You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંકટ : યુક્રેન પર આક્રમણ કરવાની રશિયાની ગણતરી ઊંધી પડી છે?
- લેેખક, જોનાથન બીલ
- પદ, સંરક્ષણ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ શરૂ કરવું સરળ હોય છે પરંતુ પૂરું કરવું ખૂબ જ મુશ્કેલ.
અમેરિકાનું 2001માં અફઘાનિસ્તાન પરનું આક્રમણ અને 2003માં ઇરાક પરનું આક્રમણ જોતાં તો આ વિધાન સો ટકા સાચું છે. બની શકે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન પરના આક્રમણ માટે પણ એ સાચું પડે.
એક જૂની કહેવત છે કે, જ્યારે દુશ્મન સામે હોય ત્યારે સેનાની યોજનાઓ જેમની તેમ રહી જાય છે. યુક્રેનમાં રશિયાની સેનાઓ માટે આ કહેવત સાચી પડતી દેખાય છે.
રૉયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટમાં યુરોપીય સુરક્ષાના વિશેષજ્ઞ એડ અર્નાલ્ડ રશિયાના હુમલા વિશે ટિપ્પણી કરતાં કહે છે કે, "આનાં પરિણામ રશિયા માટે નિરાશાજનક છે અને એ અપેક્ષા કરતાં ઘણાં ધીમાં છે."
તેઓ એના માટેનાં ઘણાં કારણો જણાવે છે. એમના અનુસાર સૈન્ય જ્યારે આક્રમણ કરે છે ત્યારે એ શરૂઆતમાં પોતાની સંપૂર્ણ તાકાત કામે લગાડી દે છે. પરંતુ રશિયાએ યુક્રેનમાં હજી એવું નથી કર્યું. યુક્રેનની ઘેરાબંધીમાં રશિયાના 1 લાખ 50 હજારથી 1 લાખ 90 હજાર જેટલા સૈનિકો હતા, પરંતુ એ બધાને અત્યાર સુધી યુક્રેનની અંદર નથી મોકલાયા.
એવું એટલા માટે હશે કે આક્રમણના હવે પછીના તબક્કામાં રશિયાને એમની જરૂર પડે. સેનાઓ માટે પોતાની યોજનાઓમાં ફેરફાર કરવા માટે સૈનિકો રિઝર્વ રાખવા એ સામાન્ય બાબત છે.
શું રશિયા રણનીતિ બદલી શકે છે?
પશ્ચિમી દેશોના આકલન અનુસાર, રશિયાએ આરંભિક હુમલામાં યુક્રેનની ઘેરાબંધી કરનારી અડધી સેનાનો ઉપયોગ કર્યો છે.
રશિયાએ ઘણી દિશાએથી હુમલા કર્યા છે અને એનાથી આક્રમણ ઘણું વધારે જટિલ થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેની આશંકા પ્રગટ કરવામાં આવી હતી એ પ્રમાણે, રશિયાએ અત્યાર સુધી પોતાના તોપખાના અને હવાઈ હુમલાનો ઉપયોગ પણ એટલી તીવ્રતાથી નથી કર્યો.
અર્નાલ્ડે કહ્યું કે, "અહીં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે એમને યુક્રેન તરફથી જબરજસ્ત પ્રતિકાર મળી રહ્યો છે. એમણે એવી અપેક્ષા નહીં રાખી હોય."
જોકે, અર્નાલ્ડનું માનવું છે કે રશિયાના સેના કમાન્ડર પોતાની રણનીતિમાં ઝડપથી ફેરફાર કરી શકે છે.
બ્રિટનના પૂર્વ સેના કમાન્ડર જનરલ રિચર્ડ બૅરન્સે કહ્યું કે, "હમણાં તો એવું લાગે છે કે રશિયા પોતાનાં સૈન્યલક્ષ્યોને ઝડપથી સુરક્ષિત કરી લેશે."
જનરલ બૅરન્સે કહ્યું કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, "રશિયાની સેનાનું પ્રારંભિક લક્ષ્ય યુક્રેનના સૈન્યને તોડવાનું છે. કેન્દ્રીય સરકારને હઠાવીને યુક્રેનને રશિયામાં ભેળવી દેવાનું છે."
આ લક્ષ્યોમાંથી કેટલાંક તરફ રશિયાએ પ્રગતિ હાંસલ કરી લીધી છે. રશિયાની સેના દક્ષિણ તરફથી યુક્રેનની અંદર ઘૂસી ગઈ છે.
રશિયાની સેનાઓએ હવે ક્રિમિયાના રસ્તે યુક્રેનની અંદર ભૂમિગત માર્ગ બનાવી લીધો છે. યાદ કરીએ કે રશિયાએ 2014ના વર્ષે ક્રિમિયા પર કબજો કરી લીધો હતો.
મોરચા પર અડગ યુક્રેનના સૈનિકો
એડ અર્નાલ્ડ માને છે કે એ કોઈ મોટું લક્ષ્ય નથી. જોકે અહીંથી રશિયન સેના પૂર્વમાં રક્ષણાત્મક કાર્યવાહીઓ કરવામાં અટવાયેલા યુક્રેનના સૈન્યની ઘેરાબંધી કરી શકે છે.
યુક્રેનનું સૌથી પ્રશિક્ષિત અને આક્રમક દળ અહીં રક્ષણાત્મક મોરચો બનાવીને ઊભું છે. અહીં જ છેલ્લાં આઠ વર્ષોથી રશિયાના સમર્થક અલગાવવાદીઓનો આ સૈન્યદળ મુકાબલો કરી રહ્યું છે.
અત્યાર સુધી આ દળોએ બહાદુરી બતાવી છે અને તેઓ રશિયાના આક્રમણને રોકવામાં સફળ રહ્યાં છે. રશિયાની સેના અલગાવવાદીઓના નિયંત્રણ હેઠળના વિસ્તાર ડોનેત્સ્ક અને લોહાંસ્કથી આગળ નથી વધી શકી.
પરંતુ જો ક્રિમિયા તરફથી આવતા રશિયાના સૈન્યએ પણ એમને ઘેરી લીધાં તો એમના માટે પરિસ્થિતિ ઘણી વિકટ થઈ જશે.
એક તથ્ય એ પણ છે કે યુક્રેનની સેનાનાં મોટા ભાગનાં દળો પોતાના મોરચા પર અડગ છે અને યુદ્ધમાં સામેલ છે, અને એમના માટે પોતાની સ્થિતિમાં પરિવર્તન કરવું મુશ્કેલ થઈ જશે.
શો છે રશિયાનો ઇરાદો?
રશિયાની સેનાઓ કિએવ તરફ આગળ વધવામાં સફળ થતી જાય છે. રાજધાની પર કબજો કરવો એ રશિયાની સેનાનું એક મહત્ત્વનું લક્ષ્ય છે.
માત્ર એટલા માટે નહીં કે એ સરકારનું મુખ્યમથક છે અને અહીંથી જ રશિયાની વિરુદ્ધ પ્રતિકારનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ પુતિન ઇચ્છે છે કે તેઓ લોકશાહીની રીતે ચૂંટાયેલા રાષ્ટ્પતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીને પદભ્રષ્ટ કરી દે અને પોતાના ઇશારે કામ કરનારી સત્તાને યુક્રેનમાં સ્થાપી દે.
અર્નાલ્ડ કહે છે કે, યુક્રેનમાં પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે રશિયાએ રાજધાની કિએવ પર કબજો કરવો જરૂરી છે. એના વિના યુક્રેનમાં રશિયાનાં લક્ષ્ય હાંસલ નહીં થાય.
હવે સવાલ એ છે કે, "રશિયા માટે એમ કરવું કેટલું સરળ હશે? રશિયાની સેનાઓ કિએવને ઘેરવા માટેના પ્રયત્નો કરી રહી છે, પરંતુ જેટલા અંદર ઘૂસશે એટલો જોરદાર સામનો પણ એમણે કરવો પડશે. યુક્રેનના લોકોએ રશિયાનો સામનો કરવા માટે કમર કસી લીધી છે."
એક આશંકા એવી છે કે યુક્રેનના માર્ગો પર યુદ્ધ થઈ શકે છે. એવું થઈ પણ રહ્યું છે.
જ્યારે-જ્યારે શહેરી ક્ષેત્રમાં યુદ્ધ થાય છે ત્યારે રક્ષણાત્મક પક્ષને ફાયદો થાય છે. આક્રમણકારી સેનાઓ માટે શહેરના માર્ગો પર આવાગમન સરળ નથી હોતું. શહેરની ઇમારતો યુક્રેનની સેનાની રક્ષાચોકીઓ બની જશે.
પુતિન માટે આગળનો માર્ગ કેટલો સરળ?
આમ નાગરિકો પણ રશિયાની સેનાના વિરોધનો ભાગ બની શકે છે અને રશિયાની સેના આમ નાગરિકોને પોતાના સંભવિત ટાર્ગેટ માની શકે છે.
કોઈ પણ આક્રમક સેના માટે શહેરી ક્ષેત્રમાંનું યુદ્ધ સૌથી મુશ્કેલ હોય છે. જેમ-જેમ તે આગળ વધે, તેમ-તેમ એનું નુકસાન અને જરૂરિયાતો વધતાં જાય છે.
ડનાઇપર નદી પૂર્વ અને પશ્ચિમ યુક્રેનની વચ્ચે એક પ્રાકૃતિક અડચણ છે. એડ અર્નાલ્ડ માને છે કે એ રશિયાની સેનાની આગળ વધવાની સીમામર્યાદા નક્કી કરી શકે એમ છે.
અર્નાલ્ડ માને છે કે જો રશિયાએ કિએવ અને દેશના બાકી ભાગો પર કબજો કરી લીધો તો પશ્ચિમની તરફ આગળ વધવાથી રશિયન સેનાને વધારે કશો લાભ નહીં થાય.
રાષ્ટ્રપતિ પુતિન એવી આશા રાખતા હશે કે કિએવ પર કબજો અને યુક્રેનની સેનાનું પતન થતાંની સાથે જ યુક્રેનમાં એમનો વિરોધ પણ દબાઈ-શમી જશે.
આક્રમણ કરવા માટે 1 લાખ 90 હજાર સૈનિકો પર્યાપ્ત હોઈ શકે છે પરંતુ યુરોપના બીજા ક્રમના સૌથી મોટા દેશ પર કબજો જાળવી રાખવા માટે અપૂરતો સાબિત થઈ શકે છે. વિસ્તારની દૃષ્ટિએ યુક્રેન ફ્રાન્સ કરતાં પણ મોટો છે.
ઇરાકમાં બ્રિટિશ દળોનું નેતૃત્વ કરનારા જનરલ બૅરન્સે કહ્યું કે, "જો પુતિન 1 લાખ 50 હજાર સૈનિકો પર મદાર બાંધીને યુક્રેનને કબજે કરવા ઇચ્છે તો એ ત્યારે જ શક્ય છે જ્યારે એમને સ્થાનિક લોકોનું પણ સમર્થન મળે."
તેમણે કહ્યું કે, "દેશના પૂર્વ ભાગમાં કેટલીક વસ્તી રશિયાની સમર્થક છે, પરંતુ રશિયાએ સ્થાપિત કરેલી કોઈ પણ સરકાર ચાર કરોડ જનસંખ્યાનું શાસન સરળતાથી નહીં કરી શકે."
જનરલ બૅરન્સ માને છે કે, "રશિયાની સેનામાં યુક્રેનને હરાવી દેવાની શક્તિ છે. બની શકે કે યુક્રેનમાં જબરજસ્ત પ્રતિકાર મળે. પરંતુ જો રાષ્ટ્રપતિ પુતિન એવું વિચારતા હોય કે તેઓ યુક્રેન પર શાસન કરી શકશે, તો એ એમની ભૂલ હોઈ શકે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો