કલાકમાં 36,749 વખત વીજળી પડી હતી.

રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની માહિતી અનુસાર વીજળી પડવાનો આ આંકડો ખૂબ જ ઊંચો છે.

મંગળવારના રોજ વીજળી પડવાથી એક નવ વર્ષની બાળકી સહિત કુલ 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આંધ્ર પ્રદેશમાં સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ચલાવતા કિશન સંકુ કહે છે, ''ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એક સામાન્ય બાબત છે. જોકે, આ ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે.''

''પરંતુ આંધ્રપ્રદેશના આ વિસ્તારમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા જ વીજળી પડવાની ઘટનાઓ સામે આવવા લાગી છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

આંધ્ર પ્રદેશમાં પડેલી વીજળીઓ એક અલગ રેકોર્ડ છે, કેમ કે ગત વર્ષે આખા મે મહિના દરમિયાન કુલ 30 હજાર વખત વીજળી પડી હતી.

કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વૉર્મિંગના કારણે વીજળી પડવાની ઘટનાઓમાં હજુ વધારો થશે.

આ વિસ્તારમાં કેમ પડે છે આટલી વીજળી?

કિશન સંકુના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સામાન્યપણે ચોમાસા પહેલા પણ વધારે વીજળી પડવાની ઘટનાઓ સામે આવે છે.

આ વર્ષે અરબ સાગરની ઠંડી હવા અને ઉત્તર ભારતની ગરમ હવાનું મિશ્રણ થવાથી સામાન્ય કરતા વધારે વાદળોનું નિર્માણ થઈ ગયું. અને તે જ કારણ છે કે વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થયો.

કિશન સંકુની માહિતી અનુસાર અહીં આટલી વીજળી એ માટે પડી કારણ કે વાદળ 200 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા હતા, જે સામાન્યપણે 15-16 કિલોમીટર વિસ્તારમાં રહે છે.

ભારતમાં વીજળીના કારણે દર વર્ષે કેટલા મૃત્યુ?

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોની માહિતી અનુસાર, વર્ષ 2005થી ભારતમાં વીજળી પડવાથી આશરે બે હજાર લોકોનાં મૃત્યુ થયા છે.

જૂન 2016માં વીજળી પડવાથી બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 93 લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.

અમેરિકા જેવા વિકસીત દેશની સરખામણીએ ભારતમાં વીજળી પડવાથી મૃત્યુનો આંકડો ઘણો વધારે છે. અમેરિકામાં સરેરાશ દર વર્ષે વીજળીના કારણે 27 લોકોનાં મૃત્યુ થાય છે.

ભારતમાં વીજળીના કારણે થતાં મૃત્યુ પાછળ કારણ માનવામાં આવે છે કે ભારતમાં વિશ્વાસપાત્ર વૉર્નિંગ સિસ્ટમ નથી.

બીજું કારણ એ પણ છે કે બીજા દેશો કરતા ભારતમાં લોકો ખુલ્લી જગ્યાએ વધારે કામ કરે છે. જેના કારણે તેઓ વીજળીનો શિકાર બની જાય છે.

આ તરફ કિશન સંકુ કહે છે, ''તેમણે મંગળવારે પડેલી વીજળી પહેલાં લોકોને વૉટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી ચેતવણી આપી હતી. સાથે જ ટેલિવિઝન અને રેડિયો પર લોકોને પોતાના ઘરમાં રહેવા અંગે સૂચના આપી હતી.''

આ સિવાય તેમણે મોબાઇલ ફોનના ઉપભોક્તાઓને અલગ અલગ રીતે સંદેશ પહોંચાડ્યા હતા.

તેઓ કહે છે, "અમે એ લોકોને ચેતવણી આપી શકતા નથી કે જેઓ ખેતરોમાં કામ કરે છે, કેમ કે તેઓ પોતાની સાથે મોબાઇલ રાખતા નથી."

વીજળી પડે ત્યારે કેવી રીતે સાવધાન રહેવું?

  • ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો.
  • ખુલ્લા વિસ્તારોથી દૂર રહો.
  • જો તમારી પાસે છૂપાવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો, જેમ કે નીચે બેસી જાઓ, હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છૂપાવી દો.
  • ઊંચા વૃક્ષોની નીચે ઊભા ન રહો.
  • જો તમે પાણીની અંદર છો, તો જેમ બને તેમ જલદી કિનારા પર આવો.

સ્ત્રોતઃ રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઑફ એક્સિડન્ટ્સ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો