You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રાવણ : જૂનાગઢના એ 'મિલ્ક-મૅન' જે શિવલિંગ પર ચડાવાતું હજારો લિટર દૂધ ગરીબો સુધી પહોંચાડે છે
ગુજરાતના જૂનાગઢના સિત્તેર વર્ષીય દાદા શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગ પર ચડાવાતાં હજારો લિટર દૂધને ગટરમાં જતું અટકાવી તેને ગરમ કરી, તેમાં ખાંડ ઉમેરી જરૂરિયાતમંદ ગરીબોમાં વહેંચે છે.
પોતાનાં કર્મોથી માનવતાની મહેક પ્રસરાવતા આ ગુજરાતી દાદાની નિઃસ્વાર્થ સેવાના કારણે જેમનું આ મહામારીના સમયમાં કોઈ પૂછનાર નથી એવા ગરીબોને આરોગ્યપ્રદ દૂધ મળી રહે છે.
તેઓ ક્યારેય કોઈને પોતાનું નામેય નથી જણાવતા., પરંતુ લોકો તેમને 'ઑન્લી ઇન્ડિયન' તરીકે ઓળખે છે.
બીબીસી ગુજરાતીએ તેમનાં સત્કર્મ અને તેમની પ્રેરણા વિશે વધુ જાણવા માટે તેમની સાથે વાતચીત કરી હતી.
વાંચો જૂનાગઢના 'મિલ્ક-મૅન'ની અનોખી કહાણી.
નાત-જાત કે નામ-સરનામાં નથી જોતા 'મિલ્ક-મૅન'
તેઓ જણાવે છે કે તેઓ પોતાની જાતને કોઈ નાત-જાત સાથે સાંકળવા માગતા નથી. ન તેઓ સેવા કરતી વખતે જરૂરિયાતમંદ વ્યક્તિની નાત-જાત જુએ છે.
તેઓ કહે છે કે, "આ દેશમાં વસતી તમામ વ્યક્તિઓ માત્ર ભારતીય છે તે ખ્યાલને આગળ મૂકીને હું મારી જાતને માત્ર ભારતીય જ ગણું છું અને એ જ કહેવડાવાનું પસંદ પણ કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકોની સેવાના આ સત્કર્મમાં કોઈની જરૂર પણ નથી પડતી. તેઓ એક 'વન-મૅન NGO' તરીકે કામ કરે છે અને મિલ્ક-બૅંક પણ ચલાવે છે.
તેઓ પોતાના કામ અંગે વધુ વાત કરતાં જણાવે છે કે, "હું સામાજિક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ એક સિવિલિયન સોલ્જર તરીકે 26 જાન્યુઆરી, 2012થી રાષ્ટ્રહિત અને જનહિત માટે કામ કરી રહ્યો છું."
તેમણે એક ફિલ્મ જોઈ હતી, જેમાં શિવલિંગ પર ચડાવવાના કારણે હજારો લિટર દૂધ વેડફાઈ જતું હોવાનાં દૃશ્યો બતાવાયાં હતાં.
બસ, આ દૃશ્ય જોઈને તેમને દૂધ ગટરમાં જતું રોકીને ગરીબોને આપવાનો વિચાર આવ્યો. ત્યારથી આ દાદા લોકોની સેવામાં લાગી ગયા છે.
'શિવના ભાગમાંથી જીવને' સૂત્રને બનાવ્યો જીવનમંત્ર
જ્યારે 70 વર્ષીય સિવિલિયન સોલ્જરે જોયું કે ભારતના અન્ય ભાગોની જેમ જૂનાગઢમાં પણ શિવભક્તો દ્વારા હજારો લિટર દૂધનો શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. જે અંતે ગટરમાં જાય છે.
તો તેમણે ગરીબો માટે દુર્લભ દૂધનો વેડફાટ અટકાવવાનો નિશ્ચય કરી લીધો.
તેમણે આ વિચાર સાથે વર્ષ 2013થી 'મિલ્ક બૅંક ઑફ ઇન્ડિયા'ની સ્થાપના કરી. જે થકી તેમણે વિસ્તારનાં જુદાં-જુદાં સાત મંદિરોમાં સ્વચ્છ પાત્રો મુકાવી દૂધ એકઠું કરવાનું શરૂ કર્યું.
તેઓ કહે છે કે, "દરરોજ પાંચ-સાત લિટર દૂધ અને સોમવારે 35-40 લિટર દૂધ આ પહેલ વડે ભેગું કરીને ગરીબોને વહેંચવામાં આવે છે."
'શિવના ભાગમાંથી જીવને' આ સૂત્રને જીવનમંત્ર બનાવી જૂનાગઢના મિલ્ક-મૅન કહો કે 'ઑન્લી ઇન્ડિયન', તેઓ છેલ્લાં નવ વર્ષથી ગરીબોની નિરંતર સેવા કરી રહ્યા છે.
મોસમનો માર હોય કે મહામારીનો ભય, તેઓ ક્યારેય પોતાની આ ફરજથી ચૂકતા નથી.
તેમની સાઇકલ તો આ ગરીબોને મન કોઈ દેવદૂતનું વાહન જ હશે.
તેઓ કહે છે કે, "શિવનો અભિષક જરૂર કરો, પરંતુ તેમાંથી થોડું દૂધ બચાવીએ. અને જો આ બચેલા દૂધથી કોઈ ગરીબની આંતરડી ઠરતી હોય તો તેનાથી મોટું કોઈ સત્કર્મ નથી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો