ફૂટબૉલ વર્લ્ડ કપ 2018: ભારતને ક્યારે મળશે પોતાનો 'મેસી' કે 'રોનાલ્ડો'?

    • લેેખક, શિવાકુમાર ઉલાગંથન અને શરથ બેહરા
    • પદ, બીબીસી સંવાદદાતા

7.6 બિલિયન- સમગ્ર દુનિયાની અંદાજી વસતી.

736- 2018 ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા

0- આ વર્ષની ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓની સંખ્યા.

ફિફા વર્લ્ડ કપમાં ભારતની ભાગીદારી ન હોવા વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેની પાછળ કારણ શું છે? એક સારો ખેલાડી બનાવવા માટે શાની જરૂર હોય છે? શું ભારતને તેમાં ક્યારેય સ્થાન મળશે ખરા?

એક સારો ફૂટબૉલ ખેલાડી બનવા માટે ઘણી વસ્તુઓની જરૂર હોય છે. શારીરિક, માનસિક અને વ્યૂહરચના મામલે તે વ્યક્તિ સક્ષમ હોય તે જરૂરી છે.

તેના માટે જરૂર છે સારા કોચની, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ, કલાકો સુધી પ્રૅક્ટિસની.

પૂર્વ ફિફા પ્રમુખ સેપ બ્લેટરે એક સમયે ભારતને 'ફૂટબૉલનું સૂતેલું ભીમકાય પ્રાણી' ગણાવ્યું હતું.

જોકે, છેલ્લા ચાર વર્ષોમાં ભારતની પુરુષોની ફૂટબૉલ ટીમની રૅન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે.

વર્ષ 2014માં ભારતની ફૂટબૉલ ટીમ 170માં નંબર પર હતી, જ્યારે 2018માં ભારતનું સ્થાન 97 પર પહોંચી ગયું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ISL, I- લીગ અને યૂથ લીગ ભારતમાં ફૂટબૉલને સતત પ્રમોટ કરી રહ્યા છે.

પરંતુ શું આટલાથી બસ માની લેવું જોઈએ? ભારતે પોતાની ટીમને ફિફા વર્લ્ડ કપમાં પ્રદર્શન કરતી જોવા માટે કેટલી રાહ જોવી પડશે?

બીબીસીએ આ અંગે વધુ માહિતી મેળવવા માટે ફૂટબૉલની રમતના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ફૂટબૉલ રમવા શારીરિક રીતે સક્ષમ હોવું જરૂરી

ફૂટબૉલ રમવા માટે જરૂરી છે કે ખેલાડી યોગ્ય શારીરિક શક્તિ ધરાવે. ખેલાડીમાં તુરંત જ દિશા બદલવાની આવડત હોવી જરૂરી છે.

વેગ વધારવો અને ઘટાડવો, ઝડપ, છલાંગ મારવાની આવડત અને ચપળતા સફળતા મેળવવાની મુખ્ય ચાવી સમાન છે.

એક ફૂટબૉલ ખેલાડી માટે દોડવું પણ ખૂબ જરૂરી છે. કેટલાક ખેલાડીઓ તો એક જ રમતમાં 14.5 કિલોમીટર જેટલું દોડી નાખે છે અને તેમની ઝડપ 35 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી જાય છે.

બીજી રમતની સરખામણીએ ફૂટબૉલમાં દોડવું વધારે જરૂરી છે.

ડૉ. વિજય સુબ્રમણ્યમ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે કામ કરે છે. તેઓ જણાવે છે, "ફૂટબૉલમાં તમારી અંદર શારીરિક ક્ષમતા હોવી ખૂબ જ જરૂરી છે.

"ફૂટબૉલ માટે કમર, પેટ અને પેટ તેમજ જાંઘ વચ્ચેનો બેઠેલો ભાગ મજબૂત હોવો જરૂરી છે. બૉલને પગથી મારતા સમયે ફૂટબૉલ ખેલાડીની અંદરના ભાગની સ્નાયુઓ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે."

ડૉ. સુબ્રમણ્યમ ઉમેરે છે, "ખેલાડીની ઊંચાઈનો કોઈ માપદંડ નથી. જો તેમની ઊંચાઈ ઓછી હોય, તો તેઓ દડાને પગથી સારી રીતે આગળ ધકેલી શકે છે.

"વધુ ઊંચાઈ ધરાવતા ખેલાડીઓ સારી રીતે દોડી શકે છે અને તેઓ સારી રીતે એરિયલ ઍટેક કરી શકે છે."

ઓછી ઊંચાઈ હોવા છતાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી ઉત્તમ ઉદાહરણ છે આર્જેન્ટિનાના સ્ટાર મેસી.

ડૉ. વિજયનું કહેવું છે કે મેસીની જેમ દક્ષિણ અમેરિકાના ઘણા ખેલાડીઓની ઊંચાઈ ઓછી હોય છે.

ડૉ. વિજય કહે છે, "શારીરિક ક્ષમતાના આધારે ભારતીય ખેલાડીઓમાં છેલ્લા થોડા વર્ષોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. માત્ર ફૂટબૉલની રમતમાં જ નહીં, પણ બધી જ રીતે."

ડૉ. વિજય ઉમેરે છે, "ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી ફિટ ખેલાડી છે. તેમની છલાંગનો સામનો કરવો ડિફેન્ડર માટે ખૂબ મુશ્કેલ છે. તેમની આ આવડત મેદાનમાં તેમને મજબૂત ખેલાડી બનાવે છે."

ત્યારે સવાલ થાય છે કે શું આંતરરાષ્ટ્રીય સ્તર પર ફૂટબૉલ રમવા માટે એક ખેલાડીની ઊંચાઈ અને સ્નાયુશક્તિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે?

તેના જવાબમાં ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (AIFF)ના કાર્યકારી ટેકનિકલ ડાયરેક્ટર સેવિયો જણાવે છે, "યોગ્ય ઊંચાઈ ડિફેન્ડર માટે મદદરૂપ હોઈ શકે છે, પરંતુ લાંબાગાળે ઊંચાઈ તેમજ સ્નાયુશક્તિ કરતાં એક ખેલાડીને તાકાત અને વ્યૂહરચના યોગ્ય ખેલાડી બનાવે છે."

મનોવૈજ્ઞાનિક શક્તિ

સેવિયો કહે છે, "લોકો એવું માને છે કે શારીરિક શક્તિ ભારતીય અને પશ્ચિમી ખેલાડીઓને અલગ પાડે છે, પરંતુ મને લાગે છે કે વ્યૂહાત્મક સમજ અને ટેકનિકલ ક્ષમતા એ બે વસ્તુ છે કે જેની ભારતીય ખેલાડીઓમાં ખામી જોવા મળે છે."

રાષ્ટ્રીય સ્તર પર ફૂટબૉલ રમી ચૂકેલા અને VIVA ફૂટબૉલ મૅગેઝિનના ઍક્ઝિક્યુટિવ એડિટર આશિષ પેંડસે કહે છે કે ફૂટબૉલ માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ મગજમાં પણ રમવામાં આવે છે.

ઘણા નિષ્ણાતો માને છે કે ફૂટબૉલમાં માનસિક શક્તિ વગર શારીરિક શક્તિ એક ખેલાડીને ક્યાંય લઈને જતી નથી. આ જ વસ્તુ છે કે જે વર્લ્ડ ક્લાસ ખેલાડીને એક સાધારણ ક્લબ ખેલાડીથી અલગ કરે છે.

એક બાળકે ક્યારે શરૂઆત કરવી જોઈએ?

પ્રખ્યાત ફૂટબૉલ નિષ્ણાત, લેખક અને રમતજગતના ક્રિટિક નોવી કપાડિયા કહે છે, "ભારતના કેટલાક માતાપિતા માને છે કે તેમના બાળકોને જો તેઓ એક પ્રોફેશનલ ફૂટબૉલ ખેલાડી તરીકે જોવા માગે છે તો તેમણે પોતાના બાળકોને પાંચ, છ કે સાત વર્ષની ઉંમરે તાલીમ લેવા માટે મોકલવા જોઈએ."

કપાડિયા સલાહ આપે છે કે બાળકને ફૂટબૉલ ગ્રાઉન્ડમાં લઈ જવા જોઈએ અને તેમને 12 કે 13 વર્ષની ઉંમર સુધી રમવા દેવા જોઈએ.

ત્યારબાદ એ જાણવું સહેલું રહેશે કે તેઓ કેટલા આગળ જઈ શકે છે અને તેમનો જુસ્સો જોઈને તેમના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકાય છે.

જોકે, સેવિયો કંઈક અલગ વિચાર ધરાવે છે. તેઓ માને છે, "એશિયન તેમજ યુરોપિયન ટીમનો સામનો કરવા માટે બાળકે નાની ઉંમરથી જ ફૂટબૉલ રમવાનું શરૂ કરી દેવું જોઈએ.

"તેનાથી બાળકની નિર્ણયશક્તિ સારી બનશે અને તેની વ્યૂહાત્મક સમજમાં પણ સુધારો આવશે."

જરૂરિયાતની વસ્તુઓ અને કોચિંગ

આશિષ પેંડસેના આધારે ફૂટબૉલ જેવી રમતમાં બૉલ પર કાબુ મેળવવો, બૉલને આગળ લઈ જવાની ક્ષમતા અને બૉલ સાથે દોડવા સિવાય રમત સમયે બનાવવામાં આવતી વ્યૂહરચના એક સારો કોચ જ શીખવી શકે છે.

દુર્ભાગ્યે ભારત તેમાં પાછળ છે અને ભારતને સારા કોચની જરૂર છે.

પેંડસે કહે છે, "હાલ જ ભારતમાં યૂથ કપનું આયોજન થયું હતું, જેમાં ઘણા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

"જ્યારે તેમાં અમેરિકાની ટીમ રમી રહી હતી, ત્યારે તેમની ટેક્નિકલ ટીમના સાત લોકો રમતનું વિશ્લેષણ કરી રહ્યા હતા.

"ભારતની ટીમ પાસે વીડિયો કે ડેટાનું વિશ્લેષણ કરતી કોઈ વ્યક્તિ નથી. આ એવી સામાન્ય વસ્તુઓ છે કે જેને બીજા દેશો અપનાવી રહ્યા છે અને ભારતમાં તેની ખામી છે."

પેંડસેએ ઉમેર્યું, "ભારતને ક્યારેક જ સારા ખેલાડી સાથે રમવાની તક મળે છે.

"ઉદાહરણ તરીકે જો ભારત બેલ્જિયમ જેવા દેશની ટીમ સાથે રમે છે, તો ભારતની ગુણવત્તામાં થોડો સુધારો આવી શકે છે, પરંતુ બેલ્જિયમ જેવા દેશની ટીમ ભારતની ટીમ સામે શા માટે રમે?"

ભારતને સારી સ્પર્ધા મળવી એ પણ એક પડકાર સમાન છે.

કાપડિયા કહે છે, "ભારતમાં ફૂટબૉલની કોઈ સ્પર્ધા થતી નથી. અંડર-17 ખેલાડીઓમાં આઠ ખેલાડીઓ ઉત્તર પૂર્વના છે અને બીજા પાંચ-છ ખેલાડીઓ અન્ય બે-ત્રણ રાજ્યોના છે.

"તો આપણે કઈ રીતે કહી શકીએ કે આખો દેશ ફૂટબૉલ રમી રહ્યો છે?"

તેઓ કહે છે કે વર્ષ 1960 અને 70 દરમિયાન ભારતમાં ઘણા ફૂટબૉલ સ્ટેડિયમ હતા, પરંતુ ધીરે ધીરે તે સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમમાં પરિવર્તિત થઈ ગયા.

સારા કોચ ફૂટબૉલની દુનિયામાં પરિવર્તન લાવી શકે છે.

સેવિયો કહે છે, "ભારતીય ટીમને સારા કોચની જરૂર છે કેમ કે તેઓ જ સારા ખેલાડીઓને આગળ વધવામાં મદદ કરી શકે છે."

પૂર્વ ભારતીય ફૂટબૉલ ખેલાડી પ્રકાશ પણ આ વાત સાથે સંમત છે. તેઓ પણ માને છે કે ભારતમાં સારા કોચ હોવા ખૂબ જ જરૂરી છે.

10 હજાર કલાક પ્રૅક્ટિસની થિયરી

ઘણા ખેલાડીઓ અને કોચ 10 હજાર કલાક પ્રૅક્ટિસની થિયરીમાં માને છે. તેઓ માને છે કે ઘણા કલાકો પ્રૅક્ટિસ કરવાથી એક ખેલાડી પ્રોફેશનલ બની જશે.

જોકે કેટલાક લોકો માને છે કે તે અલગ અલગ વ્યક્તિ પર નિર્ભર કરે છે.

બૅકહેમ અને રોનાલ્ડો જેવા ખેલાડીઓ કલાકો સુધી પ્રૅક્ટિસ કરવા માટે પ્રખ્યાત છે.

ભારતને મળશે તેનો મેસી?

ભલે થોડું મોડું, પણ ભારતની ફૂટબૉલ ટીમ ધીમે ધીમે આગળ વધી રહી છે, તે છતાં શું ભારતને તેનો મેસી કે રોનાલ્ડો મળશે ખરા?

સેવિયો કહે છે, "જો ભારતમાં ફૂટબૉલનું ચલણ વધશે, તો આપોઆપ સ્ટાર ખેલાડી આગળ આવી જ જશે, ત્યારે આ સવાલ કરવાની જરૂર પડશે નહીં."

પ્રકાશ કહે છે, "મેસી માત્ર એક નામ જ છે. ભારતે પણ ઘણા મોટા ખેલાડીઓ આપ્યા છે જેમાં બાઇચુંગ ભૂટિયા, આઈ. એમ. વિજયન, પીટર થંગારેજ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

"મેસી અને રોનાલ્ડો તેમના સ્ટાર પાવર ક્લબ અને તેમના દેશમાં ફૂટબૉલ માટે તેમના જુસ્સાના કારણે પ્રખ્યાત થઈ ગયા છે."

પેંડસે કહે છે, "નૈમર, મેસી અને મેરેડોના જેવા ખેલાડીઓ રમતને એક નવા સ્તર પર લઈ જાય છે. તેઓ યુવાનોમાં પણ એક જુસ્સો ભરી દે છે.

"પરંતુ સુનિલ છેત્રી, આઈ. એમ. વિજયન, બાઇચુંગ ભૂટિયા જેવા લોકો પણ તેમના સ્તરે હીરો છે."

ભારતમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?

સેવિયો કહે છે, "ISLએ દુનિયાને બતાવ્યું છે કે ભારતમાં માત્ર ક્રિકેટ જ નહીં, ફૂટબૉલ પણ રમવામાં આવે છે. ભારતીય ક્લબે પણ તેમની ટીમને વિકસાવવા માટે ઘણું કામ કરવાની જરૂર છે."

પેંડસે કહે છે, "ભારતમાં 1990 દરમિયાન આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું, પણ હવે આપણી પાસે 30 પ્રખ્યાત એકૅડેમી છે અને તેટલી જ વરિષ્ઠ ખેલાડીઓની ટીમ પણ છે."

સેવિયોની દૃષ્ટિએ ભારતમાં ફૂટબૉલનું ભવિષ્ય આશાવાદી છે. તેઓ કહે છે, "ભારતમાં રમત-ગમતનું કલ્ચર છે, પણ હજુ તેમાં ફૂટબૉલ કલ્ચરનો ઉમેરો થયો નથી. એક વખત તેનો વિકાસ થઈ જશે તો પાછળ વળીને જોવાની જરૂર પડશે નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો