You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : શેરડી પકવતાં ખેડૂતો અને શુગરમિલો કેમ સંકટમાં છે?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
"ખેતીનો ખર્ચ એટલો વધી ગયો છે કે જો પ્રતિ વીઘા 10 ટનનું ઉત્પાદન થાય તો માત્ર ખર્ચ નીકળે છે, નફાની વાત તો દૂર રહી. જો ઉત્પાદન 10 ટનથી વધુ હોય ત્યારે ખેડૂતને કંઈક પૈસા મળે છે."
"પરંતુ ખર્ચ સતત વધી રહ્યો છે અને તેના કારણે ખેડૂતો અન્ય પાક તરફ વળી રહ્યા છે."
85 વર્ષના ચીમન પટેલ ખેતઉત્પાદનની સ્થિતિ અંગે આ વાત કરી રહ્યા છે.
તેઓ વધુમાં કહે છે કે, "જો આમ જ ચાલ્યું તો બહુ ઝડપથી સમગ્ર વ્યવસ્થા પડી ભાંગશે અને દક્ષિણ ગુજરાતની ઓળખસમી આ ખેતી નહીં બચે."
"સરકારે સહકારી ખાંડઉદ્યોગ અને ખેડૂતો માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ."
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂત ચીમનભાઈ પટેલ દાયકાઓથી શેરડીની ખેતી કરી રહ્યા છે પરંતુ હવે તેમને એમાં રસ ઘટી રહ્યો છે.
તેઓ દર વર્ષે શેરડીની રોપણી ઘટાડીને બીજા પાકોનું વાવેતર કરી રહ્યા છે.
18 શુગર મિલો આવેલી હોવાથી દક્ષિણ ગુજરાત 'ગુજરાતના શુગર બાઉલ' તરીકે પણ ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંના લાખો ખેડૂતો માટે શેરડી એ પાક નથી પરંતુ જીવાદોરી છે અને આ વાત શુગરમિલો માટે પણ લાગુ પડે છે.
પરંતુ હવે આ શેરડીની ખેતી અને ખાંડ ઉત્પાદન ઉપર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
વધતા ખર્ચ સહિતનાં વિવિધ કારણો
માત્ર વધતો ખર્ચ, મજૂરોની અછત અને પાકની યોગ્ય કિંમત જ નહીં પરંતુ બીજાં કારણસર પણ વર્ષોથી શેરડીની ખેતી કરતાં ખેડૂતો કાં તો ખેતી કરવાનું છોડી રહ્યા છે અથવા અન્ય પાકો તરફ વળી રહ્યા છે એમ જાણવા મળ્યું છે.
ચીમનભાઈ પટેલ કહે છે, "શેરડી પકવતો ખેડૂત ચારે બાજુથી ઘેરાઈ ગયો છે. ખાંડના ભાવ મોટા ભાગે સ્થિર રહેવાના કારણે ખેડૂતને કોઈ નફો થતો નથી."
"હાલ શુગરમિલો પ્રતિ ટન શેરડીના જે ભાવ આપે છે, તેમાં પ્રતિ વીઘે 15 ટન ઉત્પાદન થાય તો એક વીધે 1500-2000 રૂપિયાનો લાભ ખેડૂતને મળે છે."
"હવે આટલી નજીવી આવક થતી હોય તો ખેડૂત કેવી રીતે અને કેટલા સમય સુધી શેરડીની ખેતી કરશે?"
દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "શેરડીનો પાક 18 મહિના બાદ તૈયાર થાય છે."
"એટલે ખેડૂતે 18 મહિના સુધી પાકની રખેવાળી અને દેખરેખ રાખવી પડે છે. વાવેતર અને જાળવણી બાદ શેરડીની કાપણી પણ એટલી જ જટિલ અને મોંઘી છે."
"આજે શેરડી કાપવા માટે મજૂરી મોંઘી આપવા છતાં મજૂરો મળતાં નથી."
તેઓ કહે છે કે શુગરમિલ પાક લઈ ગયા બાદ 6થી 8 મહિનામાં ખેડૂતોને પૈસા ચૂકવે છે.
હવે 24 મહિના રાહ જોયા બાદ પણ ખેડૂતને જો ઘર ચલાવવા પૂરતી આવક નહીં મળે તો તે ખેતી કરવાનો જ નથી.
આ બધી સમસ્યાઓ ઉપરાંત ખેડૂતો જે બે મુખ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે છે – જમીનમાં સતત વધી રહેલા ક્ષારનું પ્રમાણ અને ખેતીની જમીનની ફળદ્રુપતામાં ઘટાડો."
"ક્ષાર વધવાના કારણે પ્રતિ વીઘા ઉત્પાદનમાં ઘટાડો આવી ગયો છે.
ફળદ્રુપતામાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે ખાતરનો વધુ પડતો ઉપયોગ.
પ્રતિ વીઘાએ સારું ઉત્પાદન મેળવવા ખેડૂતો છૂટથી ખાતરનો ઉપયોગ કરે છે, જેની સીધી અસર જમીનની ફળદ્રુપતા પર પડે છે.
આજે ખેડૂતને શેરડીની ખેતી માટે જરૂર કરતાં વધુ મહેનત કરવી પડે છે.
સાયણ શુગરના ડિરેક્ટર દર્શન નાયક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જો તમે ટકાવારીની વાત કરો તો ક્ષારના કારણે શેરડીના ઉત્પાદનમાં 20-30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે બહુ મોટો આંકડો છે."
"દક્ષિણ ગુજરાતમાં ખેતીની જમીનમાં ક્ષારનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના માટે વિવિધ કારણો જવાબદાર છે. ક્ષારના કારણે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે."
ખેડૂતો આર્થિક ભીંસમાં કેમ મુકાયા?
દક્ષિણ ગુજરાતમાં શુગરમિલો પોતાની રીતે પ્રતિ ટન શેરડીના ભાવ જાહેર કરે છે.
કેટલીક મિલો ખેડૂતોને સારા ભાવ આપે છે જ્યારે અન્ય મિલોમાં આમ થતું નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી નવસારી જિલ્લાની ગણદેવી શુગરમિલ પ્રતિ ટન શેરડીનો સૌથી વધુ ભાવ આપે છે.
2021-22માં પ્રતિ ટન શેરડીનાં સૌથી વધુ ભાવ ગણદેવી સુગરે જાહેર કર્યો હતો, જે 3361 રૂપિયા હતો.
બારડોલી શુગર ફેકટરીએ પ્રતિ ટન શેરડી માટે 3202 રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા હતા. સૌથી ઓછા ભાવ ગણશે શુગરે જાહેર કર્યો હતો જે પ્રતિ ટન 2100 રૂપિયા હતો.
જયેશ પટેલ કહે છે,"શેરડીની રોપણીના બે વર્ષ પછી ખેડૂતોને પાકના પૈસા મળે છે."
"શુગરમિલો ખેડૂતોને જે કિંમત ચૂકવે છે, તેમાં ખર્ચ બાદ કરતાં નજીવી રકમ બચે છે."
"ખેડૂતની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ પોતાના પાકનો ભાવ નક્કી કરી શકતાં નથી."
"ભાવ શુગરમિલો દ્વારા નક્કી કરવામાં આવે છે, જે બજાર આધારિત હોય છે."
"ભાવ નક્કી કરવામાં ક્યાંય પણ ખેડૂતની મહેનત અને ખેતી પાછળ થતા ખર્ચ વિશે વિચાર કરવામાં આવતો નથી."
બજાર એ માગ આધારિત ચાલતી હોય છે, જો માગ વધારે હોય તો પૈસા મળે છે.
શેરડીની ક્યારેય એવી માગ દેખાતી નથી, જેવી અન્ય પાકો ઘઉં, મગફળી અથવા જીરુંમાં જોવા મળે છે.
એટલે સરવાળે ખેડૂતને નુકસાન જાય છે અને તેઓ આર્થિક સંકટ અનુભવે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.
તો શુગરમિલો શેરડીના વધુ ભાવ કેમ આપતી નથી? જવાબમાં દર્શન નાયક કહે છે, "શુગરમિલો માટે સરકારની કોઈ નીતિ નથી, જેના કારણે સહકારી શુગરમિલો વિવિધ તકલીફનો સામનો કરી રહી છે."
"સહકારી શુગરમિલો બજારમાં ખાંડ વેચી નથી શકતી. બજારમાં ખાંડના ભાવ લગભગ સ્થિર છે અને પ્રતિ ટન 100-150 રૂપિયાની વધ-ઘટ જોવા મળે છે, જેના કારણે ઇચ્છા હોય તો પણ ખેડૂતોને વધુ ભાવ આપી શકાતા નથી."
તેઓ વધુમાં ઉમેરે છે કે, "સહકારી શુગરમિલ પાસે ખાંડ સંગ્રહ કરવાની એવી કોઈ વ્યવસ્થા નથી અને આર્થિક રીતે એટલી સક્ષમ પણ નથી કે ખાંડનો મોટો સ્ટૉક રાખી મૂકે."
"સહકારી મિલો નહીં નફા નહીં નુકસાનના ધોરણે કામ કરે છે, જેના કારણે ખાંડનો સ્ટૉક વેચવો જરૂરી હોય છે જેથી ખેડૂતોને સમયસર ચુકવણી કરી શકાય."
શુગરમિલો મુશ્કેલીમાં મુકાઈ?
ખાનગી શુગરમિલોને પ્રોત્સાહન અને વિદેશથી આયાત થતી ખાંડના કારણે પણ સહકારી મંડળીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે.
બ્રાઝિલ અને અન્ય ખાંડ ઉત્પાદક દેશોથી ઓછી કિંમતમાં ખાંડની આયત કરી શકાય છે, જે પણ એક મોટું કારણ છે.
ઉપરાંત બીજાં બે મહત્ત્વનાં કારણ છે – સહકારી શુગરમિલો દ્વારા ઉપયોગમાં લેવાતી જૂની તકનીક અને સહકારી મંડળીઓનું રાજકારણ.
આજે બ્રાઝિલમાં એક ટન શેરડીમાંથી 160 કિલો અથવા તેનાથી વધુ ખાંડનું ઉત્પાદન કરે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલી શુગરમિલોમાં આ પ્રમાણ માત્ર 100-110 કિલોગ્રામ છે.
આ એટલા માટે કે સહકારી ક્ષેત્રની શુગરમિલો જૂની તકનીકનો ઉપયોગ કરે છે. તેનાથી વધુ ખર્ચમાં ઓછું ઉત્પાદન મળે છે અને જોઈએ એવો નફો થતો નથી.
દર્શન નાયક કહે છે, "શુગરમિલમાં પોતાની સત્તા આવે તો માટે રાજકીય પક્ષો સતત સક્રિય રહે છે અને ઘણાં મહત્ત્વનાં કામો પર લાંબા સમય સુધી નિર્ણય લેવાતો નથી."
"છેલ્લાં થોડાં વર્ષોથી મોટા ભાગની સહકારી શુગરમિલો પર ભાજપનું પ્રભુત્વ છે. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે યોગ્ય રજૂઆત પણ કરવામાં આવતી નથી."
તેઓ કહે છે, "શુગરમિલો પર ખર્ચ અને વ્યાજનું ભારણ વધી રહ્યું છે, જેની પર તત્કાળ ધ્યાન આપવાની જરૂર છે."
"ખેડૂતોની સાથેસાથે શુગરમિલો પણ બૅન્કો પાસેથી લોન અથવા ઑવરડ્રાફ્ટ લઈને પોતાનો ખર્ચ કાઢી રહી છે."
"સહકારી મંડળી હોવાના કારણે શુગરમિલો પાસે મર્યાદિત જ ભંડોળ હોય છે. શુગરમિલોમાં જ રાજકરણ પ્રવેશવાના કારણે એવાં ઘણાં કામો છે, જેની પર કામ થતું નથી અથવા કામ આગળ વધતું નથી."
સંકટમાંથી બહાર નીકળી શકાય?
હવે જ્યારે ખેડૂતો અને શુગરમિલો સંકટમાંથી પસાર થઈ રહ્યાં છે તો શું તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ખરો?
દર્શન નાયક કહે છે, "સૌથી પહેલાં તો સરકારે સહકારી શુગરમિલોને ખાંડની નિકાસ માટે પ્રોત્સાહન આપવું જોઈએ."
"જ્યારે અન્ય દેશોમાં ખાંડના ભાવ વધે છે ત્યારે સરકાર ખાંડની નિકાસ પર આપવામાં આવતી સબસિડી બંધ કરી નાખે છે."
"જેના કારણે મિલોને નિકાસ મોંઘી પડે છે. આ નીતિ બદલવી જોઈએ."
"બીજું કે સરકારે શુગરમિલો માટે નવી પૉલિસી પણ બનાવવી જોઈએ. દાખલા તરીકે પેટ્રોલમાં ઇથનૉલ મિક્સ કરવાની વાત છે."
"તેના માટે સરકારે રસ દાખવીને મિલોને આર્થિક રીતે મદદ કરવી જોઈએ. જો આમ થશે તો મિલો આર્થિક રીતે મજબૂત થશે અને સરવાળે ખેડૂતોને પણ લાભ થશે."
તો ખેડૂત આગેવાન જયેશ પટેલ કહે છે, "જો સરકાર ખેડૂતોની મદદ કરવા માગતી હોય તો શેરડીના ખેડૂતોની વર્ષો જૂની માગણી પૂરી કરવી જોઈએ, જે છે ખાંડની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવી."
"જો આમ થઈ જાય તો ખેડૂતોને શેરડીની ખેતીથી સારો એવો નફો થઈ શકે છે."
પણ શું સરકારની મદદ સિવાય પણ બીજો કોઈ રસ્તો છે?
જયેશ પટેલ કહે છે, "નવી તકનીક અપનાવવાથી અને 18 શુગરમિલો સાથે કામ કરે તો આ સંકટમાંથી બહાર આવી શકાય છે. ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન અને બીજી તકનીક અપનાવી જોઈએ."
"તેનાથી પ્રતિ વીઘાએ વધુ ઉત્પાદન મેળવી શકશે. હાલમાં ખેડૂતો દાયકાઓ જૂની પદ્ધતિનો ખેતી માટે ઉપયોગ કરે છે, જે એટલી ઉપયોગી નથી."
તેઓ વધુમાં જણાવે છે કે દક્ષિણ ગુજરાતની 18 શુગરમિલો જો ભેગી થઈને કામ કરે તો ઉત્પાદનક્ષમતામાં પણ વધારો થશે અને ખર્ચમાં પણ ઘટાડો આવશે.
આ સમગ્ર મામલે સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રયત્નો અંગે વાત કરવા માટે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનો સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કરાયા છતાં વાત થઈ શકી નહોતી. સંપર્ક થાય ત્યારે આ અહેવાલ અપડેટ કરાશે.