રશિયા-યુક્રેન વચ્ચેની લડાઈ ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે?

    • લેેખક, ફ્રેન્ક ગાર્ડનર
    • પદ, બીબીસી સિક્યૉરિટી સંવાદદાતા

સૌથી અગત્યના મુદ્દાની વાત - શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ નિહાળી રહ્યા છીએ?

આપણે હકીકતનો સામનો કરવો જોઈએ. યુક્રેન પરના રશિયાએ જે હુમલો કર્યો છે તેને લઈને સંદર્ભમાં ઘણા લોકો આવો સવાલ કરી અને એ અંગે વિચારી રહ્યા છે. આ સમજી શકાય એવું છે.

રશિયાના નિર્ણય તથા નિવેદનોની પશ્ચિમ તરફથી ઝાટકણી કાઢવામાં આવી છે અને રશિયા પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

રશિયા-યુક્રેન સીમા પર અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, પરંતુ NATO અને રશિયાના લશ્કરી દળો વચ્ચે સીધી ટક્કરનો તબક્કો હજુ આવ્યો નથી.

વાસ્તવમાં અમેરિકા અને બ્રિટન, રશિયાને યુક્રેન પર આક્રમણ માટે લશ્કરી દળોનો જમાવડો કરતું જોઈ રહ્યા હતા ત્યારે તેમણે થોડા લશ્કરી ટ્રેનર્સ તથા સલાહકારોને ઝડપભેર મોકલી આપ્યા હતા.

પોતે કોઈ પણ સંજોગોમાં યુક્રેનમાં અમેરિકન લશ્કરી દળો તહેનાત કરશે નહીં તેવી પ્રતિજ્ઞા આ મહિનાની શરૂઆતમાં કરતાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે "અમેરિકા અને રશિયા એકમેક પર નિશાન તાકવા માંડે તેને વિશ્વયુદ્ધ કહેવાય."

અલબત્ત, પશ્ચિમી દેશોના નેતાઓને ભય છે કે રશિયા યુક્રેન પર મોટા પાયે આક્રમણ માટે સજ્જ છે.

એ પ્રકારની ચિંતાનો આધાર સંખ્યાબંધ બાબતો પર છે, જેમ કે તમે કોણ છો, ક્યાં છો અને રશિયા હવે પછી શું કરશે?

રશિયા, નેટો અને તણાવ

જો તમે પૂર્વ યુક્રેનની સરહદ પર યુક્રેનના સૈન્યની મોખરાની હરોળના સૈનિક હો તો પરિસ્થિતિ અત્યંત ખતરનાક છે અને આ પરિસ્થિતિનો પોતાના દૈનિક જીવન પર કેવો પ્રભાવ પડશે તેની ચિંતા યુક્રેનના લોકોને સતત સતાવ્યા કરશે.

પોતે પોતાનાં લશ્કરી દળોને યુક્રેનમાં કેટલે અંદર સુધી મોકલવા ઇચ્છે છે તે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના અંગત વિશ્વાસુઓ જ જાણે છે.

મામલો હવે રશિયાની રાજધાની કિએવ સુધી પહોંચી રહ્યો છે અને અન્ય શહેરો પર પણ આક્રમણ થઈ રહ્યું છે પરંતુ રશિયા નેટોના કોઈ સભ્ય દેશને ધમકી આપે તે બાબત નેટો તથા પશ્ચિમી દેશો માટે મહત્ત્વની રહેશે.

નેટોના નિયમ ક્રમાંક પાંચ અનુસાર, તેના કોઈ પણ સભ્ય દેશ પર આક્રમણ કરવામાં આવે ત્યારે સમગ્ર વેસ્ટર્ન મિલિટરી અલાયન્સ તેના રક્ષણ માટે મેદાને પડવા બંધાયેલું છે.

યુક્રેન નેટોમાં જોડાવાની ઇચ્છા પ્રદર્શિત કરી છે, પરંતુ એ નેટોનું સભ્ય નથી અને યુક્રેનને નેટોનું સભ્ય બનતું અટકાવવા વ્લાદિમીર પુતિન કટિબદ્ધ છે.

એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અથવા પોલૅન્ડ જેવા પૂર્વ યુરોપના દેશો સોવિયેટ સંઘના સમયમાં મોસ્કોની ભ્રમણકક્ષાનો હિસ્સો હતા, પરંતુ હવે નેટોના સભ્યો છે.

તેમને એ વાતનો ભય છે કે રશિયન લશ્કરી દળો યુક્રેન સુધી આવીને અટકશે નહીં, પણ બાલ્ટિક્સમાંની રશિયન લઘુમતીની "સહાય કરવાના" બહાના હેઠળ આગળ વધશે અને ત્રાટકશે.

તેથી નેટોએ તેના પૂર્વ યુરોપના સભ્ય દેશોની સલામતી મજબૂત કરવા માટે વધુ લશ્કરી દળો મોકલ્યાં હતાં.

આપણે કેટલી હદે ચિંતિત થવું જોઈએ?

જ્યાં સુધી રશિયા અને નેટો વચ્ચે સીધો સંઘર્ષ ન થાય ત્યાં સુધી આ લડાઈ પૂર્ણ કક્ષાના યુદ્ધમાં પરિવર્તિત થવાનું કોઈ કારણ નથી.

આપણે એ ન ભૂલવું જોઈએ કે રશિયા તથા અમેરિકા પાસે ઉપયોગમાં લઈ શકાય તેવાં કુલ 8,000થી વધારે અણુશસ્ત્રો છે. તેથી અહીં ઘણુબધું દાવ પર લાગેલું છે. પરસ્પરના ખાતરીબંધ વિનાશનો શીતયુદ્ધનો જૂનો સિદ્ધાંત અહીં હજુ પણ લાગુ પડે છે.

બ્રિટિશ સૈન્યના એક સિનિયર અધિકારીએ મંગળવારે કહ્યું હતું કે "પુતિન નેટો પર હુમલો કરવા ઇચ્છતા નથી. તેઓ યુક્રેનને બેલારુસની માફક પોતાની જાગીર બનાવવા ઇચ્છે છે."

જોકે, પુતિનના દિમાગમાં કોઈ અણધારી ચાલ છે. જુડો ફાઇટર પુતિનને ચેસના ખેલાડી જેવા ચાલાક ગણતરીબાજ ગણાવવામાં આવે છે, પરંતુ તેમનું સોમવારનું ભાષણ ચતુર વ્યૂહરચનાકારને બદલે એક ક્રોધિત તાનાશાહ જેવું વધારે હતું. એ પછી હુમલાઓ થયા અને એમણે શરતી વાતચીતનો પ્રસ્તાવ રજૂ કર્યો પણ તે એક રીતે શરણાગતિ કરી લેવાની સલાહ જ હતી જેને યુક્રેને નકારી કાઢી.

નેટોને "દુષ્ટ" ગણાવતાં તેમણે યુક્રેનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેને રશિયાથી અલગ એવા સ્વાયત દેશ તરીકે અસ્તિત્વમાં રહેવાનો કોઈ અધિકાર જ નથી. પુતિનની આ વાત ચિંતાજનક છે.

રશિયા પર નિયંત્રણો લાદ્યાં હોય તેવો એકમાત્ર દેશ બ્રિટન જ નથી. અમેરિકા અને જર્મનીએ પણ નિયંત્રણો લાદ્યાં છે.

જર્મનીએ રશિયાની જંગી નોર્ડ સ્ટ્રીમ 2 પાઈપલાઈનને મંજૂરી આપવાનું મોકૂફ રાખ્યું છે, પરંતુ રશિયાને દંડવાની બાબતમાં બ્રિટન સૌથી આગળ છે.

રશિયા કોઈક સ્વરૂપમાં વળતો હુમલો નિશ્ચિત રીતે કરશે. રશિયામાંના પશ્ચિમી દેશોના બિઝનેસને નુકસાન સહન કરવું પડે તે શક્ય છે, પરંતુ પુતિન ઇચ્છશે તો નુકસાન વધારે મોટું થઈ શકે છે.

સાયબર હુમલાઓના સ્વરૂપમાં "વેરની વસૂલાત" કરવામાં આવે એ પણ શક્ય છે. આ સંબંધે નેશનલ સાયબર સિક્યૉરિટી સેન્ટર ચેતવણી આપી ચૂક્યું છે. સાયબર હુમલાઓમાં બૅન્કો, બિઝનેસિસ, વ્યક્તિઓ અને મહત્ત્વની રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવામાં આવે તે શક્ય છે.

રશિયન અસંતુષ્ટોને બ્રિટનમાં ઝેર આપીને મારી નાખવા સહિતની ઘટનાઓને કારણે મોસ્કો તથા પશ્ચિમી દેશો વચ્ચેનો સબંધ ઉતરોત્તર કથળતો રહ્યો છે. અત્યારે રશિયાને પશ્ચિમી દેશો પર રતીભાર વિશ્વાસ નથી.

આ પશ્ચાદભૂના સંદર્ભમાં યુક્રેનમાંની હાલની કટોકટી માટે કોને જવાબદાર ગણવા તે મોટો સવાલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો