ગીરની કેસર કેરીને પણ ટક્કર આપી શકે તે નવી જાત કઈ છે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભાગ્યેજ કોઈ એવો ગુજરાતી હશે જેને કેસર કેરી ન ખાધી હોય. પોતાની મીઠાશના કારણે કેસર કેરી બધાની પ્રિય છે. પરંતુ વર્ષોના સંશોધન બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીએ કેરીની એક એવી જાત વિકસાવી છે, જેને તેઓ માને છે કે તે કેસર કેરીને પણ ટક્કર આપી શકે છે.

કેરીની આ નવી જાતને તમામ યુનિવર્સિટી રિસર્ચ કમિટી તેમજ ગુજરાતની સ્ટેટ સીડ સબકમિટી તરફથી મંજૂરી મળી ગઈ છે.

ગુજરાત મૅંગો 1 (આણંદ રસરાજ) કેરી મીઠી હોવાની સાથેસાથે સારું ઉત્પાદન પણ આપે છે.

કૃષિ યુનિવર્સિટીએ 11થી પણ વધુ વર્ષોના સંશોધન બાદ કેરીની નવી જાત વિકસાવી છે, જે ખેડૂતોને સારો નફો રળી આપી શકે છે. કૃષિ યુનિવર્સિટી ટૂંક સમયમાં આણંદ રસરાજ કેરીની કલમ બજારમાં રજૂ કરશે.

ગુજરાતના ખેડૂતો મોટાભાગે કેસર, આલ્ફાન્ઝો, તોતાપુરી, રાજાપુરી, નીલમ અને લંગડા કેરીનું વાવેતર કરે છે. કૃષિ યુનિવર્સિટીને એવી આશા છે કે પોતાના સ્વાદ, આકાર અને સારી ઉપજના કારણે આણંદ રસરાજ કેરીની અન્ય જાત કરતાં પણ વધારે સારું બજાર મેળવશે.

આણંદ રસરાજ કેટલું ઉત્પાદન આપે છે?

કૃષિ યુનિવર્સિટી અનુસાર આણંદ રસરાજ કેરી પ્રતિ વૃક્ષે સરેરાશ 57.4 કિલો અથવા પ્રતિ હેક્ટરે 11.49 ટનની ઊપજ આપે છે. અન્ય કેરીની જાત કરતાં આણંદ રસરાજ નિયમિત ઉત્પાદન આપે છે અને 100-110 દિવસમાં પાકે છે, જે ખેડૂતો માટે બહુ ફાયદાકારક છે.

આ જાત લંગડો કરતાં 29.86 ટકા, દશેહરી કરતાં 44.95 ટકા, કેસર કરતાં 30.45 ટકા, સોનપરી કરતાં 31.35 ટકા, સિંધુ કરતાં 77.16 ટકા અને મલ્લિકા કરતાં 27.84 ટકા વધારે ઉપજ ધરાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધક ડૉ. વિનોદ મોર કહે છે, "8– 11 વર્ષના કેરીની કલમો પર વર્ષો સુધી સંશોધન કરવામાં આવ્યું હતું. ઉત્પાદન વૃક્ષની ઉંમર પર આધારિત હોય છે. કેસર, લંગડો અને દશેહરીમાં એક મોટી સમસ્યા એ છે કે એક વર્ષ ફળ આવ્યાં બાદ બીજા વર્ષે ફળ આવતું નથી. આણંદ રસરાજમાં નિયમિત ફળ આવે છે."

"કેસર કેરી સૌથી વધુ લોકપ્રિય છે પરંતુ તેની શૅલ્ફ લાઇફ (આયુષ્ય) ઓછી હોય છે. અમુક દિવસો બાદ તેમાં કાળા ડાઘ પડવા લાગે છે, જે આણંદ રસરાજમાં નથી થતું. જીવાત અને ફૂગ સામે પણ આ ટકી શકે છે ખાસ કરીને ફૂડ ફ્લાય સામે. જો તમે આઠ-10 દિવસ સુધી આ કેરીને ખુલ્લાંમાં સંગ્રહ કરો તો પણ તે બગડતી નથી."

ગુજરાતનું હવામાન આ જાત માટે કેટલું માફક છે? તેના જવાબમાં ડૉ. મોર કહે છે, "ગુજરાતની આબોહવા, જમીન અને પાણી આણંદ રસરાજ માટે અનુકૂળ છે. અમે મધ્ય ગુજરાતમાં આ કેરી પર સંશોધન કર્યું હતું, જેના બહુ સારાં પરિણામ આવ્યાં છે."

સંશોધન પ્રમાણે પરિપક્વ ફળો લાંબાથી મધ્યમ કદના હોય છે, જેની લંબાઈ સામાન્યતઃ 11-12 ઇંચ હોઈ શકે છે. આ કેરીની છાલ લિસ્સી અને પીળા કલરની હોય છે અને તેનો પલ્પ મધ્ય પીળા રંગનો હોય છે.

કેસર અને સોનપરી કેરીની તુલનામાં આણંદ રસરાજમાં શુગર, ફ્લાવાનૉઇડ અને કૅરાટોનૉઇડની માત્રા ઓછી છે. સાથે તેમાં માત્ર 0.48 ટકા ક્રુડ ફાઇબર છે.

ડૉ. મોર કહે છે, "આ કેરીમાં ફાઇબર (રેસા) બહુ ઓછા છે. જ્યારે તમે કેરી ખાવ છો ત્યારે રેસા આવતાં નથી જે કેરીનો સ્વાદ હજી વધારી નાખે છે. આ કેરીનો પલ્પ રેસા વગરનો હોય છે. સૌથી મોટું જમા પાસું છે તેની મીઠાશ, જે કેસર કેરી કરતાં પણ વધુ છે."

સિલેક્શન તકનીકથી કલમ તૈયાર કરાઈ

સિલેક્શન તકનીકથી આ કેરીની જાતની કલમ તૈયાર કરવામાં આવી છે.

કૃષિ યુનિવર્સિટીની આંબાની વાડી છે જ્યાં દેશી કેરીનાં વૃક્ષો હતાં.

એક સ્વસ્થય વૃક્ષને ગ્રાફટિંગ કરીને આણંદ રસરાજની કલમ તૈયાર કરવામાં આવી છે. કલમ તૈયાર થયા બાદ તેના પર સંશોધન કરવામાં આવ્યું હતું અને તારણોના અભ્યાસ બાદ જાત બહાર પાડવામાં આવી છે.

જળવાયુ પરિવર્તનની અસર સામે પણ ટકી શકે છે

જળવાયુ પરિવર્તનની ખેતી ઉપર માઠી અસર થઈ રહી છે, જેમાં કેરી પણ બાકાત નથી. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને તાલાલામાં જળવાયુ પરિવર્તનની કેસર કેરીના ઉત્પાદન પર અસર જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પણ થયું હતું.

સંશોધકો અનુસાર આણંદ રસરાજ કેરી વાતારવણની વિષમતા સામે ટકી શકે છે અને સારું ઉત્પાદન પણ આપશે.

ડૉ. મોર કહે છે, ''10-11 વર્ષના સંશોધનમાં એક પણ વર્ષ એવું નથી આવ્યું જ્યારે આણંદ રસરાજના વૃક્ષમાં ફળ ન આવ્યાં હોય. નિયમિત ફ્લાવરિંગ આવે છે અને સારાં એવાં પ્રમાણમાં ફળ પણ આવ્યાં છે.

''એટલે ચોક્કસ કહી શકાય કે નવી જાતમાં જળવાયુ પરિવર્તનની એવી અસર જોવા મળી નથી. વાતારવણ પ્રમાણે ઉત્પાદનમાં અસર થઈ શકે છે, પરંતુ ખેડૂતોને નુકસાન નહીં થાય.''

ક્યારે બજારમાં આવશે આણંદ રસરાજ કેરી?

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર ઑફ રિસર્ચ, ડૉ. એમ. કે. ઝાલા કહે છે, "સંશોધન પૂર્ણ થયું છે અને તેને માન્યતા પણ મળી ગઈ છે."

"હવે અમે આણંદ રસરાજની કલમ તૈયાર કરીશું પરંતુ તેમાં સમય લાગશે. કલમ યુનિવર્સિટીની નર્સરીમાં તૈયાર થશે અને આગામી વર્ષે બજારમાં મળશે. હાલમાં મર્યાદિત સંખ્યામાં જ કલમ બજારમાં મૂકવામાં આવશે."

ભારતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન

કેરી ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વિશ્વમાં કેરીનું જે કુલ ઉત્પાદન છે, તેમાંથી લગભગ 50 ટકા માત્ર ભારતમાં થાય છે.

અન્ય મોટા કેરી ઉત્પાદક દેશોમાં ચીન, થાઇલૅન્ડ, મેક્સિકો, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, નાઇજીરીયા અને ઇજિપ્ત સામેલ છે.

ભારતમાં 1000 કરતાં પણ વધુ કેરીની જાત છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે સાલ 2021-22માં ભારતમાં 23,39,220 હેક્ટર જમીનમાં કેરીની ખેતી કરવામાં આવી છે અને કુલ ઉત્પાદન 20,335.63 ક્વિન્ટલ રહેવાનો અંદાજ છે.

સમગ્ર ભારતમાં કેરીનું સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થાય છે. વિસ્તારની દ્રષ્ટિએ કેરીની ખેતીમાં ગુજરાત સમગ્ર ભારતમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં 163780 હેક્ટર જમીનમાં કેરીની ખેતી થઈ છે જેનું કુલ ઉત્પાદન 997.83 ક્વિન્ટલ રહેવાનો અંદાજ છે.

કેસર કેરી એ ગુજરાતની મુખ્ય જાત છે. રાજ્યમાં જેટલી પણ કેરીની વાડીઓ છે એમાં 90 ટકામાં કેસર કેરીનાં વૃક્ષો છે. કેસર બાદ લંગડો અને દશેહરીનો નંબર આવે છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હાફૂસ કેરીની ખેતી થાય છે.

કેરીનો વિવિધ રીતે ઉપયોગ થાય છે

કેરી પોતાની અનુકૂલનક્ષમતા, ઉચ્ચ પોષક મૂલ્ય, વિવિધતામાં સમૃદ્ધિ, સ્વાદિષ્ટ સ્વાદ અને ઉત્તમ સ્વાદને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમાં મોટી માત્રામાં વિટામિન A અને C ધરાવે છે. કેરીમાં સામાન્યતઃ 20 ટકા સુગર અને 1 ટકા પ્રોટીન હોય છે. એસિડનું પ્રમાણ 0.2 થી 0.5 ટકા સુધી હોય છે.

કેરીના દાણામાં પણ લગભગ 8-10 ટકા સારી ગુણવત્તાવાળી ચરબી હોય છે જેનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. કેરીમાંથી જે સ્ટાર્ચ નિકળે છે તે કન્ફેક્શનરી ઉદ્યોગમાં વપરાય છે.

કેરી ઔષધીય ગુણો પણ ધરાવે છે અને તે ઘણી બધી રીતે ઉપયોગમાં લેવાય છે. તે પાચન ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

આંબાની સ્થાનિક જાતોનો વિવિધ પરંપરાગત ઉત્પાદનો જેમ કે દરિયામાં કાચા ટુકડાઓ, આમચુર, અથાણું, મુરબ્બો, ચટણી, શરબત વગેરે તૈયાર કરવા માટે ઉપયોગ થાય છે. અથાણું અને સ્ક્વૉશમાં સૌથી વધુ કેરીનો ઉપયોગ થાય છે.