પૂજા ગેહલોત : એ વૉલીબૉલ ખેલાડી જે કુસ્તીબાજ બન્યાં

કુસ્તીમાં નેશનલ અને એશિયન જુનિયર ચૅમ્પિયન રહી ચૂકેલાં હરિયાણાનાં પૂજા ગેહલોત રાજ્યની કુસ્તી પરંપરાને આંતરાષ્ટ્રીયસ્તરે લઈ જઈ રહ્યાં છે.

નાનપણથી પૂજા ગેહલોત રમતમાં રુચિ ધરાવતાં હતાં. કાકા ધર્મવીર સિંહ સાથે અખાડા જવાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર છ વર્ષનાં હતાં.

ધર્મવીર સિંહ કુસ્તીબાજ છે. પૂજાને પણ કુસ્તીમાં રસ પડ્યો પણ પિતા વિજેન્દર સિંહને પંસદ નહોતું કે તેમની દીકરી કુસ્તીબાજ બને.

તેમના પિતાએ કુસ્તી છોડીને બીજી રમત પર હાથ અજમાવવા માટે જણાવ્યું. વૉલીબૉલ એ પૂજાની બીજી પસંદ હતી અને એક વૉલીબૉલ ખેલાડી તરીકે તેઓ જુનિયર નેશનલ લેવલ સુધી રમ્યાં છે.

પરંતુ તેમના જીવનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે તેમણે હરિયાણાનાં ગીતા ફોગાટ અને બબીતાકુમારી ફોગાટને 2010માં નવી દિલ્હી ખાતે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવતાં જોયાં.

પૂજાએ નક્કી કરી લીધું કે તેમણે પણ ફોગાટ બહેનોનાં પદચિન્હો પર ચાલવું છે.

જોકે તેમના પિતા આ વાતથી ખુશ નહોતા. તેમણે પૂજાને જણાવ્યું કે તેઓ તેને કુસ્તી કરતાં નહીં અટકાવે પણ તે માટે પોતાની રીતે વ્યવસ્થા કરવી પડશે.

પિતાના મનમાં હતું કે કુસ્તી માટેની દીકરીની ઘેલછા લાંબી નહીં ટકે.

સંઘર્ષ સાથે શરૂઆત

પૂજા ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં આવેલા નરેલા વિસ્તારમાં પરિવાર સાથે રહેતાં હતાં.

કુસ્તી શીખવા માગતા માટે આ સહેલું નહોતું, કારણ કે ત્યાં છોકરીઓ માટે કુસ્તીની કોઈ સુવિધા નહોતી.

તેઓ ટ્રેનિંગ લેવા માટે દિલ્હી આવતાં હતાં. પૂજા કહે છે કે દિલ્હી આવવા માટે તેમણે ત્રણ કલાક બસની મુસાફરી કરવી પડતી અને તે માટે તેઓ સવારે 3 વાગ્યે ઊઠી જતાં.

મુસાફરીના કારણે સારી રીતે પ્રૅક્ટિસ કરી શકતાં ન હોવાના કારણે પૂજાએ નક્કી કર્યું કે તેઓ ટ્રેનિંગ માટે દિલ્હી નહીં જાય અને ઘરની નજીક ટ્રેનિંગ લેશે, જે માત્ર છોકરાઓ માટે હતું.

પૂજા છોકરાઓ સાથે કુસ્તી કરે એ પરિવારના સભ્યો અને સંબંધીઓને પસંદ નહોતું.

જોકે કુસ્તી માટે દીકરીનું ઝનૂન જોઈને પિતા ખુશ થયા અને તેમને સારી ટ્રેનિંગ મળે એ માટે પરિવાર રોહતક આવી ગયો.

સફળતા મળવાની શરૂઆત

પરિવારનાં પીઠબળ અને આકરી મહેનત થકી પૂજાએ 2016માં રાંચીમાં યોજાયેલી 2016 જુનિયર નેશનલ વ્રેસ્લિંગ ચૅમ્પિયનશિપમાં 48 કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

2016માં ઈજાના કારણે તેઓ એક વર્ષ સુધી અખાડામાં ઊતરી શક્યાં નહોતાં.

જોકે યોગ્ય સારવાર અને પોતાની ઇચ્છાશક્તિના કારણે તેઓ રમતમાં પાછાં આવી શક્યાં.

આંતરાષ્ટ્રીયસ્તરે પ્રથમ મહત્ત્વની સફળતા 2017માં તાઇવાનમાં યોજાયેલી એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં મળી, જ્યાં તેમણે 51 કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જિત્યો.

2019માં હંગરીના પાટનગર બુડાપેસ્ટમાં યોજાયેલી અંડર-23 વર્લ્ડ વ્રેસ્લિંગ ચૅમ્પિયનશિપમાં તેમને સિલ્વર મેડલ મળ્યો.

પૂજા હવે પરિવાર સાથે હરિયાણાના સોનીપતમાં રહે છે. પાડોશીઓ અને સંબંધીઓ જેઓ પૂજાના કુસ્તી કરવાથી નારાજ હતા, તેઓ હવે તેમની સફળતા વિશે ગર્વથી વાત કરે છે.

એક સમય હતો જ્યારે પાડોશીઓ અને સંબંધીઓએ પૂજાના પિતાને સમજાવતા હતા કે તેઓ દીકરીને કુસ્તી કરતાં અટકાવે.

પૂજા કહે છે કે મહિલા ખેલાડીઓને મદદ અને પીઠબળ મળવું જોઈએ, ખાસ કરીને એ મહિલા ખેલાડીઓ, જેઓ ઓછી આવક ધરાવતાં પરિવારમાંથી આવે છે, કારણ કે સામાન્ય રીતે ગરીબ પરિવારોમાંથી આવતાં યુવાનો રમતને કારર્કિદી તરીકે પસંદ કરે છે.

તેઓ જણાવે છે કે ડાયટ અને ટ્રેનિંગનો ખર્ચ ન ભોગવી શકતા મહિલા ખેલાડીઓને સરકાર અને બીજી સંસ્થાઓએ મદદ કરવી જોઈએ, કારણ કે એ બહુ મોંઘી હોય છે.

(આ પ્રોફાઇલ બીબીસી દ્વારા પૂજા ગેહલોતને મોકલેલા સવાલોના આધારે તૈયાર કરવામાં આવી છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો