નિકોલા ટેસ્લાની પાંચ ભવિષ્યવાણીઓ, જે આજે સાચી સાબિત થઈ

નિકોલા ટેસ્લાની ગણતરી 19મી સદીના મહાન સંશોધનકર્તાઓમાં થાય છે. જોકે, તેઓ પોતાના હરીફ થૉમસ એડિસન જેટલા લોકપ્રિય બની શક્યા નહીં.

રસપ્રદ વાત એ છે કે ટેસ્લા થૉમસ એડિસનના બૉસ હતા. હાલ જે વીજળીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેના વિકાસમાં ક્રોએશિયાના ઇજનેર નિકોલા ટેસ્લાનો મોટો ફાળો છે.

એડિસન ડાયરેક્ટ કરંટ (ડીસી)ને ઉત્તમ ગણતા હતા, જે 100 વોલ્ટના પાવર પર કામ કરતો હતો.

પરંતુ ટેસ્લાના મત મુજબ અલ્ટરનેટીવ કરંટ (એસી) શ્રેષ્ઠ હતો. તેમના કહેવા પ્રમાણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો સરળ હતો.

જીત ટેસ્લાની થઈ, પરંતુ ઇતિહાસમાં 'ફાધર ઑફ ઇલેક્ટ્રીસિટી' તરીકે થૉમસ એડિસનને ઓળખ મળી.

દક્ષિણ આફ્રિકાના એલોન મસ્કનો આભાર માનવો પડશે કે જેમણે વીજળીથી ચાલતી મોટરકારોની કંપનીને ટેસ્લાનું નામ આપ્યું.

મસ્ક કંપનીમાં કાર્યકારી ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહ્યા છે અને તેમની કંપની વિશેષ રૂપે વીજળીથી ચાલતી કાર બનાવે છે.

ટેસ્લાએ વિદ્યુતની શોધખોળ સિવાય ઘણા પ્રકારની ટેકનૉલૉજીની ભવિષ્યવાણી કરી હતી. જે દાયકાઓ બાદ સાચી સાબિત થતી દેખાઈ રહી છે.

નીચે તેમની સૌથી ઉલ્લેખનીય ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ છે.

વાઈ ફાઈ

વાયરલેસ ટેકનૉલૉજી મામલે પોતાના ઝનૂનના પગલે ટેસ્લાએ ડેટા ટ્રાન્સમિશન પર કેન્દ્રિત ઘણી શોધ કરી હતી. તેની સાથે જોડાયેલા ઘણાં સિદ્ધાંતોનો વિકાસ કર્યો હતો.

ગુઇલેર્મો માર્કોનીએ સૌથી પહેલા સમગ્ર એટલાન્ટીકમાં મોર્સ કોડના માધ્યમથી પત્ર મોકલ્યા હતા. પરંતુ ટેસ્લા તેનાથી આગળ કંઈક કરવા માગતા હતા.

તેમણે સંભાવના વ્યક્ત કરી હતી કે સમગ્ર દુનિયામાં એક દિવસ ટેલિફોન સિગ્નલ, દસ્તાવેજ, સંગીતની ફાઇલો અને વીડિયો મોકલવા માટે વાયરલેસ ટેકનૉલૉજીનો ઉપયોગ થશે.

અને આજે વાઈ-ફાઈની મદદથી આમ કરવું શક્ય છે.

મોબાઇલ ફોન

ટેસ્લાએ વર્ષ 1926માં એક અમેરિકી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ભવિષ્યમાં પોતાના વધુ એક પૂર્વાનુમાનનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે તસવીરો, સંગીત અને વીડિયો ટ્રાન્સમિટ કરવા માટે પોતાના આઇડિયાને 'પૉકેટ ટેકનૉલૉજી'નું નામ આપ્યું હતું.

તેમણે સ્માર્ટફોનના આવિષ્કારની 100 વર્ષ પહેલાં જ તેની ભવિષ્યવાણી કરી નાખી હતી.

પરંતુ શું ટેસ્લાએ એ વિચાર્યું હશે કે મોબાઇલ આપણા જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ બની જશે?

ડ્રોન

વર્ષ 1898માં ટેસ્લાએ તાર વગર અને રિમોટથી નિયંત્રિત થનારા 'ઑઉટોમેશન' પ્રદર્શિત કર્યા હતા.

આજે આપણે તેને રિમોટથી ચાલતા ટૉય શિપ અથવા તો ડ્રોન તરીકે ઓળખીએ છીએ.

વાયરલેસ કમ્યૂનિકેશન, રોબૉટિક્સ, લૉજિક ગેટ જેવી નવી ટેકનૉલૉજીથી તેમણે જોનારાઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

લોકોને લાગતું હતું કે તે વસ્તુઓની અંદર કોઈ નાનો વાનર છે કે જે તેમને નિયંત્રિત કરે છે.

ટેસ્લા માનતા હતા કે એક દિવસ રિમોટથી ચાલનારા મશીન લોકોના જીવનનો મહત્ત્વનો ભાગ હશે અને એ ભવિષ્યવાણી વાસ્તવિકતાથી ખૂબ નજીક હતી.

કૉમર્શિયલ હાઈ-સ્પીડ એરક્રાફ્ટ

ટેસ્લાએ કલ્પના કરી હતી કે દુનિયામાં એવા એરક્રાફ્ટ હશે કે જે સમગ્ર દુનિયામાં તીવ્ર ગતિ અને અન્ય દેશો વચ્ચે કૉમર્શિયલ રૂટ પર યાત્રા કરશે.

આ એરક્રાફ્ટમાં ઘણાં યાત્રિકોની બેસવાની વ્યવસ્થા હશે.

નિકોલા ટેસ્લાએ કહ્યું હતું, "વાયરલેસ પાવરનો સૌથી મહત્ત્વપૂર્ણ ઉપયોગ ઇંધણ વગર ઉડનારા મશીનોમાં થશે, જે લોકોને ન્યૂયોર્કથી યૂરોપ માત્ર થોડા કલાકોમાં જ પહોંચાડી દેશે."

એ સમયે કદાચ આ બધી વાતોને મૂર્ખતા સમજવામાં આવતી હશે. પરંતુ ટેસ્લા ફરી એક વખત સાચા હતા.

ટેસ્લા ગતિની વાત મામલે સાચા હતા. જ્યાં સુધી ઈંધણ વગર ઉડનારા અને વીજળીથી ચાલતા વિમાનોની વાત છે તો તે હજુ પણ ભવિષ્યનું એક સપનું છે.

મહિલા સશક્તિકરણ

1926માં કૉલિયર્સ સાથે તેમના ઇન્ટરવ્યૂને 'વ્હેન વુમેન ઇઝ બૉસ' શીર્ષક આપવામાં આવ્યું હતું.

તેનાથી જાણવા મળે છે કે 68 વર્ષીય ટેસ્લા તે સમયે મહિલાઓ વિશે શું વિચારતા હતા.

ટેસ્લા માનતા હતા કે મહિલાઓ ઉત્તમ શિક્ષણ, નોકરી અને સમાજમાં પ્રભાવશાળી બનવા માટે વાયરલેસ ટેકનૉલૉજીનો ઉપયોગ કરશે.

જોકે, પાછલી સદીમાં ટેકનિકને સામાજિક અને રાજકીય જીવનમાં મહિલાઓના સશક્તિકરણ સાથે જોડવી અઘરી છે.

એ પણ જોવા મળ્યું કે મહિલાઓ ટેકનૉલૉજીના ક્ષેત્રમાં રસપૂર્વક ભાગ લઈ રહી છે.

'યાહૂ'ના કાર્યકારી નિર્દેશક અને કમ્પ્યૂટર એન્જિનીયર મૈરિસા મેયર અને ફેસબુકનાં વર્તમાન ઑપરેશનલ ડાયરેક્ટર શેરિલ સેન્ડબર્ગ એ વાતનો પૂરાવો છે.

તેમનાં જેવી મહિલાઓએ ટેકનૉલૉજીના સહારે #MeToo જેવા અભિયાન ચલાવીને વૈશ્વિક સ્તરે મહિલાઓમાં જાગરૂકતા ફેલાવવાનું કામ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો