You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનાની નવી સ્કીમ સૉવરેન ગોલ્ડ બૉન્ડ શું છે?
સોનામાં આ વર્ષે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં સોનાના રોકાણમાંથી જેટલું વળતર નથી મળ્યું તેટલું માત્ર આ વર્ષના એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં મળી ગયું છે.
નોંધનીય છે કે અત્યારે સોનાના ભાવ ઊચી સપાટીએ છીએ ત્યારે જાણીએ કે અસલ સોનામાં રોકાણ અને સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણમાં શું ફેર છે.
સૉવરેન ગોલ્ડ બૉન્ડની નાણાકીય વર્ષ 2020-21ની ચોથી સિરીઝનું વેચાણ આજથી (6 જૂલાઈ, સોમવાર) શરૂ થઈ ગયું છે જે 10મી જુલાઈ સુધી ચાલુ રહેશે.
આ સિરીઝમાં પ્રતિગ્રામ સોનાની કિંમત 4852 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
અને જો તેની ખરીદી ઑનલાઇન કરવામાં આવે તો 50 રૂપિયા છૂટ પણ મળશે એટલે કે પ્રતિગ્રામ સોનું 4802 રૂપિયામાં પડશે જ્યારે કે 10 ગ્રામનો ભાવ હશે 48020.
શું છે સૉવરેન ગોલ્ડ બૉન્ડ અને કઈ રીતે ખરીદી શકાય?
સૉવરેન ગોલ્ડ બૉન્ડ એક ગવર્મેન્ટ સિક્યૉરિટી સ્કીમ છે, જે સોનાના ગ્રામમાં નક્કી કરવામાં આવે છે.
અસલ સોનાના બદલે બૉન્ડરૂપે એટલે કે સોનાના ભાવના નક્કી કરાયેલા દર પ્રમાણે તેની ખરીદી કરવામાં આવે છે. અને તેની મૅચ્યોરિટીએ નક્કી ભાવ મુજબ તેના બદલામાં ખરીદદારને રૂપિયા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ પર વાર્ષિક ધોરણે 2.5 ટકા વ્યાજ પણ મળે છે.
સરકારી સ્કીમ હોવાથી દર નાણાકીય વર્ષે સરકાર તબક્કા વાર આ વેચાણ શરૂ કરે છે. જાહેર કરાયેલી તારીખે તેમાં રોકાણ કરી શકાય છે.
આ માટેનું ઍપ્લિકેશન ફોર્મ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) RBIની વેબસાઇટ પર જઈને ભરી શકાય છે અથવા જે બૅન્કોને વેચાણના અધિકાર આપવામાં આવ્યા હોય તેવી બૅન્કો, શિડયુઅલ બૅન્ક, પોસ્ટઓફિસ, નિમાયેલા પોસ્ટઓફિસ એજન્ટો પાસેથી પણ આ ફોર્મ ભરીને ખરીદી કરી શકાય છે. તેમાં રોકાણ કરવા માટે પાન નંબર આપવો જરૂરી હોય છે.
ભારતના નાગરિક એવા લોકો સ્વયં અથવા સંયુક્ત નામે પણ તેમાં રોકાણ કરી શકે છે.
આમ તો આ રોકાણનો લૉકઇન પિરિયડ આઠ વર્ષનો હોય છે, પણ પાંચ વર્ષ બાદ જો તેનું વેચાણ કરવું હોય તો તે નિયમોને આધીન શક્ય બને છે.
ટૅક્સમાં છૂટ મળે છે?
સામાન્યપણે બૉન્ડનું વાર્ષિક વ્યાજ ખાતામાં જમા થતું હોય છે, જે સમયે બૉન્ડ પાકતો હોય ત્યારના સોનાના ભાવ પ્રમાણે વળતરની કિંમત મળે છે
ખરીદી સમયે આપવામાં આવેલા બૅન્ક એકાઉન્ટમાં જ તે જમાં થતું હોય છે.
બૉન્ડની મૅચ્યોરિટી સમયે થતાં કૅપિટલ ગેઇન ટૅક્સમાં છૂટ મળે છે, પણ રોકાણના સમય દરમિયાન તેના પર મળેલા વ્યાજ પર ટૅક્સ લાગે છે.
નિષ્ણાતો શું કહી રહ્યા છે?
'આનંદરાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રૉક્સ લિમિટેડ'ના કૉમોડિટીના ફંડામૅન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ જિગર ત્રિવેદીનું કહેવું છે કે "આમાં બે પ્રકારના મત જેવું છે. પારંપારિક વિચારધારા ધરાવતા લોકો આજે પણ ફિઝિકલ ગોલ્ડમાં વધુ માને છે, જ્યારે નવી ટૅકસેવી જનરેશન બૉન્ડ કલ્ચર તરફ વળી છે."
"મે મહિનામાં થયેલા બૉન્ડના રોકાણના તબક્કાને સારો પ્રતિસાદ મળ્યો હતો એનું મહત્ત્વનું એક કારણ એ પણ છે કે કોરોના વાઇરસને લીધે લાગુ થયેલા લૉકડાઉનને પગલે દુકાનો અને ઘણા કારોબાર બંધ હતાં, તેથી લોકોએ વધતાં સોનાના ભાવ વચ્ચે ઑનલાઇન ખરીદી પસંદ કરી."
તેઓ કહે છે, "એ સિવાય જો સોનાની આયાતના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જૂન 2020માં ભારતની ગોલ્ડ આયાતમાં જૂન 2019ની સરખામણીએ 86 ટકાનો ઘટાડો થયો છે. તેની પાછળ પણ મુખ્ય કારણ લૉકડાઉન અને આંતરાષ્ટ્રીય ઠપ્પ વ્યવહાર જવાબદાર છે. ત્યારે સ્વાભાવિક છે કે બૉન્ડમાં રોકાણ પ્રત્યે લોકોનું આકર્ષણ વધે. સાથે આ એક સરકારી સ્કીમ હોવાથી તેમાં વળતર અંગે ગ્રાહકો નિશ્ચિંત રહે છે."
વેરાસિટી ફાઇનાન્સિયલના CEO પ્રમિત બ્રહ્મભટ્ટનું કહેવું છે કે "અસલ સોના કરતાં ગોલ્ડ બૉન્ડને પ્રાધાન્ય આપવું જોઈએ, કેમ કે તેમાં તેના સંગ્રહ અને સાચવણીની પણ ચિંતા નથી હોતી. તેમજ વેચાણ સમયે પણ સરળતા રહે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો