You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
USમાં દરરોજના અઢી કરોડ રૂપિયા કમાનારા ભારતીય કોણ છે?
ભારતીય મૂળના નિકેશ અરોડા ટેક્નૉલૉજીની દુનિયામાં સૌથી વધુ વેતન પેકેજ મેળવનારા સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) બની ગયા છે. નિકેશ અગાઉ સૉફ્ટ બૅન્ક તથા ગૂગલમાં પણ કામ કરી ચૂક્યા છે.
નિકેશ સાઇબર સિક્યુરિટી કંપની અલ્ટો નેટવર્કમાં સીઈઓ બન્યા છે, જ્યાં તેમનું પેકેજ 12.8 કરોડ ડોલર એટલે કે લગભગ 857 કરોડ રૂપિયા હશે.
નિકેશને વાર્ષિક રૂ. 6.7 કરોડ વેતન પેટે મળશે અને એટલી જ રકમ બોનસ સ્વરૂપે મળશે. સાથે જ તેમને રૂ. 268 કરોડના શેર મળશે, જે તેઓ સાત વર્ષ સુધી વેંચી નહીં શકે.
જો સાત વર્ષની અંદર નિકેશ કંપનીના શેરોમાં ત્રણ ગણો વધારો કરવામાં સફળ રહેશે તો તેમને વધુ રૂ. 442 કરોડ મળશે.
'નિકેશ અરોડા પાસે સાઇબર સિક્યુરિટીનો કોઈ અનુભવ નથી'
ઉપરાંત નિકેશ પોતાના નાણાં દ્વારા અલ્ટો નેટવર્કના રૂ. 134 કરોડના શેર ખરીદી શકે છે અને એટલી જ કિંમતના શેર તેમને આપવામાં આવશે. નિકેશ આ શેરને સાત વર્ષ સુધી વેંચી નહીં શકે.
અલ્ટો નેટવર્કના ત્રિમાસિક નફામાં 29 ટકાનો ઉછાળો આવવા છતાંય કંપનીના શેરના ભાવોમાં અનપેક્ષિત રીતે ઘટાડો નોંધાયો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ગત વર્ષની સરખામણીએ વધુ નફો અને અપેક્ષાથી વધુ નફો રહેવા છતાંય આ ઘટાડો નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિકેશ અરોડા માર્ક મિકલૉક્લિનનું સ્થાન લેશે. તેઓ 2011થી આ પદ પર હતા. માર્ક બોર્ડમાં વાઇસ ચેરમેન હતા, જ્યારે નિકેશ અરોડા બોર્ડના ચેરમેન બનશે.
અનેક વિશ્લેષકોને માટે આટલો જંગી પગાર આશ્ચર્ય પમાડનારો છે. ક્રેડિટ સ્વિસના એનાલિસ્ટ બ્રેડ જેલનિકે ફાઇનાન્શિયલ ટાઇમ્સને કહ્યું કે નિકેશ અરોડા પાસે સાઇબર સિક્યુરિટીનો કોઈ અનુભવ નથી.
ટીમ કૂકથી પણ વધુ પગાર
હાલમાં સાઇબર સિક્યુરિટી ડેટા એનાલિસિસની સમસ્યાથી ગ્રસ્ત છે, ત્યારે નિકેશનો ક્લાઉડ અને ડેટા સેક્ટરનો અનુભવ કંપનીને લાભકારક રહેશે એવું માનનારા પણ છે.
અગાઉ ઍપલના સીઈઓ ટીમ કુક ટેક્નૉલૉજીની દુનિયામાં સૌથી વધુ મેળવનારા સીઈઓ હતા. તેમનું વાર્ષિક પેકેજ 119 મિલિયન ડોલરનું હતું.
વર્ષ 2014માં જ્યારે નિકેશે ગૂગલની નોકરી છોડી, ત્યારે તેમનો વાર્ષિક પગાર 50 મિલિયન ડૉલર(28 કરોડ રૂપિયા) હતો.
ત્યારબાદ નિકેશ સૉફ્ટ બૅન્ક સાથે જોડાયા અને ત્યાં તેમણે 483 મિલિયન ડૉલર રૂપિયાના શેર ખરીદ્યા હતા. નિકેશ જૂન 2016 સુધી એ કંપની સાથે સંકળાયેલા રહ્યા હતા.
બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલા ઇન્ટર્વ્યૂમાં નિકેશ અરોડાએ કહ્યું હતું કે ઘણી કંપનીઓએ તેમને નોકરી આપવાની ના પાડી દીધી હતી અને અમેરીકા આવતી વખતે ઘરેથી ત્રણ હજાર ડૉલર મળ્યા હતા તેમાંજ ગુજરાન કરવાનું હતું.
જ્યારે નિકેશને ગૂગલમાં નોકરી મળી, ત્યારે તેમનો સમય બદલાયો. તેઓ વર્ષ 2004થી 2007 દરમિયાન ગૂગલના યુરોપ ઑપરેશનના પ્રમુખ રહ્યા હતા. વર્ષ 2011માં નિકેશને ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર બનાવવામાં આવ્યા.
2014માં અરોડાએ સૉફ્ટ બૅન્ક જોઇન કર્યું, ત્યાં તેઓ ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટના વડા હતા.
નિકેશે ભારત તથા ઇન્ડોનેશિયામાં ઇન્ટરનેશનલ ઇન્ટરનેટમાં વ્યાપક રોકાણ કર્યું. નિકેશને સૉફ્ટ બૅન્કના બોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.
કોણ છે નિકેશ
50 વર્ષના નિકેશ અરોડાનો જન્મ છઠ્ઠી ફેબ્રુઆરી 1968ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો.
તેમના પિતા ઇન્ડિયન ઍરફોર્સમાં ઓફિસર હતા. નિકેશનું પ્રાથમિક શિક્ષણ ઍરફોર્સની શાળામાં જ થયું હતું.
ત્યારબાદ 1989માં નિકેશે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી આઈટી (ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી) સાથે ગ્રેજ્યુએશન કર્યું.
અભ્યાસ બાદ તરત જ તેમણે વિપ્રો કંપની જોઇન કરી, પરંતુ ટૂંક સમયમાં જ એ નોકરી છોડી દીધી.
ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે નિકેશ અમેરિકા ગયા. નિકેશે બૉસ્ટન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું.
1992માં નિકેશ ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટમાં એનાલિસ્ટ તરીકે જોડાયા, આ સાથે જ તેમણે બૉસ્ટન કોલેજમાંથી ફાઇનાન્શિયલ પ્રોગ્રામ જોઇન કર્યો. નિકેશ સવારે નોકરી કરતા અને રાત્રે અભ્યાસ.
નિકેશનો સખત પરિશ્રમ રંગ લાવ્યો, તેમણે ક્લાસમાં ટૉપ કર્યું. 1995માં નિકેશે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.
ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટમાં તેઓ વાઇસ પ્રેસિડન્ટ (ફાઇનાન્સ)ના પદ સુધી પણ પહોંચ્યા.
ફિડેલિટી બાદ નિકેશે પટનમ ઇન્વેસ્ટમેન્ટ જોઇન કર્યું, જ્યાં ટૂંકસમય માટે નોકરી કર્યા બાદ નિકેશે ડૉયચે ટેલિકોમ જોઇન કર્યું.
સૉફ્ટ બૅન્કમાં કાર્યકાળ દરમિયાન નિકેશે ભારતની ઈ-કોમર્સ કંપનીમાં મોટાપાયે રોકાણ કર્યું હતું. 2015માં ઈટી દ્વારા નિકેશને 'ગ્લોબલ ઇન્ડિયન' તરીકે સન્માનવામાં આવ્યા હતા.
નિકેશના પ્રથમ લગ્ન કિરણ સાથે થયાં હતાં, આ સંબંધથી તેમને પુત્રી પણ છે. કિરણ સાથે છૂટાછેડા બાદ નિકેશે આયશા થાપર સાથે બીજા લગ્ન કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો