You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયામાં લાખો ભારતીય ડ્રાઇવરોનું શું થશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સાઉદી અરેબિયામાં મહિલાઓને કાર ચલાવવા માટે છૂટ મળી ગઈ છે. લાંબા સમયની માગ બાદ શનિવારે આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે નવ કલાકથી આ મંજૂરી અમલમાં આવી હતી.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત બાદ ચાલુ માસની શરૂઆતથી મહિલાઓને લાઇસન્સ આપવાની શરૂઆત થઈ હતી.
આ નિર્ણય બાદ અહીંની મહિલાઓમાં ખુશીની લહેર દેખાઈ રહી છે.
ઘણી મહિલાઓએ ટ્વીટ કરીને કહ્યું કે સાઉદી અરેબિયા હંમેશા માટે બદલાઈ ગયું છે.
આ પહેલાં મહિલાઓને ડ્રાઇવિંગનો હક મળે તે માટે કાર્યરત કમ સે કમ આઠ ચળવળકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધી ડ્રાઇવિંગ માટે સાઉદી મહિલાઓએ પરિવારના પુરુષ સભ્યો પર આધાર રાખવો પડતો હતો અથવા તો પરિવારે ડ્રાઇવરને નોકરીએ રાખવા પડતા હતા.
હવે મહિલાઓને ડ્રાઇંવિંગમાં મુક્તિની સાથે જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી આવેલા ડ્રાઇવર્સનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે.
એક અનુમાન મુજબ, સાઉદી અરેબિયામાં આશરે આઠ લાખ ડ્રાઇવર છે. જેમાં ભારતીય અને બાંગ્લાદેશી ડ્રાઇવર્સની સંખ્યા વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના પંજાબ અને કેરળથી મોટી સંખ્યામાં ડ્રાઇવર સાઉદી અરેબિયામાં નોકરી કરે છે.
સાઉદી અરેબિયામાં વર્ક વિઝા અપાવનારી એજન્સીના અલી હૈદર ચૌધરીએ બીબીસીને કહ્યું કે છેલ્લા બે-એક વર્ષમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી ડ્રાઇવર સઉદી અરબ આવ્યા છે
છેલ્લા દસ વર્ષથી ભાડે કાર આપવાનો બિઝનેસ કરનારા બહર બકુલે બીબીસીને કહ્યું, "ઘણા ડ્રાઇવર લોકોના ઘરમાં નોકરી કરે છે.”
"એવું પણ બને છે કે ઘરમાં ત્રણ બાળકો હોય અને અલગઅલગ સ્કૂલમાં જવાનું હોય તો ત્રણેયને માટે અલગઅલગ ડ્રાઇવર રાખવામાં આવ્યા હોય.”
"આમાંથી મોટાભાગના ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકાના હોય છે."
300 કરોડ ડોલરનો ખર્ચ
સઉદી અરબની સમાચાર વેબસાઇટ અલ અરેબિયામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયામાં 8 થી 10 લાખ વિદેશી ડ્રાઇવર નોકરી કરે છે.
આ ડ્રાઇવરોનું મહિનાનો પગાર 2,000 રિયાલ (લગભગ 36 હજાર રૂપિયા) હોય છે. અન્ય ભથ્થાઓ મળીને એક ડ્રાઇવર પર 1000 ડૉલર (68 હજાર રૂપિયા) થી વધારે ખર્ચ આવે છે.
એક અનુમાન મુજબ, વર્ષ 2016માં સાઉદી અરેબિયાના પરિવારોએ વિદેશી ડ્રાઇવર રાખવા માટે કુલ 300 કરોડ ડૉલરથીવધારેની રકમ ખર્ચી કાઢી છે.
આ ખર્ચામાં ડ્રાઇવરોની નિયુક્તિ, તેમનું રહેવાનું, પ્લેનની ટિકિટ, વિઝા, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ , ખોરાક, પગાર અને મેડિકલની સુવિધાનો સમાવેશ થાય છે.
મહિલાઓને કાર ચલાવવાની છૂટ મળ્યા પછી વિદેશી ડ્રાઇવરો પાછળ ખર્ચાનારી મોટી રકમમાં કાપ આવશે. તો કારોનું વેચાણ વધવાની શક્યતા વધી ગઈ છે.
પુરુષપ્રધાન વ્યવસ્થા
સાઉદીના હજુ અનેક નિયમો અને કાયદાઓ તેને 'પુરુષ પ્રધાન' સમાજ બનાવે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઍમ્નિસ્ટી ઇન્ટરનેશનલના કહેવા પ્રમાણે, સાઉદીએ આ દિશામાં ઘણું કરવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર 'તમે ડ્રાઇવ નહીં કરી શકો' હૈશટેગ દ્વારા પુરુષો તેમની નારાજગી પ્રગટ કરી રહ્યા છે.
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)