You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC ISWOTY: પારુલ પરમાર વર્લ્ડ પૅરાબેડમિન્ટન ક્વીન કેવી રીતે બન્યાં?
ઉંમર અને શારીરિક વિષમતાઓને પાર કરીને ભારતનાં પારુલ દલસુખભાઈ પરમાર પૅરાબેડમિન્ટનના વર્લ્ડ સર્વિસ એસએલ3 (વુમન્સ સિંગલ સ્ટેન્ડિંગ) કૅટેગરીમાં છેલ્લા એક દાયકાથી પ્રથમ ક્રમાંકે છે. તેઓ આ રમતમાં એક રીતે પ્રભુત્વ ધરાવે છે.
બીજા વ્યવસાયમાં કામ કરતાં લોકોની સરખામણીમાં ખેલાડીઓ વહેલા નિવૃત્ત થઈ જતાં હોય છે. એવા ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓ છે, જેઓ 40 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ પણ મેદાનમાં ઍક્ટિવ હોય છે.
આ સ્થિતિમાં પારુલ દલસુખભાઈ પરમાર કોઈ સુપરવુમનથી કમ નથી.
47 વર્ષની ઉંમરમાં પણ તેઓ પૅરાબેડમિન્ટનના વર્લ્ડ સર્વિસ એસએલ3 (વુમન્સ સિંગલ સ્ટેન્ડિંગ) કૅટેગરીમાં પ્રથમ સ્થાને છે.
આ રમતમાં તેમના પ્રભુત્વનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બીજા ક્રમાંકનાં ખેલાડી માનસી ગિરીશચંદ્ર જોષીથી તેઓ 1000 પૉઇન્ટ આગળ છે.
વિશ્વ રેન્કિંગમાં 3210 પૉઇન્ટ સાથે પારુલ પરમાર પ્રથમ સ્થાને છે, જ્યારે માનસી જોષી 2370 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.
મેદાનમાં અદભુત રમત કૌશલ્ય બતાવવાના કારણે પારુલ પરમારને 2009માં અર્જુન ઍવૉર્ડ એનાયત કરવાં આવ્યો હતો. ત્યારથી તેઓ પોતાની ઝળહળતી કારર્કિદીમાં સતત નવાં સોપાન સર કરતાં આવ્યાં છે.
પડકારોને અવસરમાં ફેરવ્યા
ગુજરાતના ગાંધીનગરથી આવતાં પારુલ પરમારને નાનપણમાં પોલિયોની બીમારી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના જીવનમાં બીજો વ્રજાઘાત ત્યારે થયો જ્યારે ત્રણ વર્ષની ઉંમરે તેઓ ઝુલામાંથી પડી ગયા.
આ ઘટનાના કારણે તેમના કૉલર બૉનમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના ડાબા પગમાં ફ્રૅક્ચર થયું હતું.
તેમને સાજા થવામાં ઘણો સમય લાગ્યો. પારુલના પિતા બેડમિન્ટન ખેલાડી હતા અને રમવા માટે તેઓ સ્થાનિક જિમખાનામાં જતા હતા.
ડૉક્ટરોએ પારુલને જણાવ્યું કે તેઓ કંઈક કસરત કરે અને એટલા તેઓ પિતાને રમતા જોવા માટે જિમખાનામાં જતાં.
બાદમાં તેઓ પાડોશનાં બાળકો સાથે રમવાં લાગ્યાં. શરૂઆતમાં તેઓ માત્ર બેસી રહેતાં અને બીજાં બાળકોને રમતાં જોતાં. ધીમેધીમે તેઓ પણ રમવા લાગ્યાં.
એ સમય હતો જ્યારે તેમને બેડમિન્ટનમાં રસ જાગ્યો. સ્થાનિક કોચ સુરેન્દ્ર પારેખે પારુલની અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને તેમણે પારુલને વધુ પ્રૅક્ટિસ કરવાની સલાહ આપી.
મજબૂત પીઠબળ
પારુલ કહે છે કે તેમનાં માતા-પિતા અને ભાઈ-બહેનોએ તેમની સફળતા માટે ઘણો ત્યાગ કર્યો છે.
તેમનાં ભાઈ-બહેનો પોતાની જરૂરિયાતને બાજુએ મૂકી કાયમ પારુલના તૂટેલા રૅકેટને બદલી આપવા પર ભાર મૂકતાં હતાં.
પરિવારનો એક જ હેતુ હતો કે પારુલને બેડમિન્ટન શીખવા માટે જે પણ જોઈએ તે આપવું.
તેઓ કહે છે કે બેડમિન્ટન ખેલાડી તરીકે તેમને ક્યારે પણ અહેસાસ થયો નથી કે તેઓ દિવ્યાંગ છે અથવા કોઈ વાતે કમ છે.
એક વખત શાળામાં શિક્ષકે પારુલને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે. ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહોતો.
પારુલે આ પ્રશ્ન પિતાને કર્યો અને એક પણ પળનો વિલંબ કર્યા વગર પિતાએ જવાબ આપ્યો એક સારા બેડમિન્ટન ખેલાડી.
સમય જતાં પારુલ પોતાની અને પિતાની અપેક્ષાઓ કરતાં ઘણા સારાં બેડમિન્ટન ખેલાડી બન્યાં.
પારુલ શરૂઆતમાં પ્રોફેશનલ લેવલ પૅરાબેડમિન્ટન ખેલાડી વિશે અજાણ હતાં. એક મજબૂત પીઠબળ મળવા બદલ તેઓ પોતાને ભાગ્યશાળી માને છે.
માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ સાથે રમતાં ખેલાડીઓ અને બીજા લોકો પણ પારુલને નાણાકીય મદદ કરતા હતા, જેથી તેઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રવાસ કરી શકે.
જોકે પારુલ કહે છે કે બીજા દિવ્યાંગ લોકોને પરિવાર અને સમાજ તરફથી આ પ્રકારનું પીઠબળ નથી મળતું.
સફળતા
2007માં પારુલ પરમારે સિંગલ્સ અને ડબલ્સ પૅરા વર્લ્ડ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 2015 અને 2017માં પણ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે જીત મેળવી.
વર્ષ 2014 અને 2018માં યોજાયેલી એશિયન પૅરા ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
હાલમાં પારુલ ટોક્યો પૅરાઑલિમ્પિક માટે તૈયારી કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે 2009માં રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલના હસ્તે અર્જુન ઍવૉર્ડ મેળવવો એ તેમના જીવનની સૌથી મોટી અને યાદગાર ક્ષણ છે.
તેઓ જણાવે છે કે તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેઓ એક દિવસ આ મુકામ પર પહોંચી જશે.
(આ પ્રોફાઇલ બીબીસી દ્વારા પારુલ પરમારને મોકલવામાં આવેલા સવાલોના આધારે તૈયાર કરવામાં આવી છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો