સુરતીઓ, થાઇલૅન્ડમાં આવેલાં તમારાં 'સિસ્ટર સિટી' સુરત વિશે જાણો છો?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના 'ડાયમંડ સિટી' સુરતથી હજારો કિલોમીટર દૂર થાઇલૅન્ડમાં તેનું 'સિસ્ટર સિટી' સુરત થાની આવેલું છે અને તેમનાં નામો વચ્ચેનો સંબંધ એક સદીથી પણ વધુ જૂનો છે.

જો સુરત 'લહેરી લાલાઓ'નું શહેર છે, તો થાઇલૅન્ડના સુરત થાનીનો મતલબ જ 'સારા માણસોનું શહેર' એવો થાય છે.

જો સુરત ગુજરાતની દક્ષિણે આવેલું છે, તો સુરત થાની પ્રાંત થાઇલૅન્ડની દક્ષિણે આવેલો છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ભાગ લેતી વખતે થાઇલૅન્ડના રાજ્યકક્ષાનાં વાણિજ્ય પ્રધાન ચૂતિમા બુણ્યપ્રપહસરા (Chutima Bunyapraphasara)એ તેનો ઉલ્લેખ કર્યો હતો.

સદીઓથી બૌદ્ધ ધર્મ તથા રામાયણ થાઇલૅન્ડ તથા ભારતને 'જોડતી કડી' રહ્યાં છે, આજે ભારતીય મૂળના અઢી લાખ લોકો થાઇલૅન્ડમાં વસે છે.

સદીથી પણ જૂનો સંબંધ

વર્ષ 1915માં થાઇલૅન્ડના ચક્રી વંશના રાજા રામ ષષ્ઠમ્ ભારત આવ્યા હતા.

તેઓ તત્કાલીન બોમ્બે રાજ્યના સુરત શહેરથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં.

રાજા રામ ષષ્ઠમ્ થાઇલૅન્ડ પરત ફર્યાં હતાં અને થાઇલૅન્ડની દક્ષિણે આવેલા ચૈયા (Chaiya) પ્રાંતનું નામ બદલીને સુરત થાની (Surat Thani મતલબ કે સારા માણસોનું શહેર) એવું નામકરણ કર્યું.

આજે 'સુરત થાની' પ્રાંત ટૂંકાણમાં 'સુરત' તરીકે પણ ઓળખાય છે.

એટલું જ નહીં તેમણે આ પ્રાંતની નદી 'ફમ દૂઆંગ'નું નામ બદલીને 'તાપી' આપ્યું હતું.

હાલ, થાઇલૅન્ડમાં બંધારણીય રાજાશાહી છે અને ચક્રી વંશના મહા વજ્રીલૉંગકૉર્ન (રામ દસમા) રાજાપદ પર છે. તેમના પિતા ભૂબિબલ અદૂલિયજ (રામ નવમા) 70 વર્ષ સુધી રાજાના પદ પર રહ્યાં છે, જે વર્લ્ડ રેકર્ડ છે.

થાઇલૅન્ડનું સુરત શહેર જહાજી અને વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતો રહે છે. નાળિયેર, રબર તથા દરિયાઈ ઉત્પાદનોના વેપાર માટેનું મુખ્ય મથક છે.

વર્ષ 2015માં 'સિસ્ટર સિટીઝ' સુરત તથા સુરત થાની સંબંધોના શતકીય વર્ષની ઊજવણી કરવામાં આવી હતી અને અરસપરસ કેટલીક વ્યાપારી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી.

પ્રાચીન સમયમાં સુરત થાની વિસ્તાર ઇંડોનેશિયાના શ્રીવિજય સામ્રાજ્યની રાજધાની હતી.

સુરત થાની, સેક્સ અને સૌંદર્ય

થાઇલૅન્ડ તેના પ્રાકૃત્તિક સૌંદર્ય, બીચ, રમણીય દરિયા કિનારા, જંગલ અને પર્વતો ઉપરાંત સેક્સની બાબતમાં ઉદાર નિયમોને કારણે પર્યટકોને આકર્ષે છે.

સુરત થાનીમાં ખાસ ફરવા લાયક સ્થળો નથી, પરંતુ તેની આજુબાજુ આવેલાં કૉ સામૂઈ (Ko Samui), કૉ તાઓ (Ko Tao), કા-ફંગાન (Ko Pha Ngan) આકર્ષક પર્યટક સ્થળો છે.

કૉ સામૂઈ ટાપુ ઉપર નાઇટ લાઇફથી ધમધમતાં અનેક બાર, પબ અને ક્લબ્સ આવેલાં છે.

મરીન નેશનલ પાર્કની કૉરલ રિફ પણ પર્યટકોને આકર્ષે છે.

કા-ફંગાન ખાતે પૂર્ણિમાને દિવસે યોજાતી બીચ પાર્ટીનું અહીં આવતાં પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.

થાઇલૅન્ડ જવા માટેના વિઝા માટે ભારતીયો ઑનલાઇન અરજી કરી શકે છે, જે યાત્રાને વધુ સુગમ બનાવે છે.

ઉનાળામાં ભારતમાં ગરમીનો પારો વધી રહ્યો હોય, ત્યારે થાઇલૅન્ડમાં સરેરાશ 33 ડિગ્રી જેટલું તાપમાન હોય છે, જે આહ્લાદક્તાનો અનુભવ કરાવે છે.

સસ્તી હૉટલ્સ, રેસ્ટોરાં અને ઍરટિકિટ્સને કારણે પણ થાઇલૅન્ડ હૉટસ્પોટ બની રહે છે.

ભારતીયો 'સુરત' જાય છે?

ટ્રાવેલ વેબસાઇટ makemytripએ 'થાઇલૅન્ડનાં આઠ સ્થળ, જેની ભારતીયો મુલાકાત નથી લેતા, પણ લેવી જોઈએ' તેવા શિર્ષક હેઠળનાં લેખમાં સુરત થાનીની મુલાકાત લેવા ભલામણ કરી હતી.

લેખમાં જણાવ્યા પ્રમાણે, 'આ વિસ્તારમાં 'મનમોહક કુદરતી સૌંદર્ય' અને 'ભવ્ય સાંસ્કૃતિક વારસા'ની ઝલક જોવા મળે છે. તેમાં પણ તાપી નદીનો તટપ્રદેશ અત્યંત મનમોહક છે.'

'આ વિસ્તારમાં અનેક નાની રેસ્ટોરાં આવેલી છે, જે વ્યાજબી ભાવે થાઇલૅન્ડના સર્વશ્રેષ્ઠ સીફૂડ (દરિયાઈ જીવોમાંથી બનતી વાનગી) વેચે છે.'

લેખમાં ત્યાંનાં બનાવટી દાગીના અને કપડાંની ખરીદી પૉપ્યુલર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

1980-'90ના દાયકામાં કાયદો અને વ્યવસ્થાને કારણે અહીં અશાંતિ રહી હતી, પરંતુ હવે અહીં શાંતિ પ્રવર્તે છે.

થાઇલૅન્ડમાં ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ આવેલું છે, જે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીને સુગમ બનાવે છે.

થાઇલૅન્ડમાં ભારતીય પર્યટકો

આંતરરાષ્ટ્રીય અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સે વર્ષે બહાર પાડેલાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિદેશી પર્યટન ક્ષેત્રમાંથી થતી આવકની બાબતમાં થાઇલૅન્ડ ફ્રાન્સને પછાડીને ત્રીજા ક્રમે પહોંચી ગયું.

થાઇલૅન્ડને પર્યટનક્ષેત્રમાંથી 58 અબજ ડૉલર (રૂ. 4,133 અબજ) ની આવક થઈ હતી.

દેશના કુલ જીડીપીમાં પર્યટન ક્ષેત્રનું પ્રદાન 21.2 ટકા જેટલું હતું.

અખબારે નોંધ્યું હતું, જો થાઇલૅન્ડ આ રીતે જ પ્રગતિ કરતું રહે તો આગામી પાંચ વર્ષમાં તે સ્પેનને પછાડીને બીજા ક્રમ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

થાઇલૅન્ડની આ સફળતામાં ભારતીયોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું.

નાણાંકીય વર્ષ 2016-2017 દરમિયાન 14 લાખ ભારતીયોએ થાઇલૅન્ડની મુલાકાત લીધી હતી.

વર્ષ 2010થી થાઇલૅન્ડ જનારાં ભારતીયોની સંખ્યામાં 10 ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે.

થાઇલૅન્ડની વસતિ અંદાજે સાત કરોડની છે, જેની સામે દર વર્ષે લગભગ સાડા ત્રણ કરોડ વિદેશી પર્યટકો એશિયાની દક્ષિણ-પૂર્વે આવેલાં આ રાષ્ટ્રની મુલાકાત લે છે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં યાદ

વાઇબ્રન્ટ ગુજરાત 2019માં પ્રાસંગિક ઉદ્ધબોધન કરતી વખતે થાઇલૅન્ડના રાજ્યકક્ષાના વાણિજય પ્રધાન બુણ્યપ્રપહસરા 'સુરત' અને 'સુરત થાની' વચ્ચેના સંબંધોની યાદ અપાવી હતી.

તેમણે કહ્યું કે 'ભારત અને થાઇલૅન્ડ હજારો વર્ષથી સાંસ્કૃતિક, કલાત્મક, સ્થાપત્ય, આર્થિક અને રાજકીય સંબંધ ધરાવે છે.'

તેમણે વાઇબ્રન્ટ ગુજરાત પ્રત્યે થાઇલૅન્ડની કટિબદ્ધતા દર્શાવી હતી અને ભારતીય ઉદ્યોગપતિઓને થાઇલૅન્ડ રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

થાઈ લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે, એટલે બૅંગકૉક તથા અન્ય શહેરોમાં અનેક ભવ્ય મંદિર અને પેગોડા આવેલાં છે, બૌદ્ધોને મોટા પ્રમાણમાં આકર્ષે છે.

થાઇલૅન્ડનું ચલણ બાહટ (અંદાજે રૂ. 2.24) છે. અહીંની મુખ્ય ભાષા થાઈ છે.

થાઈ પુરુષો સરેરાશ 71 વર્ષ અને થાઈ મહિલાઓ સરેરાશ 79 વર્ષનું આયુષ્ય ભોગવે છે.

દક્ષિણે ચમકતું સુરત

સુરત શહેર ભારતની દક્ષિણે આવેલું છે. આજે તેની ઓળખ 'ડાયમંડ સિટી' અને 'ટેક્સ્ટાઇલ સિટી' તરીકે વિખ્યાત છે, ઉપરાંત અહીં કપડાં ઉપર જરીકામ પણ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે.

સ્થાનિકોમાં 'સુરતનું જમણ અને કાશીનું મરણ ' એવી કહેવત પ્રચલિત છે, જે સુરતીઓનો ખાણીપીણી પ્રત્યેનો શોખ છતો કરે છે.

એક સમયે વ્યાપારી અને સાંસ્કૃતિક બાબતોમાં ધમધમતું શહેર હતું.

કહેવાય છે કે એ સમયે સુરતનો દરિયાઈ વેપાર વિશ્વના 84 બંદરો સાથે ચાલતો તથા અન્ય દેશોના જહાજ તાપી નદીમાં આવતાં હતાં.

(આ અહેવાલ માટે બીબીસી થાઈ સેવાના બુશાબા શિવસોમબોન (Busaba Sivasomboon) પાસેથી ઇનપુટ્સ મળ્યાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો