You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાના પ્રથમ લૉકડાઉનમાં મજૂરોના પલાયન અંગે વડા પ્રધાન મોદીએ કરેલા દાવા સામે સવાલ કેમ?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોનાના જોખમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચ 2020ના રોજ દેશમાં 21 દિવસના પ્રથમ લૉકડાઉનની જાહેરાત કરી હતી. કોરોનાને ફેલાતો અટકાવવા માટે ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. દેશમાં દરેક ગલી, મહોલ્લા, કસ્બા, જિલ્લામાં લૉકડાઉન કરી દેવાયું હતું.
પછી જોતજોતાંમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં કામદારો સામે કોરોનાની સાથોસાથ રોજીરોટીનો સવાલ ઊભો થયો.
ચારેબાજુથી મુસીબતોથી ઘેરાયેલા મોટા ભાગના શ્રમિકો પાસે એક જ માર્ગ બચ્યો હતો કે કોઈ પણ રીતે તેઓ પોતાના ઘરે પાછા જતા રહે. પરંતુ લૉકડાઉનમાં આવાગમન પર પણ પ્રતિબંધ હતો.
આવી મુશ્કેલીભરી સ્થિતિમાં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના દમ પર ઘર તરફ નીકળી ગયા. કોઈ પગપાળા હતા, કોઈ સાઇકલ પર, ક્યાંક ટ્રકો ભરીને તો ક્યાંક રેલવેના પાટા પર ચાલતા લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા હતા.
મોટા ભાગના શ્રમિકોનું પલાયન ઉત્તર પ્રદેશ અને બિહાર બાજુ થતું હતું. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, પંજાબ, અમદાવાદ જેવાં શહેરોમાંથી લાંબા સમય સુધી પલાયન ચાલુ રહ્યું હતું.
પહેલા લૉકડાઉનનાં લગભગ બે વર્ષ પછી, હવે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમિકાના પલાયન માટે મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારને જવાબદાર ઠરાવ્યા છે.
લોકસભામાં સોમવારે વડા પ્રધાને કહ્યું કે, "પહેલી લહેર વખતે જ્યારે દેશ લૉકડાઉનમાં હતો, બધા હેલ્થ ઍક્સ્પર્ટ કહેતા હતા કે જે જ્યાં છે ત્યાં જ રહે. આખી દુનિયામાં આ સંદેશ અપાતો હતો, કેમ કે મનુષ્ય ક્યાંક જશે અને એ જો કોરોનાથી સંક્રમિત હશે તો કોરોનાને સાથે લઈને જશે."
"ત્યારે કૉંગ્રેસના લોકોએ શું કહ્યું, મુંબઈના રેલવે સ્ટેશને ઊભા રહીને, મુંબઈ છોડીને જવા માટે પ્રોત્સાહિત કરવા માટે, મુંબઈમાં શ્રમિકોને ટિકિટો આપવામાં આવી, મફતમાં ટિકિટો આપવામાં આવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લોકોને પ્રેરવામાં આવ્યા કે જાઓ. મહારાષ્ટ્રમાં અમારી ઉપર જે બોજ છે એ જરાક ઓછો થાય, તમે ઉત્તર પ્રદેશના છો, તમે બિહારના છો, જાઓ ત્યાં જઈને કોરોના ફેલાવો, તમે ખૂબ મોટું પાપ કર્યું."
વડા પ્રધાને દિલ્હીની કેજરીવાલ સરકાર સામે પણ પ્રશ્નો ઊભા કર્યા. એમણે કહ્યું કે, "એ સમયે દિલ્હીમાં એવી સરકાર હતી, જે છે. એ સરકારે જીપમાં માઇક બાંધીને દિલ્હીની ઘાસફૂસનાં ઘર–ઝૂંપડાંમાં ગાડી ફેરવીને લોકોને કહ્યું સંકટ મોટું છે, ભાગો, ગામડે જાઓ, ઘરે જાઓ અને દિલ્હીથી જવા માટે બસોએ પણ અડધે રસ્તે છોડી દીધા અને શ્રમિકો માટે મુશ્કેલીઓ ઊભી કરી. એનું પરિણામ એ આવ્યું કે યુપીમાં, ઉત્તરાખંડમાં, પંજાબમાં જે કોરોનાની એટલી ઝડપ નહોતી, એટલી તીવ્રતા નહોતી, આ પાપના કારણે કોરોનાએ એ રાજ્યોને પણ પોતાના ભરડામાં લઈ લીધાં.”
પીએમ મોદીના નિવેદન પર વળતો હુમલો
વડા પ્રધાનના નિવેદન પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, "વડા પ્રધાનજીનું આ નિવેદન એકદમ ખોટું છે. દેશ આશા રાખે છે કે જે લોકોએ કોરોનાકાળની પીડા સહન કરી, જે લોકોએ સ્વજનો ગુમાવ્યા, વડા પ્રધાનજી એમના તરફ સંવેદનશીલ થશે. લોકોની પીડા પર રાજકારણ કરવું વડા પ્રધાનજીને શોભતું નથી."
મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પછી કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ વડા પ્રધાન મોદીના નિવેદનનો જવાબ આપ્યો.
ગોવામાં એક પ્રેસ કૉન્ફરન્સમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, "શું પીએમ મોદી એમ ઇચ્છતા હતા કે ગરીબોને અસહાય છોડી દેવા જોઈતા હતા, જ્યારે કે તેઓ પગપાળા જ પોતાના ઘરે પાછા જવા લાગ્યા હતા."
"જે લોકોને એમણે છોડી દીધા હતા, એમની પાસે ઘરે જવા માટેનો કોઈ માર્ગ નહોતો બચ્યો. એ લોકો ચાલતાં જ પોતાના ઘરે જવા લાગ્યા હતા."
"શું તેઓ એવું ઇચ્છતા હતા કે કોઈએ એમને મદદ નહોતી કરવી જોઈતી? મોદીજી ઇચ્છતા શું હતા? મોદીજી ઇચ્છે છે શું?”
આ બધું જોતાં, વિધાનસભા ચૂંટણી પહેલાં કોરોના મહામારી અંગે વડા પ્રધાન મોદીના આ આક્રમક વલણનું કારણ શું હોઈ શકે?
લખનૌમાં રહેતા વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ જણાવ્યું કે, "કોરોનાકાળમાં યુપીમાં જે રીતે લોકો પરેશાન થયા, ગંગામાં લાશો વહી અને જે વિનાશ થયો એ ચૂંટણીનો એક મુદ્દો બની ગયો છે."
"સરકાર બચાવમાં સફાઈ રજૂ કરતી દેખાય છે. સરકાર પોતાની ભૂલો છાવરવાની કોશિશ કરી રહી છે. સરકાર બચાવની મુદ્રામાં છે."
લૉકડાઉન માટે કેટલી સજ્જ હતી કેન્દ્ર સરકાર?
બે વર્ષ પહેલાં થયેલા શ્રમિકોના પલાયન અંગે આરોપ–પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
પરંતુ શું શ્રમિકના પલાયનને રોકી શકાય એમ હતું? શું પલાયનના કારણે કોરોના ફેલાયો?
જ્યારે કેન્દ્ર સરકારે કોરોનાને અટકાવવાની જવાબદારી પોતાની ઉપર લઈને આખા દેશમાં લૉકડાઉન લાદ્યું ત્યારે એણે એ માટેની કેવી તૈયારી કરી હતી?
માહિતી અધિકારના કાયદા 2005 અંતર્ગત મળેલા અધિકારોનો ઉપયોગ કરીને, બીબીસીએ કેન્દ્ર સરકારની મુખ્ય એજન્સીઓ, સંબંધિત સરકારી વિભાગો અને એ રાજ્ય સરકારોનો સંપર્ક કર્યો હતો, જે એ મહામારીની અસરનો સામનો કરવામાં જોડાયાં હતાં.
બીબીસીએ પૂછેલું કે શું વડા પ્રધાનની ઘોષણાની પહેલાં એમને ખબર હતી કે આખા દેશમાં એકસાથે લૉકડાઉન લાગુ થવાનું છે? કે પછી, સરકારના આ પગલા પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે એમણે પોતાના વિભાગને કઈ રીતે તૈયાર કર્યો?
એમણે કયાં ક્ષેત્રોમાં કામ કર્યું, જેનાથી તેઓ લૉકડાઉનને અસરકારક રીતે લાગુ કરી શક્યા અને એની વિપરીત અસરનો પણ સામનો કરી શક્યા?
બીબીસીએ પોતાની વ્યાપક શોધતપાસમાં જોયું કે લૉકડાઉન વિશે ના તો પહેલાંથી કોઈને કશી માહિતી હતી અને ના તો બીબીસીને એની તૈયારી કરાયાની કોઈ સાબિતી મળી.
પહેલા લૉકડાઉન દરમિયાન મુંબઈનાં જુદાં-જુદાં રેલવે સ્ટેશનો પર હજારો લોકોની ભીડ ઊમટી પડી હતી. ત્યારે મહારાષ્ટ્ર સરકાર સામે સવાલ ઊભા થયા હતા કે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના સૌથી વધારે દર્દીઓ છે ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં લોકો સ્ટેશન પર કઈ રીતે એકઠા થઈ ગયા?
શું આ એમના જાસૂસીતંત્રની નિષ્ફળતા નથી? વહીવટી તંત્રને આવો અણસાર કેમ ન આવ્યો?
મહારાષ્ટ્ર સરકારે ત્યારે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરીને ભાજપશાસિત ગુજરાતના સુરતમાં શ્રમિકોનાં તોફાનોનો મામલો ઉઠાવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ કહેલું કે, “બાંદ્રામાં ભેગી થયેલી ભીડ હોય કે સુરતમાં શરૂ થયેલાં તોફાન, એના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, જે પ્રવાસી મજૂરોના ઘરે પાછા જવાની વ્યવસ્થા નથી કરી શકતી. પ્રવાસી મજૂર શેલ્ટર કે ભોજન નથી માગતા, તેઓ પોતાના ઘરે જવા માગે છે.”
આ જ રીતે પહેલા લૉકડાઉન પછી દિલ્હીના આનંદવિહાર રેલવે અને બસ સ્ટેશન પર હજારો શ્રમિકોની ભીડ ઊમટી પડી હતી. ત્યાર બાદ દિલ્હી સરકારની ઘણી ડીટીસી બસો યુપીના શ્રમિકોને યુપી બૉર્ડર સુધી મૂકી આવતી દેખાઈ હતી. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકારે પણ પોતાની બસો દ્વારા શ્રમિકોને ઘર સુધી પહોંચાડ્યા.
શ્રમિકોના પલાયનથી ફેલાયો કોરોના?
જ્યારે પ્રવાસી શ્રમિકોની ઘરવાપસી થવા લાગી ત્યારે રાજ્ય સરકારો સાવધ થઈ ગઈ.
ખાસ કરીને યુપી અને બિહાર પાછા ફરેલા શ્રમિકો માટે ક્વૉરન્ટાઇન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં, જ્યાં પલાયન કરીને આવેલા શ્રમિકોને રાખવામાં આવતા હતા. ત્યાં તપાસ કરાયા બાદ જ તેમને તેમના ગામ જવાની મંજૂરી અપાતી હતી.
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ઑફ સોશિયલ મેડિસિન ઍન્ડ કમ્યુનિટી હેલ્થ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રાચીનકુમાર ઘોડસકરે જણાવ્યું કે, "દિલ્હી, મુંબઈ જેવાં શહેરોમાં પહેલેથી જ હૉસ્પિટલ અને આરોગ્ય વ્યવસ્થા હલબલી ગયાં હતાં, એમાં પ્રવાસી મજૂરો ભલે ને મજબૂરીમાં પોતાના ગામ પાછા ફર્યા પરંતુ એમાં એમનું થોડું સારું થયું."
પ્રોફેસર ઘોડસકરે જણાવ્યું કે, "જો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો ટ્રાન્સમિશનની સંભાવના વધે છે પરંતુ જે પ્રવાસી મજૂર પલાયન કરીને ગયા છે, તેઓ દિલ્હી, મુંબઈ જેવાં શહેરોમાં ખૂબ ઓછી જગ્યામાં રહેતા હતા."
"એટલે સુધી કે એક રૂમમાં દસ-દસ લોકો રહેતા હતા. એ જોતાં, શહેરોમાં શ્રમિકોમાં કોરોનાનો વાઇરસ ફેલાવાનું જોખમ વધારે હતું. જો શ્રમિક શહેરોમાં રોકાઈ ગયા હોત તો ત્યાં કોરોના બૉમ્બની જેમ ફાટત."
ઘોડસકરે ઉમેર્યું કે, “ગામડાંમાં વસતીની ઘનતા ઓછી છે. ગામનો વિસ્તાર ખુલ્લો હોય છે. ઘરમાં પણ ઘણી જગ્યા હોય છે. એ સમયે ગામમાં શ્વાસ લેવાની જગ્યા હતી. પ્રવાસી મજૂર ગંદી સ્થિતિમાંથી સારી સ્થિતિ તરફ ભાગી રહ્યા હતા.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો