You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનો પડોશી દેશ જેણે આપઘાત ઘટાડવા જંતુનાશક દવા પર પ્રતિબંધ લાદ્યો
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
દર વર્ષે અંદાજે દોઢ લાખ લોકો જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે સલાહ આપી છે કે આવી દવાઓ સહેલાઈથી ના મળે તે માટે કાયદાને વધારે કડક બનાવવા જોઈએ.
શ્રીલંકાએ છેલ્લા બે દાયકા દરમિયાન આવી એકથી વધુ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાદ્યો છે અને તેના કારણે આપઘાતનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.
પરંતુ અન્ય દેશોમાં આજેય આત્મહત્યા માટે વપરાતા અત્યંત ઝેરી જંતુનાશક પદાર્થો છૂટથી વેચાય છે.
1990ના દાયકા પછી જંતુનાશકો પીને આત્મહત્યા કરવાનું પ્રમાણ અડધું થઈ ગયું છે, પરંતુ એશિયાના કેટલાક દેશોના ગ્રામીણ વિસ્તારોમાં હજીય તેના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે.
1980 અને 90ના દાયકામાં શ્રીલંકામાં થતી આત્મહત્યાનું પ્રમાણ દુનિયામાં સૌથી વધુ હતું અને તેમાં બે તૃતીયાંશ આપઘાત ઝેરી જંતુનાશકો પીને થતા હતા.
શ્રીલંકાની સરકારે છેલ્લા બે દાયકા દરમિયાન આવી ઘણી દવાઓ પર પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું અને તેના કારણે દેશમાં આપઘાત કરવાના પ્રમાણમાં સરેરાશ 70% ઘટાડો થયો છે.
શ્રીલંકામાં આત્મહત્યાના દરમાં ફેરફાર
આત્મહત્યાનું પ્રમાણ લગભગ સરખું રહ્યું છે, પરંતુ હૉસ્પિટલમાં દાખલ થતા કેસમાં જંતુનાશક દવા પીધાના કિસ્સા ઊલટાના વધારે નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એ થયો કે લોકો હજીય જંતુનાશક દવા પીને આપઘાત કરવાની કોશિશ કરે છે, પણ દવા અગાઉ જેટલી ઝેરી નથી.
ખેતીને નુકસાન ના થાય તે માટે વૈકલ્પિક જંતુનાશકો દાખલ કરાયા હતા, જેમાં ઝેરી પદાર્થોનું પ્રમાણ ઘણું નીચું હતું.
બહુ ઝેરી દવાની જગ્યાએ ઓછા ઝેરી અને સલામત જંતુનાશકો દાખલ કરવાથી ખેતઉત્પાદનમાં મોટો ઘટાડો થયાના કોઈ પુરાવા નથી, તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે.
જોકે વ્યાપક પ્રમાણમાં અભ્યાસ વિના અન્ય પરિબળો આ સ્થિતિ માટે જવાબદાર હશે તેનો પણ ઇન્કાર કરી શકાય નહીં.
આ સમયગાળામાં આરોગ્યની સુવિધાઓમાં પણ સુધારો થયો છે.
સત્તાવાર આંકડા પ્રમાણે 2015માં ભારતમાં 1,34,000 લોકોએ આત્મહત્યા કરી હતી, તેમાંથી 24,000 જંતુનાશક દવા પીને થઈ હતી.
જોકે ભારતમાં આપઘાતના આંકડા ઓછા જાહેર થાય છે તેમ માનવામાં આવે છે.
ચંદીગઢની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચના ડૉ. આશિષ ભલ્લા કહે છે કે કુટુંબીઓ ઘણા બધા કિસ્સામાં આપઘાતથી મોત થયાનું છુપાવે છે, કેમ કે મામલો પોલીસ સુધી પહોંચી શકે છે.
યુકે સ્થિત સંશોધકોના એક જૂથે ભારતમાં નોંધાયેલા જંતુનાશકોનું વિશ્લેષણ કર્યું છે. તેમાં ખ્યાલ આવ્યો કે ખૂબ ઝેરી ગણાતા 10 પદાર્થો, જે સામાન્ય રીતે આપઘાતમાં વપરાતા હોય છે, તેના પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે. ઘણા પદાર્થોનો ઉપયોગ મર્યાદિત કરાયો છે, જ્યારે 2020 સુધીમાં વધુ કેટલાક પદાર્થો પર પ્રતિબંધ લદાશે.
જોકે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા પ્રમાણે અત્યંત ઝેરી ગણાય તેવા ડઝન જેટલા જંતુનાશકો હજી પણ બજારમાં ઉપલબ્ધ છે.
એશિયામાં અન્યત્ર શું સ્થિતિ છે?
2000ના દાયકામાં બાંગ્લાદેશમાં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
તેના કારણે બાંગ્લાદેશમાં પણ આપઘાતનું પ્રમાણ ઘટ્યું છે.
જંતુનાશક દવા પીને આત્મહત્યાની કોશિશનું પ્રમાણ હજીય એટલું જ છે, એમ 2017ના એક અભ્યાસમાં જણાયું હતું.
જોકે અભ્યાસમાં અપૂરતા પ્રમાણમાં આંકડા ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું અને નોંધ્યું હતું કે અન્ય પરિબળોને કારણે પણ આવું પરિણામ શક્ય છે.
2012માં દક્ષિણ કોરિયામાં પણ નીંદણ દૂર કરવા માટેની બહુ ઝેરી દવા પ્રતિબંધિત કરાઈ હતી.
તેના કારણે જંતુનાશક પીને થતી આત્મહત્યાનું પ્રમાણ ઘટી ગયું હતું અને આપઘાતનું કુલ પ્રમાણ પણ ઘટ્યું હતું.
2006થી 2013ના સમયગાળામાં ચીનમાં થયેલા અભ્યાસમાં જોવા મળ્યું હતું કે સરેરાશ આપઘાતનું પ્રમાણ ઘટ્યું હતું અને તેમાં ઝેર પીને થતી આત્મહત્યાનું પ્રમાણ સૌથી નીચે આવ્યું હતું.
આવું થવા પાછળ તરીકે કડક નિયંત્રણો, ખેતીમાં કામ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો, શહેરીકરણ, સારી આરોગ્ય અને તાત્કાલિક સારવારની સુવિધા પણ કારણભૂત હતી.
દુનિયાભરમાં જંતુનાશકોને કારણે થતા આત્મહત્યાના પ્રમાણમાં ઘટાડામાં ચીનનો સૌથી વધુ ફાળો રહ્યો હોવાનું માનવામાં આવે છે.
નેપાળે આ વર્ષે પાંચ દવાઓ પર પ્રતિબંધ લાદ્યો છે અને એ રીતે 2001થી અત્યાર સુધીમાં કુલ 21 જંતુનાશકો પર પ્રતિબંધ લદાયો છે.
નેપાળના પેસ્ટિસાઇડ મૅનેજમૅન્ટ સેન્ટરના ડૉ. ડિલ્લી શર્માનું કહેવું છે કે કેટલીક દવાઓ પર આરોગ્ય અને પર્યાવરણના કારણસર પર પણ પ્રતિબંધ લદાયો છે. જોકે કેટલાક જંતુનાશકોને ખાસ કરીને એટલા માટે પ્રતિબંધિત કરાયા, કેમ કે તેનો ઉપયોગ આપઘાતમાં વધારે થતો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો