You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિજાબ પ્રતિબંધ : શાળા-કૉલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મામલે અત્યાર સુધી શું-શું થયું?
હિજાબ પ્રતિબંધ સામેની અરજીને કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાયા બાદ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે.
મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો અને તેને પડકારનારી અરજીને ફગાવી દીધી હતી.
અરજી ફગાવાયા બાદ અરજીકર્તા વિદ્યાર્થીઓએ પત્રકારપરિષદ ભરીને કહ્યું હતું કે તેઓ આના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે કે નહીં તેના પર જલદી નિર્ણય લેશે.
સાથે જ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી કૉલેજ નહીં જાય, જ્યાં સુધી તેમને હિજાબ પહેરવાનો અધિકાર ન મળે.
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે હાઈકોર્ટે કહ્યું છે કે ઇસ્લામમાં હિજાબ અનિવાર્ય નથી.
બેંગલુરુથી બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ જણાવે છે કે પોલીસ મહાનિદેશકે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય પોલીસને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને, સાવચેતીનાં પગલાંરૂપે બેંગલુરુ, મૈસુર અને બેલાગવીમાં આજથી એક અઠવાડિયા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. ઉડુપીમાં કલમ 144 પહેલાંથી જ લાગુ છે. ઉડુપી, દક્ષિણ કન્નડ, શિવમોગ્ગા અને કલબુર્ગીમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.
અસદુદ્દીન ઓવૈસીના નિવેદન અંગે વિવાદ
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું છે કે "હું હિજાબ અંગેના કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સાથે સહમત નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચુકાદા અંગે અસહમતી પ્રગટ કરવાનો મને અધિકાર છે અને હું ઇચ્છું છું કે અરજદારો સુપ્રીમમાં અપીલ કરે."
સાથે જ તેમણે લખ્યું છે કે, "હું ઇચ્છું છું કે માત્ર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જ નહીં, અન્ય ધર્મોના જૂથો પણ અપીલ કરે."
હિજાબ અંગેનો સમગ્ર વિવાદ
કર્ણાટકમાં ઉડુપીની સરકારી પીયુ કૉલેજ ફોર વુમનમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને વિદ્યાર્થિનીઓએ કૉલેજના નિર્ણયને સ્વીકારવાની ના પાડી, આ સાથે જ વિવાદની શરૂઆત થઈ હતી.
આ વિદ્યાર્થિનીઓની વાત ન સાંભળવામાં આવતાં તેમણે વિરોધ શરૂ કર્યો. વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાના વિરોધમાં ઉડુપી જિલ્લાની કૉલેજમાં કેસરી શાલ પહેરીને કેટલાક વિદ્યાર્થીઓ આવવા લાગ્યા, ત્યારે મામલાએ જોર પકડ્યું.
આ પછી વિદ્યાર્થિનીઓએ પણ કેસરી શાલ પહેરીને સરઘસ આકારે ખાનગી કૉલેજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. મામલો જોર પકડતો ગયો અને રાજકીય પક્ષો પણ આ વિવાદમાં કૂદી પડ્યા.
આ દરમિયાન, રાજ્ય સરકારે કહ્યું કે શાળા અને કૉલેજમાં માત્ર પહેલાંથી નિશ્ચિત યુનિફોર્મ જ પહેરી શકાશે.
કૉલેજે વિદ્યાર્થિનીઓને એવો વિકલ્પ પણ આપ્યો હતો કે તેઓ શાળાએ આવતી-જતી વખતે હિજાબ પહેરી શકે છે, પરંતુ વર્ગખંડમાં અભ્યાસ કરતી વખતે હિજાબ ઉતારવો પડશે. પરંતુ, વિદ્યાર્થિનીઓનો આગ્રહ હતો કે તેઓ હિજાબ પહેરીને જ ક્લાસ લેશે.
હિજાબ મુદ્દે સરકારનું શું કહેવું છે?
હિજાબ વિવાદ પર કર્ણાટકના મુખ્ય મંત્રી વસવરાજ બોમ્મઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણયનો બધાએ આદર કરવો પડશે
બોમ્મઈ કહે છે કે, "આ અમારાં બાળકોના ભવિષ્ય અને તેમની શિક્ષાનો સવાલ છે. અમે આવશ્યક વ્યવસ્થા કરી રહ્યા છીએ જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે."
અગાઉ કર્ણાટક રાજ્યના શિક્ષણ મંત્રી બીસી નાગેશે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની રાજકીય પાંખ દ્વારા દરિયાકાંઠાના પટ્ટામાં ફાયદો મેળવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "આ મૂળભૂત રીતે રાજકારણ છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આવતા વર્ષે ચૂંટણીઓ થવાની છે."
ઉડુપીના ભાજપના ધારાસભ્ય રઘુપતિ ભટે કહ્યું હતું "જો સીએફઆઈ જેવા સાંપ્રદાયિક સંગઠનો મુસ્લિમ વિદ્યાર્થીઓને સમર્થન આપે તો પછી શા માટે અમે અને અમારા વિદ્યાર્થીઓ ચુપચાપ જોતા રહે?"
વિદ્યાર્થીનીઓએ શું માને?
જ્યારે હિજાબ વિવાદ વકર્યો ત્યારે કર્ણાટકની ઉડુપી જિલ્લાની સરકારી મહિલા પ્રી-યુનિવર્સિટી કૉલેજની વિદ્યાર્થિની અલમાસ એએચએ બીબીસી હિન્દીને કહ્યું હતું, "અમારી કૉલેજમાં કેટલાક પુરૂષ શિક્ષકો છે. અમારે પુરૂષો સમક્ષ અમારા વાળ ઢાંકવા જરૂરી છે. એટલે જ અમે હિજાબ પહેરીએ છીએ."
તેની સામે કૉલેજે કહ્યું કે આ મુદ્દો કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની વિદ્યાર્થી પાંખ કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (સીએફઆઈ) સંડોવણીને કારણે મુદ્દો વધુ જટિલ બન્યો છે.
કૉલેજના વિદ્યાર્થીનીઓની પીએફઆઈ સાથેની સંડોવણીના આક્ષેપના જવાબમાં અલમાસે જણાવ્યું હતું કે તેઓ સીએફઆઈની સભ્ય નથી પરંતુ જ્યારે કૉલેજે તેમને વર્ગોમાં આવતાં અટકાવ્યાં ત્યારે તેમણે સીએફઆઈ સંસ્થાનો સંપર્ક કર્યો હતો.
અલમાસે કહ્યુ હતું કે તેઓ કૉલેજના પ્રથમ વર્ષમાં હિજાબ પહેરીને ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમના માતા-પિતાએ એક ફૉર્મ પર હસ્તાક્ષર કર્યા છે જે પ્રમાણે તમે હિજાબ પહેરી શકતાં નથી.
હિજાબના વિરોધમાં હિંદુ વિદ્યાર્થીઓ ભગવા ખેસ અને પાઘડી પહેરીને કૉલેજમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. એવી કૉલેજના વર્ગનાં એકમાત્ર મુસ્લિમ વિદ્યાર્થિની સાયમાએ કહ્યું, હિજાબનો વિરોધ કરનારાઓમાં ઘણા મારા સહપાઠીઓ હતા. મને ચિંતા છે કે આનાથી વર્ગમાં દેખીતી રીતે નફરતનું વાતાવરણ સર્જાશે."
સાયમાની કૉલેજમાં ભણતાં આકાંક્ષા હંચીનાથમ ભગવા પહેરેલા દેખાવકારોમાંનાં એક હતાં. આકાંક્ષાએ કહ્યું હતું કે "તમે ધર્મને વચ્ચે લાવશો તો શું થશે તે અમે તેમને બતાવી દેવા માગીએ છીએ. મિત્રો બનાવતી વખતે ક્યારેય ધર્મ તરફ જોયું નથી પરંતુ હવે પાછળ નહીં હઠવાનું નક્કી કર્યું છે."
ઉડુપીની એક ખાનગી કૉલેજમાં અભ્યાસ કરતા રશ્મિતા શેટ્ટીએ કહ્યું હતું છે કે પરિસ્થિતિ વણસી જતાં તેમને અને તેમના મુસ્લિમ મિત્રોને ભય લાગતો હતો.
રશ્મિતાએ ઉમેર્યું હતું કે "કોઈ છોકરીએ હિજાબ પહેર્યો છે કે નહીં તે અમે ક્યારેય ધ્યાનમાં પણ લીધું ન હતું. કેટલીક વાર છોકરીઓ જ હિજાબ હઠાવી દેતી હતી કારણ કે તેમાં ગરમી થતી હતી."
આ વિવાદ મોટો થતાં અગાઉ કૉલેજના આચાર્ય રુદ્ર ગૌડાએ આરોપ મૂક્યો હતો કે છ વિદ્યાર્થીનીઓ જાણીજોઈને સમસ્યાઓ ઊભી કરી રહી હતી અને બાકીની 70 જેટલી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને આ નિયમ સામે કોઈ વાંધો નથી.
આચાર્યએ કહ્યું હતું, "અમે એટલું જ કહીએ છીએ કે જ્યારે તેમના વર્ગો શરૂ થાય, ત્યારે તેઓએ હિજાબ કાઢી નાખવો જોઈએ,"
અને ઉમેર્યું હતું કે શિક્ષક માટે વિદ્યાર્થીનો ચહેરો જોવો જરૂરી છે, અને યુનિફોર્મ અંગે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ ન હોય તેની ખાતરી કરવામાં મદદ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો