ફૂટબૉલ સ્ટાર મેસીને મળવા સાઇકલ પર ભારતથી રશિયા પહોંચ્યો ચાહક

ફૂટબૉલ અને ફૂટબૉલરના ચાહકો કઈ હદ સુધી જઈ શકે છે, તે તમે કેરળના ક્લિફિન ફ્રાંસિસની કહાણી વાંચશો છો ત્યારે ખબર પડશે.

ક્લિફિન ફ્રાંસિસ દક્ષિણ ભારતમાં તેમના ઘરમાં બેઠા હતા ત્યારે એમના એક દોસ્તે એમને વિશ્વ કપમાં જવા અંગે પૂછ્યું.

તેમણે જવાબ આપ્યો, "હાં બિલકુલ, હું આ રોમાંચ માણવા રશિયા જવાનું પસંદ કરીશ."

એ ઑગસ્ટનો સમય હતો અને કેરળમાં બેઠેલા ફ્રાન્સીસને ખબર પણ નહોતી કે તેઓ કઈ રીતે રશિયા જવા માટે હવાઈ મુસાફરીનાં નાણાં એકઠાં કરશે.

તેઓ ગણિતના શિક્ષક છે અને પ્રતિદિન 2,700 રૂપિયા કમાય છે.

મુસાફરી માટે સૌથી સસ્તો માર્ગ કયો?

ક્લિફિન કહે છે, "મને ખબર હતી કે મારી પાસે રશિયા જવા માટે અને ત્યાં જઈને એક મહિના સુધી રોકાવા માટે પૈસા નહોતા."

"તો પછી મુસાફરી માટેનો સૌથી સસ્તો માર્ગ કયો? સવાલ થતાં જ જવાબ નજરે ચઢ્યો તે હતો સાઇકલ દ્વારા મુસાફરી."

ક્લિફિનના મિત્રોને તેમના પર વિશ્વાસ નહોતો થતો, પણ તેઓ સાઇકલ પર જવા માટે મક્કમ હતા.

23 ફેબ્રુઆરીએ તેમણે આ મુશ્કેલ છતાં રોમાંચક મુસાફરી શરૂ કરી. તેઓ હવાઈ મુસાફરી કરી દુબઈ અને ત્યાંથી દરિયાઈ માર્ગે ઈરાન ગયા, ત્યાંથી તેઓ સાઇકલ પર સવાર થઈને નીકળ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

રશિયાની રાજધાની 4,200 કિલોમીટર દૂર હતી અને આ અંતર તેઓ સાઇકલથી કાપવાના હતા.

જોકે, તેમને આનંદ હતો કે આટલી મહેનત કર્યા બાદ તેઓ ફૂટબૉલર મેસીને મળી શકશે.

ક્લિફિન કહે છે, "મને સાઇકલ ચલાવવી ખૂબ ગમે છે અને ફૂટબૉલ મારું ઝનૂન છે. આ યાત્રાએ મારા બે ઝનૂન એક કરી દીધાં."

પાકિસ્તાનનો રસ્તો છોડ્યો

તેમણે પહેલાં પાકિસ્તાન થઈને જવાનું વિચાર્યું હતું પણ ભારત સાથેનાં સબંધોમાં તણાવને જોતાં તેમણે આ વિચાર પડતો મૂક્યો હતો.

તેમણે કહ્યું, "આયોજનમાં કરેલા ફેરફારને કારણે મારો ખર્ચ વધી ગયો."

"હું મારી સાઇકલ દુબઈ લઈ શકતો નહોતો એટલે ત્યાંથી નવી જ ખરીદવી પડી જે મને 47 હજાર રૂપિયામાં પડી."

"લાંબા અંતરની મુસાફરી માટે આ ઉત્તમ સાઇકલ નહોતી પણ મારી પાસે અન્ય વિકલ્પ ન હતો."

પણ જ્યારે તેઓ ઈરાનના બંદર અબ્બાસ ખાતે 11 માર્ચે પહોંચ્યા ત્યારે તેઓ આ ખર્ચની વાત જાણે કે ભૂલી જ ગયા.

તેમણે જણાવ્યું, "આ વિશ્વનો ખૂબ જ સુંદર દેશ છે અને અહીંના લોકોએ મને સારી રીતે આવકાર આપ્યો હતો."

"મેં આ દેશમાં 45 દિવસો ગાળ્યા પણ હોટલમાં માત્ર બે દિવસ જ રહ્યો."

તેમની પાસે ખર્ચ કરવા માટે દિવસ દીઠ ફક્ત 680 રૂપિયા હતા પણ તેમને ઈરાનના લોકોએ પોતાને ત્યાં રહેવા દીધા અને જમાડ્યા.

તેમણે જણાવ્યું, "મારો ઈરાન અંગેનો ખ્યાલ બદલાઈ ચૂક્યો હતો. મને થયું કે સ્થાનિક રાજનીતિના આધારે આપણે એ દેશ અંગે ધારણા ન કરવી જોઈએ."

"ઈરાનનાં સુંદર વિસ્તારોમાં સાઇકલ ચલાવવી સરળ છે, હું ચોક્કસ ફરી પાછો ત્યાં જઈશ."

એ લોકોને બોલીવૂડ ગમે છે અને એટલે જ હું લોકો સાથે સરળતાથી ભળી શક્યો. એ વાત સાચી છે કે ફૂટબૉલ અને ફિલ્મ વિશ્વને સાંકળે છે.

સાઇકલિંગ કરીને દૂબળા થયા

હવે પછીનું સ્થળ હતું અઝરબૈજાન, જ્યાં સરહદ પર મુસાફરી અંગેના દસ્તાવેજો બાબતે કેટલીક મુશ્કેલી પડી હતી. કારણ કે સતત સાઇક્લિંગથી તેમનું વજન ઊતરી ગયું હતું.

તેઓ કહે છે, "વજન ઘટી જવાના કારણે મારો ચહેરો બદલાઈ ગયો હતો અને હું પાસપોર્ટના મારા ફોટો કરતાં અલગ દેખાતો હતો."

"મારી ઓળખ કરવામાં પોલીસને આઠ કલાક લાગ્યા, પણ તેમનું વર્તન અયોગ્ય હતું."

આ જગ્યાએ હોટલમાં રહેવા માટે પૈસા નહોતા એટલે તેઓ તંબુ બાંધીને રહેતા હતા.

તેઓ કહે છે, "ત્યાંનાં લોકો સારા છે પણ અજાણ્યી વ્યક્તિ સાથે હળવામળવામાં તેમને સમય લાગે છે."

"મને રાજધાની બાકૂમાં કેટલાક ભારતીયો મળ્યા હતા અને તેમની સાથે મેં થોડો સમય પણ વીતાવ્યો હતો."

'નો મેન્સ લૅન્ડ'માં ફસાયા

જ્યૉર્જિયા પહોંચીને તેમની સામે નવી સમસ્યા આવી, ત્યાંથી તે પાછા ફર્યા અને અડધે રસ્તેથી પોતાની યોજના બદલવાનો નિર્ણય કર્યો.

તેઓ કહે છે, "મારી પાસે બધા જ દસ્તાવેજો હતા પણ ખબર નહીં કેમ મને અટકાવાયો, મારી પાસે એક તરફના જ વિઝા હોવાથી તેમણે મને દયનીય સંજોગોમાં લાવી દીધો."

ક્લિફિન જ્યૉર્જિયા અને અઝરબૈજાન વચ્ચેની નો મેન્સ લૅન્ડમાં એક દિવસ ફસાયેલા રહ્યા અને આખરે અઝરબૈજાનમાં પુન: દાખલ થવા માટે તાત્કાલિક વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું, "હવે મારે રશિયા જવાનો નવો માર્ગ શોધવાનો હતો. કોઈએ મને કહ્યું કે અઝરબૈજાન રશિયાના દાગેસ્તાન પ્રદેશ સાથે સરહદ ધરાવે છે."

"હું ત્યાં પહોંચી ગયો અને એ પણ વિચાર પણ ન કર્યો કે તે માર્ગ સલામત છે કે નહીં. કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, હું 5 જૂનના રોજ દાગેસ્તાન પહોંચ્યો"

તેમણે ઊમેર્યું, "ભાષા એક મોટી સમસ્યા હતી કારણ કે દાગોસ્તાનમાં ભાગ્યે જ કોઈ અંગ્રેજી બોલી શકતું હતું. લોકો મને જોઈને પરેશાન હતા."

તેઓ કહે છે "એક ભારતીય સાઇકલ સાથે તેમના પ્રદેશમાં દાખલ થાય એ જોઈ તેમને ઘણું આશ્ચર્ય થયું. તેમની સાથે તાલમેલ સાધવા મેં ફિલ્મ અને ફૂટબૉલની વાતોની મદદ લીધી."

રશિયા પહોંચ્યા ક્લિફિન

ક્લિફિન હવે તંબોવ પહોંચ્યા, જે મૉસ્કોથી 460 કિમી દૂર હતું. તેમણે ફ્રાન્સ અને ડેનમાર્કની મેચ માટે, 26 જૂન સુધી મૉસ્કો પહોંચવું હતું.

"એ એક માત્ર મેચ હતી જેની ટિકિટ મને મળી હતી. પણ હું આર્જેન્ટિના અને મેસીનો ચાહક છું."

"મેસીને મળવું અને મારી સાઇકલ પર તેમના હસ્તાક્ષર લેવા એ મારું સપનું હતું."

ક્લિફિનને આશા છે કે તેમની મુસાફરીથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.

તેઓ કહે છે "હું ભારતને પણ એક દિવસે વિશ્વ કપમાં રમતું જોવા માગું છું અને તે ત્યારે જ શક્ય છે જ્યારે ભારતનાં વધુમાં વધુ બાળકો ફૂટબૉલમાં રસ કેળવે. ભારતને આવતાં 20 વર્ષોમાં તક મળશે એવી મને આશા છે."

"મને એવી પણ આશા છે કે લોકો મારી વાત વાંચીને સાઇક્લિંગ કરશે."

"સાઇક્લિંગ તમને જીવનની પ્રાથમિક જરૂરિયાતો તરફ લઈ જાય છે. સૌથી અગત્યનું શું છે? તંબુ તાણવાની સુંદર જગ્યા અને સારું ભોજન, આટલું હોય તો આપણે ખુશ રહી શકીએ."

તેમણે જણાવ્યું કે "મારી વાતથી કોઈ એક વ્યક્તિ પણ ફૂટબૉલ રમવાની પ્રેરણા મળશે તો હું ખૂબ ખુશ થઈશ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો