ટોક્યો ઑલિમ્પિક : માના પટેલ, અંકિતા રૈના, પારૂલ પરમારની ઇવેન્ટ ક્યારે રમાવાની છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતે ટોકિયો ઑલિમ્પિક માટે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું છે જેમાં 119 ઍથ્લીટ સામેલ છે. ગુજરાત માટે આ વિશેષ ક્ષણ છે, કારણ કે પ્રથમ વખત ગુજરાતનાં છ મહિલા ખેલાડી વૈશ્વિક ખેલ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્રણ ખેલાડીઓ ઑલિમ્પિકમાં અને ત્રણ પેરા-ઑલિમ્પિકમાં ભાગ લેશે.

રાજ્ય સરકારે તમામ છ ખેલાડીને રૂ. 10-10 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે, ગુજરાતના લગભગ 61 વર્ષના ઇંતેજારનો અંત આવશે. છેલ્લે ગોવિંદરાવ સાવંતે 1960ના રોમ ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે તા. 23મી જુલાઈથી આઠમી ઑગસ્ટ સુધી ઑલિમ્પિક રમતોત્સવ યોજાશે, જ્યારે તા. 24 ઑગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી પેરા-ઑલિમ્પિક યોજાશે.

દર ચાર વર્ષે લીપ યરમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાય છે, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો અને હવે તે ચાલુ વર્ષે યોજાઈ રહ્યો છે.

ઇવેન્ટસ અને તારીખ

'યુનિવર્સિટી ક્વૉટા'માં ટોક્યો ખાતે 100 મીટર બેકસ્ટ્રૉક મહિલા સ્વિમિંગ માટે સિલેક્ટ થયેલા અમદાવાદનાં માના પટેલની પહેલી ઇવેન્ટ તા. 25મી જુલાઈએ સ્થાનિક સમય પ્રમાણે, સાંજે સાત કલાકે ટોક્યો ઍક્વેટિક્સ સેન્ટર ખાતે યોજાશે.

જાપાન ભારત કરતાં ત્રણ કલાક અને 30 મિનિટ આગળ છે. મતલબ કે ભારતીય સમય પ્રમાણે, બપોરે ત્રણ વાગ્યા અને 30 મિનિટે આ સ્પર્ધા યોજાશે.

મૂળે તામિલનાડુનાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદમાં રહેતાં અમદાવાદનાં મહિલા શૂટર એલાવેનીલ વાલવારીને મહિલાઓની 10 મીટર ઍર રાયફલ ઇવેન્ટ માટે ક્વૉલિફાય કર્યું છે. તેઓ આ શ્રેણીમાં વર્લ્ડ ચૅમ્પિયન છે.

તેમની ઇવેન્ટ તા. 24મી જુલાઈએ સવારે પાંચ વાગ્યે (સ્થાનિક સમય મુજબ 8.30 કલાકે) અસાકા શૂટિંગ રેન્જ ખાતે યોજાશે.

ટોક્યો ઑલિમ્પિકમાં પ્રથમ વખત 10 મીટર ઍર રાયફલ, 10 મીટર ઍર પિસ્તોલ, ક્લે ટ્રૅપની ઇવેન્ટ મહિલાઓ, પુરુષો તથા મિક્સ્ડ માટે સામેલ કરવામાં આવી છે.

ભારતનાં ટેનિસ ખેલાડી અંકિતા રૈના ડબલ્સના મુકાબલા માટે જાપાનનો પ્રવાસ ખેડશે. તેમનાં પાર્ટનર સાનિયા મિર્ઝા હશે. આ નૉકઆઉટ રાઉન્ડ હશે, મતલબ કે હારનાર ખેલાડીની જે તે ઇવેન્ટ માટેની સફર ત્યાં જ પૂર્ણ થશે. આ મૅચ કઠણ જમીન પર રમાશે.

1896ના ઑલિમ્પિક રમતોત્સવમાં પહેલી વખત આ ખેલને સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ 1924ના પેરિસ ઑલિમ્પિક બાદ તેને બંધ રાખવામાં આવી હતી.

1988ના સિઓલ રમતોત્સવ પછી તે નિયમિત રીતે યોજાતી રહી છે.

ગાંધીનગરનાં પારૂલ પરમાર પેરા-બૅડમિન્ટન માટે મેદાનમાં ઊતરશે. તેઓ પલક કોહલી સાથે SL3-SU5 માટે મેદાનમાં ઊતરશે.

આ શ્રેણીની ઇવેન્ટ તા. બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમિયાન યોયોગી નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે.

સોનલ પટેલ તથા ભાવિના પટેલ વ્હિલચૅર પેરા-ટેબલ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે કરવામાં આવ્યું, ત્યારે અમદાવાદની આસપાસ ઑલિમ્પિકસ્તરની ઇવેન્ટ્સનું આયોજન થઈ શકે તથા તેના માટે ગુજરાત સહિત દેશભરના ખેલાડીઓ તૈયાર થઈ શકે તે પ્રકારની ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી.

ગુજરાતમાં ખેલની પ્રવૃત્તિઓ વધે અને યુવાવસ્થાથી જ તેના પ્રત્યે આકર્ષણ વધે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળકે તે માટે વર્ષ 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી.

હાલમાં સિલેક્ટ થયેલા ખેલાડીઓમાંથી અમુક રાજ્યકક્ષાએ આ ખેલમહોત્સવમાંથી ઉભરી આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો