ખેતરમાં છંટાતી જંતુનાશક દવાથી ખેડૂતને કેવી ઝેરી અસર થઈ શકે?

    • લેેખક, ક્લાઉડિયા લી
    • પદ, બીબીસી ફ્યૂચર
  • સંશોધન દર્શાવે છે કે મધમાખીઓમાં ગંધના નુકશાન માટે જંતુનાશકો જવાબદાર હોઈ શકે છે
  • અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જાપાનમાં જંતુનાશકોના ઉપયોગથી ખેડૂતો ઉપરાંત ખેડૂતોની પત્નીઓની દૃષ્ટિ ક્ષમતામાં પણ ઘટાડો થયો હતો
  • 2020ના એક અભ્યાસના તારણ મુજબ, વિશ્વભરમાંના અંદાજે 86 કરોડ ખેત કામદારો પૈકીના 44 ટકા જંતુનાશકોની ઝેરી અસરનો ભોગ બને છે
  • જંતુનાશકો શ્વાસ દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણી બ્લડ બ્રેઈન બૅરિયરને બાયપાસ કરે છે અને ચેતાતંત્રની કામગીરી બગાડે છે
  • જંતુનાશકો ખોરાકમાં આવી જાય તો ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ ટ્રૅક્ટ મારફત આપણા રક્તના પ્રવાહમાં પ્રવેશી શકે છે
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ફૂડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતી મુજબ, સરકાર તથા આંતર-સરકારી સંસ્થાઓએ ખોરાકના માનકો નક્કી કરવાનાં છે અને વિવિધ પ્રકારના ખોરાકમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા નક્કી કરવાની છે
  • ફળો અને શાકભાજી પર જંતુનાશકોના અવશેષો રહી જાય છે
  • 2022ના એક તુલનાત્મક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જંતુનાશકો અવશેષોને દૂર કરવા માટે ખાદ્યસામગ્રીને પાણીથી ધોવી અથવા ઉકાળવી તે સૌથી અસરકારક રીત છે

છોડવાઓના વિકાસને વેગ આપવા માટે વિશ્વભરમાં જંતુનાશકોને વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તે અસરકારક જરૂર છે, પરંતુ તેમાં જે ઝેરી રસાયણો હોય છે તેનાથી આપણી ઇન્દ્રિયો તથા ચેતાતંત્રને ગંભીર નુકસાન થાય છે.

બ્રિટનના સ્ટૅનફૉર્ડશાયરના બ્રૅડવૂડ પાર્ક ફાર્મના મૅનેજર ટિમ પાર્ટને 15 વર્ષ પહેલાં બાયૉલૉજિકલ ફાર્મિંગનો પ્રયોગ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. રાસાયણિક જંતુનાશકો અને ખાતરના ઉપયોગને બદલે તેઓ જમીનમાં નાઇટ્રોજન તથા ફોસ્ફરસના સંતુલન તથા પાકના સંવર્ધન માટે ટ્રાઇકોડર્મા (એક પ્રકારની જૈવિક રીતે સક્રિય ફૂગ)નો ઉપયોગ કરે છે.

ટિમ પાર્ટન રિજનરેટિવ ખેતી કરતા કૃષિ સમુદાયનો એક હિસ્સો છે. રિજનરેટિવ ઍગ્રિકલ્ચર ખેતીનો એવો અભિગમ છે, જેમાં કૃત્રિમ સામગ્રીનો ઓછામાં ઓછા વપરાશ કરીને જમીન તથા પર્યાવરણના સ્વાસ્થ્યની જાળવણીને અગ્રતા આપવામાં આવે છે.

પાર્ટનને જંતુનાશકોના ઉપયોગ પછી માથાનો દુખાવો થતો હતો તથા ચામડી પર ફોડલીઓ ઉપસી આવતી હતી. આ અનુભવ પછી તેમણે જૈવિક રીતે સક્રિય સામગ્રીનો ઉપયોગ ખેતી માટે શરૂ કર્યો હતો. તેઓ ઘેટાને જંતુમુક્ત કરવા માટે ચોક્કસ પ્રવાહીમાં ઝબોળતા હતા ત્યારે તેમના બન્ને હાથમાં ફોડલીઓ ઉપસી આવતી હતી. એ રિએક્શન દિવસો સુધી રહેતું હતું. પાર્ટને કહ્યું હતું કે "મને બહુ તકલીફ થતી હતી, પણ હું ડૉક્ટર પાસે જાઉં તો તેઓ કહેતા કે આ તો રિએક્શન છે. તેઓ મારી તકલીફને ગંભીર ગણતા ન હતા."

બાયૉલૉજિકલ ફાર્મિંગ શરૂ કર્યા પછી પાર્ટનના આરોગ્ય પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. તેમણે તેમની ખેતીમાં છેલ્લાં 10થી વધારે વર્ષથી કોઈ ફોસ્ફરસ કે પોટેશિયમ ખાતરનો ઉપયોગ કર્યો નથી. પાર્ટને કહ્યું હતું કે "હું છોડને શક્ય તેટલું સંતુલિત પોષણ મળી રહે તેના પ્રયાસ કરું છું. છોડને યોગ્ય પોષણ મળતું રહે તો તે માંદો પડતો નથી."

જીવાત તથા નીંદણના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ બંધ કર્યો ત્યારથી અન્ય જંતુઓ તથા પક્ષીઓની પ્રજાતિમાં વધારો જોવા મળ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે "મારા ખેતરમાં જોઈએ તેના કરતાં વધુ પક્ષીઓ આવી રહ્યાં છે. અહીં ખોરાકનો સ્રોત ઉપલબ્ધ હોવાથી ઘણી જોખમી પ્રજાતિનું પ્રમાણ વધી રહ્યું છે."

જંતુનાશકો એવા પદાર્થો અથવા રસાયણો હોય છે, જેનો ઉપયોગ જીવાતો, નીંદણ અથવા છોડના વિકાસ પર માઠી અસર કરતા અન્ય જીવોને દૂર રાખવા માટે કરવામાં આવતો હોય છે. અસરકારક હોવા છતાં જંતુનાશકોમાંના ઝેરી રસાયણોની માણસોના સંવેદનશીલ અંગો તથા ચેતાતંત્ર પર વ્યાપક અસર થતી હોય છે.

એક તૃતિયાંશ ખેતી જંતુનાશકો પર નિર્ભર

અમેરિકામાં પાકના રક્ષણ માટે જંતુનાશકોનો ઉપયોગ સૌપ્રથમવાર 1930માં કરવામાં આવ્યો હતો. જંતુનાશકોના ઉપયોગથી સારી ઊપજ મળતી હોવાને કારણે ઘણા કૃષિ સમુદાય તેના પર નિર્ભર બની ગયા હતા. આજે વિશ્વની એક તૃતિયાંશ ખેતી જંતુનાશકો પર નિર્ભર છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, વૈશ્વિક સ્તરે 1,000થી વધારે પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કેટલાક સર્વસામાન્ય હર્બિસાઇડ્ઝ (49 ટકા), ફૂગનાશક તથા બૅક્ટેરિયાનાશક (27 ટકા) અને જંતુનાશકો (19 ટકા)નો સમાવેશ થાય છે. 1990માં જંતુનાશકોનો વૈશ્વિક વપરાશ 1.69 અબજ કિલોગ્રામનો હતો. છેલ્લા બે દાયકામાં આ આંકડો 57 ટકા વધીને 2020 સુધીમાં 2.66 અબજ કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમના અહેવાલમાં જંતુનાશકોના ઉપયોગમાં સતત વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. 2050 સુધીમાં વિશ્વની વસ્તી 9.3 અબજ થવાની અપેક્ષા છે. તેથી ખાદ્યસામગ્રીના ઉત્પાદનમાં 60 ટકા વધારો થવો જરૂરી છે. સંશોધકો માને છે કે વધારાની આ માગને પહોંચી વળવા માટે વધારે પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડશે.

યુરોપીયન કૃષિ પ્રણાલી પરના અભ્યાસના તારણ મુજબ, જંતુનાશકોનો ઉપયોગ સમૂળગો બંધ કરવાથી ફળોના ઉત્પાદનમાં 78 ટકા, શાકભાજીના ઉત્પાદનમાં 54 ટકા અને અનાજના ઉપજમાં 32 ટકા નુકસાન થઈ શકે છે. જંતુનાશકો પર નિર્ભરતાને લીધે પર્યાવરણને પણ નોંધપાત્ર નુકસાન થાય છે. સંશોધનના તારણ દર્શાવે છે કે જંતુનાશકોને કારણે મધમાખીઓ તથા સેલ્મોન માછલીઓ ગંધક્ષમતા ગુમાવે છે અને જળાશયો દૂષિત થાય છે. તેના પરિણામે જળચર પર્યાવરણ પર જોખમ સર્જાય છે.

જંતુનાશકો બાયોઍક્યુમ્યુલેશન તરીકે ઓળખાતી પ્રક્રિયા મારફત ફૂડ ચૅઈનમાં પ્રવેશે છે. કોઈ પદાર્થને તોડી પાડવાની ક્ષમતાનો નાશ થાય ત્યારે તે પદાર્થનું પ્રમાણ આપણા શરીરમાં વધવા લાગે છે. એ વખતે આ સ્થિતિ સર્જાય છે. ઘણા જંતુનાશકોને પ્રાણીઓ તથા માણસો ભેદી શકતાં નથી. તેથી તે શરીરમાં ચરબીના સ્વરૂપમાં જમા થતાં રહે છે.

તેની માનવ આરોગ્ય પર હાનિકારક અસર થઈ શકે છે. જંતુનાશકોના વપરાશ માટે વૈશ્વિક નિયમો હોવા છતાં એક અંદાજ મુજબ, ખેત કામદારોમાં જંતુનાશકોની ઝેરી અસરના 38.5 કરોડ કેસ દર વર્ષે નોંધાય છે.

છંટકાવ કરવામાં આવે ત્યારે જંતુનાશકો એક પ્રકારની વરાળ ઉત્પન્ન કરે છે, જે હવામાં પ્રદૂષક તરીકે ઉમેરાઈ શકે છે. અમેરિકામાં ખેત કામદારોને થતી બીમારી પૈકીની 37થી 54 ટકા જંતુનાશકોના છંટકાવને આભારી હોય છે. તેના લક્ષણોમાં માથાના દુખાવાથી માંડીને ઉબકા તથા ત્વચા પર બળતરા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ બાળરોગ નિષ્ણાત મિશેલ પેરો, જીએમઓ સાયન્સ નામના એક સ્વૈચ્છિક સંગઠનના સહ-સ્થાપક છે. તેમના સંગઠનમાં ચિકિત્સકો જિનેટિકલી એન્જિનિયર્ડ પાક અને ખોરાકની માણસ પર થતી અસરનું વિશ્લેષણ તથા ચર્ચા કરે છે.

મિશેલ પેરોએ જણાવ્યું હતું કે જંતુનાશકના સંપર્કના પ્રારંભિક લક્ષણોમાં માથાનો દુખાવો, ઉબકા, ચક્કર અને શ્વાસની તકલીફનો સમાવેશ થાય છે.

આરોગ્ય પરની તેની તીવ્ર અસર તાણ-આંચકીથી માંડીને શ્વસનતંત્રમાં જોરદાર તકલીફ સુધીની હોઈ શકે છે.

જંતુનાશકના પ્રકાર, અને તેના સંપર્કમાં રહેવાના સમય વગેરેની આપણી ઘ્રાણેંદ્રિય તથા ચેતાતંત્ર પર વ્યાપક અસર થાય છે. મિશેલ પેરોએ કહ્યું હતું કે "શ્વાસ દ્વારા જંતુનાશકો ફેંફસાંમાં જવાથી વધુ ઝેરી અસર થાય છે, કારણ કે આપણાં આંતરડામાંના માઇક્રોબ્ઝ પ્રદૂષકોની અસર ઘટાડવામાં મદદરૂપ થાય છે."

ખેડૂતોની દૃષ્ટિને અસર

જંતુનાશકો પ્રત્યેના એક્સપૉઝરને સંવેદનશક્તિના ક્ષીણ થવા સાથે પણ સંબંધ છે. જાપાનના સાકુ કૃષિ પ્રદેશમાં પ્રારંભિક ઘટનાઓ પૈકીની એક ઘટના 1960ના દાયકામાં બની હતી.

એ પ્રદેશના રહેવાસીઓ ઑર્ગનોફોસ્ફેટ્સના સંપર્કમાં આવ્યા પછી તેમને દૃષ્ટિસંબંધી તકલીફ થઈ હતી. સાકુના લોકોને થયેલા રોગોમાં ધૂંધળી દૃષ્ટિ, માયોપિયા, વિષમ દૃષ્ટિ અને આંખની બીજી તકલીફોનો સમાવેશ થાય છે.

આ વિસ્તારના લોકો પરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ખેડૂતો ઉપરાંત ખેડૂતોની પત્નીઓની દૃષ્ટિ ક્ષમતામાં પણ ઘટાડો થયો હતો.

મિશિગન યુનિવર્સિટીમાં ઍપિડેમિઑલૉજી અને બાયૉસ્ટેટેસ્ટિક્સના પ્રોફેસર હોંગલેઈ ચેને કહ્યુ હતું કે "જંતુનાશકોનો છંટકાવ કરતા લોકોનાં શરીર તથા કપડાં પર જંતુનાશકોના અવશેષો ચોંટી જાય છે, જ્યારે તેમની આસપાસના લોકોના શરીરમાં એ અવશેષો શ્વાસ લેવાને કારણે પ્રવેશતા હોય છે. આ પ્રકારની સંપર્કની પણ લોકોને આરોગ્ય પર હાનિકારક અસર થઈ શકે છે."

મિશિગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા ઘ્રાણેંદ્રિયની કામગીરી પર જંતુનાશકોની અસર બાબતે 2019માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. હોંગલેઈ ચેન તે અભ્યાસનો હિસ્સો હતા. તે અભ્યાસમાં 11,232 ખેડૂતોની શારીરિક સ્થિતિ પર 20 વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી. અભ્યાસ હેઠળના 10.6 ટકા ખેડૂતોએ જંતુનાશકોને અત્યંત માઠી અસર (એચપીઈઈ)નો અનુભવ કર્યો હતો.

એચપીઈઈ સત્તાવાર રીતે વ્યાખ્યાયિત નથી, પણ જંતુનાશકોના સંપર્કની તીવ્રતા વિશેના ખેડૂતોનાં અર્થઘટન પર તે આધારિત છે. ભૂતકાળમાં એચપીઈઈનો ભોગ બનેલા ખેડૂતોની ઘ્રાણેન્દ્રિય નબળી હોવાની શક્યતા 49 ટકા વધારે હતી.

2020ના એક અભ્યાસના તારણ મુજબ, વિશ્વભરમાંના અંદાજે 86 કરોડ ખેત કામદારો પૈકીના 44 ટકા જંતુનાશકોની ઝેરી અસરનો ભોગ બને છે. તેનું કારણ રક્ષણાત્મક સાધનોનો અભાવ અથવા ખામીયુક્ત સાધનો હોય છે.

હોંગલેઈ ચેને કહ્યું હતું કે "જંતુનાશકો શ્વાસ દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણી બ્લડ બ્રેઈન બૅરિયરને બાયપાસ કરે છે અને ચેતાતંત્રની કામગીરી બગાડે છે. એવી જ રીતે તે ખોરાકમાં આવી જાય તો ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ ટ્રૅક્ટ મારફત આપણા રક્તના પ્રવાહમાં પ્રવેશી શકે છે."

જંતુનાશકોના વપરાશ અને ન્યૂરોજનરેટિવ રોગ વચ્ચે કડી હોવાનું અનેક અભ્યાસમાં સ્થાપિત થયું છે. જંતુનાશકોને સંપર્કને ઍટેન્શન ડેફિસિટ હાયપરઍક્ટિવિટી ડિસોર્ડર (એડીએચડી) અને પાર્કિન્સન્સ ડિસીઝ જેવા જેવા ઘણા રોગ સાથે પણ સંબંધ છે.

કેનેડાની યુનિવર્સિટી ઑફ ગુએલ્ફનો એક અભ્યાસ સૂચવે છે કે જંતુનાશકોની પ્રાણીઓના કોષો પર થતી અસર પાર્કિન્સનનું કારણ બને છે.

પાયરેથ્રોઈડ જંતુનાશકો ઉંદરમાં ડોપામાઈન ટ્રાન્સપોર્ટર એક્સપ્રેશન (ડીએટી) વધારવાનું કારણ બનતા હોવાનું એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

ડીએટી જીન ઍક્સપ્રેશનનો એક પ્રકાર છે, જે એડીએચડી ધરાવતી વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. પ્રારંભિક જીવન કે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ સ્ત્રી જંતુનાશકના સંપર્કમાં આવે તો તેમના સંતાનમાં ઓટીઝમ વકરવાની શક્યતા વધી જાય છે.

ઑર્ગેનિઝમના ચેતાતંત્રની પેશીઓને લક્ષ્યાંક બનાવવા માટે રચાયેલાં હોવાથી ઑર્ગેનોફોસ્ફેટ્સ, કાર્બોમેટ્સ અને ઑગ્રનોક્લોરીન જેવાં જંતુનાશકો હર્બિસાઇડ્ઝ કરતાં વધારે ઝેરી હોય છે.

તેની સાથેના અત્યંત વધારે સંપર્કને કારણે ચેતાતંત્રને નુકસાન થતું હોવાના મજબૂત પુરાવા હોવા છતાં તેના વારંવાર અને મધ્યમ પ્રમાણમાં સંપર્કમાં આવવાથી પણ સમાન અસર થાય છે કે કેમ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે.

હોંગલેઈ ચેને જણાવ્યું હતું કે જંતુનાશકો અને કથળતા સ્વાસ્થ્ય વચ્ચે સ્પષ્ટ સંબંધ હોવાનું સ્થાપિત કરવું તે મોટો પડકાર છે, કારણ કે "વાયુ પ્રદૂષકો, વાયરસ અને અસ્થિર કાર્બનિક સંયોજનો જેવા ઘણાં ઝેરી તત્ત્વો વાતાવરણમાં હોય છે. આ બધાં શરીરમાં એકઠાં થઈને આરોગ્ય પર સંચિત માઠી અસર કરી શકે છે."

બાળકોની શરીરરચના, ઝડપી ચયાપચય અને વર્તન ચોક્કસ પ્રકારનાં હોય છે. તેમને જંતુનાશકોની ઝડપથી અસર થઈ શકે છે.

મિશેલ પેરોએ કહ્યું હતું કે "બાળકો તેમની ઊંચાઈને કારણે જમીનની નજીક હોય છે. તેઓ તેમના હાથ વડે વારંવાર મોંને સ્પર્શ કરતા હોય છે. તેથી પુખ્ત વયના લોકોની સરખામણીએ તેઓ જંતુનાશકોના સંપર્કમાં વધારે આવે તેવી શક્યતા હોય છે."

ઍન્વાયર્નમૅન્ટલ ટૉક્સિકૉલૉજી જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ લેખમાં જણાવ્યા મુજબ, બાળકો તેમનાં શારીરિક વજનનાં પ્રમાણમાં વધુ ખોરાક અથવા પ્રવાહી લેતાં હોય છે. તેથી તેમનાં શરીરમાં જંતુનાશકો વધુ પ્રમાણમાં પ્રવેશવાનું જોખમ હોય છે.

ફ્રાન્સના બોર્ડેક્સ પ્રદેશમાં દ્રાક્ષની વાડી નજીક આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ 2014માં જંતુનાશકની ઝેરી અસરનો ભોગ બન્યાં હતાં. દ્રાક્ષની વાડીમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો પછી શાળાનાં 23 બાળકોએ ઉબકા આવવાની, માથાના દુખાવાની અને ત્વચા પર બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી.

સેપાન્સો અને જનરેશન ફ્યુચર્સ નામના ફ્રાન્સનાં બે પર્યાવરણીય સંગઠનોએ કેસ દાખલ કર્યો પછી દ્રાક્ષની બે વાડીના માલિકોને 31,842 ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જંતુનાશકોના સંપર્કમાં આવવાને કારણે બાળકો બીમાર પડવાના કિસ્સા હવાઈ ટાપુથી માંડીને ન્યૂઝીલેન્ડ સુધી વિશ્વભરમાં નોંધાઈ રહ્યા છે. ભારતમાં, બાળકો પર જંતુનાશકોના ઝેરની અસર દાયકાઓથી જાહેર આરોગ્યની એક મહત્ત્વની સમસ્યા બની રહી છે.

ગ્રામ્ય ઉત્તર ભારતના બાળકોમાં એએલપી કૃષિ જંતુનાશકની અસર વિશેના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સઘન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવેલાં 30 પૈકીનાં 14 બાળકો જંતુનાશકોની ઝેરી અસર સામે ટકી શક્યાં ન હતાં.

વૃદ્ધ લોકોની ત્વચા પાતળી હોય છે. એ કારણે તેમને જંતુનાશકની અસર થવાનું જોખમ વધારે હોય છે. તેમના અંગની કામગીરી બગડે છે તેમ તેમ તેમના લીવર અને કિડનીમાંથી ધેર દૂર કરવામાં લાંબો સમય લાગી શકે છે.

પરિણામે તેમના શરીરમાં જંતુનાશકો એકઠાં થવાની શક્યતા વધે છે અને તેમને શારીરિક અથવા ચેતાતંત્ર સંબંધી નુકસાન થઈ શકે છે.

તીવ્ર અથવા સતત સંપર્ક દરમિયાન જંતુનાશકની અસર વધારે ઝેરી હોય છે, પરંતુ ત્વચાકીય સંપર્ક અને ખોરાક મારફત અકસ્માતે તે શરીરમાં પ્રવેશે ત્યારે તેની અસર વધારે જોખમી હોય તે શક્ય છે.

તાજી પેદાશો પર જંતુનાશકોના અવશેષો હોય છે એ વાત બહુ જાણીતી છે. અમેરિકાના ઍન્વાયર્નમૅન્ટલ વર્કિંગ ગ્રૂપે 2022માં શોધી કાઢ્યું હતું કે બિન-કાર્બનિક તાજા ઉત્પાદનોમાં જંતુનાશકોને સંભવિત હાનિકારક અવશેષો હોય છે.

યુરોપીયન ફૂડ સેફટી ઓથોરિટીના 2020ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 29.7 ટકા ઉત્પાદનમાં જંતુનાશકના એક અથવા તેથી વધુ અવશેષો નિર્ધારિત મર્યાદા જેટલા અથવા તેનાથી ઓછા હતા, જ્યારે 1.7 ટકા ઉત્પાદનોમાં તેનું પ્રમાણ કાયદાકીય મર્યાદા કરતાં વધારે હતું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ફૂડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતી મુજબ, સરકાર તથા આંતર-સરકારી સંસ્થાઓએ ખોરાકના માનકો નક્કી કરવાનાં છે અને વિવિધ પ્રકારના ખોરાકમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા નક્કી કરવાની છે.

ખાદ્યસામગ્રી પર જંતુનાશકો પ્રમાણ પર ગ્રાહકો મર્યાદિત નિયંત્રણ ધરાવતા હશે, પરંતુ ખાદ્યસામગ્રીને સાફ કરીને તથા તેની છાલ ઊતારીને જંતુનાશકોની નકારાત્મક અસરને તેઓ ઘટાડી શકે છે.

રસોઈ અને બ્લાંચિંગ, બોઇલિંગ તથા ફ્રાઇંગ જેવી પ્રોસેસિંગ પદ્ધતિ મારફત જંતુનાશકોના પ્રમાણમાં 10થી 80 ટકા ઘટાડો કરી શકાય છે. 2022ના એક તુલનાત્મક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જંતુનાશકો અવશેષોને દૂર કરવા માટે ખાદ્યસામગ્રીને પાણીથી ધોવી અથવા ઉકાળવી તે સૌથી અસરકારક રીત છે.

કેટલાક દેશોમાં જંતુનાશકો પર પ્રતિબંધ

અમુક દેશોએ ચોક્કસ પ્રકારના જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે. જીવવિજ્ઞાની રશેલ કાર્સનના 1962માં પ્રકાશિત પુસ્તક 'સાયલન્ટ સ્પ્રિંગ'ને લીધે જંતુનાશકોની પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસર વિશે લોકો જાણતા થયા હતા. તેના પગલે અમેરિકામાં રાષ્ટ્રીય પર્યાવરણ ચળવળ શરૂ થઈ હતી અને ખેતીમાં વપરાતા ડીડીટી નામના સર્વસામાન્ય જંતુનાશક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

પર્સિસ્ટન્ટ ઑર્ગેનિક પૉલ્યુટન્ટ્સ વિશેના 2001ના સ્ટૉકહોમ કરાર પર વિશ્વના 90 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. તેમાં પર્યાવરણની જાળવણી તથા માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે 20થી વધુ પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ 20થી વધુ પદાર્થોમાં માણસો, પ્રાણીઓ તથા પર્યાવરણ માટે અત્યંત જોખમી ગણાતા એલ્ડ્રિન તથા ડીડીટીનો સમાવેશ થાય છે.

અલબત, વિશ્વમાં એવા દેશો પણ છે કે જ્યાં પાકમાં રોગના પ્રકોપના નિયંત્રણ માટે કેટલાક ચોક્કસ જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે છે. ફ્રાન્સમાં વાઇનનું ઉત્પાદન કરતા બર્ગન્ડી પ્રદેશના એક વાઇન ઉત્પાદકને તેની દ્રાક્ષની વાડીમાં પ્રતિબંધિત જંતુનાશકનો છંટકાવ કરવા બદલ 2014માં 531 ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દ્રાક્ષના વેલામાં થતો ફ્લેવેસીન ડોરી નામનો રોગ ફેલાયા પછી પ્રદેશમાં ચોક્કસ જંતુનાશકના છંટકાવ જરૂરી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ ટકાઉ ખાદ્ય પ્રણાલી વિકસાવવાની યુરોપિયન યુનિયનની વ્યૂહરચનાના ભાગરૂપે યુરોપિયન કમિશને 2030 સુધીમાં જંતુનાશકોના ઉપયોગ તથા જોખમ બન્નેમાં અડધોઅડધ ઘટાડો કરવાનું નક્કી કર્યું છે, પરંતુ કેટલાક કૃષિ સમુદાય આ લક્ષ્યાંકને અપૂરતું ગણે છે.

ખેત કામદારો અને ગ્રાહકોને એક જૂથે 'મધમાખી અને ખેડૂત બચાવો ઝૂંબેશ' શરૂ કરી છે. તેમણે 2030 સુધીમાં જંતુનાશકોના વપરાશમાં 80 ટકા ઘટાડાની અને 2035 સુધીમાં જંતુનાશકોનો વપરાશ સંપૂર્ણ બંધ કરવાની હાકલ કરી છે.

ટિમ પાર્ટનની સફળતાની કથા દર્શાવે છે કે રાસાયણિક સામગ્રી વિનાખેતી કરવાનું શક્ય છે. ખેતી માટેના ખાસ અભિગમ માટે ટિમ પાર્ટનને 2020ના બ્રિટિશ ફાર્મિંગ ઍવૉર્ડમાં 'ફાર્મ ઈનોવેટર ઑફ ધ યર' જાહેર કરવામાં આવ્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, જંતુનાશકોને બદલે નાઈટ્રોજન-ફિક્સિંગ બૅક્ટેરિયાનો ઉપયોગ કરવાથી ઉપજનું પ્રમાણ યથાવત અથવા અગાઉના વર્ષ કરતાં વધ્યું છે. દસ વર્ષ અગાઉની સરખામણીએ તેમને જંતુનાશકો પરના ખર્ચમાં વાર્ષિક 1.11 લાખ ડૉલરની બચત થાય છે.

તેમણે કહ્યું હતું કે "છેલ્લી સદી રાસાયણિક સદી હતી. આ સદી જૈવિક સદી હશે, કારણ કે આપણે જે ગ્રહ પર રહીએ છીએ તેને પ્રદૂષિત કરી શકીએ નહીં."

ટિમ પાર્ટને ઉમેર્યું હતું કે "હું પ્રકૃતિના ધબકારા સાથે ખેતી કરું છું. આગામી પેઢીઓ માટે ખેતરમાં તંદુરસ્ત પર્યાવરણીય વ્યવસ્થાનું સર્જન કરું છું. આપણે જે ગ્રહ પર રહીએ છીએ તેને સ્વસ્થ રાખવા માટે આપણે સાથે મળીને જરૂરી ફેરફાર કરી શકીએ. આવો બીજો કોઈ ગ્રહ નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો