સિંગાપોરમાં કારપાર્કિંગને ખેતર બનાવી ખેડૂતો કઈ રીતે ખેતી કરી રહ્યા છે?

    • લેેખક, એનાબેલ લિયાંગ દ્વારા
    • પદ, બીબીસી ન્યૂઝ, સિંગાપોર
  • એક ડઝન રૂફટૉપ ફાર્મ સિંગાપોરમાં વિકસાવવામા આવ્યાં છે.
  • 55 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલમાં તેની જરૂરિયાતોના 90%થી વધુ ખોરાકની આયાત કરે છે
  • 2030 સુધીમાં, સિંગાપોર પોતાની ખોરાકની જરૂરિયાતના 30% ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે
  • આ આંકડો વર્તમાનમાં દસ ટકા કરતાં પણ ઓછો છે.

આઇલીન ગોહ સિંગાપોરમાં કાર પાર્કના ધાબા પર ખેતી કરે છે.

ના, તે કંઈ નાનું અમથું કામ નથી કરતાં. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ નજીકના રિટેલરોને દરરોજ 400 કિલો જેટલી શાકભાજી સપ્લાય કરે છે.

તેઓ કહે છે, "સિંગાપોર નાનું અમથું છે પરંતુ અમારી પાસે ઘણાં કાર પાર્કિંગ છે. સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે અહીં ખેતી કરવી એ સપનું હતું."

આવાં ઓછામાં ઓછાં એક ડઝન રૂફટૉપ ફાર્મ હવે સિંગાપુરમાં વિકસાવવામા આવ્યાં છે.

સ્થાનિક ધોરણે શાકભાજી ઉત્પાદન વધારવાની યોજનાના ભાગરૂપે સરકારે 2020માં આ ધાબા ભાડે આપવાનું શરૂ કર્યું હતું. કારણ કે 55 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલમાં તેની જરૂરિયાતોના 90%થી વધુ ખોરાકની આયાત કરે છે.

પરંતુ આ ગીચ વસ્તીવાળા ટાપુ દેશમાં ખેતી માટેની જગ્યા દુર્લભ છે અને તેનો અર્થ એ છે કે જમીન સસ્તી નથી. પ્રૉપર્ટીના ભાવ સિંગાપોરમાં વિશ્વમાં સૌથી વધુ છે.

એક ખેડૂતે બીબીસીને કહ્યું કે તેના પ્રથમ કાર પાર્ક પ્લૉટની ઊંચી કિંમતને કારણે તેઓ જ્યાં રૂફટૉપ ખેતી કરતા હતા તે છોડીને સસ્તાં કાર પાર્કિંગમાં જવું પડ્યું છે.

બીબીસી ન્યૂઝે આઇલીન ગોહના કાર પાર્કિંગ ફાર્મની મુલાકાત લીધી તો તે ફૂટબૉલના મેદાનના કદના ત્રીજા ભાગનું હતું પરંતુ ત્યાં ખેતીકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું.

કામદારો ચાઇનીઝ રસોઈમાં વપરાતા પાંદડાંવાળી લીલી શાકભાજી ચોય સમને ચૂંટતાં, કાપતાં અને પૅક કરી રહ્યા હતા.

દરમિયાન બીજી તરફ, અન્ય કર્મચારીઓ રોપાંનું ફરીથી વાવેતર કરવામાં વ્યસ્ત હતા.

આઈલીન કહે છે, "અમે દરરોજ લણણી કરીએ છીએ. અમે જે શાકભાજી ઉગાડીએ છીએ તેના આધારે, તે દરરોજ 100 કિલોથી 200 કિલોથી 400 કિલો સુધી હોઈ શકે છે."

તેઓ કહે છે કે ફાર્મ શરૂ કરવા માટે લગભગ 7.20 લાખ પાઉન્ડનો ખર્ચ થાય છે, જેમાં મોટા ભાગનાં નાણાં લણણીને ઝડપી બનાવવા માટેનાં સાધનો પર ખર્ચવામાં આવે છે.

જો કે આઈલીનને કેટલીક સબસિડી મળી છે, તો પણ તેઓ કહે છે કે તેમનો વ્યવસાય હજી નફાકારક સ્થિતિમાં પહોંચ્યો નથી.

તેમની પાસે દસ કર્મચારીઓ છે અને તે જગ્યા અને અન્ય કાર પાર્ક સાઇટ માટે દર વર્ષે આશરે 90,000 સિંગાપોર પાઉન્ડનું ભાડું ચૂકવે છે છતાં પણ તેમનો વ્યવસાય હજુ સેટ થઈ રહ્યો છે.

તેઓ સમજાવે છે, "અમારો સેટઅપ સમયગાળો કોવિડ મહામારી દરમિયાન થયો હતો, તેથી સામાનની હેરફેર વધુ ખર્ચાળ હતી અને તે વધુ સમય લેતી હતી."

તેઓ ઉમેરે છે, "વધુમાં, [સરકાર દ્વારા] ફાળવવામા આવેલ આ પ્રથમ રૂફટૉપ કાર પાર્ક ટૅન્ડર હતું તેથી આ પ્રક્રિયા દરેક માટે એકદમ નવી હતી."

સિંગાપોરના રૂફટૉપ ખેડૂતો પૈસા કમાવવાના અન્ય રસ્તાઓ પણ શોધી રહ્યા છે.

નિકોલસ ગોહ આઈલીન ગોહ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી, તેઓ કહે છે કે તેઓ તેમના રૂફટૉપ ફાર્મમાંથી શાકભાજી ઉતારીને લઈ જવા માટે લોકો પાસેથી માસિક ફી વસૂલ કરીને નફો મેળવવામાં સફળ થયા છે.

તેઓ કહે છે કે આ વિચાર ખાસ કરીને નજીકમાં રહેતા પરિવારોમાં લોકપ્રિય છે કારણ કે "તે વ્યવસાયિક અભિગમને બદલે સમુદાય પ્રકારનો અભિગમ છે".

જોકે, રૂફટૉપ પર ખેતી કરતા અન્ય એક ખેડૂત માર્ક લી કહે છે કે ભારે ખર્ચ તેમને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં જવા માટે પ્રેરિત કર્યા છે જેમાં "નજીવું" એટલે કે ઓછું ભાડું લાગે છે.

માર્ક લી કહે છે, "શાકભાજી આખરે માત્ર શાકભાજી હોય છે. તમે તેને ભલે ગમે તેટલી તાજી અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ઉગાડો પણ તેની કિંમતની મર્યાદા છે. અમે અહીં ટ્રફલ્સ વિશે વાત નથી કરી રહ્યા."

'અસ્તિત્વનો મુદ્દો'

રૂફટૉપ ફાર્મ જ સિંગાપોર દ્વારા ઉગાડવામાં આવતા ખોરાકની માત્રામાં વધારો કરવાનો એકમાત્ર ધ્યેય નથી.

દેશની મોટાભાગની ઘરેલુ પેદાશો હાઇ-ટેક સુવિધાઓમાંથી આવે છે જેને સરકાર દ્વારા ભારે સબસિડી આપવામાં આવે છે. સત્તાવાર આંકડા મુજબ, 2020માં 238 લાઇસન્સવાળાં ફાર્મ હતાં.

સિંગાપોર ફૂડ એજન્સી (એસએફએ) કહે છે કે કેટલાંક ખેતરો પહેલાંથી જ નફો કરે છે અને નફો વધારવા માટે તેમનું ઉત્પાદન વધારી શકે છે.

એસએફએના પ્રવક્તાએ બીબીસી ન્યૂઝને જણાવ્યું, "ખાદ્યસુરક્ષા સિંગાપોર માટે એક અસ્તિત્વનો મુદ્દો છે. મર્યાદિત સંસાધનો સાથે વૈશ્વિક સ્તરે જોડાયેલા નાના દેશ તરીકે, સિંગાપોર બહારના ઝટકા અને પુરવઠામાં વિક્ષેપને લઈને સંવેદનશીલ છે."

પ્રવક્તા ઉમેરે છે કે, "આ જ કારણ છે કે અમે અમારાં આવશ્યક સંસાધનોને સુરક્ષિત રાખવા માટે સતત પગલાં લઈએ છીએ."

આ વર્ષની શરૂઆતમાં જ્યારે આ ક્ષેત્રના કેટલાક દેશોએ મુખ્ય ખાદ્યપદાર્થોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અથવા મર્યાદિત કર્યો ત્યારે સિંગાપોરમાં ખાદ્ય સુરક્ષાનો મુદ્દે ગંભીરતા ધ્યાન પર આવી હતી.

આયાત પર નિર્ભર સરકારોએ તેમના ખાદ્ય પુરવઠાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો કારણ કે યુક્રેન યુદ્ધ અને કોરોના મહામારીએ મુખ્ય ખોરાકથી લઈને ખાદ્ય તેલ સુધીની દરેક વસ્તુની કિંમતમાં વધારો કર્યો.

2030 સુધીમાં, સિંગાપોર પોતે જે ખોરાક લે છે તેના 30% ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે - આ આંકડો વર્તમાનમાં દસ ટકા કરતાં પણ ઓછો છે.

સિંગાપોરની નાન્યાંગ ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ચેન કહે છે કે શહેરી ખેતરોને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.

યુનિવર્સિટીના ફૂડ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી પ્રોગ્રામના ડિરેક્ટર પ્રોફેસર ચેન કહે છે, "અહીં એસએફએ તરફથી ઉત્પાદકતા અનુદાન, અને ગ્રાહકોને વધુ સ્થાનિક ઉત્પાદન ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે નિયમિત ખેડૂતોનાં બજારો જેવાં પગલાં લેવાવાં જોઈએ."

તેઓ કહે છે, "કદાચ સ્થાનિક ખેડૂતોને સરળ ટેકનૉલૉજી અપનાવવામાં મદદ કરવાની બાબત પણ વિચારી શકાય."

જોકે, લી કુઆન યૂ સ્કૂલ ઑફ પબ્લિક પૉલિસીના આસિસ્ટન્ટ પ્રોફેસર સોનિયા અક્ટેર માને છે કે ઊંચો ઉત્પાદનખર્ચ શહેરી ખેડૂતો માટે મોટો પડકાર બની રહે તેવી શક્યતા છે.

તેઓ કહે છે, "સિંગાપોર આ જગ્યામાં કામ કરતા ઉદ્યોગસાહસિકોને ઘણી બધી સબસિડી અને નાણાકીય સહાય ઑફર કરે છે."

"પ્રશ્ન એ છે કે જ્યારે સરકારી સહાય અપાતી બંધ થઈ જશે ત્યારે શું આ ખેતરોનો નિભાવ થઈ શકશે અને વેપારી રીતે તે સક્ષમ બનશે."

સિંગાપોરના શહેરી વિસ્તારોની વચ્ચે ટાવર બ્લોકથી ઘેરાયેલી છત પર ગોહ પરંપરાગત ખેતીથી દૂર અલગ પ્રકારે ખેતી કરી રહ્યાં છે.

જોકે, તે ખેડૂતોની પેઢીઓની એ લાગણીઓનો પડઘો પાડે છે કે : "ત્યાગ કરવો એ કોઈ વિકલ્પ નથી. જેટલો પડકાર મોટો હશે, તેટલો વધુ લાભદાયી હશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો