કટોકટીના અંધારિયા દિવસોની સ્મૃતિને સમયાંતરે શા માટે સંભારવી?

    • લેેખક, એમ. વેંકૈયા નાયડુ
    • પદ, ભારતના ઉપ રાષ્ટ્રપતિ, બીબીસી ગુજરાતી માટે

હેબિઅસ કોર્પસ કેસ તરીકે જાણીતા ઓગસ્ટ-1076ના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લ કેસમાં તત્કાલીન એટર્ની જનરલ નિરેન ડેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોઈ નાગરિકને પોલીસ અધિકારીએ અંગત અદાવતને કારણે ઠાર કર્યો હોય તો પણ ન્યાય મેળવવા નાગરિકની પાસે અદાલતનો આશરો લેવાનો વિકલ્પ નથી.

એટર્ની જનરલ દેખીતી રીતે તત્કાલીન કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ દેશની સર્વોચ્ચ અદાલતને જણાવી રહ્યા હતા. કોર્ટમાં ઉપસ્થિત તમામ લોકો આ દલીલ સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા હતા.

માત્ર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાએ ભિન્નમત વ્યક્ત કર્યો હતો, જ્યારે ખંડપીઠ પરના ચાર અન્ય વિદ્વાન ન્યાયમૂર્તિઓ મૌન રહ્યા હતા અને સરકારનો દૃષ્ટિકોણ સ્વીકારવામાં આવ્યો હતો. એ કટોકટીના કાળા દિવસો હતા.

બંધારણે નાગરિકોને બક્ષેલા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા બદલ ન્યાયમૂર્તિ ખન્નાને સુપરસીડ કરવામાં આવ્યા હતા અને ન્યાયમૂર્તિ એચ.એમ. બેગ દેશના વડા ન્યાયમૂર્તિ બન્યા હતા.

એ અંધકારભર્યા દિવસોમાં સર્વોચ્ચ અદાલત તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી.

મીડિયા તક ચૂક્યું

લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતું મીડિયા દેશના અંધારિયા સમયમાં નાગરિકોની પડખે ઊભું રહેવાની તક ચૂકી ગયું હતું. તેઓ તત્કાલીન સરકારની જોહુકમીને તાબે થઈ ગયા હતા.

રામનાથ ગોએન્કાનું ઇન્ડિયન એક્સપ્રેસ, ધ સ્ટેટ્સમેન અને મેઇનસ્ટ્રીમ જેવાં કેટલાંક પ્રકાશનો અપવાદરૂપ હતાં.

"માત્ર ઝૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે મીડિયા ભાંખોડિયા ભરતું થઈ ગયું હતું" એમ કહીને એલ. કે અડવાણીએ તે પરિસ્થિતિનું સચોટ વર્ણન કર્યું હતું.

કટોકટીના બે વર્ષના અંધારિયા સમયગાળામાં તત્કાલીન આપખુદ સરકારના કાર્યકાળમાં આ બધું થયું હતું.

કોઈ પણ કાયદાકીય સુધારાની ચકાસણી અદાલતો ન કરી શકે એટલા માટે ભારતીય બંધારણ તથા કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા.

વાસ્તવમાં સરકાર પવિત્ર બંધારણ વડે લોકોના જીવન તથા સ્વાતંત્ર્ય સાથે કંઈ પણ કરી શકતી હતી.

એ બધું કટોકટીના ઓઠા હેઠળ અને વધતા ભ્રષ્ટાચાર તથા અન્ય દુષ્કૃત્યો તેમજ નિષ્ફળતાઓ બદલ નાગરિકોના રોષનો સામનો કરી રહેલી આપખુદ સરકારને ટકાવી રાખવા માટે કરવામાં આવ્યું હતું.

કટોકટીના નામે

અંગત દુશ્મનાવટને કારણે કોઈ નાગરિકને ઠાર કરવાની સત્તા કોઈ પોલીસ અધિકારીને હોય અને એ વલણ સ્વીકારી લેવામાં સર્વોચ્ચ અદાલતને કોઈ વાંધો ન હોય.

લોકોનો અવાજ ગણાતા મીડિયાએ શાસકોની સેન્સરશીપ સ્વીકારી લીધી હોય અને નાગરિકોને જીવન તથા સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવતા હોય.

ભારતીય બંધારણનું અર્થઘટન શાસકોની મરજી મુજબ કરવામાં આવતું હોય અને આ બધું 'કટોકટી'ના નામે થતું હોય તો એ અંધારિયા દિવસોમાંથી ઘણા ગંભીર પાઠ ભણવા પડે.

માણસોનું જીવન માત્ર ભોજનથી ચાલતું નથી. આ વાત 1977ની સામાન્ય ચૂંટણીમાં કટોકટી લાગુ કરનારાઓ વિરુદ્ધ જોરદાર મતદાન કરીને ગરીબ તથા અશિક્ષિત ભારતીયોએ ભારપૂર્વક જણાવી હતી.

1975ની 25 જૂને કટોકટી લાદવાનો ભૂલભર્યો નિર્ણય 1977ની 12 માર્ચે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને એ અંધારિયા દિવસો વિરુદ્ધની પોતાની લાગણીનો ચુકાદો લોકોએ થોડા મહિના પછી મતની શક્તિ વડે આપ્યો હતો.

અવિસ્મરણીય અનુભવ

એ 21 મહિના સ્વતંત્ર ભારતના ખરેખર અંધકારભર્યા દિવસો હતા. એ ભયાનક અનુભવ ભૂલી શકાય તેવો નથી.

એ દમનકારી અનુભવોનું સ્મરણ સમયાંતરે કરતા રહીને આપણે તે દિવસોની યાદ ખુદને અપાવતા રહેવાની જરૂર છે, કારણ કે આપણું જીવન માત્ર ભોજનથી ચાલતું નથી.

આપણને ચોક્કસ સ્વાતંત્ર્યનો અધિકાર છે. એવાં સ્વાતંત્ર્ય વિનાનું જીવન ઝમક વિહોણું બની જાય.

કટોકટી દરમ્યાન હું એ દમનકારી અનુભવમાંથી પસાર થયો હતો. એ સમયે હું યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો અને બે મહિના ભૂગર્ભમાં રહીને વરિષ્ઠ નેતાઓને મદદ કરતો રહ્યો હતો.

એ પછી મને પકડી પાડવામાં આવ્યો અને 17 મહિના સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. એ કારાવાસ મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

કારાવાસ દરમ્યાન સાથી કેદીઓ તથા વરિષ્ઠ નેતાઓ સાથેના સંવાદને કારણે મને લોકો, સત્તા, રાજકારણ અને દેશ પ્રત્યેની સ્પષ્ટ સમજ સાંપડી હતી.

સૌથી મહત્ત્વની વાત એ કે કારાવાસને કારણે લોકશાહીના રક્ષણનો અને ચોક્કસ મૂળભૂત સ્વાતંત્ર્યના સંદર્ભમાં નાગરિકોની ઇચ્છા તથા અધિકારને આદર આપવાનો મારો નિર્ધાર દૃઢ થયો હતો.

કારણ અને પરિણામ

1977 પછી જન્મેલા લોકોનું પ્રમાણ આપણા દેશની વસતિમાં આજે સૌથી વધારે છે અને દેશ તેમનો છે.

તેમણે આપણા દેશના ઇતિહાસને તેમજ ખાસ કરીને કટોકટીના અંધારિયા દિવસોના કારણ તથા પરિણામ વિશે જાણવું જરૂરી છે.

1975માં નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાનું કોઈ વાજબી કારણ ન હતું, પણ આંતરિક અશાંતિને લીધે દેશની સલામતી પર જોખમના સ્વરૂપમાં એક છીછરું કારણ આપવામાં આવ્યું હતું.

અશાંતિનું કારણ એ હતું કે લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠા થઈ રહ્યા હતા અને સમગ્ર દેશમાં નવા ભારતની માગ જોર પકડી રહી હતી.

તેમાં અલાહાબાદ હાઈ કોર્ટે તત્કાલીન વડાં પ્રધાનની લોકસભામાં ચૂંટણીને રદબાતલ ઠરાવી હતી.

કોઈ ન્યાયમૂર્તિ આવું કરવાની હિંમત કઈ રીતે કરી શકે? તેનો જવાબ હતો નાગરિકોના અધિકારની જાળવણી તથા રક્ષણની વ્યવસ્થા પૂરી પાડતા બંધારણને નકામું બનાવી દેવાનો.

એ કૃત્ય સર્વોચ્ચ વ્યવસ્થાના ઉચ્છેદ સમાન હતું અને તેને પગલે દેશ અંધારામાં ધકેલાઈ ગયો હતો.

દેશ બન્યો મોટું કેદખાનું

એ અંધકારભર્યા દિવસોમાં આખો દેશ એક મોટા કેદખાનામાં ફેરવાઈ ગયો હતો. વિરોધપક્ષના દરેક નેતાને ઊંઘમાંથી ઉઠાડીને નજીકની જેલમાં પરાણે ધકેલી દેવામાં આવ્યા હતા.

જયપ્રકાશ નારાયણ, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, ચરણ સિંહ, મોરારજી દેસાઈ, નાનાજી દેશમુખ, મધુ દંડવતે, રામકૃષ્ણ હેગડે, સિકંદર બખ્ત, એચ. ડી. દેવેગોવડા, અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રામવિલાસ પાસવાન, ડૉ. સુબ્રમણ્યમ સ્વામી, લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમાર સહિતના નેતાઓને દેશની સલામતી માટે જોખમી ગણવામાં આવ્યા હતા તથા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન વડા બાળાસાહેબ દેવરસ સહિતના ત્રણ લાખથી વધુ લોકોને જેલમાં ગોંધવામાં આવ્યા હતા.

વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કટોકટી વિરુદ્ધ જન-સમર્થન મેળવવા માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.

પુનરાવર્તન ન થાય તેવો નિર્ધાર

કટોકટીને કારણે રાષ્ટ્રનો લોકશાહી આત્મા ખળભળી ઉઠ્યો હતો. તેનું પુનરાવર્તન ક્યારેય ન થાય તેવો નિર્ધાર દેશે કર્યો હતો.

દેશ અંધકારભર્યા દિવસોના પાઠ સમયાંતરે ખુદને યાદ અપાવતો રહેશે તો જ એ નિર્ધાર ટકી રહેશે.

ખાસ કરીને યુવા લોકોએ સ્વતંત્ર ભારતના ઇતિહાસના એ અંધકારભર્યા પાનાંઓ વિશે જાણવું જોઈએ અને તેમાંથી પાઠ ભણવા જોઈએ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું, "હું નિરાશ હોઉં ત્યારે હંમેશા યાદ રાખું છું કે સત્ય અને પ્રેમનો હંમેશા વિજય થાય છે.

"ઘણા અત્યાચારીઓ તથા હત્યારાઓ આવ્યા હતા, તેઓ અજેય લાગતા હતા, પણ આખરે તેમનો પરાજય થાય જ છે...એ હંમેશા યાદ રાખવું જોઈએ."

નવું ભારત તેનું આગવું સ્થાન બનાવી રહ્યું છે ત્યારે અંધકારભર્યા દિવસોની સ્મૃતિ આપણને પ્રકાશ ભણી પ્રગતિનું માર્ગદર્શન આપશે.

(મૂળ લેખ 25 જૂન 2018ના રોજ છપાયો હતો )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો