You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટ, લોકલ ટ્રેન બંધ થઈ - પ્રેસ રિવ્યુ
રવિવારે સવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે લોકલ ટ્રેનનો વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, યાંત્રિક ખઆમીના કારણે રવિવારે સવારે આ સમસ્યા સર્જાઈ હતી. બીએમસીએ ટ્વીટ કરીને પણ આ અંગે માહિતી આપી હતી.
મઘ્ય રેલ્વેના ચીફ પબ્લિક ઑફિસર શિવાજી સુતારેએ પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આ પહેલાં 12 ઑક્ટોબર 2020ના રોજ આ પ્રકારે પાવરકટની સમસ્યા સર્જાઈ હતી. જે વખતે 18 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો.
ભારતમાં મેડિકલનો અભ્યાસ કરો, વિદેશમાં નહીં - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ભારતીય વિદ્યાર્થીઓ ભાષા અવરોધ છતાં તબીબી શિક્ષણ માટે નાના દેશોમાં જઈ રહ્યા છે, તેની નોંધ લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખાનગી ક્ષેત્રને આગળ આવવા અપીલ કરી હતી.
ડેક્કન હેરાલ્ડ લખે છે કે આરોગ્યક્ષેત્રની કેન્દ્રીય બજેટઘોષણાઓ પર વેબિનારમાં સંબોધન કરતી વખતે મોદીએ સૂચવ્યું કે રાજ્ય સરકારોએ તબીબી શિક્ષણને પ્રોત્સાહન મળે એ હેતુથી સંસ્થાઓને જમીન ફાળવવા માટે "સારી નીતિઓ ઘડવી જોઈએ."
"જેથી કરીને ભારત વૈશ્વિક માગને પૂર્ણ કરવા મોટી સંખ્યામાં ડૉક્ટરો અને નર્સ બનાવી શકે."
જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો મેડિકલ અભ્યાસ કરે છે, તે યુક્રેન પર રશિયાના હુમલાના સંદર્ભે આ ટિપ્પણીને જોવામાં આવી રહી છે.
જોકે પીએમ મોદીએ યુક્રેનનો સીધો ઉલ્લેખ કર્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે, ખાસ કરીને તબીબી શિક્ષણ માટે, પરિણામે અબજો રૂપિયા પણ દેશની બહાર જાય છે.
કૌરવોની યાદી તૈયાર કરો - રાહુલ ગાંધીનો ગુજરાતના નેતાઓને આદેશ
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ગુજરાતમાં તેમની પાર્ટીના નેતાઓને પાર્ટીના "કૌરવો"ની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
"ભાજપની રાજનીતિ"ને કારણે ગુજરાત પીડાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, કૉંગ્રેસ પાસે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાની તક છે, પણ સત્તામાં આવ્યા પછી શું કરશે તે અંગે લોકોને સ્પષ્ટ વિઝન આપવામાં પાર્ટીના નેતા નિષ્ફળ જાય છે.
રાહુલ ગાંધી ગુજરાતની એક દિવસીય મુલાકાતે હતા.
કૉંગ્રેસના રાજ્ય એકમ દ્વારા ગુજરાતમાં આયોજિત ત્રણ દિવસની ચિંતનશિબિરમાં રાહુલ ગાંધીને આમંત્રિત કરાયા હતા. તેમણે આ વર્ષે ડિસેમ્બરમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવામાં પાર્ટીના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચિંતનશિબિરમાં હાજરી પહેલાં તેમણે દ્વારકાધીશ મંદિરે જઈને દર્શન કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો