હિંમતનગર : માતાપિતાએ જ પોતાની દીકરીને જીવતી દાટી દીધી, કઈ રીચે બચ્યો જીવ?

"સવારમાં અમે રાબેતા મુજબ કામ કરવા આવ્યા હતા અને અચાનક અમને પાછળના ખેતરમાંથી કોઈકના રડવાનો અવાજ આવ્યો. અમે ત્યાં જઈને જોયું તો એક ખાડામાંથી એક નાનકડો પગ બહાર દેખાતો હતો."

આ શબ્દો છે હિંમતનગરના ગાંભોઈ ગામમાં આવેલી જીઈબી ઑફિસમાં કામ કરતા ઉપેન્દ્રસિંહ ચૌહાણના.

ગુરુવારે સવારે ઑફિસમાં આવીને તેમણે પોતાનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન પાછળની તરફ આવેલા ખેતરમાંથી અવાજ સંભળાતા તેઓ અને તેમના સહકર્મીઓ દોડીને ત્યાં પહોંચ્યા હતા.

ખેતરમાં તપાસ કરતા એક ખાડામાં નવજાત બાળક દટાયેલું હતું. દટાયેલી હાલતમાં હોવા છતાં બાળક જીવિત હોવાથી લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જોકે, તેમણે સાવચેતીપૂર્વક આ નવજાતને ખાડામાંથી બહાર કાઢીને હૉસ્પિટલ પહોંચાડ્યું હતું.

પોલીસે આ મામલે તાત્કાલિક ગુનો નોંધીને બાળકનાં માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી અને 24 કલાકમાં જ ગાંધીનગરના કડી તાલુકામાં આવેલા ડાંગરવા પાસેથી માતા-પિતાને પકડી લીધાં છે.

શું હતી ઘટના?

હિંમતનગરના ગાંભોઈ ગામમાં ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડની ઑફિસ આવેલી છે. આ ઑફિસમાં ગુરુવારે સવારે અચાનક એક અવાજ સંભળાયો હતો.

આ અવાજ કોઈકના રડવાનો હતો. જેથી ઑફિસનો સમગ્ર સ્ટાફ ઑફિસની પાછળ આવેલા ખેતરમાં દોડી ગયો હતો અને અવાજની દિશામાં શોધ શરૂ કરી હતી.

મૂળ સુધી પહોંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે ખેતરમાં ખાડો ખોદીને કોઈકે એક નવજાત બાળકીને ત્યાં જીવતી દાટી દીધી હતી.

આ બાળકી તે સમયે પણ જીવિત હતી. નવજાતને બચાવતી વખતના કેટલાક વીડિયો અને ફોટા પણ ઉપલબ્ધ છે. જોકે, તે અતિસંવેદનશીલ હોવાથી રજૂ કરી શકાય તેમ નથી.

વીડિયોમાં એક વ્યક્તિ ખેતરમાં ખોદેલા ખાડામાંથી ધીરેધીરે માટી કાઢતી નજરે પડે છે. એ તકેદારી રાખી રહી છે કે માટી કાઢતી વખતે તેની નીચે દબાયેલી બાળકીને કોઈ તકલીફ ન પડે.

આસપાસમાં લોકો તંત્રના સત્તાધીશો અને એમ્બ્યુલન્સ માટે 108ને ફોન કરતા સંભળાઈ રહ્યાં છે. જેમ-જેમ એ વ્યક્તિને બાળકી પરથી માટી સાફ કરે છે, તેમ નવજાત બાળકી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

આ નવજાત પરની માટી હઠાવ્યા બાદ તેને બહાર કાઢવામાં આવતા તેની સાથે ગર્ભનાળ પણ જોડાયેલી જોવા મળી હતી.

ગર્ભનાળ કપાયેલી ન હોવાથી અનુમાન લગાવી શકાય છે કે આ બાળકીનો જન્મ હૉસ્પિટલમાં કે પછી સુશિક્ષિત તબીબની હાજરીમાં થયો નહોતો.

બાળકીને ખાડામાંથી બહાર કાઢ્યા બાદ સારવાર માટે હિંમતનગર હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

કેવી છે બાળકીની તબિયત?

નવજાત બાળકી ઘણા સમયથી જમીનમાં દટાયેલી હોવાથી પ્રારંભિક તબક્કે તે લાંબું જીવી શકે તેની શક્યતા નહિવત્ હતી. જોકે, લાંબા સમય બાદ પણ બાળકી જીવિત હોવાનું હિંમતનગર સિવિલ હૉસ્પિટલના સત્તાધીશો પાસેથી જાણવા મળ્યું છે.

હૉસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. દિલીપ નીનામા કહે છે, "24 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હાલ બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે."

તેઓ જણાવે છે, "બાળકી ઘણા સમય સુધી જમીનમાં દટાયેલી હોવાથી ઇન્ફૅક્શન થઈ ગયું છે. જે વધી રહ્યું હોવાથી તેણીને ઍન્ટીબાયોટિક્સ આપવાની શરૂ કરી છે. ઉપરાંત તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી અમે કૃત્રિમ રીતે શ્વાસ પહોંચાડી રહ્યા છે."

ડૉ. નીનામા આગળ જણાવે છે, "આ બાળકીના અવયવો યોગ્ય રીતે વિકસિત થયા નથી. જે અધૂરા મહિને જન્મેલા બાળકોમાં સામાન્યપણે જોવા મળતું હોય છે. આ કારણથી તેની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે અને ઇન્ફૅક્શન વધી રહ્યું હોઈ શકે છે."

તેમના પ્રમાણે, હાલમાં આ બાળકીની સારવાર ચાલી રહી છે અને ડૉક્ટરોની ટીમ તેની સારસંભાળ રાખી રહી છે.

શું જન્મ બાદ ગર્ભનાળથી જીવ બચી શકે ખરો?

કેટલાક લોકોનું માનવું છે કે આ બાળકીની ગર્ભનાળ યથાવત્ હોવાથી જમીનમાં દટાયા બાદ પણ તે જીવિત રહી શકી હતી. આ પ્રકારની માહિતી કેટલાક અહેવાલોમાં પણ પ્રકાશિત થઈ છે.

શું ખરેખર જન્મ બાદ પણ ગર્ભનાળથી બાળકને ઓક્સિજન મળી શકે? આ જાણવા બીબીસીએ બરોડા મેડિકલ કૉલેજમાં પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટનાં વડાં ડૉ. શીલા અય્યરનો સંપર્ક કર્યો.

તેઓ જણાવે છે, "ગર્ભનાળ જો પ્લૅસેન્ટા સાથે રહી ગઈ હોય તો જન્મના થોડાક સમય સુધી બાળકને તેમાંથી પોષણ મળી શકે છે. જોકે, તેમાંથી એક્સિજન મળે કે કેમ તે ચોક્કસ નથી. જેથી બાળકીના જીવવા પાછળ આ જ કારણને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી."

સામાન્ય રીતે જો નવજાત બાળકને 32 ડિગ્રીથી ઓછા તાપમાનમાં 24 કલાક માટે રાખવામાં આવે તો તેના માટે જોખમી સાબિત થઈ શકે છે.

"આ પ્રકારની ઘટનામાં સામાન્ય રીતે નવજાત બાળકના બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે પણ જો બાળક બચી ગયું હોય તો આગળ જતા તેને ઘણા કૉમ્પલિકેશન્સ આવી શકે છે."

આ બાળકીના જીવિત રહેવા પાછળનું અન્ય એક કારણ એ પણ માનવામાં આવે છે કે જે ખાડામાં તેણીને દાટી દેવામાં આવી હતી તે ખાડો ઊંડો ન હતો. જેથી તે શ્વાસ લઈ શકી હતી. જોકે, તેની પુષ્ટિ થઈ શકે તેમ નથી.

પકડાઈ ગયાં માતા-પિતા

એક બાજુ નવજાત બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને બીજી બાજુ પોલીસે બાળકીને તરછોડનારાં માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધીક્ષક વિશાલ વાઘેલાએ પત્રકારપરિષદ યોજીને જણાવ્યું હતું કે બાળકીને તરછોડી દેનારાં માતા-પિતાને પકડી પાડવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું, "બનાવની જાણ થતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિવિધ ટીમો બનાવીને બાળકીનાં માતાપિતાની શોધખોળ હાથ ધરી હતી."

"તપાસમાં ખ્યાલ આવ્યો કે એ લોકો ગાયબ હતાં. તેમને શોધીને પૂછપરછ કરતાં તેમણે આવું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું."

આમ કરવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું, "બાળકીના પિતા કોઈ કામ કરતા ન હતા અને ગુરુવારે સવારે તેમનાં પત્નીએ ઘરમાં જ બાળકીને જન્મ આપ્યો હતો. તેમની કથળેલી આર્થિક પરિસ્થિતિને લીધે તેણીને રાખવી કે કેમ તેને અંગે વિચારમાં પડી ગયાં હતાં."

"અધૂરા મહિને જન્મી હોવાથી અને 'બાળકી' હોવાથી તેમણે સવારમાં જ તેને દાટી દેવાનો નિર્ણય લીધો હતો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો