You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલઃ હિંદુત્વવાદીઓનું ‘નિશાન’ બન્યાં સુષમા સ્વરાજ
મુસલમાન યુવક સાથે લગ્ન કરનારી હિંદુ મહિલાને પાસપોર્ટ બનાવવામાં મદદ કર્યાં પછી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સોશિયલ મીડિયા પર હિંદુવાદીઓનું નિશાન બન્યાં છે.
તન્વી સેઠ નામની મહિલાએ આક્ષેપ કર્યો હતો કે લખનૌ પાસપોર્ટ ઓફિસમાં કાર્યરત અધિકારી વિકાસ મિશ્રએ તેમની સાથે ધર્મને આધારે ભેદભાવ કર્યો હતો.
તન્વી સેઠે સુષ્મા સ્વરાજને ટેગ કરીને ટ્વીટ કરી હતી. એ પછી પાસપોર્ટ ઓફિસે તત્કાળ કાર્યવાહી કરીને તેમને પાસપોર્ટ ઇસ્યુ કર્યો હતો.
તન્વી સેઠના આક્ષેપ પછી વિકાસ મિશ્રની બદલી લખનૌથી ગોરખપુર કરી નાખવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા બાદ કેટલાંક હિંદુવાદી સમૂહોએ વિકાસ મિશ્રના સમર્થનમાં ઝુંબેશ ચલાવી હતી.
તન્વી સેઠને પાસપોર્ટ તો ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે, પણ સમગ્ર પ્રક્રિયા વિશે સવાલ ઉઠ્યા બાદ તેમના પાસપોર્ટ બાબતે તપાસ થઈ શકે છે.
આ બધાની વચ્ચે ફેસબૂક પર સુષમા સ્વરાજના પેજને નકારાત્મક રેટિંગ અપાય રહ્યું છે.
બીજી તરફ ટ્વિટરમાં સુષમા સ્વરાજ પર મુસ્લિમ તુષ્ટિકરણના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજપૂત વિપુલ સિંહે ટ્વિટર પર લખ્યું હતું, "એ અધિકારીનો શું વાંક હતો? તેમણે તો તેમની ફરજ બજાવી હતી. મુસ્લિમ તુષ્ટિકરણની હદ."
રુદ્ર રાજપુરોહિતે લખ્યું હતું, "વિકાસ મિશ્ર નિયમનું પાલન કરતાં આકાશથી ઉપર ગયા અને સુષમા સ્વરાજ સેક્યુલરિઝમના ચક્કરમાં પાતાળથી પણ નીચે ચાલ્યાં ગયાં."
સચિન ગુપ્તાએ લખ્યું હતું, "હું આપને અનફોલો કરી રહ્યો છું, કારણ કે તમે કોઈ જ પ્રારંભિક તપાસ વિના પાસપોર્ટ અધિકારીને માત્ર એ આધારે દોષી ગણ્યા કે ફરિયાદકર્તા મુસલમાન છે."
એક તરફ સુષમા સ્વરાજને ટ્વિટર પર અનફોલો કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાંક લોકો સુષમા સ્વરાજે કરેલાં કામ યાદ અપાવી રહ્યા છે.
સંજયકુમારે લખ્યું હતું, "વિદેશ પ્રધાન તરીકે સુષમાજીનું કામ વખાણવાલાયક રહ્યું છે એ આપણે ભૂલવું ન જોઈએ."
સુષમા સ્વરાજ સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહેતાં હોય છે.
ફેસબૂક પર તેમના પેજ સાથે લગભગ 30 લાખ લોકો જોડાયેલાં છે, જ્યારે ટ્વિટર પર 1.18 કરોડ લોકો તેમને ફોલો કરે છે.
સુષમા સ્વરાજ ટ્વિટર મારફત સામાન્ય લોકોની સમસ્યા ઉકેલવા માટે પણ જાણીતાં છે.
ઘણા લોકો સુષમા સ્વરાજને ટેગ કરીને પોતાની મુશ્કેલી બાબતે ટ્વીટ કરે છે અને એ સંબંધે સુષમા સ્વરાજ જરૂર પગલાં લે છે.
તન્વી સેઠે સુષમા સ્વરાજને ટેગ કરીને ટ્વીટ કર્યું, ત્યારે તેમણે જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો હતો.
ફેસબૂક પર સુષમા સ્વરાજના પેજને નકારાત્મક રેટિંગ અપાય રહ્યું છે, આથી તેમના પેજનું રેટિંગ ઝડપભેર ઘટી રહ્યું છે.
આ વિવાદ પછી 20,000થી વધુ લોકોએ તેમનાં પેજને નકારાત્મક રેટિંગ આપ્યું છે. કેટલાંક લોકો તેમના હકારાત્મક રેટિંગ પણ આપી રહ્યાં છે.
પૃથક બાતોહીએ સુષમા સ્વરાજને નકારાત્મક રેટિંગ આપતાં લખ્યું હતું, "કારણ કે હું વિકાસ મિશ્રનું સમર્થન કરું છું."
અનન્ય અવિનાશે ફેસબૂક પર લખ્યું હતું કે ઇસ્લામિક તુષ્ટિકરણના પરાકાષ્ઠા પર પહોંચી ગયાં છે સુષમાખાતૂન.
સુષમા સ્વરાજને પાંચ સ્ટાર આપતાં હિના ખાને લખ્યું હતું, "આપણા સમયના એક સારા રાજકીય નેતા ખોટા પક્ષમાં ફસાયેલાં છે."
આ બધાની વચ્ચે તન્વી સેઠે તેમનાં ટ્વિટર એકાઉન્ટને પ્રાઇવેટ કરી નાખ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો