You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર. વૈશાલી : શતરંજના ભલભલા પ્રતિસ્પર્ધીઓને હંફાવનારાં માહેર ખેલાડી
જ્યારે તેઓ મુંબઈમાં આયોજિત નૅશનલ વિમેન્ ચૅલેન્જર્સ ટુર્નામેન્ટ જિત્યાં ત્યારે તેઓ માત્ર 14 વર્ષનાં એક કિશોરી હતાં. મબલખ જુનિયર ટુર્નામેન્ટો જિત્યા બાદ આ જીત તેમના માટે એક મહત્વનું માઇલસ્ટોન હતી. ત્યારથી આજ સુધી તેમણે પાછાં વળીને જોવું પડ્યું નથી.
આ ટુર્નામેન્ટમાં જીત બાદ વિશ્વે તેમની નોંધ લેવા માંડી. જ્યારે તેઓ વર્ષ 2017માં એશિયન ઇન્ડિવિજ્યુઅલ બ્લિટ્સ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જિત્યાં ત્યારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.
વર્ષ 2018માં જ્યારે તેઓ ઇન્ડિય વુમન ગ્રાન્ડ માસ્ટર (WGM) બન્યાં ત્યારે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે પણ ટ્વિટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આર. વૈશાલીનું કુટુંબમાં મોટા ભાગના લોકો ચેસના ચાહકો છે. તેમના 15 વર્ષીય ભાઈ આર. પ્રજ્ઞાનંધા વિશ્વના યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટરો પૈકી એક છે.
જ્યારે 19 વર્ષીય વૈશાલી ચેસમાં વુમન ગ્રાન્ડ માસ્ટર છે. તેઓ પણ તેમના નાના ભાઈની જેમ ગ્રાન્ડ માસ્ટર બનવા માગે છે. આ બંને ભાઈ બહેનો, જેઓ ભારતની ચેસ કૅપિટલ ચેન્નઈનાં છે, તેમણે ઘણી નાની વયે ચેસ રમવાનું શરૂ કરી દીધું હતું.
વર્ષ 2012માં અંડર-11 અને અંડર-13 નૅશનલ ચેસ ચૅમ્પિયનશિપની જીત સાથે તેમણે પોતાની કારકિર્દીમાં ઉજ્જવળ શરૂઆત કરી. તેમણે કોલંબોમાં આયોજિત એશિયન અંડર-12 ટાઇટલ અને સ્લોવેનિયામાં આયોજિત અંડર-12 વર્લ્ડ યુથ ચેસ ચૅમ્પિયનશિપમાં પણ જીત મેળવી હતી.
પાયાનું ઘડતર
વૈશાલી જણાવે છે કે ચેસ સાથે સંકળાયેલી ટ્રેનિંગ અને મુસાફરીની જરૂરિયાતોને કારણે તેમણે શરૂઆતમાં આર્થિક ખેંચનો સામનો કરવો પડ્યો હતો.
તેમની ટ્રેનિંગના શરૂઆતના દિવસોમાં પાયાનું જ્ઞાન કેળવવા અને વ્યૂહરચના વિકસાવવા માટે તેમને પુસ્તકો પર આધાર રાખવો પડતો કારણ કે તેમની પાસે કૉમ્પ્યુટર નહોતું.
આ અભાવના કારણે તેઓ એડવાન્સ ચેસ સૉફ્ટવૅરો મારફતે ટ્રેનિંગ ન લઈ શક્યાં. પરંતુ જ્યારે તેઓ વર્ષ 2012માં સ્લોવેનિયામાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ જિત્યાં ત્યાર બાદ તેમને સ્પોન્સરશિપ મારફતે લેપટોપ મળ્યું, જેથી તેઓ વધુ મજબૂત પ્લેયર બની શક્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈશાલી જણાવે છે કે તેમણે અને તેમના ભાઈએ સ્પોન્સરોનું ધ્યાન આકર્ષવાનું તો શરૂ કર્યું પરંતુ તેમના માટે સફળતાનો આધારસ્તંભ તેમનાં માતાપિતા રહ્યાં છે.
તેમના પિતા તેમના માટે ટ્રેનિંગ અને આર્થિક સંશાધનોની વ્યવસ્થા કરતા જ્યારે તેમનાં માતા તેમની સાથે ઘણી ટુર્નામેન્ટોમાં જતાં.
વિશ્વના યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર એટલે કે તેમના ભાઈનો સાથ પણ તેમના માટે પરિસ્થિતિ અનુકૂળ બનવવામાં કામ લાગ્યો.
જોકે, બંને એક સાથે પ્રૅક્ટિસ નહોતાં કરતાં, તેમ છતાં તેઓ વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરવામાં એક સાથે ઘણો સમય ગાળતાં. પ્રજ્ઞાનંધા પોતાની સલાહ વડે તેમની ઘણી ટુર્નામેન્ટોમાં મદદ કરતાં હતાં.
ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઉદ્દેશ
જ્યારે તેમણે FIDE ચેસ ડોટ કૉમની વિમેન્સ સ્પીડ ચેસ ચૅમ્પિનશિપ્સમાં જૂન, 2020માં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન એંતોએનેતા સ્ટેફાનોવાને હરાવ્યાં તે તેમની કારકીર્દિનો સફળતમ સમય ગણાય છે.
વૈશાલી કહે છે કે સતત સફળતા અને પ્રશંસાને કારણે તેમને પોતાની ગેઇમ સુધારવાની પ્રેરણા મળતી રહી.
તેઓ વુમન ઇન્ટરનૅશનલ માસ્ટર (IM) ટાઇટલ માટે કમ્પીટ કરવાનો ઉદ્દેશ ધરાવે છે તેમજ તેમનો એક મોટો ઉદ્દેશ ગ્રાન્ડ માસ્ટર બનવાનો પણ છે.
વૈશાલી તો પોતાની કારકિર્દી ઘડવામાં સફળ રહ્યાં છે. પરંતુ તેઓ માને છે કે ઘણી સ્ત્રીઓ આવું નથી કરી શકતી કારણ કે તેમને પોતાની કારકિર્દીના ઘણા તબક્કે ભેદભાવનો ભોગ બનવું પડે છે.
સ્ત્રી ખેલાડીઓ દ્વારા રમતગમત ક્ષેત્રે મેળવાયેલી સિદ્ધિઓને પુરુષ ખેલાડીઓની સિદ્ધિઓની સમકક્ષ માન મળતું નથી. જે પુરુષ અને સ્ત્રીઓને મળતાં અસમાન નાણાકીય પ્રોત્સાહનો પરથી પણ જોઈ શકાય છે.
(આ પ્રોફાઇલ બીબીસી દ્વારા આર. વૈશાલીને મોકલાવેલ પ્રશ્નાવલીના તેમણે મોકલાવેલ જવાબો પરથી તૈયાર કરાઈ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો