You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC EXCLUSIVE : સરદારની પ્રતિમા માટે જમીન આપનારા આદિવાસીઓ પર પોલીસે લાઠીઓ વરસાવી? ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, જય મકવાણા અને પાર્થ પંડ્યા
- પદ, કેવડિયાથી, બીબીસી ગુજરાતી
નર્મદા કોની...આપણી...,' 'જાગા...જાગા...આદિવાસી જાગા...' સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી માંડ અડધો કિલોમીટર દૂર કેવડિયા ગામની સીમમાં નદી કિનારે આશરે 300 જેટલા ગ્રામજનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
સુત્રોચ્ચારમાં ગામની જમીન પર બની રહેલા 'હરિયાણા ભવન'નો વિરોધ વર્તાઈ રહ્યો છે.
સાધુ બેટ પર ઊભેલી સરદાર પટેલની પ્રતિમાની નજર આ આદિવાસીઓ પર પડે કે ના પડે પણ આદિવાસીઓએ સરદારની રાહે સરકાર સામે લડી લવાનું મન બનાવી લીધું છે.
આ આદિવાસીઓ આરોપ લગાવી રહ્યા છે કે સવારે પોલીસ તેમના ઘરે ઘૂસી આવી હતી અને તોડફોડ કરી હતી.
આક્ષેપ એવો પણ કરાઈ રહ્યો છે કે પોલીસે મહિલાઓને પણ નહોતી છોડી અને ન્હાઈ રહેલાં 'બહેન-દીકરી'ઓને પણ ઘરમાંથી બહાર કાઢીને દમન ગુજાર્યો હતો.
ઘટના શું છે?
આ ઘટનાના મૂળમાં 19 જાન્યુઆરી 2019ના રોજ કેવડિયામાં હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરના આગમનનો કરાયેલો વિરોધ હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
ખટ્ટર કેવડિયા ગામમાં બની રહેલા 'હરિયાણા ભવન'ના શીલાન્યાસ માટે આવ્યા હતા.
જોકે, આદિવાસીઓનું કહેવું છે કે 'સરદાર માટે જમીન આપી પણ હવે હરિયાણા માટે જમીન કોઈ કાળે નહીં અપાય.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આદિવાસીઓના આ વલણને પગલે 19 જાન્યુઆરીએ તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
એ ઘર્ષણના આધારે પોલીસે કુલ 11 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
આરોપીઓને ઝડપી પાડવા માટે 21 જાન્યુઆરી 2019, સોમવારે વહેલી સવારે પોલીસનાં ધાડેધાડાં ગામમાં ઊતરી પડ્યાં હતાં અને દમન ગુજાર્યો હતો એવો ગ્રામજનોનો આક્ષેપ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આરોપ-પ્રત્યારોપ વચ્ચે છુપાયલું સત્ય
બીજી બાજુ, પોલીસનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર કરાયેલા હુમલાને પગલે ઘર્ષણ સર્જાયું હતું.
આરોપ-પ્રત્યારોપની આ ઘટનાઓ વચ્ચે દબાયેલા સત્યને ઉજાગર કરવા બીબીસી ગુજરાતીની ટીમ કેવડીયા પહોંચી હતી.
સરદારની પ્રતિમાના પડછાયામાં વનરાજી વચ્ચે વસેલા કેવડીયા ગામમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે ગામમાં વર્તાઈ રહેલો સુનકાર ઊડીને આંખે વળગતો હતો.
મોટા ભાગનાં મકાનોમાં કાં તો તાળાં લટકતાં હતાં કાં તો ભેંકાર ભાસતો હતો.
એકલદોકલ લોકો મળી જાય તો એમના ચહેરા પર પણ ડરની રેખા ડોકાતી જોઈ શકાતી હતી.
'ગામમાં લોકો ખાસ કેમ નથી દેખાઈ રહ્યાં?' પૂછ્યું તો જાણવા મળ્યું કે મોટા ભાગના લોકો નદી કિનારે મંદીરના ચોગાનમાં એકઠા થયા છે.
અમે જ્યારે નદી કિનારે પહોંચ્યા તો જોયું કે ત્રણસો જેટલાં 'આદિવાસી એક્તા' અને 'નર્મદા નદી'ના નામ પર સુત્રોચ્ચાર કરી રહ્યા છે.
કેવડિયા ગામમાં રહેતા કરમસિંહભાઈએ બીબીસી ગુજરાતીને આખી ઘટનાનો ચિતાર વર્ણવ્યો.
કરમસિંહભાઈએ કહ્યું, "19 તારીખે હરિયાણાના મુખ્ય મંત્રી અહીં આવવાના હતા અને એની તૈયારી માટે મંડપ બાંધવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો."
"ગ્રામજનો એકઠા થયાં અને તિરંગા સાથે સરઘસ કાઢ્યું તો પોલીસ આડી ફરી. પોલીસે તિરંગાનું અપમાન પણ કર્યું અને અમારા પર લાઠીઓ પણ વરસાવી."
કરમસિંહના મતે આદિવાસીઓ પર કરાયેલો લાઠીચાર્જ જ ઘર્ષણનું કારણ બન્યો હતો.
કરમસિંહ ઉમેરે છે, "ઘર્ષણની એ ઘટનાને પગલે જ સોમવારે સવારે પોલીસ અમારાં ઘરોમાં ઘૂસી ગઈ અને અમારા પર દમન ગુજાર્યું."
તેમના જણાવ્યા અનુસાર ગામમાં પોલીસના ધાડેધાડાં ઊતરી પડ્યાં હતાં અને વગર વાંકે લોકોને પકડી લેવાયા હતા.
ગામમાં રહેતાં મીનાબહેનનો આરોપ છે કે પોલીસના આ દરોડા દરમિયાન તેમના ભાણેજ દીપકને પણ પકડીને લઈ જવાયો છે. દીપક કેવડીયામાં રહેતો નથી.
મીનાબહેન કહે છે, "સવારે ઘરમાં પોલીસે આવી બધું જ ફેંદી કાઢ્યું. ઘરમાં હું અને મારો ભાણેજ દીપક જ હતાં. તેને પોલીસ પકડીને લઈ ગઈ."
મજૂરી કરીને ગુજરાન ચલાવતા દીપકને વાંકગુના વગર પોલીસ ઉઠાવીને લઈ ગઈ હોવાનો આરોપ મીનાબહેન લગાવે છે.
કંઈક આવો જ કિસ્સો લીલાબહેન તડવી પણ વર્ણવે છે.
'મારા દીકરાને નદીમાંથી જ પોલીસ પકડી ગઈ'
લીલાબહેન કહે છે, "મારો દીકરો સવારે નદીએ ન્હાવા ગયો હતો. પોલીસે તેને નદીમાંથી બારોબાર પકડી લીધો અને પોલીસ સ્ટેશન લઈ ગઈ."
ગામમાં રહેતાં ચંપાબહેન જેસંગ કહે છે, "સવારે જ પોલીસ અમારા ઘરમાં ધસી આવી, મારાં વહુ સાથે અને મારી સાથે ખરાબ વર્તન કર્યું. મહિલા પોલીસને આગળ કરીને દમન કર્યું."
ચંપાબહેન કહે છે, "અમારાં બાજુમાં રહેતાં બહેનને પોલીસે સાડી પણ પહેરવાં ન દીધી અને અડધાં કપડાંમાં જ પકડીને બહાર ગાડી સુધી લઈ હતી."
શારદાબહેન નામનાં મહિલા આરોપ લગાવે છે કે પોલીસ તેમના ઘરે ગેરકાયદે ઘૂસી, તેમનાં સાસુ સાથે મારપીટ કરી અને તેમની પુત્રી સાથે ગેરવર્તન કર્યું.
ગામલોકો જણાવે છે કે પોલીસના આ દરોડોમાં તેમના ઘરોમાં પણ તોડફોડ કરાઈ છે.
જે ઘરોમાં પોલીસે તોડફોડ કરી હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે, એ ઘરોની પણ બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી હતી.
કેટલાંક ઘરોના દરવાજાની અંદરની તરફની તૂટેલી કડી થોડા કલાક પહેલાં ગામમાં ઘટેલી ઘટનાની સાબિતી આપતી હતી.
સ્થાનિકોના કહેવા પ્રમાણે પોલીસથી ડરીને લોકોએ ઘરના દરવાજા અંદરથી બંધ કરી લીધા હતા, પોલીસે એ દરવાજા પણ તોડી નાંખ્યા હતા.
એક ઘરની બારી પણ તૂટેલી હાલતમાં હતી, જે પોલીસે જ તોડી હોવાનો સ્થાનિકો આરોપ કરે છે.
'પોલીસે દરવાજાને લાતો મારી, ડરથી હું પલંગ નીચે સંતાઈ ગઈ'
શારદાબહેન તડવીના ઘરમાં પણ તોડફોડ થઈ હોવાનું તેઓ જણાવે છે.
બીબીસી ગુજરાતીની ટીમે તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે તેમણે સવારની આખી ઘટના વર્ણવી.
ઘરના વાડામાં લઈ જઈને તેમને દરવાજો બતાવતાં કહ્યું, "આ દરવાજા પર પોલીસે લાતો મારવાનું શરૂ કર્યું હતું અને હું ડરીને પલંગ નીચે સંતાઈ ગઈ હતી."
"પોલીસ આવી ત્યારે મારાં સાસુ અહીં વાડામાં જ બેઠાં હતાં, પોલીસ તેમને પણ માર મારવા લાગી અને ધમકાવવા લાગી."
શારદાબહેનનો આરોપ છે કે દમન ગુજારવામાં પોલીસે મહિલા અને પુરુષનો ભેદ પણ ભૂલાવી દીધો હતો.
શારદાબહેન કહે છે, "મારી દીકરી પદ્મા ન્હાવા બેઠી હતી, તો પોલીસે બાથરૂમનો દરવાજો તોડીને બહાર કાઢી."
"મારી દીકરીએ કપડાં પણ ન્હોતાં પહેર્યાં. એ જ હાલતમાં મારી દીકરીને બહાર કાઢીને પોલીસ પૂછતાછ કરવા લાગી."
શારદાબહેન જણાવ્યા અનુસાર પોલીસના મારને કારણે તેમનાં 65 વર્ષનાં સાસુ બબીબહેન બેભાન થઈ ગયાં હતાં અને તેમને 108 ઍમ્બુલન્સની મદદથી તેમને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં.
શારાદાબહેનના આરોપની અમે ટીમ કેવડિયા ગામથી પાંચેક કિલોમીટરના અંતરે આવેલી ગરૂડેશ્વર ગામની સરકારી હૉસ્પિટલ પહોંચ્યા.
બાથરૂમમાંથી મહિલાની ધરપકડ
હૉસ્પિટલના રજીસ્ટર આધારે જાણવા મળ્યું કે કેવડિયા ગામેથી 65 વર્ષીય બબીબહેન તડવીને હૉસ્પિટલ ખાતે લવાયાં હતાં અને સોમવારે રાત્રે 7 વાગ્યે તેમની મુલાકાત લેવાઈ ત્યારે તેમની સ્થિતિ સુધારા પર હતી.
હૉસ્પિટલમાં શારદાબહેનનાં દીકરી પદ્માબહેન પણ હાજર હતાં. તેઓ ન્હાવા બેઠાં હતાં, ત્યારે પુરુષ પોલીસ કર્મચારીઓએ બાથરૂમમાંથી તેમને બહાર કાઢ્યા હોવાની વાત જણાવી હતી.
ફરજ પરના તબીબ ડૉ.મિશ્રાએ જણાવ્યું કે બબીબહેનનું ડરના કારણે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હોવાથી બેભાન થયાં હતાં. તેમનાં શરીર પર ઈજાનું કોઈ નિશાન મળ્યું નથી.
પણ ત્યાં હાજર અન્ય એક તબીબ ડૉ. એસ.આઈ. ભીલે જણાવ્યું હતું કે આ ઘટનામાં હુમલાનો મામલો છે.
ગ્રામજનો કહે છે કે પ્રમાણે અનેક લોકોને પોલીસે અટકાયત કરીને પછીથી છોડી મૂક્યા હતા.
ગ્રામજનો એવો પણ આક્ષેપ કરે છે કે જસવંત કિરતાર, જેસંગ રણછોડ, દીપક અને રાજેશ એમ ચાર લોકોને હજુ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા છે અને તેમની ધરપકડ કરવાનું કારણ પણ આપ્યું નથી.
કેવડિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા ફરજ પરના પી.એસ.ઓ.(પોલીસ સ્ટેશન ઑફિસર)એ જણાવ્યું કે આ ચાર વ્યક્તિનાં નામ હજુ સુધી પોલીસ ચોપડે નોંધાયાં નથી, પણ આ લોકોની રાયોટિંગના ગુનામાં પૂછતાછ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે.
નર્મદા જિલ્લાના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ(એ.એસ.પી.) અચલ ત્યાગી ગ્રામજનો પર સોમવારે પોલીસ દમન થયાની વાતને આક્ષેપ માત્ર ગણાવે છે.
તેમણે કહ્યું, "પોલીસ દ્વારા સમયાંતરે દારૂબંધીના કાયદાના પાલન માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે."
"એ પ્રમાણેની જ ડ્રાઇવ આજે યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પકડવા માટે યોજાઈ હતી."
"આ કામગીરીને 19 જાન્યુઆરીની ગ્રામજનોના વિરોધની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી."
પોલીસ શું કહે છે?
એએસપી ત્યાગીએ ગ્રામજનોના વિરોધની ઘટના વિશે વાત કરતા કહ્યું, "સરદાર સરોવર પ્રોજેક્ટ માટે કેટલીક જમીન લેવાઈ હતી, જે અંગે 1960ના દાયકાથી વિરોધ કરાઈ રહ્યો છે. સરકાર અને
ગ્રામજનો વચ્ચે વાતચીતના અનેક પ્રયાસ પણ થયા છે."
તેમના જણાવ્યા પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ વખતે પણ ગ્રામજનોએ વિરોધ કાર્યક્રમો આપ્યા હતા.
તેમણે કહ્યું, "19 જાન્યુઆરીએ હરિયાણાના મુખ્ય મંત્રી ભૂમિપૂજન માટે આવ્યા ત્યારે ફરી લોકો વિરોધ કરવા આવ્યા હતા."
"સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે 33 લોકોની અટકાયત કરી હતી."
"આ દરમિયાનમાં પોલીસ પર ગ્રામજનોએ પથ્થરમારો પણ કર્યો હતો."
એએસપીના કહેવા પ્રમાણે આજે 21 જાન્યુઆરીએ પોલીસ દ્વારા ગ્રામજનોની 19 જાન્યુઆરીએ યોજાયેલા વિરોધ સંદર્ભે કોઈ કાર્યવાહી કરાઈ નથી.
જોકે, પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે કેટલાક લોકોને પૂછતાછ માટે સવારથી પોલીસ સ્ટેશને લાવ્યા છે અને સાંજ સુધી છોડ્યા નથી.
નદી કિનારે સંગઠિત થયેલા ગ્રામજનોનો એક જ સૂર છે, "અમે બંધ બાંધવા જમીન આપી દીધી, સરદારની પ્રતિમા માટે જમીન આપી દીધી."
"હજુ અમારી જિંદગી એવી જ છે, સ્થિતિ સુધરવાનું નામ નથી લેતી. હવે હરિયાણા ભવન માટે અમે જમીન નહીં આપીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો