યુક્રેન-રશિયા સંકટ : શું યુક્રેનમાંથી પોતાના નાગરિકો પાછા લાવવામાં ભારતે મોડું કર્યું?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

જેમજેમ રશિયા યુક્રેન પર પોતાની પકડ મજબૂત કરતું જાય છે, તેમતેમ ત્યાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોની ચિંતાઓ વધતી જઈ રહી છે.

શનિવારે રશિયાની લશ્કરી કાર્યવાહીના ત્રીજા દિવસે યુક્રેનનાં ઘણાં બધાં શહેરો પર રશિયન વિમાનો સતત બૉમ્બાર્ડિંગ કરી રહ્યાં છે. યુક્રેનના પાટનગર કિએવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે શહેરમાં ભય અને અફરાતફરીનો માહોલ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 94 વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ગુજરાત લવાયા છે, આજે પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અમદાવાદ લવાયા હતા.

તો શનિવારે પણ 250 ભારતીયોને યુક્રેનથી પરત લવાયા હતા. એસ. જયશંકરે માહિતી આપી હતી કે યુક્રેનથી હંગેરીના રસ્તે ભારતીયોને લઈને બીજા વિમાને પણ ઉડાન ભરી હતી.

રશિયાના આ આક્રમણ દરમિયાન ભારત પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢી લાવવાની એક યોજનાનો અમલ કરી રહ્યું છે, જેના અંતર્ગત શુક્રવારે 470 ભારતીય વિદ્યાર્થીઓનું પહેલું જૂથ યુક્રેનની બહાર નીકળીને રોમાનિયાની સરહદે પહોંચી ગયું. જોકે, તેમને હજુ સુધી ભારત નથી લાવી શકાયા.

વિદેશ મંત્રાલયે જણાવ્યા અનુસાર, એ વિદ્યાર્થીઓના રહેવા-જમવાની સરકારે વ્યવસ્થા કરી છે. કિએવમાં ભારતના દૂતાવાસ દ્વારા જણાવાયું છે કે ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી સુરક્ષિત બહાર લઈ આવવાની આ પ્રક્રિયા રોમાનિયા, હંગેરી અને પોલૅન્ડના ભારતીય દૂતાવાસોના સંયુક્ત પ્રયાસોથી પૂરી કરવામાં આવી રહી છે.

યુક્રેનમાં હજુ 20 હજાર કરતાં વધારે નાગરિકો રહે છે, જેમાંના મોટા ભાગના મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ ન્યૂઝ એજન્સી એએનઆઇને ગયા અઠવાડિયે કહેલું કે, "20 હજારથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના અલગ અલગ ભાગોમાં રહીને અભ્યાસ કરે છે. ભારતના લોકોની મદદ કરવી એ અમારી પ્રાથમિકતા છે."

શું લોકોને સુરક્ષિત બહાર કાઢી લઈ આવવામાં થયો છે વિલંબ?

પરંતુ શું મોદી સરકારે ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવાનું કામ ઘણું વહેલું શરૂ કરી દેવું જોઈતું હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે યુક્રેનમાં અઠવાડિયાં પહેલાંથી સંકટની સ્થિતિનું નિર્માણ થયું હતું?

વિપક્ષી દળો સહિત કેટલાક લોકોના મતે સરકારે આ કામમાં વિલંબ કર્યો. મહારાષ્ટ્ર, તામિલનાડુ અને બંગાળ જેવી કેટલીક બિનભાજપી રાજ્ય સરકારોએ કહ્યું કે તેઓ પોતાના ખર્ચે ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે પૂર્ણરૂપે તૈયાર છે.

જ્યૉર્જિયા અને આર્મેનિયામાં ભારતના રાજદૂત તરીકે રહેલા અચલકુમાર મલ્હોત્રાનું કહેવું છે કે થોડો વિલંબ જરૂર થયો છે પરંતુ અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે કોઈ નક્કર પગલાં ભરવાં મુશ્કેલ હતું.

બીબીસી સાથેની વાતચીતમાં મલ્હોત્રાએ કહ્યું, "એ મુદ્દો વિવાદાસ્પદ છે કે નાગરિકોને બહાર કાઢી લાવવામાં થોડો વિલંબ થયો છે. કદાચ, બહાર કાઢવાની કામગીરી 6-8 દિવસ પહેલાં શરૂ થઈ શકતી હતી, પરંતુ મેં સાંભળ્યું છે કે પરીક્ષાના કારણે ઘણા વિદ્યાર્થીઓ યુક્રેન છોડીને ભારત પાછા આવવા નહોતો માગતા."

બીજી તરફ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ભારત સરકારે પોતાના નાગરિકોને બહાર કાઢી લાવવામાં કરેલા વિલંબની ટીકાનો જવાબ આપતાં કહ્યું કે, ભારતીય દૂતાવાસે ઘણા દિવસ પહેલાં ઘણી ઍડ્વાઇઝરી પ્રસિદ્ધ કરી અને લોકોને યુક્રેન છોડીને જતા રહેવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો મૂકીને પાછા ફરવામાં સંકોચ અનુભવી રહ્યા હતા.

ગુરુવારે યુક્રેન પર રશિયન હુમલા શરૂ થયાના બે દિવસ પહેલાં ઍર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર બી-787 વિમાન 200થી વધારે ભારતીય નાગરિકોને ભારત પાછા લઈ આવ્યું. પરંતુ ત્યાર પછીના વિમાનને યુક્રેન પહોંચતાં પહેલાં જ પાછા ફરી જવું પડ્યું, કેમ કે ત્યાં સુધીમાં રશિયાનું આક્રમણ શરૂ થઈ ગયું હતું અને યુક્રેનનો હવાઈમાર્ગ બંધ થઈ ગયો હતો.

'સરકારે પહેલાં જ પ્રયાસ કરવો જોઈતો હતો'

ઍર ઇન્ડિયાએ 18 ફેબ્રુઆરીએ ઘોષણા કરી હતી કે તેઓ ભારત અને યુક્રેનના બૉરિસ્પિલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ વચ્ચે ત્રણ ઉડ્ડયનનું સંચાલન કરશે. યુક્રેનથી ત્રણ ફ્લાઇટમાંની પહેલી ગયા મંગળવારની રાત્રે પાટનગર દિલ્હી આવી પહોંચી હતી, ત્યાર બાદ યુક્રેનનો હવાઈમાર્ગ બંધ થઈ ગયો.

ભારતીય દૂતાવાસે ગયા સોમવારે વિશેષ ઉડ્ડયન અંગે એક ઍડ્વાઇઝરી પ્રસિદ્ધ કરતાં ટ્વીટ કર્યું કે, "યુક્રેનમાં હાલની સ્થિતિ સતત તણાવપૂર્ણ રહેતાં અને અનિશ્ચિતતાઓ એકધારી ટકી રહી એ જોતાં વધારાનાં ઉડ્ડયનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે."

પરંતુ આલોચકોનું કહેવું છે કે આ બધી વ્યવસ્થા સરકાર કદાચ પહેલેથી કરી શકતી હતી.

સરકારના પક્ષમાં કેટલાક લોકોનો મત છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચોક્કસ ઘણાં અઠવાડિયાંથી તણાવ અને સંકટ ચાલી રહ્યાં હતાં, પરંતુ રશિયા આક્રમણ કરી જ દેશે, એવી કશી અપેક્ષા નહોતી, કેમ કે ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હુમલાની યોજનાનો ઇનકાર કરી રહ્યા હતા.

હવે ભારત સરકાર ઘણી સક્રિય થયેલી જોવા મળે છે. ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર, યુક્રેનમાં ફસાયેલા બધા નાગરિકોને પહેલાં પડોશી દેશોમાં મોકલવામાં આવશે, ત્યાર બાદ એમને ઍર ઇન્ડિયાનાં વિમાનોમાં ભારત લાવવામાં આવશે.

'ભારતનો ટ્રૅક રેકૉર્ડ ઘણો સારો'

ઐતિહાસિક રીતે, વિદેશમાં આપત્તિના સમયે ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢી લાવવાનો ભારતનો ટ્રૅક રેકૉર્ડ ઘણો સારો રહ્યો છે.

અચલ મલ્હોત્રાએ કહ્યું કે, "જો છેલ્લા કેટલાક દાયકા પર નજર નાખીએ તો ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લાવવામાં ભારતનો ટ્રૅક રેકૉર્ડ ઘણો સારો રહ્યો છે. ઘણા બધા દેશોમાંથી આપણે આપણા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે."

"માત્ર પોતાના નાગરિકોને જ નહીં, બલકે, બીજા દેશોના નાગરિકોને પણ બહાર કાઢવામાં મદદ કરી છે. તમે યમનનું ઉદાહરણ જ લઈ લો, કે પછી થોડા ભૂતકાળમાં જઈએ તો કુવૈતમાંથી આપણે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. તો, આપણો ટ્રૅક રેકૉર્ડ તો ખૂબ સારો છે."

1990માં ખાડીયુદ્ધ વખતે ભારતે મોટા પાયે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનું કામ કર્યું હતું. પહેલાં એણે કુવૈતમાં ફસાયેલા બધા ભારતીયોને જૉર્ડન મોકલ્યા અને પછી એમને ભારતમાં લાવ્યા.

એ શાનદાર ઑપરેશન વખતે, કુવૈતમાં ફસાયેલા 1 લાખ 70 હજારથી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. એ અભિયાનમાં ઍર ઇન્ડિયા, ઇન્ડિયન ઍરલાઇન્સ અને ભારતીય વાયુસેનાનાં વિમાનોની સેવાઓ લેવામાં આવી હતી. એ કામને બે મહિનાની અંદર જ પૂરું કરવામાં આવ્યું હતું.

એ સમયગાળામાં ભારતને ગરીબ દેશ માનવામાં આવતો હતો અને ઍર ઇન્ડિયા 19 વિમાનોના કાફલા સાથે એક નાની ઍરલાઇન હતી. બોલીવૂડ અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ 'ઍરલિફ્ટ' એ જ ઑપરેશન પર આધારિત હતી.

કુવૈત સિવાય, ઍર ઇન્ડિયાએ યમન, લેબનન, ઇજિપ્ત, લીબિયા અને ટ્યૂનિશિયા સહિત જુદા જુદા દેશોના લોકોને બહાર કાઢવા માટે ફ્લાઇટનું સંચાલન કર્યું છે. પછી 2016માં બેલ્જિયમમાં આતંકવાદી હુમલામાં ફસાયેલા સેંકડો ભારતીયોને તરત જ કાઢી લાવવાના કામને પાર પાડ્યું હતું.

જોકે ભારતના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો બચાવરાહત કાર્યક્રમ કોરોના મહામારી દરમિયાન પૂરો કરવામાં આવ્યો હતો, જેને 'વંદે ભારત મિશન'ના નામથી ઓળખવામાં આવે છે.

વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, 'વંદે ભારત મિશન' હેઠળ 24 ફેબ્રુઆરી, 2022 સુધીમાં 73.82 લાખ પ્રવાસીઓને બીજા દેશોમાંથી ભારતમાં લાવવામાં આવ્યા છે.

ઍર ઇન્ડિયા એકલીએ આ કામ પૂરું કર્યું, કેમ કે આંતરાષ્ટ્રીય ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ઍર ઇન્ડિયાએ એ પ્રવાસીઓને દેશમાં પાછા લાવવા માટે 54,800 ઉડ્ડયનો કર્યાં છે.

એ મિશન ઔપચારિકરૂપે મે 2020માં શરૂ થયું અને હજુ સુધી એ પૂરું થઈ ગયાની ઘોષણા કરવામાં નથી આવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો