'ગામમાં બે ટંકનું ભોજન ના મળતું હોય ત્યાં પોષણ ક્યાંથી મેળવવું?'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં પાંચ વર્ષ સુધીનાં 80 ટકા બાળકો ઍનિમિક હોવાનું નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વેમાં જાણવા મળ્યું છે.

આ ઉપરાંત રાજ્યમાં પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં કુપોષણનો દર પણ વધ્યો હોવાનું વર્ષ 2019-2020ના આ સર્વે જણાવાયું છે.

આ સર્વેમાં જણાવાયું છે કે ગુજરાતમાં છ માસથી પાંચ વર્ષ સુધીનાં બાળકોના જૂથમાં 80 બાળકો ઍનિમિક છે.

આ આંકડા રાજ્યમાં ચિંતાજનક રીતે વધેલા કુપોષિત બાળકોનું પ્રમાણ દર્શાવે છે.

ગર્ભાવસ્થા અને બાળજન્મના એક વર્ષ દરમિયાન નબળી પોષણવ્યવસ્થા આ પરિસ્થિતિ માટે કારણભૂત હોવાનું પણ સર્વેમાં જણાવાયું છે.

કુપોષણને કારણે બાળકોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી.

આઈઆઈટી-બૉમ્બેમાં સેન્ટર ફૉર ટેકનૉલૉજી અલ્ટરનેટિવ્ઝ ફૉર રુરલ ઍરિયાઝ્ (સીટીએઆરએ)નાં ઍડજન્ક્ટ ઍસોસિએટેડ પ્રોફેસર ડૉ. રુપલ દેસાઈ 'અમદાવાદ મિરર' જણાવે છે,

"ગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પોષણનો અભાવ, વિકાસની નબળી દેખરેખ, પુરક ભોજનની અયોગ્ય ઓળખ બાળકોમાં કૃપોષણના કારક બને છે."

અપૂરતી વૈક્લપિક પોષણવ્યવસ્થા બાળકોનાં કુષોષિત વિકાસમાં ઉમેરો કરે છે.

સાડા ત્રણ વર્ષ પહેલાં બીબીસી ગુજરાતીએ #BBCGujaratOnWheels અભિયાન અંતર્ગત બીબીસી ગુજરાતીની ટીમે ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદનાં અંતરીયાળ ગામડાંની મુલાકાત લીધી હતી.

એ મુલાકાત દરમિયાન જે પરિસ્થિતિ જોવા મળી હતી એમાં હજુ પણ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.

જ્યારે બીબીસી ગુજરાતા અંતરિયાળ ગામ પહોંચ્યું

#BBCGujaratOnWheelsનાં રાઇડર્સ અને બીબીસી ગુજરાતીની ટીમે ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદનાં અંતરીયાળ ગામડાંની મુલાકાત લીધી હતી.

અમારી ટીમનો છેલ્લો પડાવ દાહોદ જિલ્લો હતો. અહીં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ મોટો પ્રશ્ન છે.

દાહોદનાં અનેક ગામોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ એક ગામની બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી.

એ ગામ એટલે દેવગઢ બારીયા તાલુકાનું ખાંડણીયા ગામ.

ચિંતાજનક આંકડા

1530 લોકોની વસતી ધરાવતાં આ ગામમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે.

ઉંમરની સરખામણીએ 78 ટકા બાળકોની ઊંચાઈ ઓછી છે, જ્યારે 44 ટકા બાળકોનું વજન ઊંચાઈ અનુસાર નથી.

અહીંના 44.2 ટકા બાળકો સરેરાશ કરતા ઓછું વજન ધરાવે છે.

'દેવગઢ મહિલા સંગઠન' સાથે જોડાયેલાં વિકાસબહેન કહે છે, 'ગામમાં બે ટંકનું ભોજન ના મળતું હોય ત્યાં પોષણ ક્યાંથી મેળવવું?'

'નાનાં બાળકોને ઘરે મૂકી માને મજૂરી કરવા જવું પડે છે, જેને કારણે માતા અને બાળક બન્ને કુપોષિત રહી જાય છે.'

ગામની સ્થિતિ

ખાંડણીયા ગામ અત્યંત ગરીબીમાં જીવી રહ્યું છે. ગામમાં પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી.

ગામના પ્રૌઢ મહિલા રેશમબહેન કહે છે, 'મારું આખું જીવન પૂરું થઈ ગયું, પણ હજુ સુધી મારા ઘરની માથે છાપરું નથી લગાવી શકાયું.'

અન્ય એક મહિલા જણાવે છે, "પહેલી ડિલિવરી વખતે મને 2000ની સરકારી સહાયમાંથી 500 રૂપિયા માંડ મળ્યા હતા.

આ વખતે અધિકારીઓ ફોર્મ ભરવાના 600 રૂપિયા માંગે છે. બે ટંક ખાવાનાં સાંસા છે. એમને પૈસા ક્યાંથી આપવા?"

આશાનું કિરણ

આ અંતરિયાળ ગામમાં મહિલાઓનાં સશક્તિકકરણ માટે 'આનંદી' નામની સંસ્થા કામ કરે છે.

સંસ્થા ગામની મહિલાઓને સંગઠિત કરી એમના અધિકાર માટે લડત ચલાવે છે. મુખ્યત્વે સંસ્થાનું કામ કુપોષણ સામે લડવાનું છે.

સંગઠનના પ્રોજેક્ટ મેનેજર અરુંધતી માત્ર 27 વર્ષનાં છે. અમેરિકાનું જીવન અને પત્રકારત્વની નોકરી છોડી તેઓ અહીં લોકો વચ્ચે કામ કરવા માટે આવ્યાં છે.

દુનિયા ફર્યા બાદ અહીં કામ કરવાના નિર્ણય અંગે વાત કરતા અરુંધતી કહે છે, 'મને અહીંનાં લોકોનો બહુ પ્રેમ મળ્યો છે. હું બહુ સ્વાર્થી છું. આ પ્રેમને છોડી શકું એમ નથી.'

સંસ્થાના કો-ડિરેક્ટર જીવિકા જણાવે છે, 'અહીં જાગૃતિનો અભાવ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓને અહીં લાગુ કરાવવા માટે કામ કરવાની જરૂર છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો