પ્રસૂતિ માટે સાઇકલ ચલાવીને હૉસ્પિટલ પહોચ્યાં ન્યૂ ઝિલૅન્ડનાં મહિલા મંત્રી

પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા માટે ન્યૂ ઝિલૅન્ડનાં મહિલા મંત્રી ખુદ સાઇકલ ચલાવીને હૉસ્પિટલ પહોંચ્યાં હતાં.

ગ્રીન પાર્ટીનાં જૂલી જેન્ટર 42 સપ્તાહ એટલે કે 9 મહિનાથી ગર્ભવતી છે.

તેમનું કહેવું છે કે તેમણે સાઇકલમાં જવાનો નિર્ણય કર્યો કારણ કે કારમાં લોકો માટે વધારે જગ્યા ન હતી.

તેમણે પતિ સાથે પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, "રવિવારની ખૂબસૂરત સવાર"

આપને આ પણ વાંચવું ગમશે

આ વર્ષે જૂનમાં ન્યૂ ઝિલલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા ઓર્ડન વિશ્વનાં બીજા એવાં મહિલા બન્યાં હતાં જેમણે વડાં પ્રધાનના પોતાના કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપ્યો હોય.

તેમણે અને જૂલી જેન્ટરે પોતાના બાળકના જન્મ માટે ઑકલૅન્ડ શહેરની સરકારી હૉસ્પિટલને પસંદ કરી.

38 વર્ષનાં જેન્ટર નાયબ વાહનવ્યવહાર મંત્રી છે અને સાઇકલિંગ પ્રત્યેના પ્રેમને કારણે જાણીતાં છે.

જૂલી જેન્ટરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "અમને અભિનંદન આપો. મેં અને મારા પતિએ સાઇકલને પસંદ કરી કારણ કે કારમાં બધા લોકો માટે જગ્યા ન હતી. જોકે, તેનાથી હું સારા મૂડમાં રહી."

તેમનું કહેવું છે કે ઇલેક્ટ્રિકલ સાઇકલ પર તેમની સવારી ઢાળ પરથી ઊતરવા જેવી છે.

તેઓ કહે છે, "કદાચ મારે પસાર થયેલાં સપ્તાહોમાં સાઇકલ ચલાવવી જોઈતી હતી જેથી બાળકને જન્મ આપવામાં સરળતા રહે."

અમેરિકામાં જન્મેલાં જેન્ટર પોતે ગર્ભવતી છે તેની ઘોષણા ઇન્સ્ટાગ્રામ પર કરી હતી.

તેમણે લખ્યું હતું, "અમારે અમારી સાઇકલ પર એક વધારે સીટ નખાવવાની જરૂર છે."

જૂલી જેન્ટર પોતાના બાળક માટે ત્રણ મહિનાની મેટરનિટી લીવ લેવાનાં છે.

જેન્ટર હવે એ મહિલા નેતાઓમાં સામેલ થઈ ગયાં છે જે પોતાના કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપવાનાં છે.

ન્યૂ ઝિલૅન્ડમાં 1970માં પ્રથમ વખત મહિલા સાંસદે પોતાના કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો.

1983માં એક અન્ય મહિલા નેતા કામ દરમિયાન બાળકને સ્તનપાન કરાવતા સમાચારોમાં ચમક્યાં હતાં.

ઑસ્ટ્રેલિયાએ 2016માં પોતાના નિયમોમાં ફેરફાર કરીને મહિલા નેતાઓને હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પોતાના કામ દરમિયાન બાળકોને સ્તનપાન કરાવવાની મંજૂરી આપી હતી.

હાલના વર્ષોમાં યુરોપીયન યુનિયનમાં ઇટાલી અને સ્વીડનની મહિલા સભ્યો પોતાના બાળકોને ખોળામાં લઈને મતદાન કરવા માટે સમાચારોમાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો