ગુજરાત : મુખ્ય મંત્રીના હસ્તે સન્માનિત થનાર બાળકને કેમ કરવી પડી મજૂરી?

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

"હું ખેત મજૂરી કરતો હતો ત્યારે મને ખબર પણ નહોતી કે મેં દોરેલું ચિત્ર પાઠ્યપુસ્તકના કવર તરીકે પ્રકાશિત થયું છે."

આ શબ્દો છે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના એક ગામમાં રહેતા 12 વર્ષના કાંતિ રાઠવાના.

આ એ જ કિશોર છે જેને પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેનના હસ્તે ઇનામ મળ્યું હતું.

સ્વચ્છ ભારત અંગેની એક ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવતા ખુદ મુખ્ય મંત્રીએ તેનું સ્વાગત કર્યું હતું.

જોકે, ત્યારબાદ કોઈને પણ ખબર ન હતી કે ક્યારે તેની પીંછી છૂટી ગઈ અને કોદાળી લઈને ખેતરમાં મજૂરી કરવાનો વારો આવ્યો.

હાલ આ કાંતિ રાઠવાનું ચિત્ર પાઠ્યપુસ્તકમાં છપાયું છે અને તેને મજૂરી કરવાની નોબત આવી છે.

જ્યારે આનંદીબહેને કર્યું સન્માન...

છોટા ઉદેપુર જિલ્લાના કાછેલ ગામના કાંતિ રાઠવા 2015માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા.

એ વખતે રાજ્યમાં 'સ્વચ્છ ભારત અભિયાન' પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં કાંતિ એ દોરેલું ચિત્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ચિત્ર સ્પર્ધામાં કાંતિએ કચરો વાળી રહેલા ગાંધીજીનું ચિત્ર દોર્યું હતું.

જે બાદ તત્કાલિક મુખ્ય મંત્રી આનંદીબહેનના હસ્તે ગાંધીનગર બોલાવીને તેમને પુરસ્કાર સ્વરૂપે 2 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

જોકે, આ સન્માન બાદ કાંતિનું શું થયું તેની કોઈને જાણી ન હતી. તેના હાથમાંથી રંગ, પીંછી અને પુસ્તકો જતાં રહ્યાં.

આર્થિક સ્થિતિએ ભણતર છોડાવ્યું

અભ્યાસથી મજૂરી સુધીની કહાણી

કાંતિના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેના માતાપિતા હાલમાંપણ સુરેન્દ્રનગરમાં મજૂરી કરી રહ્યાં છે.

ઇનામ મળ્યા બાદ કાંતિએ બે વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. પાંચમાં ધોરણ બાદ તેમને અભ્યાસ છોડવાની નોબત આવી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કાંતિ કહે છે, "મારા માતાપિતા સુરેન્દ્રનગરમાં મજૂરી કરે છે, મારા બે નાના ભાઈઓ અને બે બહેનો છે. તેઓ પણ માતાપિતા સાથે મજૂરી કરે છે."

"એ લોકો મજૂરીમાંથી એટલું કમાઈ શકતા નથી કે અમારું ઘર પણ ચાલે અને મને ભણાવવાનો ખર્ચ પણ ઉઠાવી શકાય."

તેણે કહ્યું, "મારા ભાઈ-બહેન મજૂરી કરે અને હું અહીં ભણું તે કેવી રીતે થાય? કંગાળ આર્થિક સ્થિતિને કારણે મારે ભણવાનું છોડવું પડ્યું અને હું છોડા ઉદેપુરથી સુરેન્દ્રનગર મજૂરી કરવા જતો રહ્યો."

પાઠ્યપુસ્તકમાં ચિત્ર પ્રકાશિત થયું પણ ખબર નહોતી

એનસીઈઆરટીના નવા પાઠ્યપુસ્તકો તાજેતરમાં પ્રકાશિત થયા. ત્રીજા ધોરણનાં પર્યાવરણના પાઠ્યપુસ્તકનાં કવરમાં કાંતિનું ચિત્ર છપાયું હતું.

જ્યારે આ ચિત્ર સાથેનું પાઠ્યપુસ્તક પ્રકાશિત થયું ત્યારે કાંતિ ભણવાનું છોડી ચૂક્યા હતા અને સુરેન્દ્રનગરમાં પોતાના માતાપિતા સાથે ખેતરમાં મજૂરી કરતા હતા.

કાંતિ કહે છે, "પાઠ્યપુસ્તકમાં મારું ચિત્ર છપાયું એની મને ખબર નહોતી."

"મારા નાનીનું મૃત્યુ થયું ત્યારે હું છોટા ઉદેપુર પરત આવ્યો હતો. ત્યારે મારા શિક્ષકે કહ્યું કે તારું ચિત્ર પુસ્તકમાં આવ્યું છે."

છોટા ઉદેપુરની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ રાઠવા કહે છે, "મને જ્યારે કાંતિના મામા પાસે આ આખી ઘટનાની જાણ થઈ. ત્યારે થયું કે આ તે કેવી સ્થિતિ કે જેમાં કાંતિનું ચિત્ર પ્રકાશિત થયું એની એને જ ખબર નથી."

"બીજી બાજુ કાંતિને પુરસ્કૃત કરનારા લોકોને પણ એ ખ્યાલ નથી કે આર્થિક કટોકટીએ તેની પાસેથી ભણવાનો અધિકાર છીનવી લીધો છે."

ચિત્ર છપાતાં લોકો મદદે આવ્યા

કાંતિની આ સ્થિતિ વિશે ગામના લોકોને જાણ થઈ ત્યારે લોકોએ વિચાર્યું કે કાંતિને ભણવામાં મદદ કરવી જોઈએ.

વિનોદ રાઠવા કહે છે, "સરકાર તરફથી કાંતિને ભણાવવા માટે કોઈ સહાયતા આજ દિન સુધી મળી નથી."

ગુજરાત રાજ્યના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) પી. સી. ઠાકુરને કાંતિની કહાણી વિશે ખબર પડી.

ઘટનાની જાણ થતા ઠાકુરે કાંતિને મદદ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

પી. સી. ઠાકુર કહે છે, "મને આ વિશે ખબર પડી ત્યારે હું કાંતિના પરિવારને મળવા માટે તેના ગામ ગયો હતો.

"કાંતિને અને તેના માતાપિતાને મળ્યો અને તે આગળ અભ્યાસ કરી શકે એ માટે અન્ય લોકો સાથે મળીને પ્રયાસ કર્યા."

હવે શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ રાઠવાએ કાંતિને દત્તક લઈ લીધો છે.

પી. સી. ઠાકુર અને વિનોદ રાઠવાના તથા ગ્રામજનોના પ્રયાસોથી કાંતિએ હવે પોતાનો અભ્યાસ ફરી વખત શરૂ કર્યો છે.

હાલ તે છોટા ઉદેપુર પાસે જ પુનિયાવંટ સ્થિત 'એકલવ્ય' સ્કૂલમાં તે ભણી અભ્યાસ કરે છે.

કાંતિનું ચિત્રકાર બનવાનું સ્વપ્ન

કાંતિ પોતાનો અભ્યાસ ફરી શરૂ કરીને ઘણો ખુશ છે અને તે કળા ક્ષેત્રે આગળ વધવા માગે છે.

કાંતિ કહે છે, "હું ચિત્રકાર બનવા માગું છું. ચિત્રો થકી અમારા સમાજની સ્થિતિ લોકો સુધી લઈ જવાની મારી ઇચ્છા છે."

"જો હું એવું કરી શકીશ તો મારા પરિવાર અને અમારા સમાજ માટે એ સારી બાબત હશે."

સુરેન્દ્રનગરના ધાનાવાળા ગામથી ફોન પર કાંતિના પિતા જેન્દુભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેઓ કહે છે, "કાંતિએ ભણવાનું ફરી શરૂ કર્યું એથી અમે ખુશ છીએ પણ દુઃખ છે કે તેના ભાઈ-બહેન તેની જેમ ભણી શકતા નથી."

'...તો સમાજ અનેક કલાકારો ગુમાવશે'

કાંતિની કહાણી તેના ચિત્રના કારણે લોકો સામે આવી અને તેનો અધૂરો અભ્યાસ ફરી શરૂ થઈ શક્યો.

જોકે, કાંતિના નાના ભાઈ-બહેન તેમના માતાપિતા સાથે સુરેન્દ્રનગરમાં છે અને મજૂરી કરી રહ્યાં છે.

ગામડાંમાં અને પછાત વિસ્તારોમાં આજે પણ અનેક બાળકો અધવચ્ચે પોતાનું શિક્ષણ છોડી રહ્યા છે.

કાંતિની માફક અનેક બાળકો પાસેથી વર્ષે આર્થિક સ્થિતિના કારણે ભણવાની તક છીનવાઈ જાય છે. કોઈને ખબર પણ પડતી નથી.

વિનોદ રાઠવા કહે છે, "કાંતિ ફરી ભણી શક્યો એટલે કદાચ હવે તે ચિત્રકાર કે કલાકાર બનશે.

"જોકે, અહીં માંડ 20 ટકા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને કૉલેજ સુધી પહોંચે છે."

"અધવચ્ચે ભણવાનું છોડતા વિદ્યાર્થીઓને જો કોઈ રીતે અટકાવી નહીં શકીએ તો સમાજ ભવિષ્યના અનેક કલાકારો ગુમાવી દેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો