You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એસ. કલાઈવાણી : ભારતીય બૉક્સિંગનો ઊભરતો સિતારો
2019માં વિજયનગર ખાતે યોજાયેલા સિનિયર નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવીને તામિલનાડુનાં એસ. કલાઈવાણીએ ભારતના બૉક્સિંગ વર્તુળમાં ચર્ચા જગાવી દીધી હતી.
તે સમય તેઓ 18 વર્ષનાં હતાં અને ચૅમ્પિયનશિપ બાદ તેમની ભારતનાં સૌથી આશાસ્પદ બૉક્સર તરીકે ગણના થવા લાગી.
તેમની સફળતા નોંધપાત્ર અને અકલ્પનીય છે, પરંતુ ઘણી વખત જે વાત ધ્યાને નથી આવતી એ છે તેમનું બલિદાન.
કઠિન નિર્ણયો લીધા
25 નવેમ્બર, 1999ના રોજ ચેન્નાઈમાં કલાઈવાણીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જેમનો બૉક્સિંગ સાથે ગાઢ નાતો છે.
તેમના પિતા એમ. શ્રીનિવાસન યુવાનીમાં બૉક્સર હતા અને તેમના ભાઈ નેશનલ લેવલના બૉક્સર છે.
ઘરમાં જ્યારે પિતા, ભાઈને બૉક્સિંગની ટ્રેનિંગ આપતા ત્યારે કલાઈવાણી જોતાં અને ધીમે-ધીમે તેમને પણ બૉક્સિંગમાં રસ પડ્યો.
પિતાએ કલાઈવાણીને બધી રીતે સપોર્ટ કર્યો અને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી.
આ તરફ પરિવાર કલાઈવાણીની સાથે હતો, તો બીજી બાજુ શિક્ષકો અને સંબંધીઓએ તેમના માર્ગમાં અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કર્યો. કલાઈવાણીના શિક્ષકોએ તેમને બૉક્સિંગમાં સમય આપવા કરતાં અભ્યાસ પર ધ્યાન આપવા માટે જણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ રીતે અમુક સંબંધીઓએ તેમના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ કલાઈવાણીને ટ્રેનિંગ આપવાનું બંધ કરે.
સંબંધીઓએ તેમના પિતાને જણાવ્યું કે જો કલાઈવાણી બૉક્સિંગ કરશે તો તેમનાં લગ્ન પણ નહીં થાય.
આધુનિક સુવિધાનો અભાવ
સામાજિક દબાણની સાથે-સાથે કલાઈવાણીને પૂરતી ટ્રેનિંગની સુવિધા પણ મળી નહોતી, જેમ કે આધુનિક જિમ, માળખાગત સુવિધાઓ, આધુનિક કોચિંગ અને રમતવીર માટે હોવો જોઈએ એવો ખોરાક.
આ બધા પડકારોની વચ્ચે પિતાએ કલાઈવાણીને ટ્રેનિંગ આપવાનું ચાલુ રાખ્યું અને પુત્રીને તેમના ભાઈની જેમ સતત પ્રોત્સાહન આપતા રહેતા.
બૉક્સર તરીકેની સફળતા માટે કલાઈવાણી તેમના પિતા અને ભાઈને શ્રેય આપે છે.
પિતા અને પુત્રીને કઠિન પરિશ્રમનાં ફળો મળવા લાગ્યાં, જ્યારે કલાઈવાણીએ સબ-જુનિયર લેવલે મેડલો જીતવાની શરૂઆત કરી.
તેમની સફળતા બાદ શિક્ષકો અને સંબંધીઓની વિચારસરણીમાં ફેરફાર આવ્યો અને તેઓ કલાઈવાણીની પ્રતિભા અને ક્ષમતાને માન આપવા લાગ્યા.
2019માં લાઇમલાઇટમાં આવ્યાં
જ્યારે 2019માં સિનિયર નેશનલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યાં ત્યારે કલાઈવાણીની બૉક્સિંગ કારર્કિદીમાં મહત્ત્વનો વળાંક આવ્યો.
પણ તેઓ પંજાબનાં મંજુ રાની સામે મૅચ હારી ગયાં. ભારતનાં મહિલા બૉક્સિંગ લિજેન્ડ અને 6 વખતનાં વિશ્વવિજેતા મેરી કૉમના હસ્તે કલાઈવાણીને સિલ્વર મેડલ એનાયત થયો.
સફળતાએ કલાઈવાણીમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાની સાથે-સાથે તેમના માટે ઉમદા તકનાં દ્વાર પણ ખોલી નાખ્યાં.
તેમણે ઇટાલિયન કોચ રફાલી બર્ગામાસ્કો પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી.
સાથે તેમને કર્ણાટક સ્થિત જેએસડબલ્યુ ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૉર્ટ્સમાં આધુનિક ટ્રેનિંગ લેવાનો મોકો મળ્યો, જેના કારણે તેમની શક્તિ અને ટેકનિકમાં વધારો થયો.
કલાઈવાણીના જીવનમાં સૌથી યાદગાર ક્ષણ કાઠમંડુમાં આયોજિત 2019 સાઉથ એશિયન ગેમ્સમાં આવી, જ્યાં તેમણે નેપાળનાં મહારાજન લલિતાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
તેમણે 48 કિલોના મુકાબલામાં આ મેડલ મેળવ્યો હતો.
ભવિષ્યનું આયોજન
યુવા ભારતીય બૉક્સર કલાઈવાણીની તમન્નાઓ બહુ સ્પષ્ટ છે.
તેઓ પહેલા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માગે છે અને ત્યારબાદ 2024માં ઑલિમ્પિક ચૅમ્પિયન બનવાની ઇચ્છા ધરાવે છે.
હાલમાં કલાઈવાણી 48 કિલો કૅટેગરીમાં બૉક્સિંગ કરે છે અને આ કૅટેગરી ઑલિમ્પિકમાં સામેલ નથી એટલા માટે આવતાં બે વર્ષ સુધી 48 કિલો કૅટેગરીમાં બૉક્સિંગ કરવાનું તેમનું આયોજન છે અને બે વર્ષ બાદ તેઓ ઊંચી કૅટેગરીમાં જશે.
પોતાની રમતની કારર્કિદી બાદ તેઓ બૉક્સિંગ કોચ બનવા માગે છે, જેથી દેશનાં આવનારાં મહિલા બૉક્સરોની પેઢી તૈયાર કરી શકાય.
તેઓ કહે છે કે મહિલાઓ રમતમાં સારું પ્રદર્શન કરે એ માટે સમાજે પોતાની વિચારસરણી બદલવી પડશે. સમાજે મહિલા રમતવીરોને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો