મોંઘવારીમાં ખરીદી કરતી વખતે પૈસા કઈ રીતે બચાવી શકાય? આ પાંચ ટીપ્સ ફૉલો કરો

    • લેેખક, જોન કાસિડી
    • પદ, બીબીસી ન્યૂઝ

વધતી મોંઘવારી સાથે આપણા પર મોટો બોજ વધી રહ્યો છે. ઘણા લોકોએ માર્કેટમાંથી ખરીદી કરવાનું ઓછું કરી નાખ્યું છે.

લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે અને પોતાનું બજેટ ખોરવાઈ ન જાય તે માટે નવા નવા રસ્તા શોધી રહ્યા છે. આ બાબતે ટિપ્સ અને સલાહ આપતા મની બ્લોગર્સ સાથે બીબીસીએ વાત કરી હતી.

1 - ઘરમાં શું પડ્યું છે તેનો ખ્યાલ રાખો

મની બ્લોગર રોઝી ફર્શો કહે છે, “શોપિંગ કરવા જતા પહેલાં આપણે ઘરમાં શું પડ્યું છે તે ધ્યાનમાં લેવું જોઈએ. કઈ ચીજો ખરીદવાની છે તેની યાદી બનાવવાના ફાયદા આપણે બધા જાણીએ છીએ. યાદી બનાવવાની પદ્ધતિને અનુસરવાથી લાભ થશે. આપણા ઘરમાં જે વસ્તુઓ હોય તેને ફરીથી ખરીદવાથી બિનજરૂરી ખર્ચ વધી જશે. ઘરમાં જે ચીજો પડી હોય તેને ખરીદવાનો શું અર્થ?”

રોઝી પહેલાં ઘરમાં શું પડ્યું છે તેની યાદી બનાવે છે. તેનો અર્થ એ કે શું ખરીદવાનું છે તેની તેમને બરાબર ખબર છે.

આમ કરવાથી તેઓ અને તેમના પતિ બેબી શોપિંગ પર સપ્તાહમાં રૂ. 3,800 સુધીની બચત કરી શકે છે.

2 - સસ્તા દરના વિભાગ તરફ નજર કરો

બ્લોગર લીનના જણાવ્યા મુજબ, આપણે સુપર સ્ટોર કે મોલમાં જઈએ ત્યારે સૌપ્રથમ સસ્તા દરના વિભાગ ભણી ડગલા માંડીએ છીએ. એ આદતમાં ફેરફાર કરવો જરૂરી છે. “તમારી યાદીમાં હોય એ વસ્તુ ત્યાં હોય તો તમે તેના પર ટીક કરી, તેને શોપિંગ કાર્ટમાં નાખીને થોડા પૈસા બચાવી શકો છો.”

લીન સૂચવે છે કે એ પછી ફ્રોઝન ફૂડ વિભાગમાં અને ત્યાર બાદ કેન્ડ ફૂડ વિભાગમાં જવું જોઈએ.

લીન કહે છે, “ફ્રેશ ફૂડ્ઝ કરતાં ફ્રોઝન માંસ, માછલી અને શાકભાજી કાયમ સસ્તાં હોય છે. ફ્રોઝન ફૂડ વિભાગમાં જવાથી થોડા પૈસા જરૂર બચાવી શકાય.”

ફ્રિજનો વધુ સારો ઉપયોગ કરો

સસ્ટેનેબલ ચેરિટી રેપના અંદાજ મુજબ, બ્રિટનમાં પ્રત્યેક ઘરમાંથી દર વર્ષે સરેરાશ 700 પાઉન્ડ (રૂ. 67,000)ની કિંમતનું ઘરેલુ ભોજન ફેંકી દેવામાં આવે છે. ફ્રિજનો વધુ સારી રીતે ઉપયોગ કરવાથી ખાદ્યપદાર્થનો આવો બગાડ રોકી શકાય છે.

લીન કહે છે, “ખાદ્યપદાર્થ બગડવાની શક્યતા હોય ત્યારે તેને તરત જ ફ્રિજમાં મૂકી દેવા જોઈએ. બીજી તરફ જે ચીજોની એક્સપાયરી ડેટ નજીક હોય તેવી ચીજો આપણે સસ્તા ભાવે ખરીદી શકીએ છીએ.”

લીન ઉમેરે છે, “આપણે દૂધ, પનીર, ફળો અને શાકભાજી જેવી ઘણી ખાદ્યસામગ્રી ફ્રિજમાં રાખી શકીએ, તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ અને જરૂર હોય ત્યારે બહાર કાઢી શકીએ.”

ફ્રિઝિંગ વિશે વધુ માહિતી મેળવવા ફૂડ સ્ટાન્ડર્ડ્ઝ એજન્સીની વેબસાઇટની મુલાકાત લો.

'ઘ ફૂલ ફ્રીઝર' નામની વેબસાઇટના સંચાલિકા કેટ હોલ કહે છે, “મારું ફ્રીઝર પોઝ બટનનું કામ કરે છે. આપણે લગભગ તમામ ખાદ્ય પદાર્થ રેફ્રીજરેટ કરી શકીએ. આપણે તેના ઉપયોગની રીતમાં જ ફેરફાર કરવાની જરૂર છે.”

કેટ હોલના કહેવા મુજબ, “અલબત, કેળાં અને સલાડ ફ્રિજમાં ન રાખવા જોઈએ. એ તાજા જ રહેશે તેવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ. તમે તેનો પુડિંગ, સૂપ કે આઈસક્રીમમાં ઉપયોગ કરવાના હો તો તેને ફ્રિજમાં રાખી શકો છો.”

4 - પેકેજિંગને સમજો

રોઝીના કહેવા મુજબ, “માર્કેટમાં ઉપલબ્ધ ફૂડ આઇટમ્સનું પેકિંગ આપણી સુવિધા માટે નહીં, પરંતુ માર્કેટની સગવડ માટે કરવામાં આવેલું હોય છે. કેટલાક પ્રકારના મશરૂમ્સ તેનું પેકેટ ખોલ્યા પછી તરત જ તેના પર ફૂગ ચડી ગઈ હોય એવું લાગે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે તેનું પેકિંગ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવ્યું છે, સ્ટોરેજ માટે નહીં.”

રોઝી ઉમેરે છે, “મશરૂમનું પેક ખરીદી લાવ્યા પછી ઘરે આવીને હું તેને ખોલી નાખું છું અને કાગળની થેલીમાં મૂકી દઉં છું. મશરૂમને પ્લાસ્ટિકની બેગમાંથી બહાર કાઢીને રાખવામાં આવે તો વધારે દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.”

સસ્ટેનેબલ ચેરિટી રેપના હેલેન વ્હાઈટ ‘લવ ફૂડ, હેટ વેસ્ટ’ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, ખોરાકને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એટલા માટે આપણે કેટલાક ફેરફાર કરવા જરૂરી છે.

હેલેન કહે છે, “સલાડમાં ટિશ્યુ રાખવાથી અંદરનો ભેજ શોષાય જાય છે. આ રીતે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય. ફળોને ફ્રિજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહેશે. જોકે, ફ્રીજમાં તાપમાન પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે હોય તે સુનિશ્ચિત કરવું જોઈએ.” દૂઘ અને અન્ય ખાદ્યપદાર્થો તાપમાનમાં તફાવતને કારણે બગડી જતા હોય છે.

5 - નિષ્ણાતોની સલાહ લો

સ્થાનિક નાના વેપારીઓથી માંડીને વર્ષોનો અનુભવ ધરાવતા નિષ્ણાતો લાંબા સમય સુધી ખાદ્યસામગ્રીને સ્ટોર કેવી રીતે કરતા હોય છે?

તેઓ કહે છે, “કસાઈઓ પાસે ઘણી ટિપ્સ હોય છે. પૈસા કેવી રીતે બચવાવવા, માંસને વધુ દિવસો સુધી સ્ટોર કેવી રીતે કરવું એ તેઓ જાણતા હોય છે. આપણે તેમને પૂછી શકીએ. તમારી પાસે આખા સપ્તાહ માટે જરૂરી માંસ ખરીદવા માટે આઠ પાઉન્ડ જ છે એવું કસાઈને જણાવો તો તમે સૌથી સસ્તો કટ ખરીદીને પૈસા કેવી રીતે બચાવી શકો એ તમને જરૂર જણાવશે. માંસ કેવી રીતે રાંધવું અને ઓછામાં ઓછો બગાડ કઈ રીતે કરવો તેની સલાહ પણ તેઓ આપી શકે.”

લોકોના સૂચન

શેલ પોર્ટસ્ટીવર્ટ, નોર્ધન આયર્લેન્ડ - “સપ્તાહ દરમિયાન કઈ સામગ્રીની જરૂર પડશે તેની યાદી હું અને મારાં પત્ની સાથે બેસીને બનાવીએ છીએ. એ માટે કેટલો ખર્ચ થશે તેની ગણતરી પણ કરીએ છીએ. સૌથી સસ્તા ભાવે તે સામગ્રી મળતી હોય તે એપ્લિકેશન પર જઈને ત્યાંથી ખરીદી કરીએ છીએ. સુપર માર્કેટ કે મોલમાં જઈને ખરીદી કરવાથી જરૂર ન હોય તેવી સામગ્રી આપણે ખરીદી લાવતા હોઈએ છીએ. તેથી ઓનલાઈન ખરીદી હિતાવહ છે.”

મિશેલ લશમેન, સરે - “અમે ભોજનની સાપ્તાહિક યાદી બનાવીએ છીએ. એમ કરવાથી ક્યા દિવસે, શું રાંધવાનું છે તેની ખબર પડે. તે યાદી ફ્રિજ પર ચોંટાડી દેવાની હોય છે. શું રાંધવું તેની રોજેરોજની ચિંતા આમ કરવાથી ઘટે છે. સપ્તાહ દરમિયાન શું શું રાંધવાનું છે તે અગાઉથી જાણતા હોઈએ એટલે ખરીદી કરવા જઈએ ત્યારે વધારે ખરીદી થતી નથી. અમે માર્કેટમાં જઈએ ત્યારે પણ સ્પષ્ટ પ્લાન સાથે જ જઈએ છીએ.”

હેલેન બોરોડ્ઝિક, સેન્ટ એન્સ - “આપણે સફાઈ સામગ્રીની ખરીદીમાં પણ બચત કરવી જોઈએ. ડિટર્જન્ટ્સ અને પાઉડરની ખરીદીનો ખર્ચ ઘટાડવો જોઈએ. ખાસ કરીને કપડાં અને વાસણ ધોવાની બાબતમાં તેનો ખ્યાલ રાખવો જોઈએ. દાખલા તરીકે, ચોક્કસ પ્રકારના વસ્ત્રો ધોવા માટે ચોક્કસ પ્રકારનો વોશિંગ પાઉડર જરૂરી નથી. તેની ટિપ્સ માટે આપણે ઓનલાઈન સર્ચ પણ કરી શકીએ.”