સોનમ મલિક : એ મહિલા પહેલવાન જેમની પકડમાંથી છૂટવું મુશ્કેલ છે

યુવા ભારતીય રેસલિંગ સેન્સેશન સોનમ મલિક 2016 રિયો ઑલિમ્પકનાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને બે વખત હરાવી લાઇમલાઇટમાં આવ્યાં હતાં.

સોનમ મલિકે ભલે હજુ સુધી જાતે કોઈ ગોલ્ડ મેડલ ન જિત્યા હોય, પરંતુ તેઓ એક વખત નહીં પરંતુ બે વખત ઑલિમ્પિક મેડલ વિજેતાને હરાવી ચૂક્યાં છે.

સોનમ હજુ સુધી ઑલિમ્પિકમાં રમ્યાં નથી પરંતુ તેઓ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારાં સાક્ષી મલિક સામે જીત મેળવી ચૂક્યાં છે.

મોટા ભાગના રમતવીરો માટે જ્યારે બીજા દેશના રમતવીરોને આદર્શ માને એ વાત સામાન્ય માનવામાં આવે છે, પરંતુ સોનમ મલિકને પ્રેરણા માટે વિદેશ તરફ જોવાનો વારો નહોતો આવ્યો.

હરિયાણાનાં આ યુવતી બાળપણથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના કુસ્તીબાજોથી ઘેરાયેલાં રહ્યાં છે.

15 એપ્રિલ, 2002ના રોજ હરિયાણાના સોનિપતના મદિના ગામમાં જન્મેલાં મલિકનો ઉછેર જ રમતગમત અંગેની ચર્ચાઓને સાંભળવાની સાથોસાથ થયો હતો. જેમાં એક કુસ્તીબાજે કેવી રીતે વર્તવું અને એક સારા રમતવીર બનવા માટે કઈ ટેવો પાડવી વગેરે ચર્ચાનો સમાવેશ થતો હતો.

તેમણે કુમળી વયે ઑલિમ્પિક મેડલ જીતવાનું સપનું સેવવાનું ચાલુ કરી દીધું હતું.

સોનમ મલિકનું સ્વપ્ન

મલિકના પિતા અને ઘણા પિતરાઈઓ કુસ્તીની રમત સાથે સંકળાયેલા હતા, તેથી કદાચ તેમનું નસીબ તો પહેલાંથી જ નક્કી હતું. ઘણી નાની ઉંમરે તેમને કુસ્તીની રમત પ્રત્યે લાગણી થવા લાગી.

તેમના પિતાના એક મિત્રે ગામમાં કુસ્તી શીખવવા માટેની ઍકૅડમી શરૂ કરી. મલિક તેમના પિતા સાથે ત્યાં જવા લાગ્યાં.

શરૂઆતમાં ઍકેડમીમાં કુસ્તી કરવા માટેની મૅટ પણ નહોતી. તેમને ગ્રાઉન્ડ પર જ ટ્રેનિંગ કરવી પડતી. વરસાદની સિઝનમાં મેદાનમાં કીચડ થઈ જતો તેથી ટ્રેનિંગ કરનારા ખેલાડીઓ ફિઝિકલ ફિટનેસ જાળવવા માટે રોડ પર જતા રહેતા.

માળખાગત સુવિધાઓના અભાવ છતાં ગામની આ ઍકેડમીમાં તેમને કુસ્તીના પહેલા પાઠ શીખવા મળ્યા. મલિકના પરિવારજનો પણ તેમનો સાથ આપતા હતા.

વર્ષ 2016માં પ્રતિ ચાર વર્ષ યોજાનાર નૅશનલ ગેઇમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો, આ જીતના કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો.

આ સિદ્ધિ તેમના માટે સફળતાનું પ્રથમ પગથિયું સાબિત થઈ, જેનાથી આ યુવતીને ખ્યાલ આવ્યો કે તેઓ વધુ પ્રૅક્ટિસ કરીને વધુ મેડલ જીતી શકે છે.

વર્ષ 2017માં વર્લ્ડ કૅડેટ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે પોતાની તાકાતનો પરચો આપ્યો અને સાથે જ તેઓ આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સનો એવૉર્ડ પણ જિત્યાં.

આ જીતને કારણે તેમને ભવિષ્ય માટે સારી તકો મળવા લાગી. આ જીત બાદ તેમને સ્પોન્સરશિપ જ નહીં પરંતુ ઑલિમ્પિક ટ્રાયલ્સમાં ભાગ લેવા માટેની તક પણ મળી.

ભારતના કુસ્તીવર્તુળમાં મલિકનું નામ જાણીતું બની ગયું.

સંકટને હરાવી બહાર આવ્યાં

સમય સાથે તેઓ રેસલિંગમાં પાવરધાં બનતાં જતાં હતાં, પરંતુ વર્ષ 2017માં એક ઈજાના કારણે તેમની કારકિર્દી પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.

એથેન્સમાં વર્લ્ડ કૅડેટ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ રાજ્ય સ્તરના એક મુકાબલામાં તેમને ઈજા થઈ. ડૉક્ટરોએ કહ્યું કે તેમની નસો બ્લૉક થઈ છે.

આ ઈજામાંથી બહાર આવતાં તેમને દોઢ વર્ષનો સમય લાગ્યો. આ સમયગાળો કોઈ પણ રમતવીરની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવા માટે પૂરતો હતો.

ઈજા અને તેના કારણે પડેલ બ્રેકે તેમના ચારિત્ર્યની શક્તિ, ઝનૂન, દૃઢતા અને લવચીકતાની પરીક્ષા કરી.

તેઓ સંકટમાંથી વધુ મજબૂત બનીને બહાર આવ્યાં અને તેમણે ટ્રેનિંગ કરવાનું શરૂ કર્યું.

જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 2020માં તેમણે રિયો ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને બે વખત હરાવ્યાં તે સમયે તેઓ સમગ્ર દેશની નજરમાં આવી ગયાં.

બીજી જીતની સાથે જ તેમણે ટોક્યો ઑલિમ્પિકની ક્વૉલિફાયરમાં ભાગ લેવા માટે ક્વૉલિફાય કર્યું.

તેમને આશા હતી કે ન માત્ર તેઓ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કરશે પરંતુ મેડલ જીતીને પરત ફરશે.

પોતાના પરિવાર અને પિતાનો સંપૂર્ણ સાથ મેળવી આ મુકામે પહોંચેલા રમતવીર સોનમ મલિક કહે છે કે તમામ દીકરીઓના પરિવારોએ દીકરીઓના ધ્યેયો સિદ્ધ થઈ શકે તે માટે તેમને પૂરો સાથ આપવો જોઈએ.

(આ લેખ સોનમ મલિકને બીબીસીએ ઇમેઇલ થકી મોકલેલ પ્રશ્નોના જવાબ પર આધારિત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો