રગ્બી ફિલ્ડની અંદર અને બહાર પડકારોનો સામનો કરતાં સુમિત્રા નાયક

2008ની એ સાલ હતી. ઓડિશામાં આઠ વર્ષની છોકરી રમતના મેદાન પાસે ઊભાં રહીને ખેલાડીઓના એક જૂથને ઈંડા આકારનો બૉલ માટે દોડાદોડી કરતાં જોઈ રહી હતી.

છોકરી નવાઈ પામી અને તેને લાગ્યું કે બૉલ ડાયનોસોરનાં ઈંડાં જેવો દેખાય છે.

એ છોકરી જેઓ રગ્બી પ્રથમ વખત જોઈ રહ્યાં હતાં, એ સુમિત્રા નાયક હતાં, જે આજે ભારતીય નેશનલ મહિલા રગ્બી ટીમના આધારસ્તંભ છે.

સુમિત્રા નાયકની જ્યારે ભુવનેશ્વરસ્થિત કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (કેઓઈએસએસ)માં શારીરિક સ્પર્શવાળા આ રમતની પસંદગી કરી ત્યારે તેઓ કુમળી વયનાં હતાં, પરંતુ કઠિન પરિસ્થિતિમાં મોટાં થયાં હોવાને કારણે તેઓ એક મજબૂત વ્યક્તિ બની ગયાં હતાં.

સંઘર્ષપૂર્ણ પ્રારંભિક જીવન

8 માર્ચ, 2008ના રોજ ઓડિશાના જાજપુર જિલ્લાના દુબુરી ગામમાં સુમિત્રા નાયકનો જન્મ થયો હતો, પરંતુ ઘરેલુ હિંસાના કારણે તેમનાં માતાને ત્રણ સંતાનો સાથે ગામ છોડવાની ફરજ પડી હતી.

સુમિત્રાના પિતાએ એક વાર આખા પરિવારને જીવતા બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર બચી ગયો હતો.

અધિરા માતા ઇચ્છતાં હતાં કે તેમનાં સંતાનો એ વાતાવરણથી દૂર રહીને મોટાં થાય. સુમિત્રાને કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (કેઓઈએસએસ)માં ધોરણ ચારમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં આદિવાસી બાળકોને શિક્ષણ અને રમત પ્રશિક્ષણ મફતમાં આપવામાં આવે છે.

સુમિત્રાનાં માતા બ્યૂટી-પાર્લર ચલાવે છે અને તેઓ રગ્બી વિશે કશું જાણ્તા નથી અને જ્યારે તેમણે પ્રથમ વાર ખેલાડીઓને એકબીજા પર પડતા જોયા તો તેઓ પરવાનગી આપવા તૈયાર ન થયાં.

પરંતુ મન બનાવી ચૂકેલાં દીકરીએ માતાને ખાતરી આપી કે પોતાની સંભાળ લેવા માટે તેમને વિવિધ ટેકનિક શીખવાડવામાં આવે છે.

સુમિત્રા નાયક કહે છે કે તેઓ પોતાની રમત ચાલુ રાખી શક્યાં છે અને અહીં સુધી પહોંચી શક્યાં છે, કારણ કે તેમની માતાએ તે સમયે હિંમત કરી હતી.

રગ્બીમાં પ્રદર્શન

સુમિત્રા નાયક ઝડપથી રાજ્યકક્ષાએ રગ્બીની રમતમાં છવાઈ ગયાં અને ઢગલાબંધ મેડલ મેળવતા ગયાં. આ એ સમયગાળો હતો જ્યાં પ્રત્યેક રમત દ્વારા કંઈક નવું શીખવાનો અનુભવ મળતો હતો અને કુશળતાને વધારવાની તક મળતી હતી.

વર્ષ 2016માં તેઓ ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી પામ્યાં અને દુબઈમાં યોજાયેલી અંડર-18 એશિયન ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

ઓડિશાની દીકરી કહે છે કે તેમને વિદેશી ધરતી પર રમવાનું પસંદ છે, કારણ કે લોકોને મળી શકાય છે અને ઘણુંબધું શીખી શકાય છે.

2019માં યોજાયેલી એશિયા મહિલા રગ્બી ચૅમ્પિયનશિપ નાયક અને ભારતીય ટીમ માટે ખૂબ જ ખાસ ટુર્નામેન્ટ હતી, કારણ કે દરેક ટીમમાં 7ના બદલે 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમે પડકારનો સારી રીતે સામનો કર્યો અને કાંસ્યચંદ્રક મેળવ્યો.

ભવિષ્યની યોજના

સુમિત્રા નાયક ઇચ્છે છે કે તેઓ ભારતીય ટીમ એશિયામાં તેમની વર્તમાન રેકિંગ 9-10થી આગળ વધીને પાંચમું રેકિંગ મળવે અને ટીમ ઑલિમ્પિક રમતમાં ભાગ લે.

યુવા રમતવીરના મતે છોકરીઓને પોતાનો નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ, જે હજુ પણ તેમનાં માતા-પિતા દ્વારા લેવામાં આવે છે.

તેઓ જણાવે છે કે એક સ્ત્રીને પુરુષ કરતાં ઓછી આંકવી જોઈએ નહીં અને સમાજની વિચારસરણી બદલવા માતા-પિતાએ પોતાની વિચારસરણી બદલવી જોઈએ.

સુમિત્રા માટે શિક્ષણ અને તાલીમ મેળવવામાં કોઈ મુશ્કેલી પડી નથી, પરંતુ રગ્બીની રમતને પોતાની કારકિર્દી બનાવવી હજુ પણ મુશ્કેલ છે, કારણ કે તેના થકી કોઈ નોકરી મેળવી શકતી નથી અને રમતમાં કોઈ મોટું ઇનામ-રકમ પણ આપવામાં આવતી નથી.

આ રમતને હજી સુધી ભારત સરકાર તરફથી માન્યતા પણ મળી નથી.

(આ પ્રોફાઇલ બીબીસીએ સુમિત્રા નાયકને ઈમેલ પર મોકલવામાં આવેલા સવાલના જવાબોને આધારે લખવામાં આવી છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો