You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા સ્ટુડન્ટ મર્ડર: અત્યારસુધી આપણે શું જાણીએ છીએ?
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
વડોદરાની ભારતી વિદ્યાલયમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી દેવ તડવીની હત્યાનો આરોપ તેની જ શાળાના ધોરણ 10ના સગીર વિદ્યાર્થી પર છે.
આ ઘટનાની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે ત્યારે સવાલ થાય છે કે હાઈસ્કૂલમાં 10માં ભણતા વિદ્યાર્થીએ આ પ્રકારની ઘાતકી હત્યા કેવી રીતે કરી? શું એક સગીર આવું કૃત્ય કરી શકે? આવું પ્લાનિંગ સગીર આરોપીએ કર્યું હતું? એક ઠપકાનો આવો અંજામ?
બીબીસીએ આ પ્રશ્નનોના જવાબ શોધવાના પ્રયાસ કર્યા હતા.
ઘટના શું છે?
શુક્રવારે બપોરની સ્કૂલ શરૂ થાય એ પહેલાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી દેવ તડવીનો લોહીલુહાણ મૃતદેહ સ્કૂલના જ શૌચાલયમાંથી મળ્યો, જેના આધારે ખ્યાલ આવી ગયો કે દેવની હત્યા કરાઈ છે.
કોઈને કલ્પના સુદ્ધાં નહોતી કે આ કિશોરના શરીર પર તીક્ષ્ણ હથિયારના 31 ઘા ઝીંકનાર પણ કિશોર જ છે.
પોલીસને એક સ્કૂલ બેગ મળી હતી, જેમાંથી બે છરા, બે લોખંડની મૂઠ અને મરચાંની ભૂકીનું પાણી ભરેલી બોટલ મળી આવી હતી. એ બેગમાં શર્ટ અને ટીશર્ટ પણ હતાં.
જેના આધારે પોલીસને શંકા ગઈ હતી કે હત્યા કરનાર પણ સહપાઠી હોઈ શકે, જ્યારે સ્કૂલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે જાણ થઈ કે સંદિગ્ધ 10માં ધોરણમાં ભણતો કિશોર છે.
આરોપી કેવી રીતે પકડાયો?
ઘટના બાદ આરોપી સગીર તેમનું બેગ સ્કૂલની બાજુના મંદિર પર નાખીને નાસી ગયા હતા અને પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઘટનાની જાણ થતા આરોપી કિશોરના પિતા જ આરોપીને વલસાડ સંબંધીને ત્યાં મૂકી આવ્યા હતા.
પરિવારજનો શનિવારે વલસાડથી આરોપી કિશોરને લઈ આવ્યા અને પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
પોલીસ તપાસ બાદ બહાર આવ્યું કે આયોજનપૂર્વક હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
બેગમાં આ વિદ્યાર્થીએ હથિયારોની સાથે અન્ય વિદ્યાર્થીની બે ચોપડીઓ મૂકી હતી, જેથી બેગ પોલીસને મળે તો પણ હત્યાનો આરોપ જેની ચોપડીઓ છે એ વિદ્યાર્થી પર લાગે.
સીસીટીવી ફૂટેજ તપાસતા પહેલાં સુધી પોલીસ પણ આ ચોપડીઓના કારણે ગુમરાહ થઈ હતી. કપડાં બદલીને નાસી જવામાં સરળતા રહે એ માટે બેગમાં વધારાના કપડાં રાખ્યાં હતાં.
16 વર્ષની વયે આ પ્રકારે આયોજન કરીને હત્યા કરવાની જરૂર કેમ પડી? એવો તો શું ઝઘડો હતો કે આ પ્રકારે આયોજન કરીને હત્યા કરી?
શિક્ષકનો ઠપકો અને બદલો
પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે, હત્યા કરનારને મૃતક વિદ્યાર્થી દેવ સાથે કોઈ વાંધો હતો જ નહીં.
પૂછપરછમાં બહાર આવ્યું કે બે દિવસ પહેલાં એક શિક્ષકે હોમવર્ક બાબતે આરોપી વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો.
સગીર વિદ્યાર્થીએ શિક્ષક વિરુદ્ધ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ સ્કૂલ પર આવીને પાછી જતી રહી હતી, એટલે બદલો લેવા માટે વિદ્યાર્થીએ હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
વિદ્યાર્થીએ પોલીસને કહ્યું, 'શિક્ષક અને સ્કૂલને બદનામ કરવા માટે હત્યા કરી. મને એવું હતું કે હું હત્યા કરીશ તો સ્કૂલ બંધ થઈ જશે.'
નાયબ પોલીસ કમિશ્નર આર. એસ. ભગોરા જણાવે છે, "હત્યા કરનાર વિદ્યાર્થી દેવને ઓળખતો નહોતો, હત્યા કરવાના ઇરાદેથી આવ્યો ત્યારે તેને દેવ મળ્યો અને હત્યા કરી નાખી.
"આ બાળક નાનપણથી જ ઉગ્ર સ્વભાવનો અને જુનૂની છે એવું તેના માતાપિતા કહે છે."
પોલીસે પૂછ્યું, 'શિક્ષક સાથે વાંધો હતો તો શિક્ષકને કેમ કંઈ ન કર્યું?' તો આરોપી વિદ્યાર્થીએ જવાબ આપ્યો, 'શિક્ષક મારાથી મજબૂત છે, એમને કેવી રીતે મારી શકું?'
દેવ અને હત્યા કરનાર વિદ્યાર્થી વચ્ચે કોઈ તકરાર હોય એવું અત્યાર સુધીની તપાસના આધારે પોલીસને લાગતું નથી.
પૂછપરછ દરમિયાન પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીએ એવું પણ કહ્યું હતું કે 'મારી ગર્લફ્રેન્ડ સાથે દેવ બોલતો હતો, એટલે મેં આવું કર્યું', પણ પછીથી તેને બધી હકીકત જણાવી હતી.
આ વિદ્યાર્થી ક્રાઇમ સિરીયલો જોવાનો શોખ ધરાવતો હોવાનું પણ પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
હત્યા કરવાની માનસિક્તા શું?
હત્યા કરવા પાછળનું કોઈ મોટું કારણ તપાસ દરમિયાન બહાર આવ્યું નથી.
પ્રાથમિક તારણ મુજબ, 'શિક્ષકે ઠપકો આપ્યો અને શાળાને બદનામ કરવા માટે આ વિદ્યાર્થીની હત્યા કરી દેવાઈ.'
આ વિશે એમ. એસ. યુનિવર્સિટીના સાઇકૉલૉજી વિભાગના ડૉ. રેણુ શર્મા કહે છે, "આ ઘટના બદલાઈ રહેલા સામાજિક વાતાવરણ તરફ નિર્દેશ કરે છે, ગુડગાંવની સ્કૂલમાં પણ આવી જ ઘટના થઈ હતી.
"આપણે હવે બાળકોને એવું શીખવીએ છીએ કે 'માર ખાઈને નહીં આવવાનું, સામે મારીને આવવાનું.' એની મન પર શું અસર થાય છે, એ વિચાર કરવો જરૂરી છે."
વડોદરામાં બાળકોનું કાઉન્સેલિંગ કરતા ડૉ. યોગેશ પટેલ કહે છે, "ટીવી પર આવતા ક્રાઇમ શો કે એ પ્રકારના કાર્યક્રમોની બાળકો કે કિશોરોના મન પર બહુ ઊંડી અસર થાય છે.
"સતત આ પ્રકારના કાર્યક્રમો જોવાથી વિકૃતિ આવવાની શક્યતા વધી જાય છે.
"વિદ્યાર્થીએ કરેલું હત્યાનું પ્લાનિંગ અનુભવી વ્યક્તિએ કર્યું હોય એવું છે. આ વિદ્યાર્થી પણ ક્રાઇમ શો જોતો હોય અને એમાંથી જ પ્લાનિંગનું શીખ્યો હોય એવી શક્યતા વધારે છે.
"સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ પણ કથળતી જતી મેન્ટલ હેલ્થ માટે જવાબદાર છે.
"શાળઓમાં બાળકોના કાઉન્સેલિંગની જરૂર ખૂબ વધતી જઈ રહી છે."
ડૉ. રેણુ શર્મા કહે છે, "જો હત્યા કરનાર વિદ્યાર્થી પહેલાંથી જ ઉગ્ર સ્વભાવનો હોય અને તે હિંસક ફિલ્મો કે શો જોતો હોય અથવા એ પ્રકારના વાતાવરણમાં રહેતો હોય તો તેના સ્વભાવની ઉગ્રતા વધતી રહે છે.
"આ વિદ્યાર્થીને ગુડગાંવની ઘટનામાંથી સ્કૂલ બંધ કરાવવા માટે અન્ય વિદ્યાર્થીની હત્યા કરવાની શીખ મળી હોય એવું પણ બની શકે."
બે પરિવારોમાં વિલાપ
આ ઘટનામાં બે પરિવારોમાં આક્રંદ છવાઈ ગયું છે. દેવના માતા આક્રંદ કરતા એક જ વાત કહે છે, 'મારો છોકરો મને પાછો લાવી આપો.'
દેવના મામા રોનક તડવી કહે છે, "નાનપણથી મારી પાસે રહીને જ મોટો થયો છે. આ સ્કૂલમાં હજુ ત્રણ જ દિવસ થયા હતા, એના સાથે આવું કેમ કર્યું, એ જ અમને સમજાતું નથી.
"જેણે હત્યા કરી છે એને સજા થવી જોઈએ, એના પર 'પુખ્ત આરોપી' પર થાય એવી જ કાર્યવાહી કરવા અમે માંગ કરીએ છીએ."
બીજી તરફ હત્યા કરનાર વિદ્યાર્થીના પરિવારમાં પણ વિલાપનો માહોલ છે.
આરોપી પુખ્ત વયના ન હોવાથી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ મહેસાણાના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામા આવશે.
ગાંધીનગર સ્થિત બાળ અધિકાર આયોગના ચૅરમૅન જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું, "આ ઘટના બાળકોની માનસિક સ્થિતિ સાથે સંકળાયેલી છે, એટલે જ આરોપી વિદ્યાર્થીની તપાસ દરમિયાન તેનું કાઉન્સેલિંગ પણ કરાશે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકાવી શકાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો