સંધ્યા રંગનાથન : પડકારોને કિક કરીને ફૂટબૉલર બનવાની કહાણી

રમતગમત એ માત્ર મનોરંજનનો સ્રોત જ નથી પરંતુ કારકિર્દી ઘડવા માટેની તક અને સ્વ-અભિવ્યક્તિનું માધ્યમ પણ બની શકે છે.

સામાન્ય બાળક જેવા ઉછેરથી વંચિત રહેલાં તામિલનાડુના સંધ્યા રંગનાથનને નાની ઉંમરથી સરકારી હૉસ્ટેલમાં રહેવાની ફરજ પડી હતી.

જોકે તેમને ફૂટબૉલમાં પોતાનો પરિવાર મળ્યો અને આ રમતમાં તેમણે દેશ માટે અનેક સિદ્ધિઓ હાંસલ કરી.

ફૂટબૉલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની શરૂઆત

20 મે 1998ના રોજ તામિલનાડુના કુડલ્લોર જિલ્લામાં સંધ્યાનો જન્મ થયો હતો. નાની વયે તેમનાં માતાપિતાના અલગ થયાં, એ બાદ તેમને સરકારી હૉસ્ટેલમાં રહેવાની ફરજ પડી હતી. કારણકે તેમના પિતા જતા રહ્યા હતા અને તેમનાં માતા પાસે તેમનું પાલનપોષણ કરવા માટે પૂરતાં સંસાધનોની અછત હતી.

હૉસ્ટેલમાં તેઓ ફૂટહૉલ રમતા તેમના સિનિયરોથી પ્રભાવિત થયાં હતાં. આ સિનિયરો ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અલગ-અલગ સ્થળે જઈ શકતા હતા.

રંગનાથન તેમનું અનુકરણ કરીને જુદાં-જુદાં સ્થળોની મુલાકાત લેવા માગતાં હતાં. આ ઇચ્છાના કારણે તેઓ છઠ્ઠા ધોરણમાં હતાં, ત્યારે જ તેમને ફૂટબૉલની રમતમાં રસ જાગૃત થયો.

શરૂઆત કપરી હતી અને સંસાધનોની અછત હતી. કુડલ્લોરમાં ફૂટબૉલની પ્રૅક્ટિસ કરવા માટે ઘાસનું મેદાન નહોતું.

મેદાનની આ મુશ્કેલીની ભરપાઈ રંગનાથન અને તેમની રમતને ખીલવાની તક પૂરી પાડનાર વિનમ્ર કોચથી થઈ ગઈ. તેનો અર્થ એ નહોતો કે તેમને એક સામાન્ય બાળકની જેમ ઉછેર અને પોતાનાં માતાપિતાનો સાથ ગુમાવ્યાનો અહેસાસ નહોતો.

તેમનાં માતા તેમને અમુક વખત હૉસ્ટેલમાં મળવા આવતાં હતાં. આ મુલાકાત સામાન્ય માતા-પુત્રીના સંબંધની ભરપાઈ ક્યાંથી કરી શકે?

રંગનાથનને જીવનના સામાન્ય આનંદો ગુમાવ્યાનો ઘણી વાર અહેસાસ થતો. ફૂટબૉલ પછીથી બાકી રહેતો તમામ સમય તેઓ ભણવામાં ગાળતાં હતાં.

ફૂટબૉલની સાથે તેમણે થિરુવલ્લુર યુનિવર્સિટીથી કૉમર્સ વિષય સાથે અનુસ્તાનક કક્ષા સુધી અભ્યાસ કર્યો. હાલ તેઓ કુડલ્લોરની સેઇન્ટ જોસેફ્સ કૉલેજમાંથી સમાજકાર્યમાં અનુસ્તાક કક્ષાનો અભ્યાસ કરી રહ્યાં છે.

ધ્યેય તરફ આગેકૂચ

પોતાના પરિવારથી અલગ રહેવાના અહેસાસ અને એક સામાન્ય બાળક જેવું બાળપણ ગુમાવ્યાના અહેસાસ છતાં રંગનાથન માટે હૉસ્ટેલનું જીવન વરદાનરૂપ હતું. તેઓ કોઈ પણ જાતના અવરોધ વગર રમી શકતાં હતાં. તેઓ કહે છે કે તેમનાં માતાએ તેમને ક્યારેય પોતાના ઝનૂનને અનુસરતાં રોક્યાં નથી.

થિરુવલ્લુર યુનિવર્સિટીના એસ. મરિઅપ્પન જેવા કોચે અને કુડલ્લોર ખાતેની ઇંદિરા ગાંધી ઍકેડમી ફૉર સ્પૉર્ટ્સ ઍન્ડ એજ્યુકેશને ફૂટબૉલની રમતમાં એક ઍટેકિંગ ફોરવર્ડ પ્લેયર તરીકેની કારકિર્દી ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

તેમના ફોકસ અને કોચના માર્ગદર્શન સાથે ફૂટબૉલ ફિલ્ડ પર હાજર લોકોનું ધ્યાન ખેંચવાનું તેમણે શરૂ કર્યું.

જ્યારે વર્ષ 2019માં તેમને ઇન્ડિયન વીમેન્સ લીગ(IWL)ની ત્રીજી સિઝનમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે નવાજવામાં આવ્યાં, તે ઘડી તેમની કારકિર્દીમાં મહત્ત્વની ગણી શકાય તેવી ઘડીઓ પૈકી એક છે. સારું પ્રદર્શન અને તેને તાત્કાલિક બિરદાવવામાં આવતાં આ યંગ ફૂટબૉલરના આત્મવિશ્વાસમાં ગજબ વધારો કર્યો.

રંગનાથને નેપાળના કાઠમાંડુમાં આયોજિત SAFF વિમેન્સ ચૅમ્પિનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

ભારત ન માત્ર આ ટુર્નામેન્ટ જીત્યું પરંતુ કુડલ્લોરનાં આ યંગ ફૂટબૉલર ભારત માટે સર્વાધિક ગોલ કરનાર પૈકી એક ખેલાડી બન્યાં.

નેપાળના પોખરામાં 13મી સાઉથ એશિયન ગેઇમ્સમાં તેઓ બે વખત ગોલ કરવામાં કામયાબ રહ્યાં અને ભારતે ટાઇટલ જીત્યું.

વર્ષ 2019માં સફળતાનો સ્વાદ ચાખ્યાં બાદ તેમના માટે વર્ષ 2020ની શરૂઆત પણ સારી રહી, જ્યારે તેઓ IWLની ચોથી સિઝનમાં બીજાં સૌથી વધુ ગોલ કરનાર તરીકે ઊભરી આવ્યાં હતાં.

રંગનાથન માને છે કે નાણાકીય સુરક્ષા એ મહિલા રમતવીર માટે એક મહત્ત્વપૂર્ણ પાસું છે.

તેઓ કહે છે કે રોજીરોટી માટે રળવાની ચિંતા મહિલા રમતવીરને ફૂલ-ટાઇમ પોતાની રમત પર ધ્યાન આપતા રોકતું સૌથી મોટું પરિબળ છે.

તેઓ આગળ કહે છે કે તેથી એક મહિલા રમતવીર રમતને પોતાની કારકિર્દી બનાવે અને તેમાં સફળ થાય તે માટે તેમને જાહેર કે ખાનગી ક્ષેત્રમાં કાયમી રોજગાર મળે એ જરૂરી છે.

(આ પ્રોફાઇલ સંધ્યા રંગનાથને બીબીસીને ઈ-મેઇલથી મોકલેલા વાબના આધારે લખાઈ છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો