You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક એવા ભૂતિયા ગામની વાત, જેણે પોતાના લોકોને જ 'મારી' નાખ્યા
ઑસ્ટ્રેલિયાની પશ્ચિમ તરફ વિટ્ટનૂમ નામનું એક ગામ છે. ગામમાં નજર કરીએ તો ચારેતરફ ખાલી ઘરો અને નિરવ શાંતિ જોવા મળે છે.
ઘરોનાં આંગણાઓ સૂમસામ બની ગયાં છે. આ ગામને ભૂતિયા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ખાલી પડેલાં ઘરોની અંદર નજર કરીએ તો તૂટેલો-ફૂટેલો સામાન અને માત્ર સન્નાટો જ જોવા મળે છે.
જોકે, એક સમયે આ ગામ ઑસ્ટ્રેલિયામાં ખૂબ પ્રખ્યાત હતું.
વર્ષ 1930 આસપાસ આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. તો એવું તે અચાનક શું બન્યું કે આખું ગામ ખાલી થઈ ગયું?
'મારો પરિવાર ખતમ થઈ ગયો'
1940-50ના દાયકામાં આ ગામ ચર્ચામાં આવ્યું જ્યારે ખનીજ વિભાગને માલૂમ પડ્યું કે આ વિસ્તારમાં ભારે માત્રામાં 'બ્લૂ એસ્બેસ્ટોસ' છે.
આ ગામમાં એક સમયે રહેતાં બ્રૉનવેન ડ્યૂક નામના મહિલાએ બીબીસી સાથે તેમના અનુભવો શેર કર્યા હતા.
બ્રૉનવેન કહ્યું,"1958માં મારો જન્મ પિલબરા પ્રદેશના વિટ્ટનૂમ નામના નાના ગામમાં થયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા પ્રમાણે પહેલાં તો આ ગામ સાવ શાંત હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ ઑસ્ટેલિયામાં અનેક શરણાર્થીઓ આવવા લાગ્યા.
તેમણે કહ્યું, "આ શરણાર્થીઓએ રોજગારી અને વસવાટ માટે આ ગામ તરફ વાટ પકડી હતી. કારણ કે આ ગામ 'બ્લૂ એસ્બેસ્ટોસ'નું મુખ્ય કેન્દ્ર હતું."
"મારા પિતા પણ તેમાંથી એક હતા જેઓ બીજા વિશ્વયુદ્ધ બાદ અહીં આવીને વસ્યા હતા."
"તેઓ કામદારોને બસ દ્વારા ગામથી ખાણ સુધી લઈ જવાનું કામ કરતા હતા."
"પરંતુ મેં મારા માતાપિતા, ભાઈ, ત્રણ કાકાઓ, દાદા-દાદી અને ચાર પિતરાઈ ભાઈ-બહેનોને ગુમાવી દીધા. મારો પરિવાર ખતમ થઈ ગયો."
મોતના ખતરાથી અજાણ લોકો
19મી સદીની શરૂઆતમાં એસ્બેસ્ટોસના ખનનમાં ભારી માત્રામાં વધારો થયો.
ડ્યૂક કહે છે, "સહેલાઇથી મળવાને કારણે વિટ્ટનૂમમાં રસ્તાઓ, બગીચાઓ અને મોટાભાગની દરેક જગ્યાએ 'એસ્બેસ્ટોસ'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો."
'એસ્બેસ્ટોસ ફાઇબર'નો ઉપયોગ સાઉન્ડમાં, સ્ટીમ એન્જિનથી લઈને વિમાનમાં અસ્તર તરીકે પણ કરવામાં આવતો હતો અને દુનિયાભરમાં તેની નિકાસ કરવામાં આવતી હતી."
આ પદાર્થની માઇનિંગથી ખાણ માલિકો માલામાલ થઈ ગયા હતા અને મોટાપ્રમાણમાં આ વિસ્તારમાં માઇનિંગ ચાલી રહ્યું હતુ.
જોકે, આ પદાર્થની આડઅસર અંગે લોકોને પહેલાં કોઈ જાણકારી ન હતી. તેનાથી થતાં નુકસાનની અંગે ઘણી મોડી ખબર પડી હતી.
એસ્બેસ્ટોસની આડઅસરના કારણે ગામમાં મોટાપ્રમાણમાં લોકો બીમાર પડવા લાગ્યા.
ડ્યૂકના કહેવા મુજબ મારા માતાપિતા 'એસ્બેસ્ટોસિસ' અને 'મેસોથેલિઓમા'ના ખતરાથી અજાણ હતા. મોટાભાગના ગામ લોકો પણ આ મામલે અજાણ હતા.
હજારો લોકોનાં મોત
જૂના દિવસોને યાદ કરતા ડ્યૂક ઉમેરે છે, "એ સમયે જિંદગી ખૂબ જ સામાન્ય હતી."
"ગામમાં બધા હળીમળીને રહેતા અને જે સામાજિક કાર્યક્રમો થતા તેમાં એકબીજાની મદદ કરતા."
"એસ્બેસ્ટોસિસ માત્ર ખાણમાં જ ન હતું. તેનો ગાર્ડનમાં, રસ્તામાં અને લગભગ દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરાયો હતો."
તેઓ કહે છે કે બાળકો રમવા જાય તો તેઓ પણ જાણે એસ્બેસ્ટોસિસમા રમતાં હતાં.
ધીરેધીરે અહીં લોકો બીમાર પડવા લાગ્યા, ગામમાં બીમારી વધવા લાગી. ડ્યૂકે કહ્યું, "અમારા વિસ્તારની મુલાકાતે સમયસર ડૉક્ટર આવતા હતા અને તેમને આ પદાર્થના ખતરા અંગે જાણ થઈ."
" 'એસ્બેસ્ટોસિસ' અને 'મેસોથેલિઓમાના કારણે લોકો બીમાર પડતા હતા. "તેમણે કહ્યું હતું કે આ પરિસ્થિતિથી બચવા માટે ખાણ બંધ થવી જોઈએ."
"ગામ લોકોને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેઓએ આંખ આડા કાન કર્યા."
ખાણકામ અહીં ખૂબ ફાયદાકારક હતું, તેથી પણ તેને બંધ કરવામાં ના આવ્યું. ડ્યૂક કહે છે કે ધીરેધીરે અહીં રહેતાં લોકો મરવા લાગ્યા. મારા પિતાનું પણ આમા જ મોત થયું.
"મારા માતા અને પિતાનું પણ મેસોથેલિઓમાથી મૃત્યુ પામ્યાં. મારા પરિવારમાંથી કોઈ ના બચ્યું તમામ લોકોનાં મોત થયાં."
વિટ્ટનૂમ અને તેની આસપાસના વિસ્તારમાં 'એસ્બેસ્ટોસ' અને 'મેસોથેલિઓમા'ના કારણે હજારો લોકોનાં મૃત્યુ થયાં.
1966માં અહીં થતું ખાણકામ બંધ કરવામાં આવ્યું. આ ગામ હજી પણ પ્રદૂષિત છે અને હાલ તે ખંડેર બની ચૂક્યું છે.
'એસ્બેસ્ટોસ ફાઇબર'થી કઈ રીતે મર્યાં લોકો
'એસ્બેસ્ટોસ ફાઇબર' એ કુદરતી ફાઇબર છે જે પથ્થરોની વચ્ચે મળી આવે છે. તે સિલિકેટ મિનરલ્સના છ તત્ત્વોથી બનેલો પદાર્થ છે.
'એસ્બેસ્ટોસ ફાઇબર' શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશે છે જે ફેફસામાં ઇન્ફેક્શન અને કૅન્સરને નોતરે છે.
વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે અને મૂંઝારો થવાને કારણે તેનું મૃત્યુ થાય છે.
ડ્યૂકે કહ્યું, "મારા માતા અને ભાઈનું મૃત્યુ મેસોથેલિઓમાના કારણે થયું હતું."
"આ બીમારી કૅન્સરનો એક ભાગ છે જેમાં તમારા શરીરના મોટાભાગના અંગોનાં ટીશ્યૂ ખતમ થઈ જાય છે."
(આ અહેવાલ સૌપ્રથમ 21 જૂન, 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો