You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આમિર ખાનની ‘સત્યમેવ જયતે’ની ચોથી સીઝનમાં મોડું કેમ થયું?
- લેેખક, સુપ્રિયા શોગલે
- પદ, મુંબઈથી બીબીસી ગુજરાતી માટે
બોલિવૂડના અભિનેતા આમિર ખાનનું નામ લોકોપયોગી કામો સાથે વારંવાર જોડાતું રહે છે. તેમની ફિલ્મો, ટીવી પ્રોગ્રામ કે સીધા લોકો સાથે કામ કરવાને લીધે આવું થતું હોય છે.
આમિર ખાન ટીવી શો 'સત્યમેવ જયતે' લઈને આવ્યા ત્યારે દેશમાં પાયાની ઘણી સમસ્યાઓ બાબતે રચનાત્મક ચર્ચા શરૂ થઈ હતી.
'સત્યમેવ જયતે'ની ચોથી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે આમિર ખાને તેમના દોસ્ત સત્યજીત ભટકલ સાથે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ગામોમાં પાણીની સમસ્યાના નિરાકરણનું કામ શરૂ કર્યું છે.
'સત્યમેવ જયતે'ની ચોથી સીઝન બાબતે આમિર ખાને બીબીસીને કહ્યું હતું, "હું અને સત્યજીત ચોથી સીઝન બાબતે વિચારતા હતા. લાંબી ચર્ચા કરી હતી."
"સત્યમેવ જયતે’ના દરેક એપિસોડ પછી અમને ઘણું પરિવર્તન જોવા મળ્યું હતું.”
“કોઈ કાર્યક્રમને કારણે પાયાથી પરિવર્તન થાય એ અમારા માટે પ્રેરણાદાયક હતું."
શું તમે આ વાંચ્યું?
"આ પરિસ્થિતિમાં અમે વિચાર્યું હતું કે જ્યાં સમસ્યા છે ત્યાં જ જઈને કામ કરવું જોઈએ. અમે પાણી અને મહારાષ્ટ્રની પસંદગી કરી હતી."
આમિર ખાનના જણાવ્યા મુજબ, 'સત્યમેવ જયતે'ની આખી ટીમે ત્રણ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ગામોમાં જઈને સંશોધન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાણીની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરવું એ સમજવાનો પ્રયાસ પણ ટીમે કર્યો હતો.
હિવારે બાજાર અને રાલેગણ સિદ્ધિ મહારાષ્ટ્રનાં એવાં ગામ છે, જ્યાં દુષ્કાળ હોવા છતાં પાણીની સમસ્યા હોતી નથી.
વોટર કપ સ્પર્ધા
આમિર ખાને આ સંબંધે 'સત્યમેવ જયતે વોટર કપ' સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
એ સ્પર્ધામાં આખું ગામ ચોમાસા પહેલાં શ્રમદાન વડે એપ્રિલ તથા મેના છ સપ્તાહ સુધી જળ પ્રબંધનનું કામ કરે છે, જેથી ચોમાસામાં પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય.
116 પૈકીના 45 ગામની પાણીની સમસ્યાનું નિરાકરણ આ પ્રયાસોને કારણે શક્ય બન્યું હતું.
ગયા વર્ષે આ સ્પર્ધામાં 1,000 ગામ જોડાયાં હતાં. વર્તમાન વર્ષે આ સ્પર્ધામાં મહારાષ્ટ્રના 75 તાલુકા જોડાયા છે, જેમાં ચારેક હજાર ગામ છે.
આમિર ખાન ઇચ્છે છે કે શહેરી લોકો પણ આ કામમાં જોડાય અને ગામડાંમાં એક દિવસનું શ્રમદાન કરે. આ સંબંધે આમિર ખાન પહેલી મેએ શહેરી લોકોને અપીલ કરવાના છે.
જ્ઞાતિવાદની સમસ્યા
આમિર ખાનના જણાવ્યા મુજબ, આ સ્પર્ધાને કારણે ગામોમાં એકતાનું નિર્માણ થઈ રહ્યું છે.
આમિર ખાને કહ્યું હતું, "જ્ઞાતિવાદ મોટી સમસ્યા છે, પણ જળ પ્રબંધનનું કામ એક-બે લોકો કરી ન શકે. એ માટે આખા ગામના પ્રયાસ જરૂરી હોય છે."
"અમારા કામમાં સૌથી મોટી મુશ્કેલી બધા લોકોને સાથે લાવવાની હતી. અમે અમારી ટ્રેનિંગમાં જણાવીએ છીએ કે આખું ગામ સાથે મળીને શ્રમદાન કરે છે ત્યારે લોકો વચ્ચે અંતર રહેતું નથી."
ગયા વર્ષે બનેલી એક ઘટનાની વાત કરતાં આમિર ખાને કહ્યું હતું, "વિષ્ણુ ભોસલે નામના એક ભાઈ ગયા વર્ષે ટ્રેનિંગ માટે આવ્યા હતા."
"તેઓ ટ્રેનિંગ લઈને તેમના ગામમાં ગયા પણ તેમને ગામલોકોનો સહકાર મળ્યો ન હતો. માત્ર બે વૃદ્ધો સાથે મળીને વિષ્ણુ ભોસલે શ્રમદાન કરી રહ્યા હતા."
"અમને આ વાતની ખબર પડી એટલે હું અને મારાં પત્ની કિરણ એક સવારે એ ગામમાં ગયાં હતાં અને તેમની સાથે શ્રમદાનમાં જોડાયાં હતાં."
આમિર ખાને ઉમેર્યું હતું, "મારું નામ સાંભળીને ગામના 20-25 લોકો પહોંચ્યા હતા, પણ કોઈ શ્રમદાનમાં જોડાયું ન હતું. પછી મેં અને કિરણે ગામના મંદિરમાં સભા યોજી હતી અને અમારી વાત મૂકી હતી."
"અમે ત્યાંથી નીકળી રહ્યાં હતાં ત્યારે મને લાગતું હતું કે ગામના લોકો વિષ્ણુ ભોસલેને સહકાર નહીં આપે. જોકે, હું ખોટો સાબિત થયો હતો. થોડા દિવસોમાં જ અનેક યુવાનો શ્રમદાનમાં જોડાયા હતા."
"આજે એક વર્ષ પછી હું વિષ્ણુ ભોસલેને મળ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગામની પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે અને તેમને બે એકર જમીનમાંથી 10 લાખ રૂપિયાની કમાણી થઈ છે."
રાજકીય પક્ષો પણ જોડાયા
આમિર ખાનને એ વાતની ખુશી છે કે અલગ-અલગ રાજકીય પક્ષો પણ આ કામમાં જોડાઈ રહ્યા છે અને પોતપોતાના સ્તરે કામ કરી રહ્યા છે.
તેમને મહારાષ્ટ્ર સરકારનો સંપૂર્ણ સહકાર પણ મળી રહ્યો છે.
આમિર ખાનનું કામ હાલ મહારાષ્ટ્રની પાણીની સમસ્યાના નિરાકરણ પૂરતું મર્યાદિત છે અને બીજાં રાજ્યોમાં તેમને પહોંચવામાં સમય લાગશે.
પાણીનું મહત્ત્વ સમજતા આમિર ખાનના ઘરમાં જળસંચયના આકરા નિયમો છે અને તેનું પાલન આમિર ખાનનો છ વર્ષનો દીકરા આઝાદે પણ કરવું પડે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો