You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2 ગામનું ટર્નઓવર 10 કરોડ, કરોડોની કમાણી કરતા ખેડૂતોની કહાણી
- લેેખક, શ્રીકાંત બંગાલે
- પદ, બીબીસી સંવાદદાતા
- નરસાપુર, સારંગપુર ગામના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી સુરતી અને ગુલભેંડી જાતોની પોંકની ખેતી કરે છે
- તેનો ઉપયોગ લોટ માટે કરી શકાતો નથી પણ તેનો ઉપયોગ ફક્ત પોંક માટે જ થઈ શકે છે
- હુરડા (પોંક)ની ખેતી કરતા ખેડૂતો 3 મહિનાના સમયગાળામાં પ્રતિ એકર લાખો રૂપિયાનો નફો કમાય છે
- એક એકરમાં 700થી 800 કિલો પોંકનું ઉત્પાદન થાય છે
- તેમાંથી એક લાખથી દોઢ લાખ રૂપિયાની આવક થાય છે
ઔરંગાબાદ જિલ્લાના ગંગાપુર તાલુકાના બે ગામો નરસાપુર અને સારંગપુર છે. નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે દરરોજ સવારે, ખેડૂતો આ ગામોના ખેતરોમાં કીર્તન, અભંગમાં તલ્લીન થઈને જુવારના હુરડા (જુવારના પોંક)ના ડૂંડાંની લણણી કરતા જોવા મળે છે.
આ ખેડૂતોનો દિવસ સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે. હાથમાં ધારદાર દાતરડા અને કમર પર મોટો રૂમાલ બાંધીને અહીંના ખેડૂતો પોંકના ડૂંડા લણવાનું શરૂ કરે છે.
કાપેલા ડૂંડાને હાથેથી મસળીને ફોતરી કાઢીને પછી તેનું વજન કરવામાં આવે છે અને પૅક કરવામાં આવે છે અને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. તેમની સિઝનની શરૂઆત ઑગસ્ટ મહિનાથી થાય છે.
જ્યારે નરસાપુરના પોંક ઉત્પાદક અણ્ણાસાહેબ શિંદે અમને તેમના ખેતરમાં લઈ ગયા, ત્યારે કેટલાક લોકો પોંકના ડૂંડાંની કાપણી કરી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો કાપેલા ડૂંડાંમાંથી પોંકના દાણા કાઢવાનું કામ કરી રહ્યા હતા.
હુરડાની સિઝન વિશે પૂછતા અણ્ણાસાહેબે કહ્યું, “અમે 1 ઑગસ્ટથી હુરડાની ખેતીનો પ્રથમ તબક્કો શરૂ કરીએ છીએ. ત્યાર બાદ પંદર દિવસ પછી આગળના તબક્કાઓ શરૂ થાય છે. પોંકની લણણી વાવેતરના 3 મહિના પછી શરૂ થાય છે."
અણ્ણાસાહેબ છેલ્લા 25 વર્ષથી તેમની 30 એકર જમીનમાં પોંકની ખેતી કરે છે. અગાઉ તેઓ જુવાર અને બાજરીનો પાક લેતા હતા.
શા માટે તેઓ પોંકના પાક તરફ વળ્યા તે અંગે તેઓ કહે છે, “જુવારની કિંમત પ્રતિ ક્વિન્ટલ 3 થી 4 હજાર રૂપિયા છે. પોંકના 120થી 200 રૂપિયા પ્રતિ કિલોના મળે છે. અમે પોંકનું જથ્થાબંધ વેચાણ કરીએ છીએ. આ હુરડા (પોંક) જુવારની એક જાત છે. પણ સબૂર સુરતી જુવાર એ અલગ વેરાયટી છે.”
નરસાપુર, સારંગપુર ગામના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી સુરતી અને ગુલભેંડી જાતોની હુરડાની ખેતી કરે છે. તે પોંકની પરંપરાગત જાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેં ખેતરમાં લણેલી સુરતી હુરડાને હાથમાં લઈને જોઈ તો તે ખૂબ જ નરમ લાગી. મેં આ જુવારને મારા હાથમાં લઈને તેને મસળી તો જુવારનો એકેય દાણો સાબૂત બચ્યો ન હતો.
આ ઉપરાંત સુરતી, ગુલભેંડી જુવારની વેરાયટી સામાન્ય જુવારથી અલગ છે. તેનો ઉપયોગ લોટ માટે કરી શકાતો નથી. જ્યારે આ જુવારની લણણી કરવામાં આવે છે, ત્યારે તેનો ઉપયોગ ફક્ત પોંક માટે જ થઈ શકે છે.
'કપાસ કરતાં હુરડામાં વધુ કમાણી છે'
સારંગપુરના ખેડૂત સંતોષ ગાવંડેએ કપાસની સાથે હુરડાની પણ ખેતી કરી છે. તેઓ 3 મહિનાના સમયગાળામાં પ્રતિ એકર લાખો રૂપિયાનો નફો કમાય છે.
જ્યારે બીબીસી મરાઠી સારંગપુર ગામમાં પહોંચ્યું ત્યારે સંતોષ અને તેમનો પરિવાર તેમનાં ખેતરમાં જુવારનું થ્રેસિંગ કરી રહ્યા હતા.
સંતોષે કહ્યું, “પોંક એ રોકડિયો પાક છે અને ખેડૂત જ તેની બજાર કિંમત નક્કી કરે છે. કપાસમાં એવું નથી, બધું વેપારી પર નિર્ભર છે. કપાસને ચારથી પાંચ વખત દવાના પટ આપવાની જરૂર પડે છે, ઉપરાંત ડીએપી ખાતરના બે થી ત્રણ પટ આપવા પડે છે. જ્યારે પોંકમાં એટલો ખર્ચ નથી થતો.”
“નફાની દૃષ્ટિએ, ઉપજ કપાસ કરતાં બમણી છે. જો હવાપાણી સારા હોય તો એક એકરમાં 700થી 800 કિલો પોંકનું ઉત્પાદન થાય છે. તેમાંથી એક લાખથી દોઢ લાખની આવક થાય છે. પરંતુ જો બજારભાવ ઓછા આવે તો એકર દીઠ 70 હજાર થી 80 હજાર રૂપિયા તો બચે જ છે."
અન્ય ગામોમાં પણ હુરડાનું ઉત્પાદન
સારંગપુર અને નરસાપુરના ખેડૂતોની પોંકના પાકમાંથી થતી આવક જોઈને પડોશી ગામો મુરમી, દહેગાંવ બંગલાના ખેડૂતો પણ પોંકની ખેતી તરફ વળ્યા છે.
અમે દિવસ દરમિયાન આ ગામોમાં ગયા પરંતુ ગામમાં કોઈ દેખાયું નહીં. મોટાભાગના ઘરોને તાળાં લાગેલાં હતાં. એક દાદીએ કહ્યું કે બધાં ખેતરમાં પોંક લેવા ગયા છે.
આ ગામોના ખેડૂતો ઔરંગાબાદ-પુણે હાઈવે પર વિવિધ સ્થળોએ સ્ટોલ લગાવીને પોંક વેચતા જોવા મળે છે.
જ્યારે અમે ઔરંગાબાદ-પુણે હાઈવે પર આવ્યા ત્યારે રસ્તા પર દરેક જગ્યાએ સ્ટોલ જોવા મળ્યા. આમાંથી એક સ્ટોલ મુરમી ગામનાં કાંતાબાઈ પારધેનો હતો.
તેમણે કહ્યું, “અમે સવારે 6 વાગ્યે ખેતરમાં જઈએ છીએ. હુરડા લણીએ છીએ અને પછી તેને વેચવા માટે અહીં લાવીએ છીએ. ક્યારેક દિવસમાં 20 કિલો, ક્યારેક 25 કિલો, ક્યારેક 10 કિલો વેચાય છે. જો ભાવ સારો હોય, તો હુરડા રૂ. 250ના કિલોમાં વેચાય છે. જો ઓછો ભાવ હોય તો 100 રૂપિયા કિલોમાં જાય છે. હુરડા વેચીને ક્યારેક હજાર રૂપિયા તો ક્યારેક 500 રૂપિયા ઘરે લઈ જઈએ છીએ.”
'2 ગામોનું 10 કરોડનું ટર્નઓવર'
અણ્ણાસાહેબ શિંદે પોતે પોંકનો પાક લે છે અને અન્ય ખેડૂતો પાસેથી પોંક ખરીદે છે અને પુણે, અમરાવતીમાં સપ્લાય કરે છે. તેમનું પોતાનું વાર્ષિક ટર્નઓવર 25 થી 30 લાખ રૂપિયા છે.
"અમારા બંને ગામો, સારંગપુર અને નરસાપુરમાં મળીને 1,000 થી 1100 એકર જમીન છે. અમારું ગામ દરરોજ 8 થી 10 લાખ રૂપિયાનો માલ વેચે છે. જો આપણે એક વર્ષનો અંદાજ કાઢીએ તો, અમારી પાસે ચાર મહિનાની સિઝન હોય છે. બંને ગામનું મળીને 8 થી 10 કરોડનું ટર્નઓવર થઈ જાય છે.”
કડબમાંથી પણ કમાણી
પોંક લણી લીધા બાદ બાકી રહેલા જુવારના પાંદડા સાથેના સાંઠાને કડબ (ચારો) કહે છે. આ કડબ પણ અહીંના ખેડૂતો માટે આર્થિક આવકનું સાધન બની છે. અમે આ ગામડાઓમાં ફરતા હતા ત્યારે એક જગ્યાએ કેટલીક યુવતીઓ કડબ (ચારો) ભેગી કરતી જોવા મળી હતી.
અણ્ણાસાહેબ કહે છે, "પોંકની કડબમાંથી અમને સારા પૈસા મળે છે. કપાસનું વાવેતર વધતા પશુઓ માટેના ઘાસચારાનો જથ્થો દિવસેને દિવસે ઘટતો જઈ રહ્યો છે. અમને આ પશુચારાની કડબમાંથી પણ 100 કિલોના 1500-1600 રૂપિયા મળી જાય છે."
હવે સંશોધનની રાહ જુઓ!
મરાઠવાડાના આ ખેડૂતો માટે ઓછા પાણીમાં અને ઓછા સમયમાં પોંકની ખેતી ભારે ઉપજ આપતી ખેતી બની છે. પરંતુ, આ ખેતી સામે પોંક જલદી બગડી જતી હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી રાખવા એ એક મોટો પડકાર બન્યો છે.
જો પોંકનું આયુષ્ય વધશે તો તેને કાયમી બજાર મળશે અને તેનો સીધો ફાયદો અહીંના પોંકના ખેડૂતોને થશે.
તેથી તેનું આયુષ્ય વધારવા માટે પોંક પર સંશોધન થવુ જોઈએ તેવી આશા અહીંના ખેડૂતો વ્યક્ત કરે છે.
અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિક કૃષિ ટેકનોલોજી મૅનેજમૅન્ટ સિસ્ટમ એટલે કે 'આત્મા' દ્વારા આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગંગાપુર તાલુકાના આત્માના ટેકનૉલૉજી મૅનેજર દિલીપ મોટે કહે છે, “ગંગાપુર તાલુકાના સારંગપુર, નરસાપુર ગામમાં સરેરાશ 1100 એકરમાં પોંકનો પાક લેવાય છે. આ પાકનું આયુષ્ય માત્ર 1 દિવસનું હોવાથી, તેનું આયુષ્ય વધારવા માટે ફ્રોઝન ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે.”
“આ માટે આત્મા દ્વારા ગુજરાતની વાડિલાલ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત ચાલી રહી છે. જો આપણે આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીએ, તો તે બેથી ચાર મહિના સુધી પોંકને ટકાવી રાખીને ભાવને સ્થિર કરવામાં મદદ મળશે."