You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શૈલી સિંહ : લૉંગ જમ્પ મારી 'હવામાં તરતી' ભારતીય ઍથ્લીટ
ઇન્ડિયન લૉંગ જમ્પર શૈલી સિંહનો વિશ્વના ટૉપ 20 અન્ડર-18 શ્રેણીના ખેલાડીઓમાં સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશનાં 17 વર્ષીય શૈલી સિંહ ભારતના અનુભવી જમ્પર અંજુ બોબી જ્યૉર્જ અને તેમના પતિ કોચ રૉબર્ટ બોબી જ્યૉર્જ હેઠળ તાલીમ લઈ રહ્યાં છે.
છ મીટરથી વધુનો કુદકો લગાવનારાં સિંહ જુનિયર રાષ્ટ્રીયસ્તરે રેકૉર્ડ ધરાવે છે. તેમની ઘણી વાર તેમનાં માર્ગદર્શક અંજુ સાથે તુલના કરવામાં આવે છે. અંજુ એથલેટિક્સમાં વર્લ્ડ ચૅમ્પિનશિપમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય ખેલાડી છે.
વર્ષ 2018માં જ્યારે શૈલી માત્ર 14 વર્ષના હતાં ત્યારે તેમણે રાંચી નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2018માં 5.94 મીટર કુદકો લગાવીને નેશનલ જુનિયર રેકૉર્ડ તોડ્યો હતો.
એક વર્ષ પછી તેમણે નવો રેકૉર્ડ બનાવ્યો અને આંધ્રપ્રદેશના ગુંટુરમાં 2019માં નેશનલ જુનિયર એથલેટિક્સ ચૅમ્પિયનશિપમાં 6.15 મીટરનો કૂદકો મારીને અંડર-18માં નવો રેકૉર્ડ બનાવ્યો હતો.
અન્ડર-16 અને અન્ડર-18ના વર્ગમાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવીને રમતગમતમંત્રી કિરન રિજિજુની વાહવાહી મેળવી હતી.
2020માં આઈએએએફની અંડર-20 ચૅમ્પિયનશિપમાં ક્વૉલિફાઇંગ માર્ક કરતાં તેમનો કૂદકો વધુ સારો હતો.
કારકિર્દી માટે કપરો રાહ પસંદ કર્યો
શૈલી સિંહનો જન્મ 7 જાન્યુઆરી, 2004માં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયો હતો. તેમનાં માતા વિનિતાએ તેમનો ઉછેર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્યવસાયે દરજી એવાં વિનિતાને જ્યારે તેમની પુત્રીએ કહ્યું કે તેઓ એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવા માગે છે ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું.
તેઓ એવા વિસ્તારમાં રહેતાં હતાં જ્યાં તાલીમ માટે પ્રાથમિક સુવિધા અને કોચનો અભાવ હતો, તેમ છતાં તેઓ એક મુશ્કેલભરી કારકિર્દીની પસંદગી કરી રહ્યાં હતાં.
જોકે શૈલી સિંહનાં જોશ અને ક્ષમતાને કારણે તેમનાં માતાએ પુત્રીને સહયોગ આપવાનો નિર્ણય કર્યો.
સદભાગ્યે ઊભરતા ઍથ્લીટને રૉબર્ટ બોબી જ્યૉર્જ વહેલા મળ્યા અને બોબી જ્યૉર્જ જોડીએ તેમને તાલીમ હેઠળ લેવાનું નક્કી કર્યું.
અંતે 14 વર્ષની વયે તેઓ અંજુ બોબી સ્પૉર્ટ્સ ફાઉન્ડેશનમાં તાલીમ લેવા માટે બેંગાલુરુ ગયાં.
ભારતીય ઍથ્લેટિક્સમાં નવો અધ્યાય
સર્વોચ્ચ 20 લૉંગ જમ્પ ખેલાડીઓની યાદીમાં શૈલી સિંહનો સમાવેશ થવો એ ભારતીય ઍથ્લેટિક્સમાં નવા અધ્યાય સમાન હતું. તેમની રમતને અંજુ સાથે સરખાવવામાં આવી.
અંજુના પતિ રૉબર્ટ બોબી જ્યૉર્જે એવું કહ્યું હતું કે શૈલી ભારતનું નામ રોશન કરશે. જ્યૉર્જના મતે 2024 ઑલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવનાર ખેલાડીઓમાંથી શૈલી પણ એક છે.
જ્યૉર્જ યુગલ ઉપરાંત શૈલીને અભિનવ બિંદ્રા સ્પૉર્ટ્સ સેન્ટર તરફથી પણ ઘણી મદદ મળે છે. જ્યૉર્જના મતે શૈલી સિવાયના ભારતીય ટૅલેન્ટ માટે પણ ઘણું કરવાની જરૂર છે.
દરેક મોટી સફળતા બાદ શૈલી ઝાંસીમાં રહેતાં તેમનાં માતાને ફોન કરતાં. શૈલીની ઇચ્છા છે કે તેઓ ઝાંસી અથવા લખનઉસ્થિત કોઈ મોટી રમતમાં તેમનાં માતા સામે પર્ફૉર્મન્સ આપે.
શૈલી અંતમાં ઉમેરે છે કે 'હું મારી રમતને વધુ સારી બનાવવા માટે સખત મહેનત કરીશ અને મારી માતાને વધુ ગર્વ થાય તેવું કરીશ.'
(આ અહેવાલ શૈલી સિંહે બીબીસી સાથે ઇ-મેઇલ મારફતે કરેલી વાતચીતને આધારે તૈયાર કરાયો છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો