You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હર ઘર તિરંગા અભિયાન પાછળ મોદી સરકાર કેટલો ખર્ચ કરી રહી છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણીને 'આઝાદીનો અમૃત મહોત્સવ' નામ આપવામાં આવ્યું છે.
આ અવસર પર ભારત સરકારે 'હર ઘર તિરંગા' નામના અભિયાનની શરૂઆતની ઘોષણા કરી છે. આ અભિયાન અંતર્ગત 13-15 ઑગસ્ટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ઘર પર તિરંગો ફરકાવવાનો આગ્રહ કર્યો છે.
સરકાર પ્રમાણે આ અભિયાન સાથે નાગરિકોનો તિરંગા સાથે સંબંધ વધુ ઊંડો થશે. નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધારે પ્રબળ થશે.
હાલ રાષ્ટ્રધ્વજ સાથે ભારતના નાગરિકોનો વ્યક્તિગત કરતાં વધારે ઔપચારિક અને સંસ્થાગત સંબંધ છે. ભારત સરકારને લાગે છે કે 'હર ઘર તિરંગા' અભિયાન બાદ આ સંબંધ વધારે વ્યક્તિગત બની શકશે.
હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાયેલા વિવાદ
અભિયાન શરૂ થવામાં હજુ 10 દિવસ કરતાં વધારે સમય બાકી છે. પરંતુ તેની સાથે જોડાયેલા બે વિવાદ શરૂ થઈ ગયા છે.
પહેલો વિવાદ જમ્મુ-કાશ્મીરના એક જિલ્લાના શિક્ષણવિભાગના આદેશ સાથે જોડાયેલો છે. આ અભિયાનને સફળ બનાવવા માટે બડગામના ઝોનલ એજ્યુકેશન ઑફિસર તરફથી એક ઑર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને ત્યાંના રાજકીય વર્તુળોમાં વિવાદ શરૂ થઈ ગયો છે.
પીડીપીનાં નેતા મહબૂબા મુફ્તીએ આ વિશે ટ્વીટ કરતાં લખ્યું, "દુર્ભાગ્યની વાત એ છે કે ઉપરના અધિકારી દ્વારા પાસ કરવામાં આવેલા તિરંગો ફરકાવવાના આદેશનું પરિણામ નાના પદ પર તહેનાત અધિકારીએ ભોગવવું પડી રહ્યું છે. લોકોની સૂચના માટે તે એક સરકારી આદેશ છે જેમાં બાળકોને હર ઘર તિરંગા કૅમ્પેઇન અંતર્ગત રાષ્ટ્રીય ધ્વજ ખરીદવા આદેશ અપાયા છે."
મહબૂબા મુફ્તીના આ ટ્વીટથી જ હર ઘર તિરંગા માટે કેટલાક ખપ્ચ અને પૈસાનો વિવાદ શરૂ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હર ઘર તિરંગા અભિયાન
· કેન્દ્ર સરકારે આ અભિયાન અંતર્ગત આશરે 20 કરોડ ઘરોમાં ઝંડો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
· ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના પ્રમાણે, ભારતમાં હાલ 4 કરોડ ઝંડા જ ઉપલબ્ધ છે. એટલે કે બાકીના ઝંડાના ઑર્ડર રાજ્ય કે કેન્દ્ર સરકારે પોતાના સ્તરે બનાવડાવીને વેચાણની જગ્યાએ પહોંચાડવા પડશે.
· રાજ્ય સરકાર ઇચ્છે તો કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારની જરૂરિયાતના હિસાબે કુલ ઝંડાની માગ કરી શકે છે અથવા પોતાની તરફથી ઝંડાની વ્યવસ્થા કરી શકે છે.
· કેન્દ્ર સરકાર પ્રમાણે, ઝંડા ત્રણ સાઇઝમાં ઉપલબ્ધ હશે અને ત્રણેયની કિંમત પણ અલગ અલગ હશે. 9 રૂપિયા, 18 રૂપિયા અને 25 રૂપિયાના ઝંડા.
· ઝંડો બનાવતી કંપનીઓ શરૂઆતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને ઉધાર આ ઝંડા ઉપલબ્ધ કરાવશે.
· નાગરિકોએ પોતાના પૈસા ઝંડા ખરીદવાના રહેશે.
· લોકો ઇચ્છે તો એકસાથે ઝંડા લઈને બીજા લોકોને ભેટમાં પણ આપી શકે છે. કૉર્પોરેટ સોશિયલ રેસ્પૉન્સિબિલિટી અંતર્ગત એવું કરી શકાય છે.
· પંચાયતો, દુકાનદારો, સ્કૂલ, કૉલેજોને આ અભિયાન સાથે જોડાવવા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 1 ઑગસ્ટથી પોસ્ટ ઑફિસ પર પણ ઝંડા મળવા લાગશે.
'હર ઘર તિરંગા' અભિયાન પર કુલ ખર્ચ
કેન્દ્ર સરકારનું લક્ષ્ય જો 20 કરોડ ઘરો પર ઝંડો ફરકાવવાનો છે, અને ઝંડાની ઓછામાં ઓછી કિંમત 10 રૂપિયા પણ છે તો આ અભિયાનમાં કુલ 200 કરોડનો ખર્ચ થશે. આ 200 કરોડ પણ ઝંડો ખરીદનારા લોકો પાસેથી જ આવશે.
સ્પષ્ટ છે કે આટલા મોટાપાયે ભારત ઝંડાનું બિઝનેસ હાઉસ નહીં બનાવી રહ્યું હોય. તેના માટે ઘણા સ્વયં સહાયતા સમૂહ, નાના અને મધ્યમ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી અને બિઝનેસ હાઉસને ટેન્ડર આપવામાં આવ્યું છે.
રાજસ્થાનના ઉદાહરણથી સમજો આ આખા અભિયાનને :
રાજસ્થાન સરકારે એક કરોડ ઘરોમાં ઝંડો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં 70 લાખ ઝંડા કેન્દ્ર સરકાર પાસેથી ઉપલબ્ધ કરાવવા કહેવાયું છે અને 30 લાખની વ્યવસ્થા રાજ્ય સરકાર પોતે કરશે.
રાજસ્થાને કેન્દ્ર પાસે 70 લાખ ઝંડા, રાજ્યના સાત ડિવિઝનમાં માગ્યા છે.
પરંતુ પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કેટલીક સમસ્યાઓ સામે આવી રહી છે.
સમસ્યા એ છે કે 10 રૂપિયામાં ઝંડો, ડંડો અને લાવવા-લઈ જવાનો ખર્ચ બધું જ જોડાયેલું છે. આ પૈસા કેટલીક કંપનીઓ માટે ખૂબ ઓછા છે. આ કારણોસર કેન્દ્ર સરકાર રાજ્યોને માત્ર ઝંડા જ આપી રહી છે અને રાજ્યની થોડી જગ્યાઓ પર, દરેક જિલ્લામાં નહીં.
બીજી સમસ્યા પેમૅન્ટની છે. ઝંડા બનાવનારા માટે કેટલીક રાજ્ય સરકારોએ પેમેન્ટ ઝંડા વેચાયા બાદ આપવાની વાત કરી છે. તેવામાં કંપનીઓને ડર એ વાતનો છે કે જો બધા જ ઝંડા ન વેચાયા તો તેમના પૅમેન્ટનું શું થશે.
ફ્લેગ કોડમાં પરિવર્તન
ટીએમસી નેતા અને આરટીઆઈ ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ આ સમગ્ર અભિયાનને એક સ્કૅમ ગણાવ્યો છે.
એક બાદ એક ચાર ટ્વીટના માધ્યમથી તેમણે આ અભિયાનને મોદી સરકારની કૉર્પોરેટ કંપનીઓ સાથે સાંઠ-ગાંઠ ગણાવી છે અને કહ્યું છે કે આ અભિયાન માટે સરકારે ઇન્ડિયન ફ્લેગ કોડમાં પણ પરિવર્તન કર્યા છે.
ઇન્ડિયન ફ્લેગ કોડ 2002 પ્રમાણે, રાષ્ટ્રીય ધ્વજ માત્ર હાથથી વણેલો અથવા હાથથી વણાયેલા કપડાની સામગ્રીથી જ બનાવી શકાય છે. તેમાં ઓછા સમયમાં વધારે ઝંડા બનાવવા સહેલા નથી.
ગત વર્ષે ડિસેમ્બરમાં ફ્લેગ કોડમાં બદલાવ કરવામાં આવ્યા હતા. આ બદલાવ બાદ હવે રાષ્ટ્રીય ધ્વજ, હાથેથી કાતેલો, હાથથી વણેલો કે મશીનથી બનાવેલા કપડાનાં રેશમી, કોટન, પૉલિસ્ટરનો પણ હોઈ શકે છે.
સાકેત ગોખલેનો દાવો છે કે પૉલિસ્ટર કપડાના મોટા નિર્માતા ભારતમાં RIL છે.
બીબીસીને મળેલી જાણકારી પ્રમાણે, ભારતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કપડાં મિલના માલિકોને ઝંડા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેમાં પરોક્ષ રીતે RIL સામેલ નથી.
અધિકારીઓ પ્રમાણે, જે કંપનીઓએ મોટા પ્રમાણમાં ઝંડા બનાવવાની હામી ભરી છે, તે કામને સમયસર પૂર્ણ કરવા માટે આગળ બીજા વેપારીઓને પણ કૉન્ટ્રેક્ટ આપી રહ્યા છે.
ઝંડો, આરએસએસ અને ભાજપનો વિરોધાભાસ
એટલું જ નહીં, વિવાદ એ વાત પર પણ છે કે જ્યારે આરએસએસએ પોતાની ઑફિસમાં ક્યારેય ઝંડો નથી ફરકાવ્યો, તો અચાનક આ ફરમાન કેમ?
આસામના એઆઈયૂડીએફ નેતા અમિનુલ ઇસ્લામ આ કારણોસર મોદી સરકારના આ અભિયાનને તેમનો 'વિરોધાભાસ' ગણાવી રહ્યા છે.
અમિનુલ ઇસ્લામે કહ્યું છે કે આખું અભિયાન જનતાના પૉકેટમાંથી 16 રૂપિયા કઢાવવા માટે છે. અમિનુલ ઇસ્લામને નથી લાગતું કે 16 રૂપિયા ખર્ચ કરીને કોઈ પરિવાર પોતાની દેશભક્તિ સાબિત કરી શકે છે.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પણ અભિયાનને હિપોક્રેસી ગણાવતા ટ્વીટ કર્યું, "આ અભિયાન ખાદીમાંથી રાષ્ટ્રધ્વજ બનાવતા લોકોની આજીવિકા નષ્ટ કરે છે, જેને નહેરુએ ભારતની સ્વતંત્રતાનો પોશાક ગણાવ્યો હતો."
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ફ્લેગ કોડમાં પરિવર્તન બાદ હુબલીમાં ખાદીના ઝંડા બનાવનારા યુનિટને ગત વર્ષે જુલાઈમાં 90 લાખ ઝંડાનો ઑર્ડર મળ્યો હતો. આ વર્ષે માત્ર 14 લાખ ઝંડાનો ઑર્ડર મળ્યો છે.
ખાદીના ઝંડાની આ હાલત ભારતમાં ત્યારે છે જ્યારે વડા પ્રધાન મોદી ખાદીને પ્રોત્સાહન આપવા માટે ઓછામાં ઓછો ખાદીનો રૂમાલ રાખવાની સલાહ આપી ચૂક્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો