પ્રોહિબિશન વિરુદ્ધ પ્રાઇવસી: એ દલીલો જે ગુજરાતમાં દારૂબંધી હઠાવી લેવાની પિટિશનનો આધાર બની

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં પ્રવર્તમાન દારૂબંધીની નીતિને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરવાનું વલણ દાખવ્યું છે.

સુનાવણી હાથ નહીં ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વાંધાદલીલોને અદાલતે કાઢી નાખી હતી.

અરજદારોનું કહેવું છે કે વ્યક્તિ ચાર દીવાલની વચ્ચે દારૂ પીવે તો તેની સામે સરકારને વાંધો ન હોવો જોઈએ તથા તે નિજતાના અધિકારનો ભંગ કરે છે. સુનાવણી દરમિયાન સામસામે વિસ્તૃત કાયદાકીય દલીલો થઈ હતી.

સ્થાપના સમયથી જ ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે, જેના પર સમયાંતરે ચર્ચા થતી રહી છે, છતાં સ્થાપનાનાં 60 વર્ષ બાદ પણ તે યથાવત્ છે.

એક વર્ગનું માનવું છે કે રાજ્યમાં દારૂબંધીની નીતિને હળવી કરવાનો સમય આવી ગયો છે, જ્યારે અન્યોનું માનવું છે કે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં મદદ મળે છે એટલે તેને જાળવી રાખવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પર પેચ

સોમવારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા બીરેન વૈષ્ણવની ખંડપીઢ સમક્ષ ગુજરાતના દારૂબંધીના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જૂન મહિનામાં થયેલી દલીલોને દોહરાવતા કહ્યું, 'ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ પણ કાયદાને મંજૂરી આપવામાં આવી હોય ત્યારે એ કાયદો, અથવા નવો કાયદો અથવા તો તેના માટેના આધારની વૈધતા અંગે આ અદાલતમાં સુનાવણી ન થઈ શકે.'

ત્રિવેદીએ ઉમેર્યું હતું કે આ માટે સુપ્રીમ કોર્ટ જ ઉપયુક્ત મંચ છે.

ત્રિવેદી સ્ટેટ ઑફ બૉમ્બે તથા અન્ય વિરુદ્ધ એફ.એન. બલસારા કેસમાં વર્ષ 1951માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના સંદર્ભમાં આ વાત કહી રહ્યા હતા. જેમાં નશાકારક પદાર્થો સંદર્ભે બૉમ્બે પ્રૉહિબિશન ઍક્ટ 1949ની અમુક જોગવાઈઓને સર્વોચ્ચ અદાલત દ્વારા માન્યતા આપવામાં આવી હતી.

અરજદારો દ્વારા દલીલ આપવામાં આવી હતી કે વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલની અંદર શું કરે છે, તેમાં દખલ દેવાનો સરકારને કોઈ હક નથી. આથી, ઘરમાં દારૂ પીવાની છૂટ હોવી જોઈએ.

દારૂ અને 'નિજતાનો અધિકાર'

સાથે જ ઉમેર્યું હતું કે 1951માં જ્યારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે 'નિજતાના અધિકાર'ને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો ન હતો.

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના નવ જજની બેન્ચે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે. પુટ્ટાસ્વામીની અરજી પર સુનાવણી કરતા સર્વાનુમતે ઠેરવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મળેલા અધિકારોમાં 'નિજતાનો અધિકાર' (રાઇટ ટુ પ્રાઇવસી) પણ અભિપ્રેત છે.

અરજદારોએ કાયદાની કલમ 12, 13 અને 24-1Bની બંધારણીય કાયદેસરતાને કોર્ટમાં પડકારી છે. ખંડપીઠે નોંધ્યું હતું, "રાજ્ય સરકારની દલીલ છે કે આ અરજીઓ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી, પરંતુ જ્યાર સુધી અરજીઓમાં શું મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, તેના પર અદાલત ધ્યાન ન આપે ત્યાં સુધી માત્ર ગ્રાહ્યતાના આધાર પર તેને નકારી ન શકાય."

ઍડ્વોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજીના સ્વીકાર સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું વલણ દાખવ્યું હતું, જેના પર મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે કહ્યું હતું, "એમ કરતા કોણ તમને રોકે છે. એ તમારો અધિકાર છે."

હાઈકોર્ટ સપ્ટેમ્બર મહિનાથી આ અરજીઓ પર સુનાવણી હાથ ધરનાર હતી, પરંતુ ઍડ્વોકેટ જનરલ ત્રિવેદીએ વિનંતી કરી હતી કે આ મુદ્દે ઉચ્ચસ્તરે ચર્ચાવિચારણા અને મસલતો કરવાની જરૂર હોય તો વધુ સમય આપવામાં આવે. જે પછી ઍડ્વોકેટ જનરલની વિનંતી પર જ તા. 12મી ઑક્ટોબરે સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.

દારૂવાલા, બાટલીવાલા અને....

1960માં બૉમ્બે સ્ટેટનું ભાષાના આધારે વિભાજન થયું, જેના કારણે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું.

નવા રાજ્યના ગઠન માટેના આંદોલનમાં રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક સહિત અનેક ગાંધીવાદીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આથી જ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી 'ગાંધીના ગુજરાત'માં દારૂબંધીની નીતિ સ્વીકારવામાં આવી અને તેનો અમલ થયો.

જોકે, હંમેશાં એવું ન હતું, એ પહેલાં ગુજરાતના અમુક સમુદાયો દ્વારા નિયમિત ખાનપાનના ભાગરૂપે શરાબ બનાવતા, તેનું સેવન કરતા અને વેચાણ પણ કરતા હતા.

સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું : "ગુજરાતમાં પ્રૉહિબિશનની નીતિ અંગ્રેજ શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી. એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસી વિસ્તારમાં મહુડામાંથી દારૂ બનાવવામાં આવતો હતો."

"અંગ્રેજો આવ્યા ત્યારે આવકના સ્રોત ઊભા કરવા માટે તેમણે દારૂનાં ઉત્પાદન અને વેપાર પર નિયંત્રણ લાદવાનો પ્રયાસ કર્યો. સરકારી દારૂની દુકાનોમાંથી જ દારૂ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ અંગ્રેજો દ્વારા થયો હતો."

1939માં ગાંધીજીએ બૉમ્બે સરકાર પાસે દારૂબંધીનો અમલ કરાવવાની ફરજ પાડી હતી ત્યારે કેટલાક પારસીઓએ તેનો વિરોધ કર્યો હતો.

તેમનું કહેવું હતું કે એમ કરવાથી તેમના ધાર્મિક અધિકારોનો ભંગ થાય છે અને તેમણે ગાંધીજી પર 'વંશીય ભેદભાવ'ના આરોપ પણ મૂક્યા હતા.

આ સિવાય 'બાટલીવાલા', 'ઢક્કનવાલા' તથા 'બૂચવાલા' વગેરેએ અટકો પણ પ્રચલિત હતી.

અંગ્રેજોના શાસન દરમિયાન મુલતાનથી લઈને મદ્રાસ (હાલનું ચેન્નાઈ) સુધી દારૂના વેપારમાં પારસીઓ ભારે સક્રિય હતા.

'દારૂવાલા', 'દારૂખાનાવાલા', 'પીઠાવાલા' અને 'ટેવર્નવાલા' દારૂના વેપાર સાથે સંકળાયેલા હતા, તો 'વાઇનમર્ચન્ટ', 'રમવાલા' અને 'ટોડીવાલા' જેવી અટકો દારૂની જે જાતનો વેપાર કરતા હોય તેના આધારે ઊતરી આવી હતી.

જોષી માને છે કે ગુજરાતમાં દારૂબંધીની નીતિની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં બિયર, તાડી તથા નીરો ઉપરાંત જે આલ્કોહોલિક પીણામાં નશાનું પ્રમાણ 10 ટકા હોય તેમને નિયંત્રણમાંથી મુક્ત કરવા જોઈએ.

ગુજરાતમાં દારૂબંધીની રાજરમત

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અગાઉ જણાવ્યું હતું, "હું દારૂ પીતો નથી અને મારા પરિવારમાં કોઈ દારૂ પીવે એમ ઇચ્છું નહીં. ગુજરાત પણ મારો પરિવાર છે. છતાં આપણી ઇચ્છા મુજબ બધું થાય એવું નથી. ગુજરાતમાં એક કિલોમિટરનો વિસ્તાર પણ એવો નથી કે જ્યાં દારૂની પોટલી કે દારૂની બૉટલ મળતી ન હોય."

"આમ ગુજરાતમાં દારૂબંધી છે છતાં નથી. તેના કારણે ભ્રષ્ટાચાર સિવાય કશું નથી થતું, ત્યારે તેના પર કેમ વિચારણા ન થવી જોઈએ?"

વાઘેલાના કહેવા પ્રમાણે, તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારે પણ તેમણે દારૂબંધી ઉઠાવવા માટે કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ સીતારામ કેસરી સાથે વાતચીત કરી હતી. તે સમયે તેમની સરકારને કૉંગ્રેસનો ટેકો હતો.

કેસરીએ આ દિશામાં પગલું નહીં ભરવાનું કહેતા વાઘેલાએ વિચાર પડતો મૂક્યો હતો.

મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ દારૂબંધીથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં મદદ મળતી હોવાનું જાહેરમાં અનેક વખત કહી ચૂક્યા છે. જોકે, વાયબ્રન્ટ ગુજરાતથી લઈને અનેક મેળાવડાઓમાં અન્ય રાજ્યો કે વિદેશી મહેમાનો પૂરતો નીતિ ફેરફાર પણ કરવામાં આવ્યો હોવાની વાત ચર્ચાઈ ચૂકી છે.

વાઘેલા માને છે કે દારૂબંધીના કારણે ગુજરાતમાં બહેનો-દીકરીઓ સલામત છે અને કાયદો-વ્યવસ્થાનું શાસન જળવાઈ રહે છે તે બધી ઊભી કરેલી વાતો છે.

તેઓ ગુજરાતના આરોગ્ય તથા આબકારી આવક માટે યોગ્ય હોય તેવી નીતિનું ઘડતર કરવા માટે કમિટીના ગઠનની હિમાયત કરે છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરે દારૂબંધીના અસરકારક અમલ તથા ઠાકોર અને ઓબીસી સમાજમાં પ્રવર્તમાન દારૂ અને બીજી બદીઓ સામે 'ઠાકોરસેના'ના માધ્યમથી અભિયાન ચલાવ્યું હતું અને જનતારેડ પાડી હતી.

રાજ્યની વિજય રૂપાણી સરકારે દારૂનાં સેવા, વેચાણ, પરિવહન, સંગ્રહ તથા ઉત્પાદન સંબંધિત જૂની જોગવાઈઓને વધુ કડક બનાવી હતી અને દંડ તથા સજામાં વૃદ્ધિ કરી હતી.

વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા અને ધારાસભ્ય બન્યા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા.

આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ફરી એક વખત આ મુદ્દો ચર્ચાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ મુજબ એપ્રિલ-2019થી ડિસેમ્બર-2020 દરમિયાન ગુજરાતમાંથી રૂ. 215 કરોડનો દારૂ પકડાયો હતો. જેમાં ભારતનિર્મિત વિદેશી દારૂની 15 કરોડ 58 લાખ જેટલી બૉટલ, 34 લાખ 72 હજાર લીટર દેશી દારૂ તથા બિયરની 41 લાખ 23 હજાર બૉટલ ઝડપાઈ હતી.

આ ગાળા દરમિયાન લગભગ અઢી મહિનાના લૉકડાઉન તથા કોરોનાનો સમય પણ સામેલ છે, જ્યારે કોવિડ પ્રોટોકૉલના ચાંપતા અમલ માટે રાજ્યભરમાં ઠેરઠેર પોલીસ બંદોબસ્ત તથા પિકૅટિંગ ગોઠવવામાં આવ્યું હતું. દારૂબંધીને લગતા કેસોના 4500 જેટલા આરોપી હોવાનું પણ અખબાર નોંધે છે.

ગુજરાતમાં જો દારૂ પીવો હોય તો....

ગુજરાતમાં હાલ દારૂબંધી છે, પરંતુ તે સંપૂર્ણ નથી. 40 વર્ષથી વધુ ઉંમરની કોઈ વ્યક્તિ કે જેની માસિક આવક રૂ. 25 હજાર કરતાં વધારે હોય તેઆરોગ્ય સંબંધિત કોઈ સમસ્યામાં રાહત માટે તબીબી ભલામણના આધારે દારૂનો કાયમી પરવાનો માગી શકે છે.

આ સિવાય પર્યટનના વિકાસ માટે અમુક સ્થળોએ પૂરતી ખરાઈ બાદ બહારથી આવતી વ્યક્તિને હોટલમાંથી કાયદેસરનો દારૂ ખરીદવાની તથા સેવન કરવાનો હંગામી પરવાનો મળે છે.

આ છૂટછાટો વ્યાપક ન હોવાથી ગુજરાતમાં પર્યટનક્ષેત્રના વિકાસમાં અવરોધ ઊભો થાય છે, એમ નિષ્ણાતોના એક વર્ગનું માનવું છે.

ગુજરાત સરકારે 15મા નાણાપંચ સમક્ષ રજૂઆત કરી હતી કે દારૂબંધીને કારણે રાજ્યને જતા નુકસાનની ભરપાઈ પેટે રૂ. નવ હજાર 800 કરોડ વળતર પેટે ચૂકવવામાં આવે.

આ સિવાય પોલીસ તથા અન્ય વિભાગોના સ્ટાફને સાચવવાનો અને કેસ ચલાવવાના ખર્ચ પણ થાય છે.

અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી એક વ્યક્તિના પ્રમાણે, "ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ઉપરાંત કેન્દ્રશાસિત દમણ, સેલવાસ અને દીવમાંથી દારૂ ઠલવાય છે. જે હાઈવે, રેલવે તથા જળમાર્ગે ગુજરાતમાં દારૂ દાખલ થાય છે."

"દમણથી ફોરવ્હીલ નીકળે ત્યારે દરેક જિલ્લા કે ચેકપોસ્ટ પર સેટિંગ હોય છે. પરથી નીચે સુધી બધાને ખબર હોય છે અને તેમનો ભાગ પણ હોય છે."

તેઓ વધુમાં કહે છે, "ડ્રાઇવરથી માંડીને લૉડિંગ અને અનલૉડિંગ માટે વિશ્વાસુ માણસોને રાખવામાં આવે છે, જેથી કરીને બાતમી લીક ન થાય તથા ઘણી વખત ચોપડે કેસ દેખાડવા માટે પૂર્વયોજિત રીતે ખેપનું નુકસાન સહન કરી લેવામાં આવે છે."

ગુજરાતમાં નશાબંધી ખાતામાં ઉચ્ચપદે કામ કરી ચૂકેલા એક અધિકારીએ બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "લોકો સ્વૈચ્છાએ દારૂનો ત્યાગ કરે અથવા તો પાંડુરંગદાદાએ (સ્વાધ્યાય પરિવારના સંદર્ભમાં) જે રીતે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કામ કર્યું અને લોકોને દારૂથી દૂર રહેવા માટે પ્રેરિત કર્યા, તો જ દારૂબંધીનો અમલ થઈ શકે, અન્યથા કાયદા દ્વારા એમ કરાવવું મુશ્કેલ કે લગભગ અશક્ય જ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો