ટી20 વર્લ્ડકપ 2022 : ભારત-પાક મૅચની બધી ટિકિટો ગણતરીની મિનિટમાં વેચાઈ

આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ આમ તો દર બે વર્ષે યોજાય છે પરંતુ છેલ્લે પાંચ વર્ષના લાંબા ગાળા બાદ યોજાયો હતો અને હવે એક જ વર્ષના ગાળામાં બીજી વાર રમતના આ સૌથી ટચુકડા ફૉર્મેટના મહાકુંભ એટલે કે આઈસીસી ટી20 વર્લ્ડકપનું ઑસ્ટ્રેલિયામાં આયોજન થવાનું છે.

આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તી પ્રમાણે, 23મી ઑક્ટોબરે પ્રસ્તાવિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની ટિકિટો માત્ર પાંચ મિનિટમાં વેચાઈ ગઈ હતી. બંને મૅચોનો હૉસ્પિટાલિટી તથા ટ્રાવેલ પેકેજ ક્વોટા ચાલુ મહિનાના અંતભાગમાં ઉપલબ્ધ બનશે.

16મી ઑક્ટોબરથી 13મી નવેમ્બર સુધી ચાલનારા આ વર્લ્ડકપ દરમિયાન 45 મૅચ રમાશે, જેના પ્રિ-સેલ પીરિયડ દરમિયાન બે લાખ ટિકિટોનું વેચાણ થયું હતું. ઑસ્ટ્રેલિયાને આશા છે કે આ ગાળા દરમિયાન લગભગ આઠ લાખ આંતરરાષ્ટ્રીય ખેલચાહકો ત્યાંનો પ્રવાસ ખેડશે.

ભારત-પાકિસ્તાન ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ તથા ભારત વિ. ગ્રૂપ-એના રનર-અપની ડબલ-હેડર મૅચની (તા. 27 ઑક્ટોબરની) તમામ ટિકિટો વેંચાઈ ગઈ હતી.

એવું પણ નથી કે આ અચાનક બન્યું છે, કેમ કે કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયાએ તેની યજમાની એક વર્ષ માટે જતી કરી હતી જેને બદલે ભારતે તેનું આયોજન કર્યું અને હવે ઑસ્ટ્રેલિયા તેના અધિકાર મુજબ 2022ના ઑક્ટોબરમાં ટી20 વર્લ્ડકપ યોજી રહ્યું છે.

કાર્યક્રમ જાહેર થતાની સાથે જ રોમાંચ પણ વ્યાપી ગયો છે, કેમ કે આ વખતે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાને નાતે 23મી ઑક્ટોબરે સામસામે ટકરાશે.

વર્લ્ડકપનો કાર્યક્રમ યજમાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સત્તાવાર જાહેર કરી દીધો છે જે મુજબ આ બે કટ્ટર હરીફો મેલબર્નના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુપર-12 ગ્રૂપની પોતપોતાની પ્રથમ મૅચ સાથે અભિયાનનો પ્રારંભ કરશે.

ભારત-પાકિસ્તાનની મૅચનો રોમાંચ

ભારત અને પાકિસ્તાન એટલે ક્રિકેટ જ નહીં તમામ પ્રકારે કટ્ટર હરીફ કહેવાય છે. ખાસ કરીને ક્રિકેટને કારણે આ બંને ટીમની હરીફાઈ ટકી રહી છે.

એક સમય હતો જ્યારે ક્રિકેટમાં વર્લ્ડ ઇવેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો ઈજારો હતો. વન-ડે હોય કે ટી20 વર્લ્ડકપ હોય કે આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી હોય- બંને વચ્ચેના મુકાબલામાં જીતે તો ભારત જ એમ હંમેશાં કહેવાતું રહેતું હતું અને એમ જ બનતું પણ હતું.

જોકે આ 'એક સમય હતો' એમ લખવું પડે છે, કેમ કે છેલ્લે બંને વચ્ચે ઑક્ટોબર 2021માં વર્લ્ડકપની મૅચ રમાઈ અને તેમાં પાકિસ્તાની ટીમે ભારતને લાચાર બનાવી દીધું હતું.

2021ની 24મી ઑક્ટોબરે રમાયેલી દુબઈ ખાતેની મૅચ બાદ ખુદ કૅપ્ટન વિરાટ કોહલીએ કબૂલ્યું હતું કે પાકિસ્તાને અમને મૅચમાં પરત ફરવાની તો ઠીક પ્રવેશવાની પણ તક આપી ન હતી. મૅચની શરૂઆતથી જ તેઓ અમારી ઉપર હાવી થઈ ગયા હતા.

કદાચ ભારતીય ટીમ કોઈ વર્લ્ડ ઇવેન્ટમાં આટલી ખરાબ રીતે પાકિસ્તાન સામે હારી ન હતી.

જોકે આ બાબતને ભૂતકાળ ગણી લેવો જોઈએ અને ભવિષ્ય તરફ નજર દોડાવીએ તો હવે 23મી ઑક્ટોબર 2022ના રોજ બંને કટ્ટર હરીફ ફરીથી સામસામે આવી રહ્યા છે.

આ વખતની પરિસ્થિતિ કદાચ અલગ હશે અને ફરીથી ભારતને ફેવરિટ બનાવી શકે તેમ હશે. આમ કહેવા પાછળનું કારણ કાંઈક અલગ છે.

2021ના ઑક્ટોબરની પરિસ્થિતિ અને 2022ના ઑક્ટોબરની પરિસ્થિતિ વચ્ચે ફરક હોઈ શકે. ભારત અને પાકિસ્તાનની ટીમ દુબઈમાં રમી ત્યારે ટીમમાં અસંતુલન હતું.

ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ અગાઉથી જ જાહેર કરી દીધું હતું કે કૅપ્ટન તરીકે તેમના માટે આ છેલ્લી ટુર્નામેન્ટ છે.

કોહલીએ તેમની વિરાટ કારકિર્દી બાદ અથવા તો અત્યંત સફળતા હાસંલ કર્યા બાદ કારકિર્દીના અંતિમ ચરણમાં કોઈ મહાન કૅપ્ટનને છાજે તેવી રીતે આ ગૌરવભરી જાહેરાત કરી ન હતી.

કોઈ ટીમના કૅપ્ટન આવી મેગા ઇવેન્ટ અગાઉ સુકાનીપદ છોડી દે સ્વાભાવિક રીતે અનેક સવાલો થતા હોય છે.

આવી જ રીતે ટીમના સફળ કોચ રવિ શાસ્ત્રીની એ અંતિમ ટુર્નામેન્ટ હતી અને તેમને માનભેર વિદાય આપવાને બદલે આગામી કોચ રાહુલ દ્રવિડના આગમન અને તેમની આગામી રણનીતિની ચર્ચા ભારતીય ક્રિકેટ બોર્ડે શરૂ કરી દીધી હતી.

આમ માનસિક રીતે ટીમ સ્વસ્થ ન હતી અને તેનો પુરાવો ભારતના કંગાળ પ્રદર્શનમાં જોવા મળ્યો.

આ વખતના વર્લ્ડકપમાં શું છે ખાસ?

હવે આગામી વર્લ્ડકપની વાત કરીએ તો યજમાન ઑસ્ટ્રેલિયન બોર્ડ અને આઈસીસીએ તેના કાર્યક્રમની જાહેરાત કરી અને ગ્રૂપ જાહેર કરી દીધાં તેમાં અને 2021માં ખાસ ફરક લાગતો નથી.

ભારત અને પાકિસ્તાન 2021માં 24મી ઑક્ટોબરે રમ્યા હતા અને આ વર્ષે 23મી ઑક્ટોબરે રમશે.

બંનેના સુપર-12 મુકાબલા અગાઉ ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમો એક-એક મૅચ રમી ચૂકી હશે જેવી રીતે યુનાઇટેડ આરબ અમિરાતમાં સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ રમી ચૂક્યા હતા.

ગ્રૂપમાં આ વખતે ન્યૂઝીલૅન્ડની ટીમ ભારત સાથે નથી પરંતુ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ છે જેની સાથે ક્વોલિફાઈ થનારી બે ટીમ ઉમેરાશે.

પ્રથમ ગ્રૂપમાં ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની સાથે ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ ઉપરાંત બે ક્વોલિફાયર્સ ઉમેરાશે.

તારીખોમાં પણ ખાસ ફરક નથી, કેમ કે છેલ્લે 14મી નવેમ્બરે ફાઇનલ રમાઈ હતી જેને બદલે 2022માં 13મી નવેમ્બરે બે મોખરાની ટીમો મેલબર્ન ખાતે ફાઇનલ રમશે. 22 ઑક્ટોબરથી સુપર 12નો પ્રારંભ 2021ની બે ફાઇનલિસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેના થશે. જ્યારે શ્રીલંકા અને નામિબિયા વચ્ચેના મુકાબલા સાથે 16મી ઑક્ટોબરથી ટી20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થશે.

નવા કોચ, નવા કૅપ્ટન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના જંગનો સૌથી વધારે ઇંતેજાર રહેતો હોય છે અને સ્વાભાવિક છે કે આ બંને ટીમ વર્ષોથી રોમાંચક ક્રિકેટ રમી આવી હોવાને કારણે આમ બને પણ હવે એવું રહ્યું નથી.

ભારત પાસેથી આ વખતે પણ ઘણી અપેક્ષા રખાશે, કેમ કે આ વખતે તેની પાસે નવો સુકાની હશે તો નવો કોચ પણ હશે.

આ વખતે કૅપ્ટન કે કોચનો કાર્યકાળ પૂરો થવાનો હોય તે ફેક્ટર નહીં હોય. રાહુલ દ્રવિડને પણ ટી20 વર્લ્ડકપ સુધીમાં ભારતીય સિનિયર ટીમના કોચ તરીકે એક વર્ષ થઈ ગયું હશે અને રોહિત શર્મા પણ એક વર્ષથી નિયમિત કૅપ્ટનની જવાબદારી અદા કરતા હશે.

ક્રિકેટમાં અત્યારે લગભગ દરરોજ પાસું પલટાતું હોય છે એ સંજોગોમાં અત્યારથી કઈ ટીમ ફેવરિટ રહેશે તે કહેવું મુશ્કેલ છે.

ભારત અને પાકિસ્તાન સિવાય કયો મુકાબલો રસપ્રદ રહેશે તે પણ કહી શકાય તેમ નથી, કેમ કે 20 ઓવરમાં ક્યારેક ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા પાછળ રહી જાય અને ન્યૂઝીલૅન્ડ કે અફઘાનિસ્તાન મેદાન મારી જાય તેમ પણ બની શકે.

2021માં પાકિસ્તાન સામે કારમો પરાજય પામેલી ભારતીય ટીમ આ વખતે વળતો પ્રહાર કરી શકે તેમાં શંકા નથી.

ભૂતકાળની વાત કરીએ તો ભારતે આ રીતે કમબેક કરેલા છે. ટી20 વર્લ્ડકપમાં દુબઈના એ એકમાત્ર પરાજયને બાદ કરીએ તો ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડકપની પાંચ મૅચ જીતી છે. એટલે 2021ના પરાજયની કદાચ રાહુલ દ્રવિડને પણ ખાસ ચિંતા નહીં હોય.

ટી20 વર્લ્ડકપ 2022 હાઇલાઇટ્સ

  • 16મી ઑક્ટોબરથી ટી20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ- શ્રીલંકા અને નામિબિયા
  • 22 ઑક્ટોબરથી સુપર 12નો પ્રારંભ 2021ની બે ફાઇનલિસ્ટ ટીમના મુકાબલા સાથે- ઓસી. વિ. ન્યૂઝીલેન્ડ, સિડની
  • સુપર-12ના મેઇન રાઉન્ડના બે ગ્રૂપ
  • ગ્રૂપ-1 ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, અફઘાનિસ્તાન, બે ક્વોલિફાયર ટીમ
  • ગ્રૂપ-2 ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બે ક્વોલિફાયર ટીમ

મહત્ત્વના મુકાબલા

  • ભારત વિ. પાકિસ્તાન 23 ઑક્ટોબર મેલબર્ન
  • ઑસ્ટ્રેલિયા વિ. ઇંગ્લૅન્ડ 28 ઑક્ટોબર મેલબર્ન
  • ન્યૂઝીલૅન્ડ વિ. ઇંગ્લૅન્ડ 1 નવેમ્બર બ્રિસબેન
  • 13મી નવેમ્બરે મેલબર્ન ખાતે ફાઇનલ મૅચ
  • 9 અને 10 નવેમ્બરે સિડની અને એડિલેડમાં સેમિફાઇનલ

ટી20 વર્લ્ડકપની તમામ મૅચો મેલબર્ન, સિડની, એડિલેડ, પર્થ, બ્રિસબેન, હોબાર્ટ, જિલોંગનાં મેદાનોમાં રમાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો