યુક્રેનમાં ચેચન્યા જેવો બળવો થશે, તો પુતિન ડામી શકશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શનિવારે પણ રશિયા-યુક્રેન સૈન્ય સંઘર્ષ ચાલુ રહેવા પામ્યો છે. રશિયાના બૉમ્બરોએ યુક્રેનના પાટનગર કિએવમાં હુમલા કર્યા હતા. પાયદળ, હવાઈદળ તથા નૌકાદળ દ્વારા સંકલિત રીતે હુમલા કરવામાં આવ્યા છે.

સંખ્યા અને શસ્ત્રોમાં ઊણા ઊતરતા હોવા છતાં યુક્રેનના સૈનિકોએ જુસ્સા સાથે સામનો કર્યો હતો, પરંતુ તેઓ ક્યાં સુધી લડાઈમાં ટકી શકશે, એ સવાલ હુમલો થયો તે પહેલાંથી જ ચર્ચાઈ રહ્યો છે.

બીબીસી યુક્રેનિયન સેવા અનુસાર રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમણે યુરોપિયન દેશો પર યુક્રેનને બચાવવા માટે પૂરતા પગલાં નહીં લેવાનો આરોપ પણ મૂક્યો હતો.

રશિયાની સેના કિએવના કમાડ સુધી પહોંચી ગઈ છે, ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે જો રશિયાના તાબા હેઠળ યુક્રેન આવી જશે, તો પણ શું તેની ઉપર પ્રભુત્વ જાળવી શકશે કે પછી ચેચન્યા જેવા વધુ એક લોહિયાળ સંઘર્ષનો આરંભ થશે.

ચેચન્યા, ચરમપંથ અને અંત

ચેચન્યાનો વિસ્તાર તેલભંડારોથી સમૃદ્ધ છે. રશિયાનું અર્થતંત્ર ઑઇલ આધારિત હોવાથી પુતિન આ વિસ્તાર પર સજ્જડ પ્રભુત્વ ઇચ્છે છે. અહીંની વસતિ મોટાભાગે ખ્રિસ્તી અથવા ઇસ્લામ ધર્મ પાળે છે અને રશિયન અથવા ચેચન ભાષા બોલે છે.

1858માં ઝારના શાસનકાળ દરમિયાન રશિયાએ ચેચન્યાને જીતી લીધું અને પોતાનામાં ભેળવું લીધું. સોવિયેટ સંઘના વિઘટન બાદ ચેચન્યામાંથી પણ સ્વતંત્રાની માગ ઊઠવા લાગી હતી. તેમને ડામી દેવા માટે સેના મોકલવામાં આવી અને લોહિયાળ સંઘર્ષ ચાલુ થયો, જે લગભગ દાયકા સુધી ચાલ્યો.

ચેચન બળવાખોરોને તુર્કી તથા જૉર્ડનમાં રહેતા મૂળ ચેચનિયનોનું સમર્થન હાંસલ હતું. આ સિવાય મધ્યપૂર્વના અનેક દેશો આ બળવાખોરોની "સ્વતંત્રતા માટેની ચળવળન"નું સમર્થન કરતા હતા.

રશિયાનો આરોપ હતો કે આર્થિક તથા સરંજામની મદદ કરવામાં તુર્કી અગ્રેસર હતું. રશિયનોના મતે ચેચન વિદ્રોહીઓ સામેનું સૈન્યઅભિયાન 'આતંકવાદ તથા ગુનાખોરો વિરુદ્ધ'નું હતું. તુર્કોએ હંમેશાં પોતાની પરના આરોપોને નકાર્યા હતા.

જોકે, પુતિનને કડક હાથે આ બળવાને ડામી દેવામાં સફળતા મળી છે. આ અભિયાન દરમિયાન રશિયાની સેના પર અત્યાચાર આચરવાના તથા માનવાધિકારનું વ્યાપક ઉલ્લંઘન કરવાના આરોપ પણ લાગ્યા હતા.

ભાગલાવાદી જૂથોના બળવાખોરો દ્વારા નાના-મોટા હુમલા થતા રહે છે. આ સિવાય ઉગ્રવાદી સંગઠન અલ-કાયદા તથા ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોય તેવા જેહાદી જૂથો પણ આ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે.

આ અરસામાં ચેચન બળવાખોરો દ્વારા રશિયાની બસ, વિમાન કે બોટના અપહરણની ઘટનાઓ વારંવાર બનતી, પરંતુ જે ઘટનાએ રશિયા તથા સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું, તે હતી થિયેટર બંધકકાંડ.

થિયેટરમાં હિંસામંચન

23 ઑક્ટોબર, 2002ના રોજ મધ્ય મોસ્કોમાં ક્રેમલિનથી લગભગ પાંચ કિલોમિટર દૂર રાત્રે નવ વાગ્યે ડુબ્રોવકા થિયેટરમાં નવા રશિયન રૉમેન્ટિક મ્યુઝિકલ 'નોર્ડ ઓસ્ટ'નું વિવેચન હતું.

1100 લોકોની ક્ષમતા ધરાવતા થિયેટરમાં ઇન્ટરવલ પછી મંચ પર હાજર કલાકારો સૈનિકોના ગણવેશમાં નાચતા અને ગાતા હતા. અચાનક થિયેટરના એક ખૂણામાંથી એક શખ્સ બહાર નીકળ્યો. તેણે પણ સૈનિકનો ગણવેશ પહેર્યો હતો. તેણે હવામાં ગોળીબાર કર્યો.

દર્શકોને પહેલાં તો લાગ્યું કે આ મંચ પર ચાલતા અભિનયનો જ હિસ્સો છે. પરંતુ તેમને થોડી જ વારમાં સમજાઈ ગયું કે આ અભિનય નથી અને તેમને બંધક બનાવી લેવામાં આવ્યા છે.

લગભગ 50 જેટલા હથિયારધારી ચેચન બળવાખોરોએ નાટક જોઈ રહેલા 850 લોકોને બંધક બનાવી લીધા હતા. તેમની માગ હતી કે રશિયન સૈનિકોને તાત્કાલિક ચેચન્યામાંથી વિના શરતે પાછા બોલાવી લેવામાં આવે, નહીંતર તેઓ બંધકોને ઠાર મારવાનું શરૂ કરશે.

પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તેને માંડ બે વર્ષ જેટલો સમય થયો હતો અને ઘરઆંગણે મોટી સમસ્યા ઊભી થઈ હતી. પૂર્વ સૈન્ય અધિકારી પુતિને પોતે મોરચો સંભાળ્યો અને અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સાથેની પોતાની મહત્ત્વપૂર્ણ બેઠક પણ રદ કરી દીધી.

ચેચન બળવાખોરોએ પોતાના શરીર પર વિસ્ફોટકો બાંધેલા હતા. આ સિવાય જો સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ખુદને ઉડાવી દેવાની તથા બંધકોને ઠાર મારવાની ધમકી પણ આપી હતી.

48 કલાકની વિચારણા બાદ પુતિને સૈન્યકાર્યવાહીની મંજૂરી આપી. જેમાં એક પણ રશિયન સૈનિક ઘાયલ ન થયો, પરંતુ કાર્યવાહીની 'આડઅસર'ને કારણે કેટલાક બંધક મૃત્યુ પામ્યા.

રશિયાની સેનાએ થિયેટરના વૅન્ટિલેશન તથા થિયેટરની નીચે સુરંગ બનાવીને સભાગૃહમાં કાણાં પાડીને ગૅસ છોડ્યો હતો. તે કયો ગૅસ હતો, એના વિશે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરવામાં નથી આવતી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, તેને જોઈ તથા સૂંઘી શકાતો હતો.

ગૅસ પ્રવાહિત થયાના એક કલાક પછી લગભગ 200 રશિયન સૈનિકો અંદર દાખલ થયા. સાત મિનિટ પછી તેમણે મુખ્ય હૉલના દરવાજાને બૉમ્બથી ઉડાવી દીધો.

જેટલા બળવાખોરો જાગી ગયા હતા તેમને રશિયન સૈનિકોએ ગોળીથી ઠાર માર્યા. જે બળવાખોરો ગૅસની અસરથી બેહોશ થઈ ગયા હતા તેમને પણ બેભાનાવસ્થામાં જ ગોળી મારવામાં આવી.

બળવાખોરોના કમાન્ડર 27 વર્ષીય મોવસાર બરેયેવ હતા, જેમને બીજા માળે રસોડા પાસે ગોળી મારવામાં આવી હતી.

સમગ્ર કાર્યવાહીમાં 90થી વધારે બંધક અને 50 જેટલા ચેચન બળવાખોરો મૃત્યુ પામ્યા હતા. કેટલાક બંધકોના મૃત્યુ રશિયન સેના દ્વારા દાખલ કરવામાં આવેલા સ્લિપિંગ એજન્ટને કારણે થયા હોવાના આરોપ પણ લાગ્યા હતા.

હુમલાખોરમાં લગભગ ત્રીજા ભાગની મહિલાઓ હતી. રશિયન ઇન્ટેલિજન્સના રિપોર્ટ પ્રમાણે, આ મહિલાઓ એ હતી કે જેમના પતિ-ભાઈ કે અન્ય પરિવારજન રશિયા સાથેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા.

આંખોને બાદ કરતાં તેમનું સમગ્ર શરીર કાળા કપડાંમાં ઢંકાયેલું હતું. તેઓ મરવા-મારવા તૈયાર હતાં.

બે વર્ષ પછી રશિયન સૈનિકોની વધુ એક વખત કસોટી થઈ જ્યારે ચેચન્યાના બળવાખોરોએ બેસ્લાનની એક શાળામાં સેંકડો બાળકોને બંધક બનાવી લીધા હતા.

આ અભિયાનમાં 300થી વધારે બાળકો માર્યાં ગયાં હતાં અને રશિયન સુરક્ષાદળોની પ્રતિષ્ઠાને ભારે આંચકો લાગ્યો હતો.

રમઝાનનું રાજ

2003માં જનમત સંગ્રહ દ્વારા નવા બંધારણને મંજૂરી આપવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે ચેચન્યાએ રશિયન સંઘનો ભાગ છે. 2009માં રશિયાએ ચેચન્યામાં ચાલી રહેલા સૈન્યને ઔપચારિક રીતે સમાપ્ત જાહેર કર્યું.

એક દાયકાની હિંસા બાદ છેલ્લા લગભગ એક દાયકાથી શાંતિ પ્રવર્તમાન છે. જેનો શ્રેય આ પ્રાંતના વડા રમઝાન કેદયરોવને આપવામાં આવે છે.

કેદયરોવને પુતિનના વિશ્વાસુ માનવામાં આવે છે, એટલે જ 2007માં લગભગ ત્રીસેક વર્ષની યુવા વય હોવા છતાં તેમને રાષ્ટ્રપતિ (તત્કાલીનપદ) પદ પર નિમવામાં આવ્યા હતા.

રમઝાનના પિતા અખમદ કેદયરોવની હત્યા કરી નાખવામાં આવી હતી. અખમદ પણ બળવાખોર હતા. 1999માં બીજા ચેચન યુદ્ધ પછી તેમણે પાટલી બદલી નાખી હતી. પ્રથમ વખત કોઈ મુસ્લિમ શાસકે ઇસ્લામિક બળવાખોરો વિરુદ્ધ રશિયનોને સાથ આપ્યો હતો.

આનો રમઝાનને લાભ પણ થયો. રમઝાને રશિયાના સત્તાધીશો સાથે સીધો જ સંપર્ક સ્થાપિત કર્યો અને વચ્ચેથી રશિયન અધિકારીઓને દૂર કરી દીધા. બંને પક્ષે આ વ્યવસ્થા સગવડભરેલી હતી.

આના ફળસ્વરૂપે ચેચન્યામાં રસ્તા અને બીજી માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો. રાજધાની ગ્રોન્ઝીમાં ભવ્ય મસ્જિદની સ્થાપના થઈ. તેઓ રશિયાની સેનામાં સેવા પણ આપી ચૂક્યા છે.

રમઝાનના શાસનમાં ઇસ્લામિક અસર દેખાય છે. કોરોનાકાળમાં નિકાહ સમયે મહિલાઓને "ઉર્દૂ" (મહેર જેવી રકમ) આપવામાં નિષ્ફળ રહેલા દુલ્હાઓ વતી રમઝાને આ રકમ ચૂકવી હતી.

પ્રાંતમાં ગૅ લોકો પર દમનની ઘટનાઓ બહાર આવતી રહે છે. કમ સે કમ 27 (2018ના આકલન પ્રમાણે) સમલૈંગિક 'ગુમ' થઈ ગયા છે. જોકે, સરકારી અધિકારીઓનું કહેવું છે કે પ્રાંતમાં LGBTQ+ સમુદાયના એક પણ સભ્ય નથી.

ચેચન્યામાં ચૂંટણીઓ તો યોજાઈ છે, પરંતુ તે નામમાત્રની હોય છે અને રમઝાન 90-95 ટકા કરતાં વધુ મતોથી જીતતા રહે છે.

પુતિનના વારસ?

69 વર્ષની ઉંમરે પણ વ્લાદિમીર પુતિને સત્તા પરથી તેમની પકડને ઢીલી નથી કરી. પરંતુ એવું માનવામાં આવે છે કે રમઝાન તેમના અનુગામી હોજ્ઈ શકે છે. ફેબ્રુઆરી-2022માં પુતિન અને રમઝાન વચ્ચે મુલાકાત થઈ, ત્યારે આવી અટકળોને વેગ મળ્યો હતો.

ટીકાકારોનું કહેવું છે કે તેમની સરકાર હેઠળ મીડિયા અને નાગરિક સ્વતંત્રતાને ડામવામાં આવે છે. આ સિવાય અપહરણ, અત્યાચાર અને હત્યા જેવી માનવાધિકાર ભંગની ઘટનાઓ નોંધાતી રહે છે. પુતિનની જેમ જ તેઓ વિરોધ અને વિરોધીઓને ડામી દે છે.

કોરોનાકાળમાં કેટલાક તબીબોએ ઓછી સવલતો અને સાધનોની ફરિયાદ કરી હતી. એ પછી તેમણે સરાજાહેર ટેલિવિઝન પર આવીને 'અમારી સમજાવવામાં ભૂલ થઈ ગઈ' જેવાં નિવેદન આપવા પડ્યાં હતાં.

તાજેતરમાં એક માનવાધિકાર કાર્યકર્તા તેમના પરિવાર સાથે વિદેશ નાસી છૂટ્યા હતા. ત્યારે હજારોની જનમેદનીને સંબોધતાં રમઝાને કથિત રીતે ક્હ્યું હતું, 'તેનું સ્થાન કાં તો જેલમાં છે અથવા કબરમાં છે.'

સારી સેવાઓની માગ જેવા સામાન્ય મુદ્દે પણ રમઝાનના વિરોધમાં ઉઠનારા સ્વરોને ટેલિવિઝન પર માફી મંગાવવામાં આવે છે.

અહીં ટીવીએ માહિતીનું મુખ્ય માધ્યમ છે અને તે સરકારને આધીન છે. જેની ઉપર સરકારસમર્થક વાતો પ્રસારિત થતી રહે છે.

રમઝાન પોતે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે તેના પર ભારે નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેમના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પણ હતા, જોકે અમેરિકાની નિષેધાત્મક યાદીમાં હોવાને કારણે તેમના એકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યા હતા.

રમઝાન પુતિન તથા રશિયાને વફાદાર છે. તેમણે પૂર્વ યુક્રેનમાં પુતિનતરફી બળવાખોરો તથા ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવાના પગલાંનું સાર્વજનિક રીતે સમર્થન કર્યું હતું.

પુતિનની નજીક હોવાને કારણે તથા ઉપર દમન અને અત્યાચારના આરોપ બદલ અમેરિકા દ્વારા તેમની ઉપર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જોકે, રમઝાનનું કહેવું છે કે ચેચન્યામાં સ્થિરતા લાવવા માટે કડક હાથે કામ લેવું જરૂરી છે.

ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, રમઝાનનાં ત્રણ પત્ની અને 12 સંતાન છે. તેમને રશિયાના ટોચના સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો