You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs SA : વિરાટ કોહલી બીજી ટેસ્ટમૅચમાંથી બહાર કેમ થઈ ગયા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આજથી ભારતની દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમૅચ શરૂ થઈ છે, જોકે આ મૅચમાંથી કપ્તાન વિરાટ કોહલી નથી રમી રહ્યા.
આઈસીસીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આ મૅચમાં કોહલીના બદલે ભારતીય ટીમની કપ્તાની કે. એલ. રાહુલ કરી રહ્યા છે.
બીજી ટેસ્ટમૅચમાં ટૉસ જીત્યા બાદ રાહુલે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
રાહુલે ટૉસ વખતે કહ્યું હતું કે, "વિરાટ કોહલીને પીઠની ઉપરના ભાગે ઈજા છે, એટલે તેઓ રમી રહ્યા નથી."
"તેમના બદલે ટીમમાં હનુમા વિહારી રમી રહ્યા છે. એ સિવાય ટીમમાં કોઈ ફેરફાર કરાયા નથી."
ભારતનું પહેલી વખત જીતવાનું સપનું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટમૅચની શ્રેણી રમાઈ રહી છે, જેમાં પહેલી ટેસ્ટમૅચ જીત્યા બાદ ભારત 1-0થી આગળ છે.
એટલે બીજી ટેસ્ટમૅચમાં ભારત પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાના સપના સાથે ઊતરી છે, આ મૅચમાં ઇતિહાસ રચવાની ભારતીય ટીમ પાસે તક છે.
ભારતીય ટીમની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. આ ટીમનું નેતૃત્વ કે. એલ. રાહુલ કરી રહ્યા છે અને જસપ્રીત બુમરાહ ઉપકપ્તાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ ટીમમાં મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, અજિંક્ય રહાણે જેવા બૅટ્સમૅન છે; અને ઋષભ પંત વિકેટકીપર છે.
ભારતીય ટીમની બૉલિંગ લાઇન પણ મજબૂત છે. જેમાં શાર્દૂલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, બુમરાહ અને સિરાજ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ડી કૉકની નિવૃત્તિની ઘોષણા બાદ નબળી વર્તાઈ રહી છે.
સોશિયલ મીડિયામાં લોકોએ શું કહ્યું?
કે. એલ. રાહુલે કોહલીના ન રમવા પાછળ ઈજાનું કારણ આપ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો આ મામલે કોહલી પર આક્ષેપ કરી રહ્યા છે.
તાજેતરમાં વિરાટ કોહલીના કપ્તાની છોડવા સંદર્ભે વિવાદાસ્પદ નિવેદનો આવ્યાં હતાં. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ બંને બાબતોને સાથે જોડીને જોઈ રહ્યા છે.
@duhtheorist નામના ટ્વિટર હૅન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં લખ્યું છે કે, "વિરાટ કોહલી બાળક જેવું વર્તન કરી રહ્યા છે અને તેઓ ઇચ્છે છે કે બીસીસીઆઈ તેમને પંપાળે છે."
"તેઓ સમજી નથી રહ્યા કે પહેલાં બૅટથી સ્કોર કરીને બતાવવાની જરૂર છે. આ જોતાં લાગે છે કે તેઓ જલદી જ ટેસ્ટની કપ્તાની પણ છોડી દેશે."
આ સંદર્ભે સોશિયલ મીડિયા પર કેટલાંક મીમ્સ પણ શૅર થઈ રહ્યાં છે. @Naman31110773 નામના ટ્વિટર હૅન્ડલ પરથી પણ આ પ્રકારનું મીમ ટ્વીટ કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર કુમાર ટ્વીટ કરે છે કે "મને લાગે છે કે વિરાટ કોહલી બાદ કે. એલ. ત્રણેય ફૉર્મેટ માટે યોગ્ય કપ્તાન છે."
@Pran__07 હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે "આપણી ટીમના સિલેક્શન અંગે કંઈ જ સમજાતું નથી. આ સૌથી ઝડપી પીચોમાંથી એક મનાય છે, તો ટીમમાં અશ્વિન શું કરે છે? રહાણે અને પૂજારાને હજી કેટલી તક આપીશું?"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો