ગુજરાત : જીરું, મરચું જેવા જરૂરી મસાલા અત્યંત મોંઘા કેમ થઈ ગયા?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ભારતીય મસાલા પોતાના અનોખા સ્વાદ અને બેમિસાલ ખુશ્બુ માટે દુનિયાભરમાં મશહૂર છે. એક સમય હતો જ્યારે આ જ મસાલાની શોધમાં દુનિયાભરના વ્યાપારીઓ ભારત આવતા હતા. મસાલાને કારણે જ ભારતીય વ્યંજનની દુનિયાભરમાં અનોખી ઓળખ છે. જાણકારો કહે છે કે, ભોજન બનાવતી વખતે જ્યારે મસાલાની સુગંધ ઊડે છે ત્યારે ભૂખ આપોઆપ લાગે છે.

એ કહેવું અયોગ્ય નહીં હોય કે મસાલા વગર ભારતીય વ્યંજનની કલ્પના નહીં કરી શકીયે. મસાલા ભારતીય ડિશને લિજ્જતદાર બનાવી દે છે, પણ બજારોમાં મસાલાની કિંમતો વધી રહી છે.

મસાલા-બજાર સાથે સંકળાયેલા તજજ્ઞો જણાવે છે કે જીરું, મરચું, વરિયાળી અને આદુંની કિંમતો વધી છે. વળી, કેટલાક મસાલામાં ઉત્પાદન ઓછું થતાં અને માર્કેટમાં માગ વધતાં ભાવો હજુ વધવાની શક્યતાઓ છે.

હાલ મસાલા ભરવાની સિઝન છે. એક તરફ દુનિયાભરમાં ફુગાવો માઝા મૂકી રહ્યો છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ ચરમસીમા પર છે. જળવાયુ પરિવર્તનની અસર હેઠળ કેટલાક દેશોમાં ભયંકર ગરમી પડી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદ છે. આ બધાં પરિબળોની અસર મસાલાના પાક પર પણ પડી છે. ત્યારે જોઈએ કે મસાલા ભરવાની આ સિઝનમાં મોંઘવારીનો માર કેટલો 'તીખો' છે?

ગૃહિણીઓ માટે વઘાર કરવો બન્યો મોંઘો

ગૃહિણીઓ માટે જીરાંનો વઘાર કરવો મોંઘો બન્યો છે. મસાલા બજારના નિષ્ણાતો કહે છે કે મસાલામાં સૌથી વધુ મોંઘું થયું હોય તો તે જીરું છે. જીરું ઐતિહાસિક તેજી વટાવી ચૂક્યું છે. જોકે, જીરું ઉપરાંત મરચામાં પણ ભાવવધારો થયો છે. જ્યારે અન્ય મસાલાઓમાં પણ ખેતી, ઉત્પાદન, હવામાન અને બજારમાં માંગ અને પુરવઠાની ગણતરીઓ જેવાં વિવિધ કારણોસર ભાવ વધેલા જોવા મળે છે.

મહારાષ્ટ્રના થાણેમાં મસાલા બનાવતી કંપની જેબ્સ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર શૈલેષ શાહના જણાવ્યા પ્રમાણે આ વખતે જીરુંનો પાક ઓછો થયો છે અને માગ વધારે છે.

શૈલેષ શાહ કહે છે, “30 ટકા જેટલો માલ ઓછો છે. માગ વધારે છે પણ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. બજારમાં સ્ટોકિસ્ટો હાવી છે. માલનો સંગ્રહ થાય છે. નિકાસની માગ પણ વધુ છે. ભાવોની સ્પેક્યૂલેશનને કારણે છૂટક બજારમાં જીરું ઘણું જ મોંઘું મળી રહ્યું છે.”

મસાલા બનાવતી કંપની સ્વાની સ્પાઇસિસના હરજીવસિંહ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહે છે, “આ વર્ષે જીરાનું વાવેતર પણ ઓછું થયું. કમોસમી વરસાદને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થયું એટલે ઉત્પાદન પણ ઓછું થયું. ઠંડી પણ ઓછી પડી તેને કારણે જીરાના દાણાની ગુણવત્તાને અસર પહોંચી.”

જીરુંનો ભાવ હોલસેલ બજારમાં 500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

જીરુંના ભાવમાં વધારાની અસર ઘાણાંજીરું પર પણ પડી છે. જોકે આ વખતે ધાણાંનો પાક સારો છે અને તેના ભાવ ગત વર્ષ કરતા થોડા ઘટ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણે ધાણાના ભાવ જે ગત વર્ષે 100-180 હતા તે ઘટીને હવે 70-150 થઈ ગયા છે.

જોકે રાઈની કિંમત પર બહુ ઝાઝી અસર થઈ નથી. બજારના નિષ્ણાતો કહે છે કે હોલસેલ માર્કેટમાં રાઈનો ભાવ પ્રતિ કિલો 55થી 70 રૂપિયા છે. ગત વર્ષ કરતા રાઈના ભાવમાં બહુ ઝાઝો વધારો થયો નથી.

મરચાંના ભાવ લાગી રહ્યા છે વધારે તીખાં

જીરું બાદ જો સૌથી વધુ મસાલાના ભાવો વધ્યા હોય તો તે મરચાંના છે. મરચાંના ભાવોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.

બૉમ્બે મૂડી બજાર કિરાણા મર્ચન્ટ ઍસોસિયેશનના પૂર્વ ચૅરમૅન અંબરિષ બારોટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “તીખું મરચું ગત સાલ જે 180-210 રૂપિયા પ્રતિ કિલો હતું તે આ વર્ષે વધીને લગભગ ડબલ એટલે કે 240-260 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. કાશ્મીરી મરચાંના ભાવ જે ગત વર્ષે 500-600 રૂપિયા પ્રતિ કિલો હતા જે આ વર્ષે વધીને 700-800 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.”

મુંબઈ ખાતેના ફૂડ ગ્રેઇનના ટ્રેડર અને એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “કમોસમી વરસાદને કારણે પાકને તો નુકસાન થયું જ સાથે તેની ગુણવત્તાને પણ થયું. તેને કારણે મરચાંના ભાવો લગભગ ડબલ થઈ ગયા. જોકે જીરુંમાં જે સટ્ટાકિય સ્થિતિને કારણે ભયંકર તેજી છે તેવી સ્થિતિ અન્ય મસાલામાં જોવા નથી મળી.”

જાણકારો કહે છે કે જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતો હંમેશા કૉલ્ડ સ્ટોરેજનો વિકલ્પ પસંદ કરે છે. જ્યારે બજાર ઉપર જાય ત્યારે તેઓ માલ બજારમાં લાવીને વેચે છે.

હરજીવસિંહ કહે છે, “આ વખતે ઉત્પાદન સારું છે પણ ગત વખતે નહોતું. માલ હાલ કૉલ્ડ સ્ટોરેજમાં જતો રહ્યો છે.”

શૈલેષ શાહ કહે છે, “ગત વર્ષે મરચાંના પાકમાં વાઇરસ લાગ્યો હતો. તેને કારણે ફસલ 30-40 ટકા ઓછી થઈ. આ વખતે પાક સારો છે પણ સ્ટોકિસ્ટો માલને પકડી રાખે છે તેને કારણે મરચાંના ભાવ વધારે તીખા લાગી રહ્યાં છે.”

ભારત તેના કુલ મસાલા પૈકી સૌથી વધુ મરચાં નિકાસ કરે છે. ભારત તેના નિકાસ કરતા મસાલા પૈકી કુલ 27 ટકા મરચા નિકાસ કરે છે. તે પૈકી ભારત સૌથી વધુ મરચાની નિકાસ ચીન ખાતે કરે છે. જાણકારો કહે છે કે કોવિડ નિયંત્રણો બાદ હવે ચીનનું બજાર ખુલ્યું છે એટલે તે ગત સિઝન કરતા આ સિઝનમાં વધારે મરચાની આયાત કરી શકે છે જેને પગલે મરચાંના ભાવમાં વધુ તેજી આવવાની સંભાવના છે.

ફેડરેશન ઑફ ઇન્ડિય સ્પાઇસ સ્ટૉક હોલ્ડર્સ FISSના ચૅરમૅન અશ્વિન નાયક બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “ચીનનું બજાર હવે કોવિડ બાદ ખુલી ગયું છે. ચીન એકવખત કોઈ માલની ધમધોકાર ખરીદી કરે એટલે તેની અસર ભારત પર પડશે. આ સિવાય દુનિયાના બજારો પણ હવે ખુલી ગયા છે. એટલે મરચાંની માગ વધશે અને તેજી પણ.”

જાણકારો કહે છે કે ભારતના મસાલાની માગ આ વખતે ચીન સિવાય અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વના દેશોમાં વધશે. જોકે કેટલાકને એવો પણ ભય છે કે દુનિયાભરમાં ફુગાવો વધ્યો છે તેવા સંજોગોમાં માગ ઘટી શકે છે.

અન્ય મસાલાના ભાવોમાં પણ વધારો

હળદરના ભાવોએ પણ લોકોને લાલપીળા કરી નાખ્યા છે. જોકે હળદરના ભાવોમાં એટલી તેજી નથી. આંધ્ર પ્રદેશમાં વરસેલા કમોસમી વરસાદે ત્યાં હળદળના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ગુંટુર, ક્રિષ્ણા અને એનટીઆર જિલ્લામાં હળદરનો પાક ધોવાઈ ગયો હતો. પણ જાણકારો કહે છે કે ગત વર્ષે હળદરની માગ ઓછી હતી એટલે તેના ભાવો બહુ વધ્યા નથી.

હરજીવસિંહ કહે છે, “ગત વર્ષનો માલ પડ્યો છે. એટલે ભલે આ સિઝનમાં માલની ઘટ હોય સપ્લાય ચેઇનમાં બહુ વાંધો નહીં આવે.”

અંબરિષ બારોટ કહે છે, “હળદરના ભાવો ગત વર્ષે પ્રતિ કિલો 60-80 રૂપિયા હતા તે વધીને 70-90 રૂપિયા થયા છે. બહુ ફરક નથી.”

કોમોડિટી એક્પર્ટ દિપેન શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે મુખ્ય પાંચ મસાલા છે. મરચાં, જીરું, ધાણા, હળદર અને મરી.

“મરચું અને જીરું લાઇફટાઇમ હાઈ છે. હળદરનો ભાવ પ્રતિ કિલો 78 રૂપિયા અને મરીનો ભાવ ફ્લેટ એટલે કે 500 રૂપિયા પ્રતિ કિલો છે. જોકે આ બંનેમાં આવતા વર્ષે તેજી લાગે છે. ધાણામાં પણ આ સિઝનમાં પ્રતિ કિલો ભાવ 68 રૂપિયા છે પણ આવતા વર્ષે વધી શકે છે.”

મેથીના ભાવમાં 10-20 રૂપિયાનો વધારો થયો છે. જાન્યુઆરીમાં એલચીનો મહત્તમ ભાવ 1900 રૂપિયા પ્રતિ કિલો ગયો હતો. હાલ તે હવે 1500-1800ની વચ્ચે ચાલે છે.

હરજીવસિંહ કહે છે, “લવિંગના માલમાં અછત છે તેથી તેના ભાવો પણ વધ્યા છે અને એલચીના ભાવો વધ્યા છે પણ તે ઓછા થવાની શક્યતા છે.”

“આદુંનું વાવેતર પણ ઓછું થયું હતું. તેના ઉત્પાદનમાં 20-25 ટકા ઘટ છે. કારણકે ગત વર્ષે ખેડૂતોને ભાવ મળ્યા નહોતા.”

લસણના વેપારી કહે છે લસણ એ સ્પાઇસ એક્પોર્ટ બાસ્કેટમાં સ્ટાર પરફોર્મર તરીકે ઊભર્યું છે. ચીનમાંથી લસણની આવક ઓછી છે તેને કારણે દેશી લસણની માગ વધી છે. તેને પગલે લસણની નિકાસ વધી છે. સાથે જ લસણના ભાવો પણ ઉંચકાયા છે. ચીની લસણના ભાવો વધવાને કારણે વિશ્વના ઘણા દેશો ભારતના લસણ તરફ વળ્યા છે.

અશ્વિન નાયક કહે છે, “લસણનો ભાવ પણ વધ્યો છે. સૂંઠનો ભાવ વધ્યો છે. સૂવામાં તેજી છે. વરિયાળીમાં ભયંકર તેજી છે.”

કોકમમાં પણ ભાવો વધ્યા છે.

ભારત છે વિશ્વનું મસાલા હબ

સ્પાઇસ બોર્ડ ઑફ ઇન્ડિયા અનુસાર ભારત 52 જેટલા મસાલાની નિકાસ કરે છે. ભારત મસાલાનું સૌથી વધુ ઉત્પાદન કરતો, તેની સૌથી વધુ નિકાસ કરતો અને તેનો સૌથી વધુ વપરાશકર્તા દેશ છે.

ભારતમાં 10.88 ટન મસાલાનું ઉત્પાદન થાય છે. 14 ટકા મસાલા નિકાસ થાય છે.

ભારત સરકારના વાણિજ્યવિભાગના આંકડા અનુસાર વર્ષ 2021-22માં ભારતે 1531154 મેટ્રીક ટન મસાલાની નિકાસ કરી. જે અંતર્ગત તેને 30,576 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાયું હતું.

મસાલાની નિકાસ જે જાન્યુઆરી 22માં 268.72 મિનિયન ડૉલર્સની હતી તે જાન્યુઆરી 23માં 3.79 ટકા વધીને 278.91 મિલિયન ડૉલર્સ થઈ ગઈ.

ભારત મસાલાની સૌથી વધુ નિકાસ ચીનમાં કરે છે. ભારત કુલ મસાલાની નિકાસના 21 ટકા નિકાસ ચીન ખાતે કરે છે. આ ઉપરાંત ભારત અમેરિકા, યુએઈ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મલેશીયા, યુકે, જર્મની, નેધરલૅન્ડ, નેપાળ અને સાઉદી અરેબિયા ખાતે પણ મસાલાની નિકાસ કરે છે.