You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મડાગાસ્કર : એ દેશ જ્યાં દુષ્કાળને લીધે લોકો જીવડાં ખાવા મજબૂર બન્યા
- લેેખક, એન્ડ્રુ હાર્ડિંગ
- પદ, આફ્રિકા સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) પ્રમાણે મડાગાસ્કર વિશ્વમાં સૌપ્રથમ 'ક્લાઇમેટ ચેન્જ દુષ્કાળ'નો સામનો કરવા જઈ રહ્યું છે.
યુ. એન. દ્વારા અપાયેલી માહિતી અનુસાર દેશમાં ચાર વર્ષ સુધી વરસાદ ન પડવાને કારણે હજારો લોકો ભોજન અસુરક્ષાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ચાર દાયકાના આ સૌથી ખરાબ દુષ્કાળે દેશના દક્ષિણ ભાગમાં ખેતી આધારિત સમુદાયની દશા બગાડી નાખી છે.
આ પરિસ્થિતિનો સામનો કરનાર પરિવારો પોતાનું ભોજન મેળવવા માટે જીવડાંની શોધ કરવા મજબૂર બની ગયા છે.
યુ. એન. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનાં શેલી ઠકરાલે કહ્યું કે, "આ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને તે હવામાનના કારણે સર્જાઈ છે, ના કે સંઘર્ષને કારણે."
યુ. એન.નો અંદાજ છે કે હાલમાં કુલ 30 હજાર જેટલા લોકો આંતરરાષ્ટ્રીય ભોજન અસુરક્ષાના સૌથી ઊંચા લેવલનો સામનો કરી રહ્યા છે.
તેમજ આ પરિસ્થિતિ વધુ વણસવાના અણસાર છે, કારણ કે મડાગાસ્કર ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું છે.
ઠકરાલે જણાવ્યું કે, "આ અભૂતપૂર્વ છે. આ લોકો ક્લાઇમેટ ચેન્જની પ્રક્રિયા માટે બિલકુલ જવાબદાર નથી. તેઓ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ નથી કરતા... તેમ છતાં તેઓ ક્લાઇમેટ ચેન્જનાં પરિણામો ભોગવી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમ્બોઆસરી જિલ્લાના એક દુર્ગમ ગામ ફેન્ડીઓવાના અમુક પરિવારોએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ટીમને પોતે આટલા દિવસોથી જે તીડ ખાતાં હતાં, તે બતાવ્યાં હતાં.
'થોરનાં પાન સિવાય ખાવા માટે કંઈ નથી'
ચાર બાળકનાં માતા તમારિયા જણાવે છે કે, "હું જંતુઓને સારી રીતે સાફ કરું છું, પરંતુ અહીં બિલકુલ પાણી નથી."
તેઓ ઉમેરે છે કે, "હું અને મારાં સંતાનો આ બધું દરરોજ ખાઈએ છીએ. અમને આવું કરતાં-કરતાં આઠ મહિના થઈ ગયા, કારણ કે અમારી પાસે ખાવા માટે કશું જ નથી."
"અમે જે પાક વાવ્યો છે તેની લણણી કરી શકાય તેટલું પણ પાણી અમારી પાસે નથી."
ત્રણ બાળકનાં માતા બોલેએ જણાવ્યુ કે, "આજે અમારી પાસે થોરનાં પાન સિવાય ખાવા માટે બીજું કંઈ જ નથી."
તેમણે જણાવ્યું કે હાલમાં જ તેમના પતિનું ભૂખના કારણે મૃત્યુ થયું હતું. આ સિવાય તેમના પાડોશીનું પણ મૃત્યુ થયું હતું. આથી હવે તેમને વધુ બે બાળકના ભરણપોષણની વ્યવસ્થા કરવી પડે છે.
તેઓ કહે છે કે, "હું શું કહી શકું? અમારા જીવનનો અર્થ હવે થોરનાં પાનની શોધ કરવા સુધી સીમિત થઈ ગયો છે."
પાણીના વ્યવસ્થાપનમાં સુધારો
નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોના કારણે મડાગાસ્કરમાં વારંવાર દુષ્કાળ પડતાં હોય છે.
તેમજ ત્યાં વારંવાર બદલાતા હવામાનની અસરો પણ દેખાય છે. તેમ છતાં હાલનું પરિવર્તન તાજેતરના સંકટ સાથે જોડાયેલું હોઈ શકે છે.
મેડાગાસ્કરના વૈજ્ઞાનિક ડૉ. રોન્ડ્રો બારીમલાલાએ (જેઓ સાઉથ આફ્રિકાની યુનિવર્સિટી ઑફ કૅપટાઉનમાં કામ કરે છે) કહ્યું કે, "IPCCના તાજેતરના રિપોર્ટમાં આપણે જોયું કે મડાગાસ્કરમાં શુષ્કતા વધી છે. અને જો ક્લાઇમેટ ચેન્જની પ્રક્રિયા ચાલુ જ રહી તો તે વધવાની જ છે."
"આમ આ લોકોને પોતાની જીવનશૈલી બદલવા માટેનો સંકેત હોઈ શકે છે."
કૅલિફોર્નિયાની સેન્ટા બાર્બરા યુનિવર્સિટીના ક્લાઇમેટ હૅઝાર્ડ્સ સેન્ટરના ડિરેક્ટર ક્રિશ ફંકે આંકડાકીય માહિતીની છણાવટ થકી આ ઘટનાનું તાપમાનમાં વધારા સાથે જોડાણ હોવાની વાત કહી હતી.
તેમણે સૂચન કર્યું કે મડાગાસ્કરના તંત્રે પાણીના વ્યવસ્થાપનમાં સુધારો લાવવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું કે, "ખૂબ ઓછા સમયમાં ઘણુંબધું થઈ શકે એમ છે. આપણે સામાન્ય કરતાં વધુ વરસાદની પરિસ્થિતિની અગાઉથી આગાહી કરી શકીએ છીએ, જેથી ખેડૂતો પોતાનું ઉત્પાદન વધારી શકે. ક્લાઇમેટ ચેન્જ સામે અમે સાવ નિર્બળ નથી."
હાલના દુષ્કાળની અસરો મડાગાસ્કરની દક્ષિણ દિશાએ આવેલાં મોટાં નગરોમાં પણ જોવા મળી રહી છે.
અહીં ઘણાં બાળકો રસ્તા પર ભીખ માગવા માટે મજબૂર બન્યાં છે.
તોલાનારોના સીડમાં સમાજસેવા કરતાં સિના એન્ડોરે જણાવ્યું કે, "બજારમાં કિંમતો ત્રણ-ચાર ગણી વધી ગઈ છે. લોકો થોડું ભોજન ખરીદવા માટે પોતાની જમીનો વેચી રહ્યા છે."
તેમના સહકર્મી લોમ્બા હેસોઆવેનાએ કહ્યું કે, "તેઓ અને અન્ય ઘણા લોકો ખેતરોમાં ઊભેલા પાકને ભૂખ્યા લોકોથી બચાવવા માટે ખેતરોમાં જ સૂઈ જાય છે, પરંતુ હવે તે ખૂબ જ ખતરનાક બનતું જઈ રહ્યું છે."
તેમણે કહ્યું કે, "અમારા જીવ પર ખતરો છે. મારા માટે આ કામ ઘણું મુશ્કેલ છે, કારણ કે મારે દરરોજ મારું અને મારાં બાળકોનું પેટ ભરવાનું વિચારવાનું હોય છે. હાલ હવામાન વિશે કોઈ પણ આગાહી કરવું ઘણું મુશ્કેલ બની ગયું છે. હવે શું થશે એ એક મોટો પ્રશ્ન છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો